વેબ સર્ફિંગ કરતી વખતે ઘણાં બધાં કારણોસર આપણે ઉતાવળમાં હોઈ શકીએ છીએ. આવે સમયે, ઓછા સમયમાં વધુ કામ કરી લેવું હોય તો અહીં આપેલા શોર્ટકટ્સ તમને ઘણા કામ લાગશે.
ઓછા સમયમાં, ઘણું બધું કરી લેવાની કે જાણી લેવાની સગવડ આપતા શોર્ટકટ્સ બહુ કામની ચીજ છે. અહીં ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં કામ લાગે એવા શોર્ટકટ્સ આપ્યા છે. એમાંથી એકાદો પણ યાદ રહી ગયો તો તમારું કામ હંમેશ માટે ઝડપી થયું સમજો!
- કોઈ વેબપેજ ખાસ્સું મોટું હોય તો તેમાં આપણે માઉસથી સ્ક્રોલબારને ડ્રેગ કરીને પેજને ઉપર-નીચે લઈ જવું પડે છે. તેને બદલે સ્પેસબારનો ઉપયોગ સહેલો બનશે. સ્પેસબાર પ્રેસ કરશો તેમ પેજમાં ઝડપથી નીચે જઈ શકશો, સ્પેસબાર સાથે શિફ્ટ કી પ્રેસ કરશો તો ઝડપથી ફરી ઉપર જઈ શકશો.
- પેજના તળિયે જવું હોય તો એન્ડ કી પ્રેસ કરો, ફરી છેક ઉપર જવા હોમ કી પ્રેસ કરો.
- કોઈ ઓનલાઇન ફોર્મ ભરી રહ્યા છો? ફોર્મમાં નામ, સરનામું, ફોન, મોબાઇલ વગેરે જુદા જુદા અનેક ઇનપુટ ફિલ્ડ હશે તો દરેક વખતે, એક વિગત ભર્યા પછી બીજા બોક્સમાં જવા માટે માઉસથી કર્સરની જગ્યા બદલવી પડે છે? એના બદલે કીબોર્ડમાં ડાબી તરફ આપેલી ટેબ કીનો ઉપયોગ કરો. એકમાંથી બીજા બોક્સમાં જવાનું કામ ટેબથી એકદમ આસાન બની જશે. અહીં પણ, શિફ્ટ કી સાથે ટેબનો ઉપયોગ કરશો તો ઊંધા જઈ શકાશે.
- કોઈ પેજ બરાબર લોડ થતું ન હોય કે તેમાંની માહિતી રીફ્રેશ કરવી જરુરી લાગે તો એફફાઇવ કી પ્રેસ કરો. પેજ રીલોડ થશે. કંટ્રોલ કી સાથે એફફાઇવ પ્રેસ કરશો તો પેજ પૂરેપૂરું રીલોડ થશે (બંનેમાં ટેકનિકલ તફાવત છે, પણ આપણી સમજ ને ઉપયોગ પૂરતું આટલું પૂરતું છે!)
- તમે કોઈ એવા પેજ પર હો જેના પર ખાસ્સું બધું લખાણ હોય અને તમે તેમાંથી કોઈ ચોક્કસ માહિતી શોધતા હો તો કંટ્રોલ+એફ પ્રેસ કરવાથી બ્રાઉઝર મુજબ ઉપર કે નીચે એક નાનું ટેક્સ્ટ બોક્સ ખૂલે છે, જેમાં આપણને જોઈતો શબ્દ લખવાથી વેબપેજમાં જ્યાં જ્યાં એ શબ્દ હોય તે હાઇલાઇટ થાય છે. વિકિપીડિયા જેવી વેબસાઇટ પર આ સગવડ બહુ કામની સાબિત થાય છે. વિકિપીડિયામાં આખો લેખ ધરાવતું આખું પેજ એક સાથે લોડ થઈ જાય છે, પરંતુ ઘણી સાઇટ પર, ખાસ કરીને ફેસબુક જેવી સાઇટ પર પેજનો થોડો થોડો ભાગ લોડ થાય છે અને આપણે જેમ જેમ પેજમાં નીચે જતા જઈએ તેમ તેમ પેજ લોડ થાય છે. આવા પેજ પર, જેટલો ભાગ લોડ થયો હોય એટલા જ ભાગમાં આપણને જોઈતા શબ્દો હાઇલાઇટ થાય છે.
- અને હા, તમને પણ મારી જેમ એક સાથે અનેક ટેબ ઓપન કરીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો કંટ્રોલ+ટેબ કીની મદદથી તમે એક પછી એક ટેબ ઓપન કરીને તેમાંનું કન્ટેન્ટ ચેક કરી શકો છો!
- કંટ્રોલ+ટી પ્રેસ કરવાથી નવી ટેબ ઓપન થાય છે એ તો તમે જાણતા જ હશો. જો ક્યારેક ઉતાવળમાં કે ભૂલથી બંધ ન કરવાની હોય એવી ટેબ બંધ થઈ જાય તો કંટ્રોલ+શિફ્ટ+ટી પ્રેસ કરવાથી છેલ્લે બંધ કરેલી ટેબ ફરી ઓપન કરી શકાય છે. અથવા ટેબ બાર રાઇટ ક્લિક કરવાથી ખૂલતા મેનુમાં જઈને પણ બંધ કરેલી ટેબ ફરી ઓપન કરી શકાય છે.
- તમે ઓફિસમાં કામ કરી રહ્યા હો કે ઘરમાં કમ્પ્યુટરના મોનિટર પર સૌની નજર પડી શકે એવી ગોઠવણ હોય અને તમે ભૂલથી કોઈ ન જોવા જેવી સાઇટ ઓપન કરી બેઠા? હાંફળાફાંફળા થઈને માઉસથી ટેબ શોધીને બંધ કરવા જવાને બદલે કંટ્રોલ+ડબલ્યુ પ્રેસ કરશો તો એ ટેબ તરત બંધ થઈ જશે.
- કોઈ જોઈ જશે એવી ચિંતા વિના, જો બેધડક પેજ ઓપન કરી શકાય તેમ હોય તો એફ૧૧ પ્રેસ કરીને તમે ફૂલ સ્ક્રીન મોડમાં જઈ શકો છો. ફરી એફ ૧૧થી મૂળ સ્થિતિમાં પરત ફરી શકાય છે.
- પેજને નાનું-મોટું કરવા માટે કંટ્રોલ સાથે પ્લસ કે માઇનસ કે માઉસના સ્ક્રોલ બટનનો ઉપયોગ તો જાણીતો છે જ, ફરી નોર્મલ સ્થિતિમાં એટલે ડિફોલ્ટ ઝૂમ લેવલમાં આવવું હોય તો પ્રેસ કરો કંટ્રોલ+૦.
- અને છેલ્લે, જેમ હમણાં આ પેજનું ફીંડલું વાળશો એમ બ્રાઉઝરનું ફીંડલું વાળવું હોય તો પ્રેસ કરો કંટ્રોલ+એફ૪!
