(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સવાલ-જવાબોની મજાની દુનિયા

જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ – ક્વિઝલેટ – તેમાંની એક છે.

આગળ શું વાંચશો?

  • ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો?
  • ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો?

ઉંમર હતી ૧૫ વર્ષ. નામ એન્ડ્રયુ સધરલેન્ડ. હાઇ સ્કૂલમાં ભણતો આ છોકરો ફ્રેન્ચ ભાષા શીખવા મથામણ કરતો હતો. મદદ કરવાની ઇચ્છાથી એના પપ્પાએ કહ્યું કે તેઓ એને વારંવાર પ્રશ્ર્નો પૂછશે અને એન્ડ્રયુ જવાબો આપતો રહેશે તો ધીમે ધીમે ફ્રેન્ચમાં ફાવટ આવી જશે. એન્ડ્રયુ આજના જમાનાનો છોકરો. એને લાગ્યું કે એને પ્રશ્ર્નો પૂછવાનું કામ કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામ કરે તો પોતાને કેટલાક જવાબો આવડ્યા એનો સ્કોર અને સ્કોરનો ટ્રેક પણ એ રાખી શકે.

એન્ડ્રયુએ જાતે એક પ્રોગ્રામ બનાવ્યો. એ પ્રોગ્રામ પર પ્રેક્ટિસ કર્યા પછીની પરીક્ષામાં એ ક્લાસમાં ટોપ પર રહ્યો. એન્ડ્રયુએ પોતાનો પ્રોગ્રામ દોસ્તોને આપ્યો, એ બધાએ પણ પરીક્ષામાં સારા માર્ક મેળવ્યા. પછીનાં બે વર્ષમાં હાઇ સ્કૂલ પાર કરી એટલા સમયમાં વર્ષ ૨૦૦૭માં એન્ડ્રયુએ પોતે બનાવેલો પ્રોગ્રામ ક્વિઝલેટ નામે વેબ પર લોન્ચ કર્યો.

અમેરિકામાં મોટા ભાગે બને છે એમ એન્ડ્રયુ ભણતર છોડીને, પોાતાના સાહસમાં ડોલર રોકે એવા લોકો – વેન્ચર કેપિટલિસ્ટ્સ – ની શોધમાં લાગી ગયો હોત, પણ વાતમાં ટવીસ્ટ આવ્યો. એન્ડ્રયુ ડેવ માર્ગલિસ નામના એક માણસને મળ્યો. એક સમયે પુસ્તક પ્રકાશક રહી ચુકેલા ડેવને પોતાના નવા વેબ પ્રોજેક્ટ માટે કોઈ સારા ડેવલપરની શોધ હતી. તેને એન્ડ્રયુના ક્વિઝલેટમાં રસ પડડ્યો. બંનેએ હાથ મિલાવ્યા, એન્ડ્રયુએ ક્વિઝલેટની જવાબદારી ડેવને સોંપી અને પોતે આગળ ભણવા માટે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માં દાખલ થયો.

પછી? અમેરિકાની સાથે સાથે દુનિયાભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ક્વિઝલેટનો આઇડિયા ગમી ગયો. ક્વિઝલેટ સાઇટ એટલી ચાલી કે છેવટે એન્ડ્રયુએ ટેક્નોલોજી એજ્યુકેશન માટે જગવિખ્યાત એમઆઇટીનો અભ્યાસ અધુરો છોડ્યો અને ક્વિઝલેટ પર પોતાનું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું

૨૦૧૧ની શરૂઆતમાં મહિને વીસેક લાખ વિદ્યાર્થીઓ ક્વિઝલેટની મુલાકાત લેતા હતા, તે સંખ્યા માંડ બે વર્ષમાં છ ગણી થઈ ગઈ. આજે ફ્રી સર્વિસ આપતી ક્વિઝલેટ વિશ્વની સૌથી મોટી એજ્યુકેશનલ સાઇટ્સમાંની એક છે.

હવે આ વાત આટલે અધૂરી રાખીને આખી વાત સાથેનો આપણો સંદર્ભ તપાસી લઈએ.

ફેબ્રુઆરી કે માર્ચમાં પરીક્ષાના દિવસો નજીક આવે એટલે આપણે ત્યાં એક વાક્ય ઘેર-ઘેર વારંવાર સાંભળવા મળે છે ‘આપણા વખતમાં આવું નહોતું, હવેનું એજ્યુકેશન બહુ બદલાઈ ગયું છે! શાળાઓમાં શિક્ષણની પદ્ધતિ, પરીક્ષા લેવાની પદ્ધતિ, પરીક્ષાઓ પાર કર્યા પછી જુદી જુદી શાખામાં એડમિશન લેવાની પદ્ધતિ, સામાન્ય ગ્રેજ્યુએશન અને એન્જિનીયરિંગ કે મેડિકલના સ્થાને ખૂલી ગયેલા અનેક વિકલ્પો… આ બધું જોતાં ‘હવે બધું બહુ બદલાઈ ગયું છે’ એ વાત સાચી તો લાગે છે.

શાળાના બોર્ડનો જ દાખલો લો. પહેલાં બાળકના એડમિન વખતે બહુ બહુ તો કયું મીડિયમ લેવું – ઇંગ્લિશ કે ગુજરાતી – એ એક સવાલ હતો. હવે સવાલ એ ઊભો થયો છે કે કયું બોર્ડ સારું? ગુજરાત બોર્ડ, સીબીએસઈ કે આઇસીએસઇ? નાનાં શહેરો અને ગામડાંની શાળાઓ સુધી આ પ્રશ્ર્ન બહુ પહોંચ્યો નથી, પણ મોટાં શહેરોમાં આ અઘરો સવાલ બની ગયો છે. ‘વધુ માર્ક સ્કોર કરવા હોય અને ગુજરાતની કોલેજોમાં એડમિશન લેવું હોાય તો ગુજરાત બોર્ડ સારું પડે, સીબીએસઈ અને આઇસીએસઇના કોર્સ તો બહુ અઘરા હોય છે, મા-બાપને પણ કશી ખબર ન પડે’ એવો એક મત છે, તો બીજી બાજુ ‘ગુજરાત બોર્ડ સાવ પરીક્ષાલક્ષી છે, ખરેખરું જ્ઞાન મેળવવું હોય અને જાતે શીખતાં શીખવું હોય તો સીબીએસઇ કે આઇસીએસઇમાં જ જવાય’ એવો મત પણ છે.

ટૂંકમાં શિક્ષણને જોવાની આપણી દૃષ્ટિ હવે બદલાઈ રહી છે એ નક્કી. આજના સ્પધર્ત્મિક સમયમાં આગળ રહેવું હોય તો સતત નવું નવું શીખવું જ પડશે એવી સમજ હવે કેળવાઈ રહી છે એ પણ નક્કી.


પરિણામે, બાળકોના ઘડતરમાં શિક્ષક અને વાલી બંનેની ભૂમિકા વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બનતી જાય છે. બોર્ડ ગમે તે હોય, હવે વિદ્યાર્થીની સાથેસાથે તેના માતાપિતાએ પણ ભણવું પડે છે! ‘આજના ભણતરમાં આપણને કશી ખબર ન પડે’ એમ કહીને સંતાનને શિક્ષક અને તેના નસીબના સહારે છોડી દઈએ તો જુદી વાત છે, પણ શિક્ષણમાં ખરેખરો રસ લેવો હોય તો?

તો મા-બાપે પણ એકડેએકથી શ‚આત કરવી પડે! પાઠ્યપુસ્તકોમાં આપેલા પાયા સિદ્ધાંતો ફરી પાકા કરવા પડે. પોતે શીખવું પડે અને સંતાનને જાતે શીખતાં શીખવવું પડે. ખાસ તો, આ બધું જ બોજા‚પ ન બને એની કાળજી લેવી પડે. આજના આ બદલાયેલા માહોલમાં શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ છે. શિક્ષણને આનંદમય પ્રક્રિયા બનાવવાની જવાબદારી એમના માથે છે.

તમે જ વિચારો, સ્કૂલ કે કોલેજમાં તમે ‘અહા’ મોમેન્ટનો કેટલી વાર અનુભવ કર્યો છે કે કરતા હતા? ‘અહા’ મોમેન્ટ એટલે દિમાગની પહેલાં દિલ બાગબાગ થઈ જાય એવી ક્ષણ. અભ્યાસક્રમ મુજબનું કે શિક્ષક જરા હિંમતવાન હોય અને પાઠ્યપુસ્તક બહારનું પણ કંઈક ભણાવતા હોય અને ભણવાનો એ વિષય કે ભણાવવાની રીત (કે પછી બંને) એવાં જોરદાર હોય કે આપણને મજોમજો થઈ જાય અને એની અસર દિવસ આખો જળવાઈ રહે!

શાળા-કોલેજના તમારા જૂના દિવસોમાં આવું બન્યું ન હોય કે અત્યારે બનતું ન હોય તો અફસોસ ન કરશો. ઇન્ફર્મેશન ટેક્નોલોજી ધીમે ધીમે શિક્ષણને એવું રસપ્રદ બનાવી રહી છે કે વાત ન પૂછો. હવે વિશ્ર્વ આખાનું શિક્ષણ અને શિક્ષણની પદ્ધતિઓનો આપણે ધારીએ એટલો લાભ લઈ શકીએ છીએ.

વર્ષ દરમિયાનના એક નિશ્ચિત અભ્યાસક્રમના અમુક ચોક્કસ લાભ હશે, પણ એ ચોકઠાની બહાર નીકળીને નવું નવું, ઘણું ઘણું જાણી નાખવાની તાલાવેલી હોય તો પહેલાના જમાનામાં એના ઉપાય ઓછા હતા. તમે વિદ્યાર્થીઓ હો તો શિક્ષકને પૂછો, નસીબ સારું હોય તો જ શિક્ષક પણ ઉત્સાહી મળે, જે આપણા સવાલોના પૂરતા જવાબો આપે અને નવા સવાલો પણ રોપે. શિક્ષકને પોતાને નવું જાણવું હોય તો? એ કોને પૂછવા જાય?

આ બધી મુશ્કેલીઓનો જમાનો હવે વીતી ગયો છે. હવે તો નવું જાણવું હોય તો એક નહીં અનેક રીતે જણાવતી (એ પણ એક નહીં, અનેક રીતે) સાઇટ્સ ઇન્ટરનેટ પર સતત ઉમેરાતી જ રહે છે. આપણે જ્ઞાનના વિશાળ સ્રોત તરીકે એક વિકિપીડિયાને જાણીએ છીએ, પણ એમાં એટલી લંબાણપૂર્વકની માહિતી છે કે એટલું બધું વાંચવાનો સમય કોને છે?

એન્ડ્રયુની સાઇટ – ક્વિઝલેટ – પણ વિકિપીડિયા પ્રકારની છે પણ સ્વરૂપમાં તેના કરતાં સાવ અલગ છે.

આ સાઇટ ઇન્ટરનેટ પરની બીજી બધી નોલેજ સાઇટ્સ કરતાં અલગ પડે છે – આ સાઇટ પર જાત ભાતના વિષયોની જાણકારી છે, પણ બધું જ ‘એક સવાલ અને એનો એક જવાબ’ એવા તદ્દન સરળ સ્વરુપમાં છે.

ક્વિઝલેટનું મિશન સ્પષ્ટ છે – લોકોને જે શીખવું છે તે શીખવામાં તેમને મદદ કરે અને શીખવું મજેદાર બનાવે તેવું સોફ્ટવેર વિક્સાવવું.

આપણે જાણીએ છીએ તેમ ઇન્ટરનેટની ખરી તાકાત વેબ ૨.૦નો તબક્કો શરૂ થયા પછી વિકસી છે, એટલે કે હવે ઇન્ટરનેટ ફક્ત વન-વે કમ્યુનિકેશન નથી. નેટ પર આપણે પોતે ઘણું બધું કરી શકીએ છીએ. ક્વિઝલેટ આ તાકાતના પાયા પર ઊભી થઈ છે!

વિકિપીડિયાની જેમ ક્વિઝલેટ પર દુનિયાભરના લોકો, વિશ્વભરના અસંખ્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ જુદા જુદા અનેક વિષયો પર નાની નાની ક્વિઝલેટ (ટૂંકા સવાલ અને એના એટલા જ ટૂંકા જવાબો ધરાવતાં ફ્લેશકાર્ડ) બનાવે છે, જેનો લાભ દુનિયાભરના બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓ લઈ શકે છે. સાઇટમાં એકાઉન્ટ ખોલાવીને તમે પણ તમને ગમતા વિષય પરના સવાલ-જવાબો તેમાં ઉમેરી શકો છો.

આટલે સુધી વાંચીને તમે થયું હોય કે આમાં ‘અહા’ મોમેન્ટની વાત ક્યાં આવી? તો તમે સાચા છો. આટલે સુધી બધું રુટિન છે, મજાની વાત હવે શરૂ થાય છે. પણ એ પહેલાં, ક્વિઝલેટ પર એક્ઝેક્ટલી આપણને શું મળી શકે છે એ જાણી લઈએ. ધારો કે આપણે વિશ્ર્વના વિવિધ દેશો અને તેમનાં પાટનગરનાં નામ જાણવાં છે. તો ક્વિઝલેટ પર આ વિશેનાં ફ્લેશકાર્ડના સેટ મળી રહેશે.

શિક્ષણમાં ફ્લેશકાર્ડનો ઉપયોગ ઘણા સમયથી થાય છે. આ ફ્લેશકાર્ડ આપણાં રમતનાં પત્તાં જેવાં જ હોય છે. એક કાર્ડમાં એક તરફ એક સવાલ લખેલો હોય, તેની બીજી તરફ અથવા બીજા કાર્ડમાં તેનો ટૂંકો જવાબ આપેલો હોય. શિક્ષણપદ્ધતિના નિષ્ણાતો માને છે કે આ રીતમાં બિલકુલ ટૂંકા સવાલ-જવાબો હોવાથી વિષયના બિનજરૂરી લંબાણને કોઈ સ્થાન હોતું નથી અને તેને કારણે વિદ્યાર્થીઓ જે તે વિષયના અગત્યના અને પાયાના મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સવાલ અને જવાબ વારાફરતી નજર સમક્ષ આવવાને કારણે તે યાદ રહી જવાની શક્યતા પણ વધી જાય છે.

આપણે ત્યાં પણ પરીક્ષાઓમાં મલ્ટિપલ ચોઈ ક્વેશ્ચન્સ (એમસીક્યુ)નું મહત્ત્વ વધ્યું છે તેનું કારણ કદાચ આ જ છે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો યુગ આવતાં આ ફ્લેશકાર્ડે પણ ડિજિટલ સ્વરૂપ લીધું અને ઇન્ટરનેટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓ જુદા જુદા વિષય પર ડિજિટલ ફ્લેશકાર્ડ બનાવી શકે તેવી સાઇટ્સ દેખાવા લાગી.

ક્વિઝલેટ પર જે કંઈ છે એ બધું જ ફ્લેશકાર્ડના સ્વરુપમાં છે, પણ ફેર એટલો છે કે તેમાં જુદા જુદા વિષયો પરના સવાલ-જવાબને અલગ અલગ ગેમના સ્વરુપમાં ફેરવી નાખવામાં આવે છે (ગેમ એટલે નેટ પર ચોતરફ જોવા મળતી પેલી ભાગંભાગ ને ધૂમધડાકાવાળી ગેમ્સ નહીં).

આ આખી વેબસાઇટ જેના આધાર પર ચાલે છે એ સોફ્ટવેર એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેમાં જુદા જુદા યુઝર્સ લોગ-ઇન થઈને પોતાને ગમતા વિષય પર સવાલો અને જવાબ ધરાવતાં ફ્લેશકાર્ડના સેટ તૈયાર કરે છે અને સાઇટનું સોફ્ટવેર આ દરેક સેટને ત્રણ-ચાર પ્રકારની ગેમમાં ફેરવી નાખે છે. આપણે આ સાઇટ પર પહોંચીને લોગ-ઇન થયા વિના, કોઈ પણ વિષય પરનાં ફ્લેશકાર્ડનો સેટ ખોલીને તેને આપણે ઇચ્છીએ તે ગેમના સ્વરુપમાં રમી-વાંચી-જાણી શકીએ છીએ!

સ્કેટર નામની એક ગેમ પસંદ કરીએ તો તેમાં સ્ક્રીન પર સવાલો ને જવાબો વિખરાયેલા પડ્યા હોય, જેમ કે એશિયાના દેશો અને તેનાં પાટનગરનાં નામ ધરાવતાં ફ્લેશકાર્ડ હોય તો જાપાન, ટોકિયો, ભારત, નવી દિલ્હી વગેરે ઉપરાંત, તાઇવાન, ઇરાન, કુવૈત વગેરે દેશો અને પાટનગરનાં નામ વિખરાયેલાં હોય, આપણે ફટાફટ એને મેચ કરી દેવાનાં. આપણે કેટલા સમયમાં બધા સવાલ-જવાબ મેચ કરી દીધા તે સોફ્ટવેર નોંધી લે. ફરી એ જ ગેમ રમીને આપણે ઓછા સમયમાં સાચા સવાલ-જવાબ મેચ કરવાનો નવો રેકોર્ડ બનાવવાનો!

સ્પેલર નામની ગેમની આ જ સવાલો એક પછી એક બોલાય અને આપણે તેના જવાબો ફટાફટ ટાઇપ કરવાના. સ્પેસ રેસ નામની ગેમમાં સ્ક્રીનની ડાબેથી વહેતો થયેલો સવાલ જમણા છેડાની બહાર નીકળી જાય તે પહેલાં તેનો જવાબ ટાઇપ કરી દેવાનો! આ બધી રીતમાં આપણે બીજા લોકો સાથે હરીફાઇમાં પણ ઉતરી શકીએ!

ટૂંકમાં, જુદા જુદા અનેક વિષયની ખરેખર મજા પડે એ રીતે બેઝિક જાણકારી મેળવવી હોય તો ક્વિઝલેટ તપાસો. શિક્ષકો આ સાઇટ પરથી જુદા જુદા વિષયોના એમસીક્યુ પ્રકારના પેપરસેટ પણ પીડીએફ સ્વરૂપમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ શકે છે.

ક્વિઝલેટ પર વિષયો અનેક છે – આર્ટ્સ એન્ડ લિટરેચર, લેંગ્વેજીસ એન્ડ વોકેબ્યુલરી, મેથ એન્ડ સાયન્સ, હિસ્ટ્રી એન્ડ જ્યોગ્રાફી વગેરે ઉપરાંત બિઝનેસ એન્ડ ફાયનાન્શિયલ, કમ્પ્યુટર્સ એન્ડ એન્જિનીયરિંગ, હેલ્થકેર એન્ડ મેડિસીન, લો, આર્કિટેક્ચર, ડિઝાઇન, જર્નિલિઝમ, ટીચિંગ વગેરે વિષય પરના સવાલ-જવાબના સેટ પણ અહીં મળી રહેશે.

શોધશો તો અહીં વિવિધ પક્ષી, રંગ, ક્રમ વગેરે માટેના ગુજરાતી શબ્દો સમજવાતાં ફ્લેશકાર્ડના સેટ પણ મળી રહેશે. જોકે એટલું ખાસ યાદ રાખવા જેવું છે કે ક્વિઝલેટ માત્ર ફ્લેશકાર્ડ બનાવવાની અને તેને ગેમના સ્વરૂપમાં જોવામાં સગવડ આપે છે. તમામ સવાલ અને તેના જવાબો દુનિયાભરમાં પથરાયેલા લોકો તરફથી આવે છે. જેમ વિકિપીડિયામાંના લેખો કોઈ પણ વ્યક્તિ લખી અને એડિટ કરી શકે છે તેથી વિશ્ર્વનીયતા માટે વારંવાર સવાલો ઊઠે છે એ જ મુદ્દો ક્વિઝલેટને પણ લાગુ પડે છે.

શિક્ષણના બદલાતા સ્વરુપની વાત અહીંં પણ લાગુ પડે છે. શાળામાં ફક્ત પાઠ્યપુસ્તક વાંચીને પરીક્ષાની તૈયારી થાય અને પરીક્ષામાં એ પાઠ્યપુસ્તકમાંથી જ પેપર તૈયાર થાય એ સ્થિતિ કોલેજમાં હોતી નથી. તેમાં તો એક વિષયનાં અનેક પુસ્તકોમાંથી તૈયારી કરવી પડે છે (શાળામાં પણ આવી સ્થિતિ આવવા લાગી છે). તેમ ઇન્ટરનેટ પર વિકિપીડિયા કે ક્વિઝલેટ જેવી સર્વિસ આપણને વિવિધ વિષય પર જાણકારી મેળવવામાં મદદ કરે છે, એ સાથે એેમાંની વિગતો એકથી વધુ જગ્યાએ તપાસી લેવાની આદત પણ કેળવવી જરૂરી બને છે. ઉપરાંત, ક્વિઝલેટ પર એક જ વિષય પર અનેક લોકોએ બનાવેલા ફ્લેશકાર્ડના સેટ મળતા હોવાથી તેમાંથી આપણને ઉપયોગી સેટ શોધવા એ કપરું કામ છે.

આ બધાં જમા-ઉધાર પાસાં ધ્યાનમાં રાખીને આ સાઇટ પર જશો તો જુદા જુદા વિષયોની સાવ પ્રાથમિક પણ પાયાની ઘણી બધી જાણકારી મળી શકશે. આગળનાં પાનાંઓમાં આ સાઇટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપી છે.

ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો?

  1. અહીં મૂળ ફ્લેશકાર્ડ જોવા મળે છે. તેમાં ઉપર સવાલ અને નીચે જવાબ છે. જેમ કે અહીં ભારતના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઘટનાઓના ફ્લેશકાર્ડમાં ઉપર સમયગાળો અને નીચે એ સમયમાં શું બન્યું તે જણાવ્યું છે. આપણે ફક્ત સવાલ કે ફક્ત જવાબ પણ જોઈ શકીએ છીએ.
  2. અહીંથી આપણે ઉપરના સવાલ-જવાબ જુદા જુદા સ્વરૂપમાં જોઈ-જાણી શકીએ છીએ.
  3. અહીંથી આ સવાલ જવાબોની પ્રશ્ર્નપત્ર સ્વરૂપે પ્રિન્ટ કાઢી શકાય છે કે પોતાની વેબસાઇટ/ બ્લોગ વગેરેમાં એમ્બેડ કરી શકાય છે.
  4. અહીં તમામ સવાલ-જવાબ એક સાથે વાંચી-સાંભળી શકાય છે.

ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો?

  1. સ્પેલર : જુદા જુદા પ્રશ્ર્નોના ઉચ્ચાર અને સ્પેલિંગ પાકા કરવા હોય તો આ રીત ટ્રાય કરો. સિસ્ટમ જે બોલે એ સાંભળીને આપણે તેનો સાચો જવાબ ટાઇપ કરવાનો.
  2. લર્ન : સવાલ વાંચીને તેનો જવાબ ટાઈપ કરવાનો સાદો રસ્તો. સ્પેલિંગમાં ભૂલ કરશો તો પણ જવાબ ખોટો ગણાશે. અહીં સવાલ સાંભળવાની સગવડ પણ છે.
  3. ટેસ્ટ : સવાલના જવાબ લખો, સવાલ-જવાબનાં જોડકાં મેચ કરો, મલ્ટિપલ ચોઈસમાંથી સાચો જવાબ લખો કે સાચા-ખોટાની રીતે સવાલોના જવાબ આપો! શિક્ષકો આ ટેસ્ટની પ્રિન્ટ આઉટ કાઢીને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકે.
  4. સ્કેટર : આ ગેમમાં બધા સવાલ અને તેના જવાબ આખા સ્ક્રીન પર આડાઅવળા પથરાઈ જશે. તમારે સવાલ કે જવાબને માઉસથી ખેંચીને એકમેક પર લઈ જવાના – ફટાફટ!
  5. સ્પેસરેસ : આ ગેમમાં સ્ક્રીન પર ડાબી બાજુથી સવાલ વહેતો થશે, તમારે તે જમણી તરફ સ્ક્રીનની બહાર નીકળી જાય તે પહેલાં સાચો જવાબ ટાઈપ કરી દેવાનો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!