(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વહેલી એન્ટ્રીથી જળવાઈ રહેલી લોકપ્રિયતા

તમે ફેસબુક પર છો?’ એ પ્રશ્ન હવે કોઈ કોઈને પૂછતું નથી કારણ કે પોતાનું કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન ન ધરાવતા લોકો પણ હવે તો ફેસબુક આવી ગયા છે. એ જ રીતે, ‘તમે વોટ્સએપ પર છો?’ એ પ્રશ્ન પણ ધીમે ધીમે જૂનો થઈ રહ્યો છે કેમ કે સ્માર્ટફોન ધરાવતા સૌ કોઈ આ લોકપ્રિય અને શરુઆતમાં મફત એપનો લાભ લેવા લાગ્યા છે.

આગળ શું વાંચશો?

  • વોટ્સએપમાં આ બધું પણ ટ્રાય કરી શકાય…
  • દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે વોટ્સએપ

વોટ્સએપ એક મોબાઇલ એપ છે, જેને આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરીને, આપણી મોબાઇલ કંપનીને કોઈ ચાર્જ ચૂકવ્યા વિના મફતમાં એસએમએસ અને તેની સાથે ઇમેજીસ તેમ જ ઓડિયો/વીડિયો શેર કરવાનો લાભ લઈ શકીએ છીએ. લોકો વોટ્સએપ પર ગ્રુપ બનાવીને એકમેકના સતત સંપર્કમાં રહે છે અને ફેસબુકમાં જોવા મળતા જોક્સ, ફની ઇમેજીસ, શેર-શાયરી હવે વોટ્સએપ પર કોપી-પેસ્ટ થવા લાગ્યાં છે!

વોટ્સએપ આઇફોન, બ્લેકબેરી, એન્ડ્રોઇડ, વિન્ડોઝ ફોન અને નોકિયા ફોન્સ માટે ઉપલબ્ધ છે. આમાંથી ઘણાં ખરાં પ્લેટફોર્મની પોતપોતાની મેસેજિંગ સર્વિસમાં, જે તે પ્લેટફોર્મ પરના લોકો જ એકબીજાના સંપર્કમાં રહી શકતા હતા (જોકે હવે એમાં પણ બદલાવ આવી રહ્યો છે), પણ વોટ્સએપ જેવી ક્રોસ-પ્લેટફોર્મ એપ આવતાં ચિત્ર બદલાઈ ગયું અને સૌ કોઈ એકબીજાને મેસેજ મોકલી શકે એવી સગવડ મળી.

યાહુમાં વર્ષો સુધી કામ કરનારા બે સોફ્ટવેર ડેવલપરે સાથે મળીને વોટ્સએપ એપ વિક્સાવી છે. આવી એપ વિક્સાવવાનું કારણ શું? એવા પ્રશ્નના જવાબમાં  બંનેએ પોતાની સાઇટ પર લખ્યું છે કે “અમારે એસએમએસનો કોઈ સારો વિકલ્પ શોધવો હતો. અમને ખાતરી હતી હતી કે અમે આ કામ કરી શકીશું અને સૌથી મોટું કારણ તો એ કે બહુ ઝડપથી એવો દિવસ આવી જશે, જ્યારે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન હશે!

આ એપ હવે એટલી ચાલી છે કે સ્પેનના એક શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર ઠરાવ કરીને પોતાના બધા કાઉન્સિલર્સને ફોનબિલમાં બચત કરવા વોટ્સએપનો ઉપયોગ શરુ કરવાની સૂચના આપી છે!

વોટ્સએપનો ઉપયોગ આમ તો તદ્દન સહેલો છે, આપણા સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરીને પહેલી વાર રજિસ્ટ્રેશન કરીએ ત્યારે આપણો ફોન નંબર આપવો પડે છે, આથી વોટ્સએપ પર આપણો ફોનનંબર એ જ આપણું યુઝરઆઇડી બને છે. પરિણામે વોટ્સએપનો એકથી વધુ સાધનો પર ઉપયોગ કરી શકાતો નથી. આપણે પહેલી વાર સાઇન ઇન થઈએ ત્યારે એ આપણી એડ્રેસબુક સ્કેન કરીને તેમાંથી કોણ કોણ વોટ્સએપનો ઉપયોગ કરે છે તે આપણને જણાવે છે.

ભારત જેવા દેશમાં, વીચેટ અને લાઇનની ટીવી જાહેરાતો છતાં વોટ્સએપની લોકપ્રિયતા જળવાઈ રહી છે તેનું કારણ આ જ છે. વધુ મિત્રો જેના પર હોય એ જ એપનો આપણે ઉપયોગ કરવા લલચાઈએ. સુવિધાની રીતે વોટ્સએપમાં વીચેટ કરતાં ઓછાં ફીચર્સ છે, પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગના ફિલ્ડમાં વહેલી એન્ટ્રી લેવાનો ઘણો ફાયદો વોટ્સએપને મળી રહ્યો છે.

વોટ્સએપમાં આ બધું પણ ટ્રાય કરી શકાય..

  1. તમે વોટ્સએપમાં કોઈ મિત્ર સાથે થયેલી બધી જ વાતચીત એક ઇમેઇલ તરીકે તમને પોતાને, એ મિત્રને કે બીજા કોઈને મેઇલ કરી શકો છો, તેમાં શેર કરાયેલ ઇમેજ, વોઇસ કે વીડિયો ક્લિપ પણ ઉમેરાઈ જશે.
  2. વોટ્સએપમાં તમારા પર આવેલ ઇમેજીસ અને વીડિયો તમારા સ્માર્ટફોનમાં ગેલેરીમાં સેવ થઈ જાય છે, જ્યાંથી તમે તેને ફેસબુક પર કે બીજે ક્યાંય પણ ફરી શેર કરી શકો છો!
  3. વોટ્સએપની ચેટ હિસ્ટ્રીનો તમે બેકઅપ પણ લઈ શકો છો.
  4. કોઈ વ્યક્તિ સાથે તમે અવારનવાર વોટ્સએપ પર મેસેજની આપલે કરતા હો તો એ વ્યક્તિ માટે તમે ફોનના હોમપેજ પર શોર્ટકટ બનાવી શકો છો.

(આમાંની કેટલીક ખાસિયત માત્ર એન્ડ્રોઇડ વર્ઝનમાં છે)

દરેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે વોટ્સએપ

વોટ્સએપ ફ્રી છે કે પેઈડ એ વિશે ઘણા લોકો ગૂંચવણમાં છે – તમે તેને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતી વખતે થોડું વધુ ધ્યાન આપો તો કોઈ ગૂંચવણ થશે નહીં. વોટ્સએપનો પહેલા વર્ષ માટે આપણે ફ્રી ઉપયોગ કરી શકીએ છીએ, પછીના વર્ષથી ૦.૯૯ ડોલર જેટલી આખા વર્ષની ફી છે. જોકે માત્ર આઇફોન માટે પહેલા વર્ષે પણ આ ફી ચૂકવવી પડે છે. વોટ્સએપ બનાવનારી કંપનીએ પોતાની સર્વિસ માટે કોઈ જ જાહેરાતનો આધાર ન લેવાનો નિર્ણય કર્યો છે.

જુદાં જુદાં પ્લેટફોર્મ પર વોટ્સએપની ડાઉનલોડ સંખ્યા કેટલી છે એ વિશે ચોક્કસ, ખાતરીબદ્ધ આંકડા મળતા નથી, પણ વોટ્સએપ એટલું ગળું ખોંખારીને કહે છે કે દર મિનિટે તેના યુઝર્સ લગભગ સાત લાખ મેસેજ મોકલે છે અને એ જોતાં, વિશ્વ વોટ્સએપ દ્વારા એક દિવસમાં મોકલાતા મેસેજની સંખ્યા એક અબજને આંબી ગઈ છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!