‘સાયબરસફર’એ એક વર્ષ પૂરું કર્યું! આ ૧૨મો અંક છે.
આ અંકની કવરસ્ટોરી ધ્યાનમાં રાખીએ તો એમ કહી શકાય કે કોઈ પર્વતની ધાર પરથી પાંખો ફફડાવીને અગાધ આકાશમાં છલાંગ લગાવતા પક્ષીને કેવી અનુભૂતિ થશે એ હવે, કંઈક અંશે સમજાય છે.
દોઢ-બે વર્ષ પહેલાં આકાશમાં ઊડવાની ઇચ્છા જાગી હતી, પછીનો લાંબો સમય પર્વતની ધારને છોડવાની, ઝંપલાવવાની હિંમત એકઠી કરવામાં ગયો અને હવે ખબર નથી કે પાંખોમાં કેટલું જોર છે ને પવન કેટલો સાથ આપશે, ખબર ફક્ત એટલી છે કે સૌની સાથે ઊડવામાં આનંદ છે, સફર અવિરત ચાલશે.
સાચું કહું તો જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’નો અખબારી કોલમ તરીકે પ્રારંભ થયો ત્યારે આવી અનુભૂતિ નહોતી. કેમ કે ત્યારે એ માત્ર નિજાનંદ માટેની એક પ્રવૃત્તિ હતી. હવે આટલાં વર્ષ પછી, ‘સાયબરસફર’ માટે લોકોની, તમારી કેટલી અપેક્ષાઓ છે એ સમજાયા પછી જવાબદારીનો સખ્ખત ભાર છે.
લોકો જે બધું જાણવા માગે એ અપાર છે. જે જણાવવું જરૂરી છે એ પણ અસીમ છે. સામે શક્તિઓ સીમિત છે. પણ, સૌથી મોટું પીઠબળ વાચકોની શુભેચ્છાનું છે.
‘જરુર પડે ત્યારે કહેજો’ એમ કહીને પોતાના પેન્શનમાંથી ‘સાયબરસફર’ને ટેકો આપવાની તૈયારી બતાવવાના વાચકો આ સાહસને મળ્યા છે. પોતાના અભ્યાસ કે દૈનિક વ્યસ્તતાઓમાંથી સમય કાઢીને, બિલકુલ નિ:સ્વાર્થ ભાવે ‘સાયબરસફર’ના પ્રસાર માટે મદદ કરવાની ઓફર કરનારા લોકો પણ મળ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં સંતાનો માટે ‘આ બધું એમને કેટલું કામનું છે, તમે ઇંગ્લિશ એડિશન શરૂ કરોને!’ એવો આગ્રહ કરતી મમ્મીઓનું પ્રોત્સાહન પણ સફરને મળ્યું છે.
આ બધા લોકો એવા છે જેમની સાથેનું અનુસંધાન ફક્ત અખબારની કોલમનું છે. કોઈ ઓળખાણ ન હોવા છતાં, અગાઉ ક્યારેય મળ્યા ન હોવા છતાં આ સાહસને પોતાનું ગણનારા લોકો મળ્યા છે, એ જ પાંખોમાંનું જોર છે.
બીજી તરફ, જે લોકો મારા ગુરુ કહી શકાય કે એવા મિત્રો જેમનો ‘સાયબરસફર’ પર મારા કરતાંય પહેલો હક છે એમણે ધરાર લવાજમ ભરીને કહ્યું છે કે “અમારી પાસેથી લે તો બીજા બધા પાસેથી લઈ શકીશ! મિત્રદાવે સફરને સમૃદ્ધ બનાવનારા દોસ્તો, કહ્યા વિના પ્રિન્ટિંગ સતત સુધારતા મિત્ર, ‘સાયબરસફર’ ટીમ અને આંધળા સાહસને પોતાનું કરી લેનારા પરિવારનો આભાર માનવાનું ગજું કેમ ચાલે? લખતાં ખરેખર ખુશીથી વાડાં ઊભાં થાય એવા અનુભવો થયા છે આ એક વર્ષમાં. સાયબરસફરે કલ્પના બહારનું ઘણું આપ્યું છે.
પણ આ બધી અંગત વાતો છે. આ અંકની વાત કરીએ તો, આ અંકથી સફરનું સ્વરૂપ તમને થોડું બદલાયેલું લાગશે. પહેલી નજરે તો (કિંમત સિવાય, એની વાત આગળ!) કોઈ ફેર નહીં લાગે, પણ સૂક્ષ્મ ફેર વિષયની પસંદગી અને પ્રસ્તુતિમાં છે. બે-ત્રણ મહિના પહેલાં શરુ કરેલા સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે કે વાચકોની પહેલી અપેક્ષા ઇન્ટરનેટ અને કમ્પ્યુટરના ઉપયોગ અંગે સરળ સમજણની છે અને લગભગ એટલી જ ઇચ્છા ઇન્ટરનેટ પરથી મળતી અન્ય માહિતી જાણવાની પણ છે. આ અંકથી એ અપેક્ષા કંઈક અંશે પૂરી કરવાનો પ્રયાસ કરીશું. અલબત્ત, એ માટેનું આપણું માધ્યમ કે સ્રોત ઇન્ટરનેટ જ રહેશે. સીધી માહિતી પણ મેળવીશું, પણ માહિતી કેવી રીતે મેળવવી એ શીખવાની વાતને હંમેશા વધુ મહત્ત્વ આપીશું.
આ અંકની બંને મુખ્ય સ્ટોરી કદાચ એનું ઉદાહરણ છે. એકમાં, એક વિરાટ સંસ્થાએ તેનાથીય મોટા સહયોગીઓના સાથમાં હાથ ધરેલા સર્વેક્ષણની વાત છે, જેમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના પ્રતાપે આપણ પણ સહભાગી થઈ શકીએ છીએ. બીજી સ્ટોરી, ગૂગલ જેવા ગૂગલના અર્થ પ્રોગ્રામમાં જે જોવા મળતી નથી એવી ખૂબીઓ એકલે હાથે વિક્સાવીને લોકોને અફાટ આકાશમાં મોજથી ઊડવાનો આનંદ આપનારા વેબ ડેવલપરની વાત છે. ઓનલાઇન ફ્લાઇટ સિમ્યુલેશનને કોઈ સામાન્ય ગેમ સમજવાની ભૂલ ન કરશો. આ રીતનો વર્ચ્યુઅલ ફલાઇટનો આનંદ કોઈ આંખોમાં સાચી ઊડાન ભરવાનું સ્વપ્ન આંજવાની તાકાત ધરાવે છે.
આ અંક ફૂલ કલરમાં, ઓનલાઇન એડિશનમાં જોવાની ખાસ આગ્રહભરી વિનંતી!
છેલ્લે વાત કિંમતમાં વધારાની. ટૂંકી વાત એ કે અનિવાર્ય છે, એટલે કર્યો છે. છતાં, જૂના સાથીઓને એની અસરમાંથી બાકાત રાખીને અને નવા મિત્રોને પાછલા તમામ અંકોની ફ્રી ઓનલાઇન એક્સેસ આપીને વિન-વિન ફોર્મ્યુલા અપનાવવાની કોશિશ કરી છે. પાંખોમાં જોર વધશે તેમ એનો આનંદ સૌની સાથે વહેંચીશું એની ખાતરી રાખશો.
– હિમાંશુ

