૨૫મી જુલાઈએ ગૂગલે જાહેરાત કરી છે કે એન્ડ્રોઇડનું વધુ એક વર્ઝન આવી ગયું છે – જેલી બીન ૪.૩. ગૂગલનું નેક્સસ ૭ ટેબલેટ એન્ડ્રોઇડ ૪.૩ જેલી બીન ધરાવતું સૌથી પહેલું ટેબલેટ બન્યું છે. તમે એન્ડ્રોઇડનો ક્યારેય ઉપયોગ કર્યો ન હોય તો આ નવા વર્ઝનની ખૂબીઓ સમજાવવી મુશ્કેલ છે, છતાં થોડો પ્રયત્ન કરીએ :
આગળ શું વાંચશો?
- રીસ્ટ્રિક્ટેડ પ્રોફાઈલ્સ
- બ્લુટૂથ સ્માર્ટ રેડી
- બિલ્ટ ઈન સિક્યોરિટી પ્રોટેકશન
- બિગસ્ક્રીન પર પ્રોજેકશન
- એકશનેબલ નોટિફિકેશન્સ
- સ્માર્ટ રેડી બ્લુટૂથ
રીસ્ટ્રિક્ટેડ પ્રોફાઇલ્સ
પપ્પા પાસે ટેબલેટ હોય તો તેમના કરતાં તેમનો ટાબરિયો તેનો વધુ ઉપયોગ કરતો હોય તેવું બની શકે છે (ખરેખર તો એવું જ બનતું હોય છે!). પીસીની જેમ હવે એન્ડ્રોઇડ ટેબલેટને પણ વિવિધ યુઝર્સ માટે કસ્ટમાઇઝ કરી શકાશે, પરિણામે પપ્પા નક્કી કરી શકશે કે તેમનો દીકરો ટેબલેટમાં શું શું કરી શકશે, અથવા પોતાના કર્મચારીને ટેબલેટ આપતા બોસ પણ ટેબલેટમાં માત્ર કામકાજને લગતી એપ ચાલે એવી ગોઠવણ કરી શકશે. ગૂગલના કહેવા મુજબ અત્યારે આ સગવડ માત્ર એન્ડ્રોઇડ ટેબલેટમાં ઉપલબ્ધ છે.
પણ, યાદ રહે કે એન્ડ્રોઇડ એક ઓપનસોર્સ પ્લેટફોર્મ છે, એટલે વિવિધ હેન્ડસેટ બનાવતી કંપનીઓ તેમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે. એટલે જ, એન્ડ્રોઇડ જેલી બીન ૪.૨ ધરાવતા કેટલાક સ્માર્ટફોનધારકો (જેમ કે ઝોલો ચ૭૦૦ ધરાવતા લોકો) આ સગવડ ૪.૩ આવ્યા પહેલાં, અત્યારથી તેમના સ્માર્ટફોનમાં પણ માણી શકે છે.
બ્લુટૂથ સ્માર્ટ રેડી
અત્યાર સુધી આપણે બ્લુટૂથ એટલે વાયર વિના બે મોબાઇલમાંના ડેટાને એકબીજામાં ટ્રાન્સફર કરી આપતી ટેક્નોલોજી તરીકે ઓળખતા હતા, પણ બ્લુટૂથથી ફોન, ટેબલેટ, પીસી, ટીવી, કીબોર્ડ વગેરે બધું જ એકબીજા સાથે વાયર વિના કનેક્ટ થઈ શકે છે અને હવે આવેલી બ્લુટૂથની નવી ટેક્નોલોજી ‘સ્માર્ટ રેડી’ તો તેનાથીય ઘણું વધુ કરી શકે છે. જેમ કે હૃદયના ધબકારા માપતાં મોનિટર્સ, લોહીમાં સાકરનું પ્રમાણ માપતાં મીટર્સ, લોહીનું દબાણ માપતાં સાધન, સ્માર્ટવોચ, બારી કે દરવાજાનાં સિક્યોરિટી સેન્સર, કારની કી વગેરે બધું આ નવી ટેક્નોલોજીથી વાયર વિના ડેટાની આપલે કરી શકે છે.
જેલી બીન ૪.૩થી એન્ડ્રોઇડે પણ બ્લુટૂથની આ સ્માર્ટ રેડી ટેક્નોલોજી અપનાવી લીધી છે. જોકે એપલે ૨૦૧૨ની શરૂઆતમાં આ કામ કરી લીધું હતું અને માઇક્રોસોફ્ટ તેમ જ બ્લેકબેરી પણ આ બાબતમાં એન્ડ્રોઇડ કરતાં આગળ છે.
બિલ્ટ-ઇન સિક્યોરિટી પ્રોટેક્શન
ગૂગલ કહે છે એન્ડ્રોઇડમાં દરેક એપ એકબીજાથી અલગ રહીને કામ કરે છે એટલે યુઝરને વધુ સારી સલામતી મળે છે. એન્ડ્રોઇમાં વાઇરસનો મુદ્દો અવારનવાર ચિંતા જગાવે છે એટલે ગૂગલ કહે છે કે એન્ડ્રોઇડમાં આપણે કોઈ વાઇરસ ડાઉનલોડ કરીએ ત્યારે એન્ડ્રોઇડ આપોઆપ પહેલાં તેને સ્કેન કરી લે છે.
બિગ સ્ક્રીન પર પ્રોજેક્શન
ટેબલેટ કે ફોન સ્ક્રીન પર આપણે જે મૂવી કે યુટ્યૂબનો વીડિયો કે બીજું કંઈ પણ જોઈએ તેને એચડીટીવીના મોટા સ્ક્રીન પર પ્રોજેક્ટ કરી શકાય છે, જોકે એ માટે ટીવીમાં અમુક ચોક્કસ સુવિધા હોવી જરુરી છે.
એક્શનેબલ નોટિફિકેશન્સ
સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો જાણે છે કે તેમના ફોનમાં નવો મેસેજ આવે, કોઈ કોલ મિસ કર્યો હોય કે નવો મેઇલ આવ્યો હોય વગેરે જુદી જુદી ઘણી નવી જાણકારી તેમના ફોનમાં નોટિફિકેશનેસ રૂપે ઉમેરાય છે. આંગળીના હળવા ઇશારે ફોનના સ્ક્રીન પર જાણે પડદો પાડીએ એ રીતે આ નોટિફિકેશન્સનું શટર ખોલી શકાય છે. અહીં જોવા મળતાં નોટિફિકેશન્સ હવે એક્શનેબલ છે, જેમ કે કોઈ કોલ મિસ કર્યો હોય તો તેની જાણ તો થાય જ, અહીં જ એ વ્યક્તિને કોલ જોડી પણ શકાય.આ સિવાય, ઓડિયો, કેમેરા, ડાયલપેડ, કીબોર્ડ, લોકેશન અને વાઇ-ફાઇ, નેટવર્કિંગ, ગ્રાફિક્સ, હિન્દી સહિતની ઘણી નવી ભાષાઓ માટે વધુ સારો સપોર્ટ (આ યાદીમાં ગુજરાતી ક્યારે જોવા મળશે?!) વગેરે બાબતે જેલી બીન ૪.૩માં નવા ફાયદા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોકે જેલી બીન ૪.૨ વર્ઝનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોને આ લિસ્ટમાં અમુક અપવાદ સિવાય, પોતે ઘણી નવી ખાસિયતોનો લાભ ગુમાવતા હોય એવું લાગશે નહીં. જોકે એટલે તો એન્ડ્રોઇડના આ નવા વર્ઝનનો ફક્ત નંબર બદલાયો છે, આખું નામ નહીં!
‘સ્માર્ટ રેડી’ બ્લુટૂથ
બાજુના લેખમાં જેનો ઉલ્લેખ છે એ બ્લુટૂથની નવી ‘સ્માર્ટ રેડી’ ટેક્નોલોજીમાં તમને રસ પડ્યો? મૂળ બ્લુટૂથ ટેક્નોલોજી જ રસપ્રદ છે, તેની પછી ક્યારેક વિગતવાર વાત કરીશું, પણ અત્યારે આ તેની આ નવી ટેકનોલોજીથી શું શક્ય બનશે તેનું એક ઉદાહરણ જાણી લઈએ.
સ્પોર્ટ્સપર્સન માટે શૂઝ બનાવતી જાણીતી કંપની નાઇકીએ બાસ્કેટબોલના પ્લેયર્સ માટે ખાસ પ્રકારના શૂઝ બનાવ્યા છે, જેના તળિયે અલગ અલગ જગ્યાએ દબાણ માપતાં ચાર બ્લુટૂથ સ્માર્ટ સેન્સર ફિટ કરવામાં આવ્યાં છે. આ શૂઝનું વેચાણ પણ શરુ થઈ ગયું છે. જ્યારે કોઈ ખેલાડી આ ટ્રેનિંગ શૂઝ પહેરીને બાસ્કેટબોલ રમે ત્યારે તેણે જમીન પર કેટલું દબાણ આપીને, કેટલી ઝડપે કૂદકો લગાવ્યો તેનો ઝીણવટભર્યો ડેટા બ્લુટૂથ સ્માર્ટ સેન્સરથી એપલના આઇફોન કે આઇપોડમાં ટ્રાન્સફર થશે, જેના આધારે ખેલાડીની તાલીમમાં જરુરી ફેરફારો કરાશે!
બ્લુટૂથ ટેક્નોલોજી ઘણી કંપનીઓએ સાથે મળીને વિક્સાવી છે અને તેમના કહેવા અનુસાર, આ સ્માર્ટ રેડી ટેક્નલોજીથી દુનિયાભરનાં અબજો સાધનોમાં આ રીતે પ્રાણ પૂરી શકાશે!

