ઇન્ટરનેટ પર બહુ મોટી સાઇઝની ફાઇલ્સની હેરફેર માટે સહેલા રસ્તા શોધવાનો ઘણા સમયથી પ્રયાસ થઈ રહ્યો છે. જીમેઇલને ગૂગલ ડ્રાઇવ સાથે જોડી દેવામાં આવ્યા પછી આ કામ પ્રમાણમાં સહેલું થયું છે. ડ્રોપબોક્સ કે સ્કાયડ્રાઇવ જેવા વિકલ્પો પણ છે. ફક્ત ફોટોગ્રાફ બીજા લોકો સાથે શેર કરવા હોય તો ગૂગલ પ્લસ કે ફેસબુક પણ સારાં સોલ્યુશન્સ આપે છે. છતાં, આ બધા જ ઉપાય બિલકુલ સહેલા નથી.
ભારતમાં રહેતા વડીલ દંપતિએ પરદેશમાં રહેતાં સંતાનોને એક સાથે ઘણા બધા ફોટોગ્રાફ મોકલવા હોય તો? એક મિત્ર પોતાના મ્યુઝિક કલેક્શનની ઘણી બધી ફાઇલ્સ એક સાથે બીજા મિત્રને મોકલવા માગે તો? કોઈ ગ્રાફિક ડિઝાઈનરે પોતાના આર્ટવર્કની ખાસ્સી હેવી ફાઇલ પ્રિન્ટરને મોકલવી હોય તો? આ બધાનું કામ તદ્દન સહેલું બનાવે છે વનટાઇમબોક્સ (http://www.onetimebox.org).
તમારે પણ હેવી ફાઇલ્સ ટ્રાન્સફર કરવી હોય તો આ સાઇટ પર જાઓ. ‘ક્રિએટ યોર બોક્સ’ પર ક્લિક કરો. હવે તમને પૂરા ૧ જીબીની ક્ષમતા ધરાવતું એક બોક્સ મળશે. તમારા કમ્પ્યુટરમાંથી જે ફાઇલ્સ મોકલવાની હોય તેેને આ બોક્સમાં માઉસથી ડ્રેગ કરીને ડ્રોપ કરી દો. તમારી ફાઇલ બોક્સમાં અપલોડ થશે એટલે નીચે તેની યાદી જોવા મળશે અને તમારા બોક્સની એક યુનિક લિંક જોવા મળશે. તમારે ફાઇલ્સ જેને મોકલવાની હોય તેમને આ લિંક ઈ-મેઇલ દ્વારા મોકલી દો. તેઓ આ લિંક પર ક્લિક કરશે એટલે આપણું બોક્સ જેવું આપણને દેખાય છે તેવું જ તેમને દેખાશે! તેઓ ઇચ્છે તો તેમાંની ફાઇલ્સ ડાઉનલોડ કરે, અથવા બોક્સમાં પોતાની ફાઇલ્સ ઉમેરીને ત્રીજા મિત્રને બોક્સની લિંક મોકલે!
આ બોક્સની લિંક સાત દિવસ સુધી એક્ટિવ રહે છે. આ સુવિધા યુએસના વિશ્વવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)એ યોજેલી એક સ્પર્ધાની એક એન્ટ્રી તરીકે વિકસી છે. પ્રાઇવસીની રીતે આ સુવિધા પૂરતી સગવડો આપતી નથી, પણ એ મુદ્દો જેમાં ખાસ મહત્ત્વનો ન હોય એવી હેવી ફાઇલ્સની હેરફેર માટે આનાથી સહેલો રસ્તો મળવો મુશ્કેલ છે. અહીં કોઈ એકાઉન્ટ ખોલવાનું નથી કે રજિસ્ટ્રેશન પણ જરુરી નથી.
ચાર-પાંચ મિત્રોએ પોતાને ગમતાં ગીતોની ફાઇલ્સનો એક સહિયારો સંગ્રહ તૈયાર કરવો હોય તો આ મસ્ત સુવિધા છે!

