(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સ્માર્ટફોનમાં ઓછી મેમરીનો ઉપાય

છેલ્લા એકાદ વર્ષથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ખરીદીનો જાણે એક જુવાળ શરુ થયો છે. અનેક ભારતીય કંપનીઓએ આમાં ઝુકાવ્યું છે અને પરિણામે આપણને પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે, ઘણાં સારાં કન્ફિગરેશનવાળા ફોન મળવાનું શરુ થયું છે, પરંતુ જો એ જુવાળ આવ્યા પહેલાં તમે સ્માર્ટફોન ખરીદ્યો હશે તો બે શક્યતા છે – એક, તમે ઊંચી કિંમત ચૂકવીને સારી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે અથવા જાણીતી અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો પણ ઓછી કિંમતનો અને ઓછી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે. હમણાંના સમયમાં તમે એકદમ ઓછી કિંમતે (પાંચ-છ હજારની રેન્જમાં) સ્માર્ટફોન ખરીદ્યો હશે તો તેમાં પણ ઇન્ટર્નલ મેમરી ઘણી ઓછી હોવાની પૂરી શક્યતા છે.

આગળ શું વાંચશો?

  • ફોનમાંની કાયમી એપ્સનો વધારાનો ડેટા દૂર કરો
  • ફોનમાંની એપ્સનું ઓટો-અપડેટેશન બંધ કરો

સાયબરસફરમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે સ્માર્ટફોનમાં આપણે ૩૨ જીબીનું મેમરી કાર્ડ ભલે નાખી શકતા હોઈએ, તેની મૂળ, ઇન્ટર્નલ મેમરી એક જીબી કરતાં ઓછી હશે તો તમે સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ કરી શકશો નહીં.

આ તો જાણ્યા પછીની વાત થઈ, તમારા ફોનમાં મેમરી ઓછી હોય જ, તો શું કરશો? તમારો અનુભવ હશે કે તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરશો કે વોટ્સએપનું વર્ઝન અપડેટ કરવાનો પ્રયાસ કરશો એટલે સિસ્ટમ તમને કહેશે કે સોરી, ધેર ઇઝ નોટ ઇનફ સ્પેસ!

આનું કારણ છે કે ફોનની ઇન્ટર્નલ મેમરી જેટલી હોય તેમાંથી લગભગ અડધોઅડધ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સાથોસાથ આવેલા ડિફોલ્ટ પ્રોગ્રામ જ રોકી લેતા હોય છે. બાકીની અડધી જગ્યામાં આપણે નવી એપ ઇન્સ્ટોલ કરી શકીએ. ઘણી એપ વધુ કેપેસિટીવાળા મેમરી કાર્ડમાં ઇન્સ્ટોલ થઈ શકે, પણ ઘણી એપ ઇન્ટર્નલ મેમરીમાં જ ઇન્સ્ટોલ થાય છે અને ચાલે છે.

ઉપરાંત, ફોનની સાથે બાય ડિફોલ્ટ ઘણી બધી એપ્સ આવી હોય છે, જેમ કે જીમેઇલ, ગૂગલ મેપ્સ, ગૂગલ સર્ચ, નેવિગેશન, પ્લેસીઝ, લેટિટ્યુડ, ન્યૂઝ એન્ડ વેધર મ્યુઝિક, યુટ્યૂબ, કેલેન્ડર, મેમો, ગેલેરી, કેમેરા, કેલ્ક્યુલેટર, સોશિયલ હબ, ઓલશેર, થિંક ફ્રી ઓફિસ વગેરે. હેન્ડસેટની કંપની અને મોડેલ મુજબ આ બધી એપ જુદી જુદી હોઈ શકે છે. હવે આમાંની ઘણી બધી એપનો તમે બિલકુલ ઉપયોગ કરતા ન હો તો પણ તેને અનઇન્સ્ટોલ કરી શકતા નથી (ફોન પર આવો કંટ્રોલ મેળવવા માટે આપણે તેનું રુટિંગ કરવું પડે, જે પૂરતી જાણકારી વિના હિતાવહ નથી).

મતલબ કે, ફોનની બહુ ઓછી ઇન્ટર્નલ મેમરી આપણા ઉપયોગ માટે બચે છે અને આપણી નવાઈ વચ્ચે, એ પણ ધીમે ધીમે આપમેળે ઓછી થતી હોય એવું લાગે છે!

આવું થવાનું કારણ જો જાણી લઈએ તો આપણે તેનો ઉપાય કરી, ફોનની શક્ય એટલી વધુ ઇન્ટર્નલ મેમરી આપણા ઉપયોગ માટે બચાવી શકીએ છીએ.
આપણે પોતે વધુ કોઈ એપ ડાઉનલોડ ન કરતા હોઈએ તો પણ ફોનની ઇન્ટર્નલ મેમરી ધીમે ધીમે ઓછી થવાનું એક મોટું કારણ એ હોય છે કે ફોનમાં બાય ડિફોલ્ટ આવેલી લગભગ બધી જ એપ વખતોવખત અપડેટ થતી હોય છે. જો આપણી જાણબહાર આ એપ્સ અપડેટ થતી હોય તો તેનાં બે જોખમ છે – એક તો આપણો કિંમતી ડેટા પ્લાન તેની પાછળ ખચર્યિ છે અને બીજું, એ આપણી મહામૂલી ઇન્ટર્નલ મેમરી પણ ખાઈ જાય છે.

ફોનની મેમરી ખાલી કરવાનું પહેલું પગલું સ્વાભાવિક રીતે બિનજરૂરી એપ્સ દૂર કરવાનું હોઈ શકે. એ કર્યા પછી નીચે મુજબ પગલાં લઈ શકાય (તમારા હેન્ડસેટ અને કંપની અનુસાર દરેક વિભાગનાં હેડિંગ કંઈક જુદાં હોઈ શકે છે)…

ફોનમાંની કાયમી એપ્સનો વધારાનો ડેટા દૂર કરો :

  1. ફોનના સેટિંગ્સમાં જાઓ.
  2. એપ્લિકેશન્સમાં જાઓ.
  3. અનનોન સોર્સિસ, એટલે કે ગૂગલ પ્લે સ્ટોર સિવાયની સાઇટ્સ પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થવા દેવાના વિકલ્પને ઓફ રાખો. આ ફોનની સલામતી માટે પણ સારું પગલું છે.
  4. મેનેજ એપ્લિકેશન્સમાં જઈને, તમારે કામની ન હોય એવી એપ્લિકેશનને રીમૂવ કરવાનો પ્રયાસ કરી જુઓ. તમે પોતે ડાઉનલોડ કરી હોય, પણ કામની ન હોય એવી એપ તમે રીમૂવ કરી શકશો, પરંતુ ફોન સાથે આવેલી એપ રીમૂવ કરી શકશો નહીં.
  5. ઓલ વિભાગમાં જશો એટલે ફોનમાંની તમામ એપ જોવા મળશે. હવે ફોનના મેનુ (મોટા ભાગે ડાબી તરફનું બટન, કેટલાક ફોનમાં જમણે હોય છે) પર ક્લિક કરી, તમામ એપને સાઇઝ મુજબ સોર્ટ કરો.
  6. હવે તેમાં મેપ્સ જેવી, બાય ડિફોલ્ટ મળેલી પણ આપણે જેનો ઉપયોગ નથી કરતા એવી કોઈ એપ પર ક્લિક કરો. અહીંથી તમે તેને રીમૂવ તો નહીં કરી શકો, પણ ફોર્સ સ્ટોપ કરી શકશો, જોકે તોય કેટલીય એપ તરત રીસ્ટાર્ટ થાય એવું બનશે. જોકે એ રીતે પણ થોડી મેમરી ખાલી થશે. તેમાં જમા થયેલો ડેટા ક્લિયર કરવાથી પણ થોડી જગા મળશે. આવું બધી એપ માટે કરી જુઓ (આ કામ સહેલાઈથી કરી આપતી એપ હોય છે, પણ એ ઇન્સ્ટોલ થઈ શકતી હોત તો તો આવી કસરત જ શા માટે કરતા હોત?!)

ફોનમાંની એપ્સનું ઓટો-અપડેશન બંધ કરો :

ઉપર મુજબનાં પગલાં લીધા પછી, બીજું અગત્યનું કામ રહે છે દરેક એપનું ઓટો અપડેશન બંધ કરવાનું. આપણા ફોનમાં રહેલી એપ્સ વાયા ગૂગલ પ્લે સ્ટોર અપડેટ થતી હોય છે, એટલે હવેનો આપણો મુકામ છે ગૂગલ પ્લે સ્ટોર. ફોનમાં પ્લે સ્ટોર એપ ઓપન કરો, ફરી ડાબી તરફના મેનુ બટનની મદદથી સેટિંગ્સમાં જાઓ અને અહીં ઓટો-અપડેટના વિકલ્પ પર ક્લિક કરો. અહીં ત્રણ વિકલ્પ જોવા મળશે :

  1. એપ અપડેટ ન કરવી.
  2. એપ ગમે ત્યારે અપડેટ કરવી, પછી ભલે ડેટા ચાર્જ લાગે.
  3. એપ માત્ર વાઇ-ફાઇ ઉપલબ્ધ હોય ત્યારે અપડેટ કરવી.

પહેલો વિકલ્પ પસંદ કરી લઈએ.


પહેલું પગલું લેવાથી ફોનમાં દરેક કાયમી એપ ફેક્ટરી સમયના સેટિંગ્સની સ્થિતિમાં આવી જશે. આ રીતે આપણને તેની લેટેસ્ટ સુવિધાઓનો લાભ નહીં મળે, પણ વધુ જગ્યા જોઈતી હોય તો આપણે એટલો ભોગ આપવો રહ્યો. જો તમે કેટલીક ચોક્કસ એપ ઓટો અપડેટ કરવા ઇચ્છતા હો તો પ્લે સ્ટોરમાં એ એપ ઓપન કરી, મેનુમાં જઈને ઓટો-અપડેટનો વિકલ્પ પસંદ કરી શકો છો.

બીજું પગલું લેવાથી ફોનમાંની કાયમી એપ ઓટોઅપડેટ નહીં થાય, મતલબ કે ઇન્ટરર્નલ મેમરી આપણી જાણ બહાર વપરાશે નહીં અને આપણે આપણને જરુરી લાગે તેવી કેટલીક નાની એપ ઇન્સ્ટોલ કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!