પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ જેવો એક નવો વર્ગ ઊભો થયો છે – સ્માર્ટફોન ફોટોગ્રાફર્સ! તમે પણ આ વેકેશનમાં આવી જ ફોટોગ્રાફી અજમાવવાના હો તો જાણી લો કેટલીક જાણવા જેવી વાત.
ગયા વર્ષે તમે વેકેશનમાં કોઈ સ્થળે ફરવા ગયા હશો અને આ વર્ષે ફરી ક્યાંક જશો તો બંને ટુરમાં મોટો ફેર કયો હશે (લોકેશન અને હોટેલનાં વધી ગયેલાં ભાડાં સિવાય!)?
મોટી સંભાવના એ છે કે ગયા વર્ષે તમે ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફ્સ લીધા હશે અથવા મોબાઇલમાંના પ્રમાણમાં ખાસ્સા નબળા એવા કેમેરાથી કામ ચલાવ્યું હશે, પણ આ વર્ષે ક્વોલિટી અને ક્લેરિટીની રીતે ડિજિટલ કેમેરાની હરિફાઈમાં ઉતરે એવો સ્માર્ટફોન તમારા ખિસ્સામાં હશે અને મોટા ભાગે, હવે ભારેખમ લાગતા ડિજિટલ કેમેરાને બદલે તમે સ્માર્ટફોનથી જ સ્નેપ્સ લેવાનું પસંદ કરશો.
આ ગ્લોબલ ટ્રેન્ડ છે. ફોટોગ્રાફી જગતના પ્રોફેશનલ્સ સ્વાભાવિક રીતે હજી પણ એસએલઆર કેમેરાની ફોટોગ્રાફીને જ અસલી ફોટોગ્રાફી ગણે છે, પણ મારા-તમારા જેવા એમેચ્યોર અને એઇમ-એન્ડ-ક્લિકમાં માનતા ‘કેઝ્યુઅલ ફોટોગ્રાફર’ને સ્માર્ટફોન ફોટોગ્રાફી જ માફક આવી ગઈ છે. એક તો, આ કેમેરા સતત આપણને હાથવગો રહે છે અને બીજું, ફોટોગ્રાફ લીધા પછી ફેસબુક, ટ્વીટર જેવી સર્વિસ પર શેર કરવામાં બિલકુલ વાર નથી લાગતી (હવે જોકે એન્ડ્રોઇડ ડિજિટલ કેમેરા પણ આવી ગયા છે!).
જો તમે પણ આ કેટેગરીમાં આવતા હો તો સ્માર્ટફોનની મદદથી સારી ફોટોગ્રાફી કરવાની કેટલીક બેઝિક રીત જાણી લઈએ.
- તમે સ્વજનોના ફોટોગ્રાફ લેતા હો ત્યારે સૌથી સારા ફોટોઝ એ જ હોય, જે તમારા સબ્જેક્ટની જાણ બહાર લેવાયેલા હોય! જેનો ફોટોગ્રાફ લેવાતો હોય એ વ્યક્તિ કેમેરા તેની સામે મંડાતાં તરતજ પોતાની સ્વાભાવિકતા ખોઈ બેસે છે. તમે ક્યારેક નોંધ્યું હશે કે સનસેટ પોઇન્ટ પર આથમતા સૂરજની ફોટોગ્રાફીમાં જેટલી મજા છે, એના કરતાં સૂરજનું અજવાળું જેના ચહેરા પર રેલાતું હોય અને જેની આંખો સૂરજ પર મંડાઈ હોય એવા સ્વજનનો – એની જાણ બહાર – ક્લોઝઅપ લેવામાં વધુ મજા છે. આ મજા સ્માર્ટફોનથી લૂંટી શકાય છે, તેમાં સબ્જેક્ટ બેધ્યાન અને સાહજિક હોય ત્યારે તેની નજર ચૂકવીને ફોટોગ્રાફી કરવામાં જરા વધુ સરળતા રહે છે. જોકે એ માટે સ્માર્ટફોનમાંનો શટર ક્લિકિંગનો સાઉન્ડ બંધ કરી દેવો જરુરી છે!
- સ્માર્ટફોનની કેમેરા એપમાં ફોટોગ્રાફ ચોક્કસ કઈ ક્ષણે ક્લિક થાય છે એ બરાબર સમજી લેવું પણ જરુરી છે. બટન પ્રેસ કરતાં ફોટોગ્રાફ ક્લિક થાય છે કે પ્રેસ કરી રાખીને છોડો ત્યારે? થોડી પ્રેક્ટિસથી, પ્રીસાઇઝલી ક્યારે સ્નેપ લેવાવો જોઈએ તે તમને બરાબર સમજાઈ જશે.
- ડિજિટલ કેમેરા કરતાં સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી કરતી વખતે હાથ હલી જવાની શક્યતા વધુ હોય છે. આ બાબત પર ખાસ ધ્યાન આપશો.
- સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતા હો ત્યારે ફોનના ડિજિટલ ઝૂમ ઓપ્શનનો ઉપયોગ ન કરશો (ફોનમાં તમે ઇમેજ રેઝોલ્યુશન હાઇએસ્ટ સિલેક્ટ કરેલ હશે તો મોટા ભાગે તમે ઝૂમ કરી શકશો જ નહીં). ડિજિટલ કેમેરા બરાબર તપાસ્યો હશે તો તમે જોયું હશે કે તેમાં બે પ્રકારની ઝૂમ ફેસિલિટી હોય છે, ડિજિટલ અને ઓપ્ટિકલ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો ઓપ્ટિકલ ઝૂમથી ધાર્યુ પરિણામ મળે છે, પણ ડિજિટલ ઝૂમથી પિક્ચરની શાર્પનેસ ઘટે છે. સ્માર્ટફોન સાથે જાતે આગળ-પાછળ જઈને ફોટોગ્રાફ લેશો તો પરિણામ ચોક્કસ વધુ સારું આવશે.
- ફોટોગ્રાફીમાં કમ્પોઝિશનનું આગવું મહત્ત્વ છે. ફ્રેમના કેટલા ભાગમાં આપણો સબ્જેક્ટ છે અને કેટલા ભાગમાં ઓપન સ્પેસ છે તે ફોટોગ્રાફ કેવીક જમાવટ કરશે તે નક્કી કરે છે. ઘણા ખરા સ્માર્ટફોનમાંની કેમેરા એપમાં ગ્રીડ ડિસ્પ્લેની સુવિધા હોય છે. તેની મદદ લો.
- ગ્રીડની જેમ ઘણા ખરા સારા સ્માર્ટફોનમાં પેનોરમાની પણ સગવડ હોય છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં તો – પેલી ટીવી એડમાં જોવા મળે છે તેમ – ફક્ત બટન પ્રેસ કરીને કેમેરાને ડાબેથી જમણે લઈ જઈને આખી દોસ્તટોળકીની મસ્ત લાંબી-પહોળી પેનોરમિક ઇમેજ લઈ શકાય છે. પ્રમાણમાં ઠીકઠીક સારા સ્માર્ટફોનમાં પણ તમે પેનોરમા વ્યૂ સેટ કરી, દૂર દૂર સુધી વિસ્તરતા પહાડોની એક જ લેવલેથી, એંગલ જરા જરા બદલીને ઇમેજીસ લો તો એ બધી ઇમેજ યોગ્ય રીતે સ્ટીચ થઈને એક સરસ પેનોરમા તૈયાર થઈ શકે છે. ટ્રાય કરી જોજો.
- ફોટોગ્રાફી અંતે પ્રકાશની રમત છે. સ્માર્ટફોનમાં ભલે ફ્લેશની સગવડ હોય, ‘અસલી’ કેમેરાની ફ્લેશ કરતાં એ ઘણી તરતી હોય છે. સ્માર્ટફોનની ફ્લેશ સામાન્ય રીતે જરૂર કરતાં લાંબો સમય (ભલે મિલિસેક્ધડમાં) પ્રકાશ પાથરે છે, પરિણામ દેખાય છે નબળી તસવીરમાં. શક્ય હોય ત્યાં સુધી ફ્લેશનો ઉપયોગ ટાળો.
- સ્માર્ટફોનનો લેન્સ ચોક્ખો રાખવાનું ભૂલશો નહીં.
- સ્માર્ટફોન ફોટોગ્રાફીની વધુ એક મજા એ છે કે આપણે ફોટોગ્રાફી સંબંધિત વિવિધ એપ્સ ડાઉનલોડ કરીને અનેક અખતરા કરી શકીએ છીએ – રોલ ડેવલપમેન્ટ અને પ્રિન્ટ કઢાવવાના ખર્ચની તો હવે ચિંતા જ ક્યાં છે?! ફોટો લેવા માટે અને લીધા પછી એડિટ કરવા માટે અનેક એપ્સ અને ફ્રી વેબસર્વિસ ઇન્ટરનેટ પર મળી રહેશે. તેનો પૂરો લાભ લો.
વિથ યુ હેપ્પી એન્ડ સ્માર્ટ ક્લિકિંગ!
પૂરક માહિતી
હું છેલ્લા ઘણા સમયથી સ્માર્ટફોન ફોટોગ્રાફી કરું છું. સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે નીચેની કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવા જેવી છે :
નેચરલ લાઈટનો મહત્તમ ઉપયોગ કરવો. સૂર્ય જયારે વધુ પ્રકાશિત હોય ત્યારે તમે જેનો ફોટોગ્રાફ લેવા ઇચ્છો છો તેનો વધારે પ્રકાશને કારણે સારો ફોટો ખેંચી શકશો નહીં. પ્રકાશના સ્રોતથી ઉલટી દિશામાં સારા ફોટો ખેંચી શકો છો. કોઈ નાની વસ્તુનો કે નજીકથી ફોટો પાડવાનું ટાળવું. નજીકથી ફોટો લેવાથી જે તે ફોટો સારો અને ચોખ્ખો આવશે નહીં. ફૂલ કે છોડનો ફોટો પાડતી વખતે યોગ્ય અંતર રાખવું. સવાર કે સાંજના સમયે ફોટો પાડતી વખતે મોબાઈલને અલગ અલગ એંગલથી જોતાં તેમાં સારા એવા પ્રકાશની વધઘટ જોવા મળે છે અને એ રીતે સારો ફોટો ખેંચી શકાય છે. એક જ સીનના બેથી ત્રણ ફોટો પાડવા જેથી તેમાંથી સારા ફોટોને રાખી શકાય. ફોટો પડ્યા પછી તેને ફોટો એડિટિંગ સોફ્ટવેરમાં એડિટ કરવાથી તમે ખૂબ સુંદર ફોટો મેળવી શકો છો. જેમ કે Picasa, Photoshop, Fxcamera (android app) નો ઉપયોગ કરી શકો છો. છેલ્લે એટલું જ કહીશ “Practice makes man perfect”
– અમિત ઠાકોર
નોંધ : અમિતભાઈએ ફક્ત 2 Megapixel અને તેના સમકક્ષ કેટલાક ફોન દ્વારા લીધેલા કેટલાક અફલાતૂન ફોટોઝ તમે અહીં માણી શકો છો.

