(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સાવ સસ્તાં ટેબલેટ લેવાય?

હજી થોડાં વર્ષ પહેલાં, આપણા સૌ માટે ટેબલેટનો એક જ અર્થ થતો હતો – એવી વસ્તુ જે લેવાનું કોઈને ન ગમે. હવે એ એવી વસ્તુ બની ગઈ છે, જે લેવાનું સૌ કોઈને મન થાય છે!

આગળ શું વાંચશો?

  • ઓપરેટિંગ સિસ્ટમ
  • એપ્સ
  • ટચસ્ક્રીન
  • કનેક્ટિવિટી
  • બેટરી

લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેના સ્લોટમાં દાખલ થયેલ ટેબલેટે ધીમે ધીમે ગજબની લોકપ્રિયતા મેળવી છે. લગ્નપ્રસંગોએ હવે ટેબલેટથી ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરતા જાનૈયાનો વધુ વટ પડે છે! આજુબાજુ ઘણા બધા લોકોના હાથમાં ટેબલેટ જોઈને તમને પણ ટેબલેટ લેવાનો વિચાર થઈ આવતો હશે.
‘આકાશ’ ટેબલેટ વિદ્યાર્થીઓને અઢી-ત્રણ હજાર રુપિયામાં મળતાં થશે એ સમાચારો અખબારમાં ચમક્યા પછી સૌના કાન ચમક્યા હતા અને સૌ ટેબલેટમાં રસ લેતા થયા હતા.

એ સમયે પોતાના માટે કે સંતાન માટે ‘ટેબલેટ લેવાય કે નહીં?’ એવો સવાલ હતો, પણ હવે બજારમાં અનેક કંપનીનાં ટેબલેટ ઉપલબ્ધ થઈ ગયા પછી સવાલ બદલાઈને ‘કયું ટેબલેટ લેવાય?’ એવો થઈ ગયો છે. ખાસ કરીને એટલા માટે કે ટેબલેટના ભાવ સતત ઘટવા લાગ્યા છે.

છતાં, પહેલો સવાલ એ પૂછો કે ટેબલેટનું તમારે ખરેખર કામ છે? જો તમારે ઝડપથી, ગમે ત્યાંથી ગમે ત્યારે ઇન્ટરનેટ એક્સેસ કરવાની જરુર રહેતી હોય અને સ્માર્ટફોનનો સ્ક્રીન નાનો પડતો હોય તો ટેબલેટ તમારે કામનું છે, પરંતુ એના પર તમે લેપટોપ-પીસી જેટલું કામ નહીં કરી શકો એવી સ્પષ્ટતા સાથે, ટેબલેટ લેતાં પહેલાં કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી એ તપાસી લઈએ (આ વિશે આપણે એપ્રિલ ૨૦૧૩ના અંકમાં પણ વાત કરી હતી, ત્યારે સ્પેસિફિકેશન પર વધુ ભાર હતો).

ટેબલેટમાં જબરજસ્ત મોટી રેન્જ છે – એપલનાં આઇપેડ, પ્રીમીયમ એન્ડ્રોઇડ, માઇક્રોસોફ્ટ સરફેસ ટોચ પર છે, ત્યાર પછીના સ્તરે ભારતીય કંપનીનાં ટેબલેટ છે અને છેવટે અખબારોની શોપિંગ સ્કીમ્સ કે ટેલિશોપિંગ ચેનલ્સમાં ભરપૂર ડિસ્કાઉન્ટ સાથે મળતાં ટેબલેટ છે, જેની કંપની મોટા ભાગે અજાણી હોય છે. જો તમે પ્રીમિયમ ટેબલેટમાં જઈ રહ્યા હો તો ટેન્શન રાખવાની જરૂર નથી, પણ બજેટ ટેબલેટ કે અજાણી કંપનીમાં પડવા માગતા હો તો નીચેના મુદ્દા પર ખાસ ધ્યાન આપશો :

ઓપરેટિંગ સિસ્ટમ

એપલ, એન્ડ્રોઈડ આઇસ્ક્રીમ સેન્ડવીચ (૪.૦) કે તેથી ઉપરનાં વર્ઝન કે પછી માઇક્રોસોફ્ટની ઓએસવાળાં ટેબલેટ ટેન્શન વિના ખરીદી શકાય. શરૂઆતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનને જ ધ્યાનમાં રાખીને ડેવલપ થયેલી ઓએસ હતી, હનીકોમ્બ ૩.૦ વર્ઝન ખાસ ટેબલેટ માટે ધ્યાનમાં રાખીને ડેવલપ થયું અને આઇસ્ક્રીમ સેન્ડવીચથી તે તમામ પ્રકારની મોબાઇલ ડિવાઇસીઝ માટે છે. એન્ડ્રોઇડ ૨.૩ કે તેથી પહેલાંના વર્ઝનવાળાં ટેબલેટ સસ્તાં હોય તોય ટાળશો. વેબઓએસ કે વિન્ડોઝ સીઈ જેવી ઓએસવાળાં ટેબલેટ પણ મળશે, એમાં પણ એપલ કે સારા એન્ડ્રોઇડ ટેબલેટની સરખામણીમાં નિરાશ થશો.

એપ્સ

એન્ડ્રોઇડમાં આપણે વિવિધ એપ્સ ડાઉનલોડ કરવી હોય તો તે માટે ગૂગલ પ્લે છે, એપલ માટે આઇટ્યૂન એપ સ્ટોર છે, બંનેમાંથી આપણે લાખો એપ્સ ડાઉનલોડ કરી શકીએ છીએ, એ બંનેની સરખામણીમાં માઇક્રોસોફ્ટ અત્યારે ભલે પાછળ હોય, પણ નોકિયા હસ્તગત કર્યા પછી આ કંપની વહેલામોડી સ્પર્ધામાં આવવાની છે. ટૂંકમાં મૂળ પ્લેટફોર્મ યોગ્ય હશે તો એપ્સનો લાભ મળશે. કોઈ પણ કંપની પોતાના ટેબલેટમાં એન્ડ્રોઇડ ઇન્સ્ટોલ કરી શકે છે, તેના પર ગૂગલનો અંકુશ નથી, પણ ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોણ એપ ડાઉનલોડ કરી શકે, તેના પર ગૂગલનો અંકુશ છે. આથી જ, એન્ડ્રોઇડ ૨.૩ કે તેની પહેલાનાં વર્ઝનવાળાં ટેબલેટમાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ ન કરી શકો એવું બની શકે છે.

ટચસ્ક્રીન

સ્માર્ટફોન અને ટેબલેટ બંનેમાં બે પ્રકારના ટચસ્ક્રીન હોય છે – રેઝિસ્ટિવ અને કેપેસિટેટિવ. રેઝિસ્ટિવ ટચસ્ક્રીન ટચૂકડી પેન જેવા સ્ટાઇલસથી ઉપયોગ કરવા માટે યોગ્ય છે, જ્યારે કેપેસિટેટિવ ટેરવાના સ્પર્શનો ગજબનો રિસ્પોન્સ આપે છે. પ્રીમિયમ ટેબલેટમાં હવે કેપેસિટેટિવ સ્ક્રીન જ જોવા મળે છે. રેઝિસ્ટિવ ટચસ્ક્રીનવાળું ટેબલેટ સસ્તું હશે તોય વેબબ્રાઉઝિંગ કરવામાં મથામણ કરાવશે. સ્ક્રીન કેટલા રેઝોલ્યુશનની પિક્ચર ક્લેરિટી આપે છે તે મહત્ત્વનું છે. સ્ક્રીનને સહેજ ત્રાંસો રાખ્યા પછી પણ જોવામાં સરળતા રહે છે એ તપાસો. એ જ રીતે ખુલ્લામાં, દિવસના અજવાળામાં સ્ક્રીન પરના અક્ષરો સહેલાઈથી વાંચી શકાય છે એ પણ તપાસો. ઓનલાઇન પોર્ટલ પર કે છાપાંમાં આવેલી ટેબલેટની જાહેરાત વાંચીને ઓર્ડર કરવામાં આ પ્રકારે ટેબલેટ તપાસી જોવાનો લાભ નહીં મળે.

કનેક્ટિવિટી

મોટા ભાગનાં સસ્તાં ટેબલેટમાં માત્ર વાઇ-ફાઇ કનેક્ટિવિટી હશે. એનો તમે ગમે ત્યાં ગમે ત્યારે ઉપયોગ કરી શકશો નહીં. ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇની સગવડ આપતું રાઉટર હોય તો જ એ ટેબલેટમાં તમે ઇન્ટરનેટ સર્ફ કરી શકશો.


કોલિંગ ફેસિલિટી ન હોય તો ચાલે, પણ નેટ સાથે કનેક્ટ થવા પૂરતું ટેબલેટમાં ૨-જી કે ૩-જી કનેક્શન હોવું જરૂરી છે. એટલિસ્ટ, ડોંગલથી કનેક્શન થવું જ જોઈએ. સસ્તાં ટેબલેટમાં વાઇ-ફાઇની રેન્જ પણ નબળી હોવાની પૂરી શક્યતા છે.

બેટરી

સારી કંપનીનાં ટેબલેટ હવે ૧૦-૧૦ કલાકની બેટરી લાઈફ આપવા લાગ્યાં છે. સસ્તાં ટેબલેટ મોટા ભાગે અઢી-કલાકની બેટરી લાઇફ કહે છે (એટલી તો કંપની કહે છે). છ કલાકથી ઓછી લાઇફ જણાવેલ હોય એવા ટેબલેટમાં પડવા જેવું નહીં.

ટૂંકમાં, ટેબલેટ લેવાનું વિચારતા જ હો તો ઉતાવળ કર્યા વિના, બધી રીતે તેનાં કન્ફીગરેશન તપાસીને પછી નિર્ણય કરશો. ખાસ કરીને અખબારોમાં આવતી, સાવ સસ્તા ભાવે ટેબલેટ આપતી જાહેરખબરોમાં ભરાઈ પડશો નહીં! અત્યારે બજેટ ના કહેતું હોય તો દિવાળીના બોનસ સુધી રાહ જોઈ લો અને પછી સગવડ થાય ત્યારે ખરીદો, પણ લો તો સારું ટેબલેટ લેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!