બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ.
આગળ શું વાંચશો?
- મહાસાગરોનાં મહાવિસ્મયો
- વધુ માહિતી માટે જુઓ
તમે અત્યારે આ લેખ વાંચી રહ્યા છો તેના બરાબર એક વર્ષ પહેલાં, પૃથ્વી પર (ખરેખર તો પૃથ્વીના પેટાળમાં) એક નવો ઇતિહાસ રચાયો હતો. પૃથ્વી પર પથરાયેલા મહાસાગરોના તળિયે, માણસને જેની જાણ છે એવી વિશ્વની સૌથી ઊંડી જગ્યાએ માણસ પહોંચ્યો!
આ સાહસ તો ગજબનું હતું જ, ઇન્ટરનેટની મદદથી આપણે આજે એ સાહસની રજેરજની માહિતી મેળવી શકીએ છીએ અનેઆપણી સૃષ્ટિનાં રહસ્યોનો તાગ મેળવવાની મથામણનો અનેકવિધ રોમાંચક રીતે અનુભવ પણ કરી શકીએ છીએ.
હકીકત એ છે કે માનવજાતે મંગળ ગ્રહની સપાટી વિશે જેટલી જાણકારી મેળવી લીધી છે, તેના કરતાં ઘણી ઓછી માહિતી તેને આપણા પોતાના પૃથ્વી ગ્રહનાં ઊંડાણો વિશે છે. આ સ્થિતિ બદલવા માટે ગયા વર્ષે, માર્ચ ૨૬ના દિવસે અવતાર અને ટાઇટેનિક જેવી ફિલ્મ માટે જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને પૃથ્વી પરના સૌથી ઊંડા સ્થળે ડૂબકી લગાવવાનું સાહસ આરંભ્યું અને સફળતાપૂર્વક પૂરું કર્યુ. નેશનલ જ્યોગ્રાફિક સોસાયટીના એક્સપ્લોરર તરીકે, ડીપસી ચેલેન્જર નામની એક ખાસ સબમર્સિબલ (એક પ્રકારની સબમરિન)માં પોતાનો આ પ્રવાસ કર્યો અને જાપાનની નજીક, પેસિફિક ઓશનમાં મરિઓના ટાપુ પાસેની, હવે ચેલેન્જર ડીપ તરીકે જાણીતી, પૃથ્વીની સપાટીથી ૧૧ કિલોમીટર જેટલે ઊંડે જઈને, મહાસાગરના તળિયે રહેલી મરિઆના ટ્રેન્ચ સુધી પહોંચીને ત્યાંના ખડકો, જીવસૃષ્ટિ વગેરેના નમૂના એકઠા કર્યા અને એક ફીચર ફિલ્મ બની શકે એટલું હાઇ-રેઝોલ્યુશન ૩-ડી ફૂટેજ પણ મેળવ્યું.
જોકે આવું સાહસ ખેડનારા કેમેરુન વિશ્વના ત્રીજા વ્યક્તિ છે. તેમના પહેલાં પચાસેક વર્ષ અગાઉન, જાન્યુઆરી ૨૩, ૧૯૬૦ના દિવસે યુએસ નેવીના લેફ્ટનન્ટ ડોન વૉલ્શ અને સ્વીસ ઓશનોગ્રાફર અને એન્જિનીયર જેકસ પિકાર્ડે પણ ટ્રાઇસ્ટ નામના એક ખાસ પ્રકારના વાહનમાં આ જ સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પાંચેક કલાકના પ્રવાસ પછી ૧૦.૯૧૨ કિલોમીટર જેટલે ઊંડે સુધી પહોંચી શક્ય હતા. જોકે ત્યારે તેમના વાહનમાં કોઈ વિશેષ વૈજ્ઞાનિક સાધનો નહોતાં અને તેથી તેઓ કોઈ નમૂના એકઠા કરી નહોતા શક્યા. પૃથ્વીના તળિયે લગભગ વીસેક મિનિટ રહ્યા પછી તેઓ ૩ કલાક અને ૧૫ મિનિટમાં ફરી મહાસાગરની સપાટી પર પરત ફર્ફયા હતા.
એમની સરખામણીમાં જેમ્સ કેમેરુને અંતર લગભગ સરખું જ ખેડ્યું, પણ ૧૯૬૦ અને ૨૦૧૨માં ટેક્નોલોજીમાં ખરેખર આસમાન-જમીનનો તફાવત આવી ગયો હતો. કેમેરૂનની સબમરીન ફક્ત બે કલાકમાં મહાસાગરમાં ૧૧ કિલોમીટર જેટલે ઊંડે ઊતરીને એકાદ કલાકમાં મહાસાગરની સપાટી પર પરત ફરી શકે તેવી આધુનિક હતી. આ સબમરીન તળિયે છ કલાક જેટલો સમય ગાળી શકે તેમ હતી. તેમાં પૃથ્વીના તળિયે આસપાસ ફરીને ફોટોગ્રાફી કે ૩-ડી વીડિયોગ્રાફી કરવા માટે ૮ હાઇડેફિનિશન કેમેરાની સગવડ હતી. તેમાં એક મિકેનિકલ હાથ જેવી રચના પણ હતી જેનાથી પૃથ્વીના તળિયાના નમૂના એકઠા કરી શકાયા.

આ સબમરીન ડિઝાઇન કરવામાં પણ જેમ્સ કેમેરુનની ભૂમિકા હતી. આપણે તેમને ફિલ્મ સર્જક તરીકે જ ઓળખીએ છીએ, પણ કેમેરુન વિવિધ પ્રકારનાં સબમર્સિબલ વાહનોમાં ૭૨ વાર મહાસાગરોના પેટાળમાં ડૂબકી લગાવી ચૂકેલા મહા અનુભવી ડૂબકીમાર છે. એમાંથી ૫૧ વાર તેઓ રશિયન મીર સબમર્સિબલ્સમાં ૪.૮ કિલોમીટરની ઊંડાઈ સુધી જઈ આવ્યા, જેમાંથી ૩૩ વાર તેઓ ટાઇટેનિકના ભંગારમાં ચક્કર કાપી આવ્યા છે!
જેમ્સ કેમેરુનના આ લેટેસ્ટ સાહસ માટે જે સબમર્સિબલ બનાવવામાં આવી હતી તે ફક્ત એક માણસને સમાવી શકે એટલી નાની હતી. કુલ ૨૪ ફૂટ લાંબી આ સબમર્સિબલમાં કેમેરુન માટે તેઓ હાથ પણ પહોળા કરી ન શકે એટલી જગ્યા હતી. કેમેરુન કહે છે, “મેં બાળપણથી મહાસાગરોનાં તળિયે ડૂબકી લગાવવાનાં સપનાં જોયાં હતાં. ડીપ સી ચેલેન્જ કોઈ રેકોર્ડ બનાવવા માટે નહોતી. વિજ્ઞાન અને જ્ઞાનખોજની બીજી બધી બાબતોની જેમ આની પાછળ પણ અનન્ય જિજ્ઞાસાનું બળ હતું.
પૃથ્વીના તળિયે, ૩૬,૦૦૦ ફૂટ (એટલે કે દિલ્હીના કુતૂબ મિનાર જેટલા ઊંચા ૧૫૧ મિનાર ડૂબી જાય એટલી) ઊંડાઈએ કેમેરુનને લઈ જઈ શકે એવું કોઈ ડીપ-ઓશન વેહિકલ નહોતું. નેશનલ જ્યોગ્રાફિકના નિષ્ણાતો અને કેમેરુનની ટીમે સાથે મળીને સાત વર્ષની જહેમતથી આ સબમર્સિબલ તૈયાર કરી.
આ સાહસમાં જોખમો કેવાં હતાં?
આપણી ચામડીના દરેક ચોરસ ઇંચ પર આઠ ટનના વજનનું દબાણ આવે એવી સ્થિતિની કલ્પના કરી શકો છો? મરિઆના ટ્રેન્ચમાં, આપણા એક અંગુઠા પર આખેઆખી ત્રણ કારનું વજન મૂકવામાં આવે એટલા દબાણનો જેમ્સ કેમેરુનની સબમરિને સામનો કરવાનો હતો (દબાણ ફક્ત એક અંગુઠા પર નહીં, પહેલી આંગળી, બીજી આંગળી… એમ આખા શરીરના ખૂણે ખૂણે ત્રણ-ત્રણ કારનું દબાણ)! પૃથ્વીના તળિયાની ગણતરીમાં થોડી ભૂલ થાય તો સબમર્સિબલ તૂટી પડે. અત્યંત સાંકડી જગ્યામાં ફસાતાં કંઈ ભાંગતૂટ થાય તો ચોતરફથી ભયાનક દબાણથી પાણી અંદર ધસી આવે. નીચે પહોંચ્યા પછી કોઈ કારણસર પરત ફરવાની સફર શરૂ ન થઈ શકે તો સબમર્સિબલમાંની લાઇફસપોર્ટ સિસ્ટમ અટકી પડે ત્યાં સુધી મોતની રાહ જોતા બેસી રહેવાનું.
સબમર્સિબલની અંદર આગ લાગવાની શક્યતા પણ પૂરેપૂરી. મહાસાગરના તળિયે સબમરિન કોમ્યુનિકેશન કેબલ્સ પથરાયેલા છે, ઊંડે ઊતરતાં કે ઉપર આવતાં સબમર્સિબલ આ કેબલ્સમાં ફસાઈ જવાની શક્યતા પણ હતી.
પણ આવું જોખમ લેવાની જરૂર શી હતી, એવો સવાલ સહેજે થાય. જવાબ એ છે કે આ સાહસને પરિણામે મહાસાગરોના તળિયે જે રીતે ખાઈઓ રચાય છે તેના અભ્યાસથી, ત્સુનામી લાવતા ભૂકંપ કેવી રીતે રીતે સર્જાય છે તે સમજવામાં વધુ મદદ મળશે. આટલી ઊંડાઈએ, જ્યાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો નથી એવી જગ્યામાં વિકસતી જીવસૃષ્ટિના અભ્યાસથી બાયોટેક્નોલોજીમાં જબરજસ્ત નવી જાણકારીઓ મળી શકે છે. જેમ્સ કેમેરુન કહે છે, ‘કલ્પનાશક્તિથી જ્ઞાનખોજ આગળ ધપે છે. શું શક્ય છે એની તમારે પહેલાં કલ્પના કરવી પડે, એ પછી જ આગળ વધીને તમે એને શક્ય બનાવી શકો.
આ લેખની તમામ તસવીરો અને વધુ માહિતી માટે જુઓ : http://deepseachallenge.com/
મહાસાગરોનાં મહાવિસ્મયો
- પૃથ્વીની સપાટી પર લગભગ ૭૦ ટકા વિસ્તારમાં મહાસાગરો પથરાયેલા છે.
- પૃથ્વીનાં સૌથી ઊંચાં શિખરો, સૌથી ઊંડી ખાઈઓ અને સૌથી વિશાળ મેદાનો મહાસાગરોમાં જ છે.
- પૃથ્વી પરનું લગભગ ૯૭ ટકા પાણી મહાસાગરોમાં છે.
- વાતાવરણમાંનો મોટા ભાગનો પ્રાણવાયુ મહાસાગરોને આભારી છે.
- પૃથ્વી પર જીવનનો આરંભ મહાસાગરમાં થયો હોવાનું મનાય છે. જીવસૃષ્ટિના સૌથી પ્રાચીન પુરાવા મહાસાગરમાંથી મળ્યા છે.
- મહાસાગરની જીવસૃષ્ટિ અપાર વૈવિધ્ય ધરાવે છે, તદ્દન સુક્ષ્મ વાયરસથી માંડીને પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી બ્લુ વ્હેલ મહાસાગરમાં જોવા મળે છે.
- મહાસાગરોની સરેરાશ ઊંડાઈ ચાર કિલોમીટર છે, પણ અત્યાર સુધીમાં જાણવા મળેલી સૌથી ઊંડી જગ્યા – મરિયાના ટ્રેન્ચ – ૧૧ કિલોમીટર ઊંડી છે.
- માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮.૮ કિલોમીટર જેટલી છે. એટલે આખેઆખો માઉન્ટ એવરેસ્ટ મરિયાના ટ્રેન્ચના તળિયે મૂકી દેવામાં આવે તો એવરેસ્ટ પાણીમાં ડૂબી તો જાય જ, તેની ટોચની ઉપર બે-સવા બે કિલોમીટર જેટલું પાણી રહે.
- મરિયાના ટ્રેન્ચ વાસ્તવમાં ૨,૫૦૦ કિલોમીટર લાંબી અને ૭૦ કિલોમીટર પહોળી ખાઈ છે.
- મહાસાગરના ફક્ત પાંચેક ટકા ભાગને જ માણસ જાણી શક્યો છે.
(સ્રોત :http://www.coexploration.org)
નેશનલ જ્યોગ્રાફિકના એક અદ્ભુત એનિમેશન વીડિયો (http://youtu.be/7USRlfofMPs)માં જેમ્સ કેમેરુનની સફરને ફક્ત એક મિનિટમાં દશર્વિવામાં આવી છે. અહીં તેની ઝલક જુઓ :
- ૦ ફૂટ : અહીંથી જેમ્સ કેમેરુનની સફરની શરૂઆત થઈ.
- ૬૬૦ ફૂટ : મહાસાગરમાંની ૯૦ ટકા જીવસૃષ્ટિ આ પાણીના પહેલા સ્તરમાં જોવા મળે છે.
- ૮૦૦ ફૂટ : ન્યૂક્લિયર સમબરિન આટલી ઊંડાઈએ મહાસાગરમાં સફર કરે છે.
- ૧,૦૪૪ ફૂટ : અત્યાર સુધીમાં સૌથી ઊંડી સ્કૂબા ડાઇવનો રેકોર્ડ આટલા ફૂટનો છે.
- ૩,૩૦૦ ફૂટ : સૂર્યનાં કિરણો અહીંથી વધુ ઊંડે સુધી પહોંચી શકતાં નથી.
- ૮,૨૦૦ ફૂટ : સમુદ્રમાં સૌથી ઊંડે સુધી જતી વ્હેલ આટલી ઊંડાઈ સુધી જાય છે.
- ૧૨,૪૬૭ ફૂટ : સાગરના તળિયે પહોંચેલા ટાઇટેનિક જહાજનો ભંગાર આટલી ઊંડાઈએ ધરબાયેલો પડ્યો છે.
- ૨૫,૨૬૨ ફૂટ : સાગરમાં સૌથી વધુ ઊંડાઈએ જીવતી સ્નેઇલફિશ આટલી ઊંડાઈએ કેમેરામાં ઝડપાઈ છે..
- ૨૯,૦૨૯ ફૂટ : માઉન્ટ એવરેસ્ટના સાગરસપાટીથી ઊંધો ડૂબાડીએ તોય મહાસાગરનું તળિયા સુધી તે પહોંચે નહીં.
- ૩૬,૦૭૦ ફૂટ : અને હવે છેક આવે છે ચેલેન્જર ડીપ તરીકે જાણીતી થયેલી, પૃથ્વીની સૌથી ઊંડી જગ્યા!
વધુ માહિતી માટે જુઓ :
- જેમ્સ કેમેરુન પૃથ્વીના તળિયે પહોંચ્યા તે દિવસે નેશનલ જ્યોગ્રાફિકની સાઇટ પરના ન્યૂઝઃ http://news.nationalgeographic.com/news/2012/03/120325-james-cameron-mariana-trench-challenger-deep-deepest-science-sub/
- જેમ્સ કેમેરુનની ડાઇવને સપોર્ટ આપનાર રોલેક્ટ વોચની સાઇટ પર આ વિશે માહિતીઃ http://www.rolex.com/en#/world-of-rolex/sports-and-culture/exploration/the-deepest-place-on-earth
- બીબીસી પર ડીપસી ચેલેન્જ વિશેની વિસ્તૃત માહિતીઃ http://www.bbc.co.uk/news/science-environment-17013038
- વિકિપીડિયા પર ડીપસી ચેલેન્જર સબમર્સિબલ વિશેનો લેખઃ http://en.wikipedia.org/wiki/Deepsea_Challenger
- નેશનલ જ્યોગ્રાફિકની એજ્યુકેશન સાઇટ પર મરિઆના ટ્રેન્ચનો એનિમેટેડ ફ્લાય થ્રુ અને વિદ્યાર્થીઓ માટે બીજી એક્ટિવિટીઃ http://education.nationalgeographic.co.in/education/activity/mariana-trench-deepest-place-earth/?ar_a=1


