કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કંઈ પણ સામનો કરવાનો આવે ત્યારે જાણકારો સલાહ આપે છે – રીસ્ટાર્ટ કરી જુઓ. એ લોકો ઉડાઉ સૂચન કરે છે કે એમાં ખરેખર કોઈ કરામત સમાયેલી છે?
તમે કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરી જોયું?અથવા તો, “સાહેબ, મશીન ફોર્મેટ કરવું પડશે! કમ્પ્યુટર સાથે તમારો પનારો પડ્યો એટલે આ બે વાક્યો તમારે અવારનવાર સાંભળવાં જ રહ્યાં!
તમે કમ્પ્યુટરના ખાસ જાણકાર ન હો અને તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમની તમે કોઈ જાણકારને ફરિયાર કરો અથવા એ સમસ્યાનો ઉકેલ પૂછો એટલે મોટા ભાગે એક સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળે, “તમારું કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરી જુઓ. જેમ કે તમે રોજેરોજ કમ્પ્યુટર પર બરાબર કામ કરી શકતા હોય, પણ કોઈ દિવસ, કોઈ કારણસર તમારું માઉસ ચાલે જ નહીં. તો શું કરશો? ઉપાય હાજર છે, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરી જુઓ અને તમારી નવાઈ વચ્ચે, કમ્પ્યુટર રીસ્ટાર્ટ થતાં માઉસ ફરી રાબેતા કામ પણ કરવા લાગે છે!
કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરતાં એવી તે શી કરામત થાય છે?
આ વાત ફક્ત કમ્પ્યુટરને લાગુ પડતી નથી. ફાયરફોક્સ જેવા કેટલાય પ્રોગ્રામને પણ લાગુ પડે છે. તમે લાંબો સમય ફાયરફોક્સ ચાલુ રાખીને તેમાં સર્ફિંગ કરતા રહો એટલે ફાયરફોક્સ ધીમે ધીમે વધુ ને વધુ ધીમું થવા લાગશે. નવી ટેબ ઓપન થતાં વાર લાગે, વીડિયો જુઓ તો એ જોવામાં વાર લાગે, પેજ અપ-ડાઉન કરો તો તેમાં પણ કંઈક ગરબડ લાગે – સામાન્ય રીતે જે ઝડપથી આપણને રીસ્પોન્સ મળતો હોય એવી ઝડપ મળી ન રહી હોય એવું લાગે. ઉપાય હાજર છે – ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો! અને ખરેખર, એ ફરી રાબેતા મુજબ ચાલવા લાગે છે!
તમારી પાસે સ્માર્ટફોન હોય અને સદ્ભાગ્યે કોઈ જાણકાર મિત્રનો સાથ હોય કે ફોન કોઈ સારા સ્ટોરમાંથી ખરીદ્યો હોય તો તેના સેલ્સમેને પણ તમને સલાહ આપી હશે કે સ્માર્ટફોન બને તો રોજ એક વાર બંધ કરીને ફરી ચાલુ કરજો. મતલબ કે દિવસમાં એક વાર રીસ્ટાર્ટ કરજો.
બરાબર એ જ રીતે, આપણા કમ્પ્યુટરમાં કંઈક વધુ પ્રોબ્લેમ થયો હોય, મશીન પહેલાં કરતાં અત્યંત ધીમું ચાલતું હોય કે વારંવાર આપમેળે બંધ થઈ જતું હોય અને તમે કોઈ એન્જિનીયરને બોલાવો તો એ પણ મશીનને થોડું ઘણું તપાસીને કહેશે કે “સાહેબ, મશીન ફોર્મેટ કરવું પડશે.
એક રીતે જોઈએ તો આ પણ આખી સિસ્ટમને જડમૂળથી રીસ્ટાર્ટ કરવા જેવી જ વાત થઈ. સ્માર્ટફોનમાં પણ સેટિંગ્સ તમે ધ્યાનથી તપાસશો તો તેમાં આપણે કરેલાં બધાં જ સેટિંગ્સ રદબાતલ કરીને ફોનમાં ફરી ફેક્ટરી સેટિંગ્સ કરવાનો એક વિકલ્પ હોય છે, તેમાં ફોનમાંનો આપણો તમામ ડેટા ભૂંસાઈ જાય છે અને ફોન નવા જેવો, કોરોકટ થઈ જાય છે, સાથે તેમાંના પ્રોબ્લેમ્સની પણ બાદબાકી થઈ જાય છે.
રીસ્ટાર્ટિંગમાં એવો તે કેવો જાદુ છે? આવો સમજીએ.
હકીકત એ છે વિન્ડોઝ જેવા પ્રોગ્રામ આમ તો પોતાની મુશ્કેલીઓ જાતે શોધીને જાતે જ તેનું રીપેરિંગ કરી લેવા જેટલા સ્માર્ટ હોય છે. તમને એવા અનુભવ થયા હશે કે કોઈ વાર આપણે કમ્પ્યુટરમાં કામ કરી રહ્યા હોઈએ ત્યારે અચાનક એ ક્રેશ થાય એટલે કે બંધ પડે અને પછી આપમેળે જ રીસ્ટાર્ટ થાય. આપણું કામ અટકે, સેવ ન થયું એટલું કામ ઊડી પણ જાય (વર્ડમાં એવું ન થાય એ સુનિશ્ર્ચિત કરવા વાંચો આ જ અંકમાંનો બીજો લેખ), પરંતુ કમ્પ્યુટર રીસ્ટાર્ટ થયા પછી એ પોતે પોતાનું કામ રાબેતા મુજબ કરવા લાગે છે.
આ ઓપરેટિંગ સિસ્ટમની વાત થઈ. ફાયરફોક્સ કે તેના જેવા પ્રોગ્રામ જેમ લાંબો સમય ચાલુ રહે તેમ કમ્પ્યુટરની મેમરીનો વધુ ને વધુ ઉપયોગ કરતા રહે છે, આવો ભરાવો અમુક હદથી વધી જાય એટલે એ તદ્દન ધીમે ચાલવા માંડે. આપણે પ્રોગ્રામને રીસ્ટાર્ટ કરીએ એટલે આ બધી વધારાની જમા થયેલી મેમરીની સફાયો થાય અને પ્રોગ્રામ ફરી ટનાટન ચાલવા લાગે.
શિયાળામાં રાખ જામવા લાગતાં તાપણું ઠરવા લાગે અને આપણે સાંઠિકડાથી તેને હલબલાવી, રાખ ખંખેરીએ અને ફરી આગ ભભૂકી ઊઠે એના જેવી કંઈક વાત થઈ.
જો સમસ્યા આટલી નાની ન હોય, અને વિન્ડોઝ પોતાની મેળે તેનું સમારકામ કરી શકે તેમ ન હોય તો તે ‘બ્લુ સ્ક્રીન ઓફ ડેથ’ તરીકે જાણીતી એક સ્થિતિમાં આવે છે. એટલે કે કમ્પ્યુટર કામ કરતું અટકે છે અને પછી આપણા પરિચિત સ્ક્રીનને બદલે આખો સ્ક્રીન બ્લુ બને છે અને તેમાં સફેદ રંગમાં કેટકેટલુંય લખાણ લખાવા લાગે છે.
વાસ્તવમાં, આ સમયે ઓપરેટિંગ સિસ્ટમ તેને નડેલી તકલીફને લગતી માહિતી એકઠી કરે છે અને પછી તેનો ઉપાય કરી શકે તો બ્લુ સ્ક્રીન બંધ કરી, રીસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરે છે. તકલીફ દૂર થઈ ગઈ હોય તો મશીન રાબેતા મુજબ ચાલે છે, બાકી ફરી બ્લુ સ્ક્રીન આવે છે અને કમ્પ્યુટર ફરી રીસ્ટાર્ટ થાય છે.
કમ્પ્યુટરના નિષ્ણાત આવી સ્થિતિમાં, ધારે તો સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. જેમ કે કમ્પ્યુટરમાં વાઇરસ ઘૂસ્યા હોય અને મશીન આપોઆપ રીસ્ટાર્ટ થતું હોય તો કમ્પ્યુટર એન્જિનીયર સૌથી પહેલાં તો આપમેળે રીસ્ટાર્ટ થતું અટકાવે છે (કેટલાંક પગલાં જાણીને આ કામ આપણે પણ કરી શકીએ, પણ એથી આગળની જાણકારી ન હોય તો શો ફાયદો?). પછી જો આપણે અગાઉ સિસ્ટમ રીસ્ટોરનો વિકલ્પ ઇનેબલ કર્યો હોય તો તેનો લાભ લઈને કમ્પ્યુટર એન્જિનીયર સિસ્ટમને સમસ્યા ઊભી થયા પહેલાંની સ્થિતિમાં લાવી શકે છે.
સાદા શબ્દોમાં એમ કહી શકાય કે કમ્પ્યુટરમાં બધું યોગ્ય રીતે ચાલતું હોય ત્યારે રવિવારે તેનો એક રીસ્ટોર પોઇન્ટ નક્કી થયો અને કમ્પ્યુટરે નોંધ કરી લીધી કે આજ સુધી, આવાં સેટિંગ્સ અનુસાર બધું રાબેતા મુજબ ચાલે છે. પછી ધારો કે સોમવારે આપણે કોઈ નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યુ કે કોઈ વાઇરસ આપણી જાણ બહાર ઘૂસી આવ્યો અને તકલીફ શરુ થઈ. કંટાળીને મંગળવારે આપણે એન્જિનીયરની મદદ લીધી. તો એન્જિનીયર કમ્પ્યુટરને ફરી રવિવાર સુધીની તંદુરસ્ત સ્થિતિમાં લાવી શકે છે.
પરંતુ કમ્પ્યુટર આખરે એક મશીન છે અને તેમાં એક કહેતાં અનેક જાતની ખામી સર્જાઈ શકે છે. કમ્પ્યુટર એન્જિનીયર ધારે તો પણ દરેક પ્રકારની ખામી શોધીને તેનો સચોટ ઉપાય લાવી શકે એવું ક્યારેક શક્ય ન પણ હોય.
આવી તકલીફ વિન્ડોઝ એક્સપીમાં વધુ રહેતી હતી (કે રહે છે), જેમ કે આપણા ગ્રાફિક્સ ડ્રાઇવરમાં કંઈક ખોટકો થાય તો વિન્ડોઝ એક્સપી સિસ્ટમ જેમની તેમ થંભી જાય. આપણા કોઈ કમાન્ડને કાને ધરે નહીં અને આપણે ધરાર કંટ્રોલ, ઓલ્ટર અને ડિલીટ કી એક સાથે પ્રેસ કરીને તેને રીસ્ટાર્ટ કરવી પડે. પરંતુ સમય સાથે નવાં વર્ઝન આવતાં ઓપરેટિંગ સિસ્ટમ હવે વિન્ડોઝ વિસ્ટા અને વિન્ડોઝ ૭ કે ૮માં ગ્રાફિક કાર્ડમાં તકલીફ થાય તો આપણને જોવા મળતી ગ્રાફિકલ ઇફેક્ટ્સ થોડી વાર અટકી જાય, સિસ્ટમ આપણને ખબર પણ ન પડે એ રીતે તેનો ઉકેલ લાવે અને ફરી બધું રાબેતા મુજબ થઈ જાય.
કમ્પ્યુટરમાં કોઈ વાઇરસ કે માલવેર ઘૂસી ગયો હોય અને તકલીફ સર્જાતી હોય તો ફક્ત રીસ્ટાર્ટ કરવાથી તેનો ઉકેલ આવે નહીં. આવી સ્થિતિમાં એન્જિનીયર સિસ્ટમને ઊંડે સુધી સ્કેન કરીને, વાઇરસને દૂર કરી સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. કમ્પ્યુટરની સિસ્ટમ અને તેમાંના પ્રોગ્રામને યોગ્ય રીતે ચાલવા માટે કેટલાક ડ્રાઇવર્સની જરૂર પડતી હોય છે. સિસ્ટમ કે પ્રોગ્રામ બનાવનાર કંપનીઓ તેને થોડા થોડા સમયે અપડેટ કરતી હોય છે, જે ઘણી વાર આપણી સિસ્ટમમાં પણ આપમેળે અપડેટ થતાં હોય છે. ક્યારેક તેમાં ખામી થાય કે ડ્રાઇવર બરાબર ઇન્સ્ટોલ ન થાય તો પણ ગરબડ થઈ શકે. એન્જિનીયર ધારે તો તેના પોતાના સીડીના ખજાનામાંથી કે જે તે કંપનીની વેબસાઇટ પર જઈને લેટેસ્ટ ડ્રાઇવર ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી, તકલીફ દૂર કરી શકે છે.
પરંતુ મોટા ભાગે, એન્જિનીયર્સ ઓપરેટિંગ સિસ્ટમને ફોર્મેટ કરવાનો વિકલ્પ સૂચવે છે. મતલબ કે કમ્પ્યુટરની સી ડ્રાઇવમાં ઇન્સ્ટોલ થયેલી ઓપરેટિંગ સિસ્ટમને જડમૂળથી દૂર કરી, તેને ફરી ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ. આપણે ધારી લઈએ છીએ કે એન્જિનીયર્સ પોતાની મહેનત બચાવવા અને ફોર્મેટિંગની ફી વસૂલવા માટે આવું કરે છે, પણ દરેક વખતે એવું હોતું નથી.
જો આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં પાર્ટિશન કરેલા હોય (એટલે કે સી, ડી, ઇ વગેરે ડ્રાઇવ જોવા મળતી હોય) અને આપણે આપણો કામનો બધો ડેટા સી સિવાયની ડ્રાઇવમાં સેવ કરતા હોઈએ તો ઓપરેટિંગ સિસ્ટમનું ફોર્મેટિંગ એક સચોટ ઉપાય છે. તેનાથી ફક્ત સી ડ્રાઇવમાં રહેલા બધા પ્રોગ્રામ્સ અને ડેટા ભૂંસાય છે, પરંતુ બાકીની ડ્રાઇવમાંનો ડેટા સલામત રહે છે, ઉપરાંત, એન્જિનીયર સી ડ્રાઇવમાં રહેલા ડેટાનો બેકઅપ લઈ લેવાની કાળજી પણ લે છે. ફોર્મેટિંગ કરવાથી ઓપરેટિંગ સિસ્ટમના ઇન્સ્ટોલેશનમાં રહી ગયેલી કે નવી ઊભી થયેલી કોઈ પણ તકલીફ જડમૂળથી દૂર થાય છે.
તો હવે કોઈ તમને કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કરવાનું કે ઓપરેટિંગ સિસ્ટમનું ફોર્મેટિંગ કરવાનું સૂચન કરે તો તેને શંકાની નજરે જોશો નહીં!


