વર્ષોજૂની તારસેવાનો આખરે ભારતમાં પણ અંત આવી રહ્યો છે, કારણ છે આંખના પલકારામાં, આંગળીના હળવા ઇશારે અને લગભગ બિલકુલ મફતમાં સંદેશા આપલે કરી આપતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ!
આગળ શું વાંચશો?
- ફ્લેશબેકઃ ટેલિગ્રામ અને ટેલિગ્રામ ઉર્ફે તાર
- નજીકનો ભૂતકાળઃ ઈન્ટરનેટ પર ઈન્સ્ટન્ટ મેસેજિંગ
- લેટેસ્ટ ટ્રેન્ડઃ મોબાઈલ ઈન્સ્ટન્ટ મેસેજિંગ
એક સમયે તાકિદના સમાચાર મોકલવા માટે જે સૌથી ઝડપી રીત ગણાતી હતી તે ટેલિગ્રામ કે તારની સેવાનો આખરે મૃત્યુઘંટ વાગી ગયો. તમે આ વાંચતા હશો એ જ અરસામાં, ભારતમાં ટેલિગ્રામનો હવાલો સંભાળતી કંપની બીએસએનએલ ૧૫ જુલાઈ, ૨૦૧૩ના દિવસે છેલ્લો ટેલિગ્રામ મોકલીને આ ૧૬૩ વર્ષ જૂની સેવા પર પૂર્ણવિરામ મૂકશે (ટેલિગ્રામમાં દરેક વાક્યના અંતે પૂર્ણવિરામનું ચિહ્ન મૂકવાને બદલે કેપિટલમાં જઝઘઙ લખવામાં આવતું હતું!).
જોવાની વાત એ છે કે જેને કારણે ટેલિગ્રામના રામ રમી ગયા એ ઈ-મેઇલ પોતે હવે જૂનવાણી અને ધીમી ગતિની વાત લાગે એવા દિવસો આવી ગયા છે.
અત્યારે જમાનો ઇન્સ્ટન્ટ મેસેજિંગનો – વોટ્સએપ અને વીચેટ જેવી મોબાઇલ મેસેજિંગ સર્વિસીઝનો છે, જેને કારણે એસએમએસમાંથી ધીંગી કમાણી કરતી ટેલિકોમ કંપનીઓને તો ખતરાના રીંગટોન સંભાળાવા જ લાગ્યા છે, પણ ગૂગલ, એપલ અને ફેસબુસ જેવી જાયન્ટ ઇન્ટરનેટ કંપનીઓને પણ આંચકા લાગવા માંડયા છે!
આપણે જાણી લઈએ સંદેશવ્યવહારનો દૂરનો ભૂતકાળ, નજીકનો ભૂતકાળ અને વર્તમાન સમય, સાથે એ પણ જોઈએ કે ભવિષ્ય કેવું હશે!
ફ્લેશબેક : ટેલિગ્રાફ યાને ટેલિગ્રામ ઉર્ફે તાર
સમાચારોની ઝડપી આપલેની શરુઆત થઈ આજથી લગભગ પોણા બસો વર્ષ પહેલાં – ૧૮૪૪માં. એની પણ પહેલાં, ૧૮૩૨થી ૧૮૩૭ના અરસામાં (આજથી ૧૮૧ વર્ષ પહેલાં!) એ વર્ષે મે મહિનામાં અમેરિકન સંશોધક સેમ્યુઅલ ફીનલી બ્રીઝ મોર્સે ઘરે બનાવેલી બેટરી અને જૂની ઘડિયાળનાં ગિયર્સનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક ટેલિગ્રાફનું કામચલાઉ મોડેલ બનાવી લીધું હતું. મોર્સ ખરેખર તો પેઇન્ટર હતા અને લોકોનાં ચિત્રો બનાવવા માટે જાણીતા હતા, એમને ઇલેક્ક્ટ્રિસિટીની ખાસ જાણકારી નહોતી. ટેલિગ્રાફનાં મૂળ તો એથીય વધુ જૂનાં છે, છેક ૧૭૫૩માં (આજથી ૨૬૦ વર્ષ પહેલાં!) તારની મદદથી સંદેશા મોકલી શકાય એવો વિચાર વહેતો થયો હતો અને ૧૭૭૪માં તેનું પહેલું મશીન પણ બન્યું હતું, પણ ત્યારે એ પદ્ધતિ કશું ગજું કાઢી શકી નહીં કેમ કે તેમાં અંગ્રેજી એબીસીડીના ૨૬ અક્ષરો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ૨૬ તારની જરુર પડતી હતી!
અમેરિકન પેઇન્ટર સેમ્યુઅલ મોર્સે ૧૮૩૭માં ફક્ત એક તારથી ચાલતું સાધન વિક્સાવ્યું. ૧૮૪૨માં મોર્સે આખા અમેરિકામાં ટેલિગ્રાફના તાર ફેલાવવા માટે ૩૦,૦૦૦ ડોલર (આજના ૧,૭૪,૦૦૦ પિયા, ૧૭૧ વર્ષ પહેલાં!) ફાળવવા માટે અમેરિકન કોંગ્રેસને મનાવી લીધી (ટેલિગ્રાફ અને ટેલિગ્રાફ વચ્ચે તમને ગૂંચવણ થતી હોય તો આ રહ્યો ખુલાસો – ટેલિગ્રાફ ટેક્નોલોજી છે અને ટેલિગ્રામ તેનું પરિણામ છે!)
ટેલિગ્રાફનો ઝડપી સંદેશવ્યવહાર એટલી જ ઝડપથી લોકપ્રિય થવા લાગ્યો. ૧૮૬૧ સુધીમાં અમેરિકાના પૂર્વ-પશ્ચિમ બંને છેડા ટેલિગ્રાફથી કનેક્ટ થઈ ગયા હતા. ૧૮૭૦ સુધીમાં અમેરિકામાં આ પદ્ધતિથી ૩૦ લાખથી વધુ સંદેશા (એટલે કે ટેલિગ્રામ)ની આપલે થઈ ગઈ હતી.
એ જ અરસામાં, અમેરિકાના પશ્ચિમ દરિયાકાંઠે આવેલ ન્યૂફાઉન્ડલેન્ડ અને બ્રિટનના પશ્ચિમ કાંઠે આવેલ આયર્લેન્ડ વચ્ચે એટલાન્ટિક મહાસાગરમાં કેબલ પાથરવામાં આવ્યો અને આ બંને દેશ વચ્ચે તારની આપલે શરુ થઈ!
આજે જેમ Late માટે L8 કે What માટેWt લખવા જેવી, ઓછામાં ઓછા અક્ષરથી કામ ચલાવી લેતા એસએમએસ લખવાની નવી ભાષા વિકસી છે એમ જૂના જમાનામાં ટેલિગ્રામની આગવી ટૂંકી ભાષા પણ વિકસી હતી.
ટૂંકામાં ટૂંકો તાર મોકલવાનો કોઈ વિશ્ર્વ વિક્રમ હોત તો એ કદાચ આઇરિશ લેખક અને કવિ ઓસ્કર વાઇલ્ડના નામે નોંધાયો છે. તેમણે પોતાનું નવું પુસ્તક કેવુંક વેચાઈ રહ્યું છે તે જાણવા માટે પોતાના પ્રકાશકને તાર કર્યો, તેમાં ફક્ત આટલું લખ્યું હતું : ? જોકે તેમનો રેકોર્ડ લાંબું ટક્યો નહોત (કમ સે કમ ટાઇ થઈ હોત) કેમ કે તેમના પ્રકાશકે જવાબમાં જે તાર મોકલ્યો તેમાં ફક્ત આટલું લખ્યું હતું : !
૧૯મી સદીની શરૂઆતમાં ટેલિગ્રાફ-ટેલિગ્રામની લોકપ્રિયતા વધતી રહી. સૌને માટે ખુશીના સમાચારો મોકલવા અને વળતાં અભિનંદન મોકલવા માટે ટેલિગ્રામ સૌથી હાથવગું સાધન હતું.
બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જોકે ટેલિગ્રામનો જુદો ઉપયોગ થયો – યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારોને માઠા સમાચાર પહોંચાડવા માટે.
ત્યાર પછી ટેલિફોન, ઈ-મેઇલ અને મોબાઇલનો વ્યાપ વધતાંની સાથે ટેલિગ્રામનો ઉપયોગ સતત ઘટતો રહ્યો. બ્રિટને ૧૯૮૨માં તારસેવા પર પૂર્ણવિરામ મૂક્યું, અમેરિકાએ ૨૦૦૬માં વાત ટૂંકાવી અને હવે, ટેલિગ્રામનો આખી દુનિયામાં સૌથી મોટા પાયા પર ઉપયોગ કરતા રહેલા છેલ્લા દેશ, ભારતે પણ તારસેવા પર પડદો પાડી દેવાનો નિર્ણય કર્યો છે. સ્ટોપ!
નજીકનો ભૂતકાળ : ઇન્ટરનેટ પર ઇન્સ્ટન્ટ મેસેજિંગ
૧૮મી સદીના એ દિવસોની વાત પર પૂર્ણવિરામ મૂકીને હવે સીધા આવી જઈએ ૧૯૯૦ના દાયકામાં (જે અત્યારે તો ૧૮મી સદી જેટલી જ દૂરની વાત લાગે છેે!).
ઇન્ટરનેટની લોકપ્રિયતા વધી રહી હતી એ અરસામાં લોકોને એક નવી સુવિધા મળી – ચૅટરૂમ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આ સેવાથી, સમાન રસ ધરાવતા લોકો એક વર્ચ્યુઅલ રુમમાં એકઠા થઈ શકે અને લિખિત સંદેશાની આપલે કરી શકે એવી આ સુવિધા હતી. જોકે એમાં આપણે જે સંદેશો લખીએ એ ચેટરૂમમાં હાજર બીજા તમામ લોકો વાંચી શકે અને વાતમાં વચ્ચે ટપકી શકે!
નવેમ્બર ૧૯૯૬માં, ફક્ત બે વ્યક્તિ, ઇન્ટરનેટના માધ્યમથી ફટાફટ, તત્ક્ષણ સંદેશાની આપલે કરી શકે એવી સિસ્ટમ વિકસી, જેને નામ મળ્યું – ઇન્સ્ટન્ટ મેસેજિંગ! અત્યારે આખી દુનિયાને ઉપરતળે કરી રહેલી વાતચીતની આ નવી તરેહ ફક્ત ૧૭ વર્ષ જૂની છે એ દિમાગમાં ઝટ ઊતરે નહીં એવી વાત છે.
તો ૧૯૯૬માં ઇઝરાયેલની મિરાબિલિસ નામની એક કંપનીએ ‘આઇસીક્યુ’ (આઇ સીક યુ, હું તમારી સાથે વાત કરવા ઇચ્છું છું) એવું નામ ધરાવતી એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ યુટિલિટી લોન્ચ કરી હતી. ૧૯૯૭માં અમેરિકા ઓનલાઇન (એઓએલ) સર્વિસે તેને ખરીદી લીધી. અત્યારની મોટા ભાગની ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો પાયો આ આઈસીક્યુ સર્વિસ છે.
તેના પગલે માઇક્રોસોફ્ટની એમએસએન મેસેન્જર (હવે વિન્ડોઝ લાઇવ મેસેન્જર), યાહૂ મેસેન્જર વગેરે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ વિકસી, જે આખી દુનિયામાં અત્યંત લોકપ્રિય બની. છેવટે ગૂગલે પણ ઝંપલાવ્યું અને આપણને ગૂગલ ટોકની ભેટ મળી. ૨૦૦૬ સુધીમાં, ઓનલાઇન સક્રિય લોકોમાંથી અડધોઅડધ લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગનો ઉપયોગ કરતા હતા.
જોકે આ સેવાઓ મોટી મર્યાદા એ હતી કે તેનો વ્યાપ જે તે સર્વિસ સાથે જોડાયેલા લોકો પૂરતો જ હતો. એમએસએનમાંના એકાઉન્ટ ધરાવતા લોકો યાહૂમાં એકાઉન્ટ ધરાવતા લોકો સાથે કનેક્ટ થઈ ન શકે. એઓએલ કંપનીએ સૌથી પહેલાં પોતાના પ્લેટફોર્મ બહારના લોકોને પણ સાંકળી લેતી સેવા આપવાનું શરુ કર્યું ગૂગલને હરિફાઈ આપવા એમએસએન અને યાહૂએ પણ જોડાણ કર્યું. તે ઉપરાંત મીબો અને પીડજીન જેવી સર્વિસીઝની મદદથી કોઈ પણ એકાઉન્ટ ધરાવતા લોકો એકબીજા સાથે ઇન્સ્ટન્ટ મેસેજિંગ કરી શકે એવી સગવડ મળી.
સમય જતાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝમાં વાતચીત ઉપરાંત કમ્પ્યુટરમાંની ફાઇલ્સ, ફોટો વગેરેની આપલે ઉપરાંત, વીડિયો ચેટની સુવિધા પણ ઉમેરાઈ.
લેટેસ્ટ ટ્રેન્ડ : મોબાઇલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ
મેસેજિંગની આખી વાતમાં નવો વળાંક આવ્યો સેલફોન અને ત્યાર પછી સ્માર્ટફોનના આગમનથી.
એક તરફ ડેસ્કટોપ-લેપટોપ પર ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો હતો, પણ લોકોના હાથમાં સેલફોન આવતાં, ફોન કોલ ઉપરાંત શોર્ટ મેસેજિંગ સર્વિસ (એસએમએસ) નામે લોકોને ગમે ત્યારે, ગમે ત્યાંથી એકબીજાના સંપર્કમાં રહેવાની તક મળી. પરિણામે ઇન્ટરનેટ પર સીમિત રહેલી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝની લોકપ્રિયતામાં કામચલાઉ ઓટ આવી.
પરંતુ હવે તેમાં ફરી ઉછાળો આવ્યો છે – થેન્ક્સ ટુ સ્માર્ટફોન! હવે નેટ કનેક્શન પણ ‘ગમે ત્યાંથી, ગમે ત્યારે’ શક્ય બની ગયું છે અને લોકોએ એસએમએસ કરવા માટે ટેલિકોમ કંપનીઓનાં ભાડાં પેટે રૂપિયા (કે પૈસા!) ખર્ચવાની પણ જરૂર નથી રહી.
ઇન્ફોર્મ નામની એક વિશ્વવ્યાપી રિસર્ચ ફર્મના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૨માં લોકો રોજના ૧૭.૬ અબજ એસએમએસની આપલે કરતા હતા, તેની સાથે મોબાઇલ પરથી ઇન્ટરનેટ થકી થતા ઇન્સ્ટન્ટ મેસેજિસની સંખ્યા તેને પાછળ રાખીને રોજના ૧૯.૧ અબજના આંકડે પહોંચી ગઈ. હવે પોતાના મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ધરાવતા વધુ ને વધુ લોકો ચેટ એપ્સનો ઉપયોગ કરવા લાગ્યા હોવાથી, એવો અંદાજ છે આ વર્ષના અંત સુધીમાં, સાદા એસએમએસની સંખ્યા રોજના ૧૯.૫ અબજ જેટલી રહેશે, જ્યારે ચેટ એપ્સ મેસેજની સંખ્યા રોજના ૪૧ અબજે પહોંચી જશે!
તમારી પાસે સ્માર્ટફોન હોય તો એન્ડ્રોઇ, આઇઓએસ, વિન્ડોઝ કે બ્લેકબેરી જેવા પ્લેટફોર્મ પર ચાલે એવી અનેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીઝ ઉપલબ્ધ થઈ ગઈ છે.
‘વોટ્સએપ’, ‘સ્કાઇપ’, ‘વાઇબર’, ‘વીચેટ’, ‘નિમ્બઝ’, ‘ઇબડી’, ‘પિંચ’, ‘સેમસંગ ચેટઓન’ અને ‘લાઇન’ (જેની વાત આપણે સપ્ટેમ્બર ૨૦૧૨ના અંકમાં, જ્યારે અત્યારના હોટ ‘વોટ્સએપ’ને પણ લગભગ કોઈ ઓળખતું નહોતું ત્યારે કરી ગયા છીએ!) જેવી સર્વિસીઝને કારણે એસએમએસમાંથી ધીકતી કમાણી કરતી ટેલિકોમ કંપનીઓ ચિંતામાં ગરકાવ થઈ ગઈ છે. એટલું ઓછું હોય તેમ વોઇપ (વોઇસ ઓવર આઇપી – ઇન્ટરનેટ પરથી ફોનકોલ) જેવી સુવિધાથી લખેલા મેસેજ ઉપરાંત સીધી વાતચીત અને વીડિયો ચેટ શક્ય બનવા લાગી હોવાથી ટેલિકોમ કંપનીની કમાણીમાં મોટાં ગાબડાં પડવાની શક્યતા ઊભી થઈ છે.
જીમેઇલમાં એકાઉન્ટ ધરાવતા લોકો યાહૂના એડ્રેસ પર મેઇલ મોકલી શકે, એવી સગવડ હાલમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સમાં ઉપલબ્ધ નથી. પરિણામે જે એપ અમુક વિસ્તારમાં લોકપ્રિય હોય તેની લોકપ્રિયતા આપોઆપ વધતી રહે છે.
આ બધામાં, ખરું યુદ્ધ સાયબર મહાભારતના ત્રણ મહારથી ગૂગલ, એપલ અને ફેસબુક વચ્ચે ખેલાવાનું છે, કારણ કે આ ત્રણેય કંપની ઓનલાઇન લોકો પર સખ્ખત પકડ ધરાવે છે અને પોતાની બીજી અનેક સર્વિસીઝની સાથોસાથ એક સાથે મેઇલ, મેસેજિંગ અને વોઇસ કે વીડિયો ચેટિંગની સગવડ આપી શકે છે! અત્યારે હરીફાઇમાં ટકી રહેવા માટે ગૂગલે હેન્ગઆઉટ અને ફેસબુકે પોતાની મેસેન્જર સર્વિસ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.
અત્યારે આ ત્રણેય કંપનીઓ વોટ્સએપ કે વીચેટ જેવી અત્યારની સૌથી લોકપ્રિય એપ્સ કંપનીઓને ખરીદી લેવાની વેતરણમાં છે. તેમાં જે જીતે તે, આ તમામ કંપનીઓની હરીફાઇમાં અંતે લાભ તો આપણા જેવા એન્ડ યુઝર્સને જ છે!


