આપણી ઇચ્છા હોય કે ન હોય, ઇન્ટરનેટ પર આપણે અનેક લોકોને આપણું ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જીમેઈલની એક મજાની સુવિધા, આ રીતે એડ્રેસની વહેંચણી કર્યા પછીની વાત સહેલી બનાવી દે છે, આ રીતે…
આ લેખ અમદાવાદ નેશનલ બુકફેરના સ્ટોલમાં બેસીને લખાઈ રહ્યો છે એટલે ચારેતરફ પુસ્તકોનાં પાને કલાપી, ધૂમકેતુ જેવાં નામ જોઈને મન વિચારે ચઢે છે. આ સુંદર નામો વાંચીને કમને, ચૂંટણીનાં પ્રચાર બેનર્સમાં નામની પાછળ કૌંસમાં જોવા મળતાં ભોલો, બકો જેવાં નામ અને ત્યાંથી આગળ વધીને ફિલ્મ અને ક્રાઇમ ન્યૂઝમાં સાંભળવા મળતાં છપ્પન ટીકલી, કાલુ ગંજા જેવાં નામ પણ યાદ આવી જાય છે!
તખલ્લુસ કહો કે ઉપનામ કહો કે પછી ઉર્ફે કહો, આપણી ભાષામાં ઉપનામની બહુ મોટી રેન્જ જોવા મળે છે. સાહિત્યકારો કરતાં અંધારી આલમના પ્રતાપે આ રેન્જ સતત વિસ્તરતી પણ જાય છે, પણ હવે થેન્ક્સ ટુ જીમેઇલ, આપણા જેવા – સાહિત્યકાર કે તેનાથી સામેના છેડે રહેલા ગેન્ગસ્ટર – આ બંને કેટેગરીમાંથી કોઈમાં બંધબેસતા ન હોય તેવા લોકો પણ પોતાનાં તખલ્લુસ ઉર્ફે એલિયાસ રાખવાનો શોખ પૂરો કરી શકે છે, અલબત્ત,જીમેઇલની આઇડેન્ટિટી પૂરતો. મારો અને તમારો અનુભવ છે કે આપણે આપણી ઇમેઇલ આઇડીનો અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. ઓફિસના કામકાજ માટે, બેન્કનાં સ્ટેટમેન્ટ મેળવવા, મોબાઇલનાં બિલ મેળવવા, મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારનાં ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવવા, અલગ અલગ સાઇટના ન્યૂઝલેટર મેળવવા અને મિત્રોના મેઇલ્સ મેળવવા… આવાં એક કરતાં અનેક પ્રકારનાં કામો માટે આપણે આપણા ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરીએ છીએ.
આ બધાના કારણે બહુ બ્રોડલી વિચારીએ તો આપણા પર આવતા મેઇલ્સને (નકામાને બાદ કર્યા પછી) બે પ્રકારમાં વહેંચી શકાય – એકદમ કામના અને ખાસ કામના નહીં એવા મેઇલ્સ. આ બીજા પ્રકારના મેઇલ્સ આપણને એક તબક્કે કામના લાગતા હોય છે, જેમ કે કોઈ સાઇટના ન્યૂઝલેટર, એટલે તો આપણે એ સાઇટ પર આપણું ઇમેઇલ એડ્રેસ આપીને સાઇનઅપ કરીએ છીએ, પણ પછી વખત જતાં એ સાઇટ તરફથી આવતા મેઇલ્સ આપણને ખાસ કામના ન લાગે એવું બની શકેે છે.
હવે આ બંને પ્રકારના મેઇલ્સને આપણા મેઇલ ઇનબોક્સમાં મેનેજ કરવાના પણ પાછા બે રસ્તા છે – એક તો રીએક્શનરી, એટલે કે કોઈ મેઇલ આવે ત્યાર પછી આપણને તેને કોઈ ચોક્કસ લેબલ કે ટેગ લગાડીએ કે કોઈ ફોલ્ડરમાં મૂવ કરીએ. બીજો રસ્તો પ્રોએક્ટિવ છે, એટલે કે મેઇલ આવે તે પહેલાં તેને ફિલ્ટર કરવાની વ્યવસ્થા કરી લઈએ. જીમેઇલમાં સ્પામ કે સ્પેમ તરીકે ઓળખાતા મેઇલ્સ ફિલ્ટર કરવાની વ્યવસ્થા છે એ આ રીતની પ્રોએક્ટિવ વ્યવસ્થા જ છે.
તમે જો પ્રોએક્ટિવ એક્શન લેવામાં વિશ્ર્વાસ રાખતા હો તો જીમેઇલની એડ્રેસ એલિયાસ સર્વિસ બહુ કામની છે. તમને કદાચ ખ્યાલ હશે કે તમારું ઇમેઇલ એડ્રેસ ધારો કે cybersafar@gmail.com હોય તો cyber.safar@gmail.com કે પછી c.y.b.e.r.s.a.f.a.r@gmail.com જેવા એડ્રેસ પર મોકલાયેલા મેઇલ પણ તમારા જ ઇનબોક્સમાં આવી જાય છે. જીમેઇલનું ગણિત કદાચ એવું છે કે તમને મેઇલ મોકલવા માગતી વ્યક્તિ એડ્રેસમાં કંઈક ભૂલ કરે તો પણ તમારો મેઇલ તમને પહોંચવો જોઈએ. બીજું કારણ એ પણ છે કે જીમેઇલ એડ્રેસ આઇડીમાં ડોટને સમજતું જ નથી. આપણે આઇડીમાં ઉપયોગ કરીએ કે ન કરીએ, જીમેઇલને કોઈ ફરક પડતો નથી. તમારું ઇમેઇલ આઇડી yourname.surname@gmail.com એવું હોય તો yournamesurname@gmail.com યુઝરનેમ તરીકે આપીને તમારા જૂના પાસવર્ડથી જ લોગઇન થવાનો પ્રયાસ કરી જુઓ. તમે લોગઇન થઈ શકશો.
આ સગવડનો આપણે જુદી જુદી ઘણી રીતે લાભ લઈ શકીએ. નમૂના તરીકે, તમારા કામકામ સંધિત લોકોને yourname.surname@gmail.com એવું એડ્રેસ આપો અને મિત્રોને yournamesurname@gmail.com એવું એડ્રેસ આપી દો અને બંને પ્રકારના ઇમેઇલ્સ માટે ફિલ્ટર સેટ કરી દો તો તમારા કામકાજના અને મિત્રોના મેઇલ્સની ક્યારેય ભેળસેળ થશે નહીં.
આ જ સગવડ જીમેઇલ એલિયાસ સ્વરૂપે આગળ વિસ્તારવામાં આવી છે. તમે તમારા નામની પાછળ પ્લસ (+) નિશાની મૂકીને ત્યાર પછી ગમે તે અક્ષરો મૂકીને તમારું નવું ઇમેઇલ આઇડી બનાવી શકો છો. જીમેઇલની ભાષામાં તેને તમારું એલિયાસ એટલે કે ઉપનામ કહેવામાં આવે છે. જુદી જુદી સાઇટના ન્યૂઝલેટર્સ મેળવવા માટે આ સર્વિસ ખાસ કામ લાગે તેવી છે. ધારો કે તમે એક્સવાયઝેડ.કોમ સાઇટના ન્યૂઝલેટર મેળવવા માગતા હો તો તેને yourname.surname+xyz@gmail.com એવું ઇમેઇલ એડ્રેસ આપી એ સાઇટ પરથી આવતા મેઇલ્સને તમે સહેલાઈથી અલગ તારવી શકો છો.
આ કામ તમે ફિલ્ટર સેટ કરીને પણ પણ કરી શકો છો, પણ આવું એલિયાસ યુઝ કરવાનો એક ખાસ ફાયદો એ છે કે એ સાઇટ તમારું ઇમેઇલ આઇડી બીજી કોઈ કંપનીને વેચતી હોય અને એ ત્રાહિત કંપની તરફથી તમને ઇમેઇલ આવવાનું શરુ થાય તો તેને પણ ચેક કરીને અટકાવી શકો છો.
યાહૂમાં પણ આ પ્રકારના ડિસ્પોઝેબલ, વાપરીને ફેંકી દઈ શકાય એવા ઇમેઇલ આઇડીની વ્યવસ્થા છે.
જીમેઇલ હોય કે યાહૂ હોય કે આઉટલૂક, લગભગ તમામ વેબમેઇલ સર્વિસમાં આવી નાની નાની, પણ આપણો સમય બચાવતી, સગવડ વધારતી ઘણી બધી સગવડો હોય છે. શોધીએ તો મળી આવે!

