હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે.
આગળ શું વાંચશો?
- ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું
- કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ
માની લો કે ‘ખુશ્બુ ગુજરાત કી’ આખી દુનિયામાં પ્રસરી છે અને અમિતાભ બચ્ચનના ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ એવા આમંત્રણને માન આપીને એક યુરોપિયન કપલ ગુજરાતના પ્રવાસે આવ્યું છે અને અત્યારે અમદાવાદમાં સીદી સૈયદની જાળીની કોતરણી જોઈને અભિભૂત થઈ ગયું છે. હવે એમને જવું છે કાંકરિયા. ગુજરાતી કે હિન્દીનો તો સવાલ જ નથી, અંગ્રેજી પણ ભાંગ્યુંતૂટ્યું બોલી શકતું આ કપલ શું કરશે?
બે રસ્તા છે. આ કપલ કોઈને પૂછવાની પળોજણમાં પડ્યા વિના, લાલ-દરવાજેથી કાંકરિયા જતી લાલ સિટી બસના નંબર અને ટાઇમિંગ જાણશે, સીદી સૈયદની જાળીથી લાલ દરવાજા ટર્મિનસનો રસ્તો જાણશે, પોતાની રીતે બસ સ્ટેન્ડ સુધી પહોંચશે, બસમાં ચઢશે, વચ્ચે કયાં કયાં સ્ટોપ આવશે તે જાણશે અને ‘કાંકરિયાનું સ્ટોપ આવે તો અમને કહેજો’ એવી કોઈને ભલામણ કર્યા વિના જ્યારે કાંકરિયા આવી જશે ત્યારે બસમાંથી ઊતરી જશે અને ત્યારે એમને એ પણ ખબર હશે કે હવે તેમની ડાબી તરફ કાંકરિયાનો મેઇન ગેટ છે!
બીજો રસ્તો, રીક્ષા પકડવાનો છે. અમદાવાદી રીક્ષા ડ્રાઇવર તેમને લાંબું ચક્કર કાપીને કાંકરિયા લઈ જવાની પેરવી કરશે તો આ કપલ તેને ટપારશે અને ‘નાઉ લેફ્ટ’ કે ‘નાઉ રાઇટ’ વગેરે કહીને આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિરના રસ્તે મણીનગર જવાનો ટૂંકો રસ્તો રીક્ષા ડ્રાઇવરને કહેશે. એટલું જ નહીં, આસ્ટોડિયા પાસે અત્યારે ટ્રાફિક જામ હોવાનું કહી, બીજો શોર્ટકટ બતાવીને રીક્ષા ડ્રાઈવરને રીતસર ચક્કર લાવી દેશે!
હવે સીન-ટુ. તમે પહેલી જ વાર આવતા વેકેશનમાં પરિવાર સાથે જોધપુરના પ્રવાસે જવાના છો. આ બ્લુ સિટીની બજારમાં પ્રસિદ્ધ લહેરિયાં સાડીઓ ફંફોસવાનું પ્લાનિંગ થઈ ગયું છે અને સ્માર્ટલી તમે જાણી લીધું છે કે તમારી પહેલાં જોધપુરના પ્રવાસે ગયેલા તમારા મિત્ર પરિવારે કઈ સાડીની દુકાનને વખાણી હતી અને એ દુકાન સુધી તમે કેવી રીતે પહોંચી શકશો. આજુબાજુમાં તમારી બેન્કનું એટીએમ ક્યાં હશે એ પણ તમે જાણી લીધું છે. એટલું જ નહીં, બજારમાં પ્રવેશીને એ ચોક્કસ દુકાન તરફ જતાં રસ્તામાં ડાબી તરફની એક દુકાનમાં માટીની કૂલડીમાં કુદરતી મીઠાશવાળી લસ્સી મળે છે, એ વળી તમે બીજા કોઈ ગુજરાતી મિત્ર પાસેથી જાણી લીધું છે, જે અત્યારે સિડનીમાં બેઠા છે અને જેમને તમારા ટુર પ્લાનિંગની કોઈ ખબર જ નથી.
સીન-થ્રી. તમે બિઝનેસ ટુર પર ચાઇના જઈ રહ્યા છો, તમે હોંગકોંગમાં સ્ટોપ લઈને થોડું કામ પતાવ્યું અને હવે હોંગકોંગના ગામ જેવડા એરપોર્ટમાં ઘૂસીને શાંઘાઈ જતી ફ્લાઇટ પકડવાની છે. તમે એક છેડે ઇમીગ્રેશનની વિધિ પતાવીને બીજા છેડાના બોર્ડિંગ ગેટ સુધી પહોંચવા માટે, એરપોર્ટની અંદર ચાલતી ટ્રેન જેવી, ડ્રાઇવર-લેસ ઓટોમેટેડ પીપલ મૂવર સિસ્ટમમાં ચઢો છો. એરપોર્ટ સખ્ખત મોટું છે, પ્લેન સુધી પહોંચવા પાર વગરના બોર્ડિંગ ગેટ્સ છે, તમે અજાણ્યા છો, છતાં તમને એ વાતનું ટેન્શન નથી કે તમારી ફ્લાઇટ માટેના ગેટ સુધી કેવી રીતે, ઝડપથી પહોંચશો!
ઉપરની બધી જ કાલ્પનિક સ્થિતિઓમાં એક સમાનતા છે – મેપ્સનો સ્માર્ટ ઉપયોગ, સ્માર્ટફોન કે ટેબલેટમાં કે ડેસ્કટોપ-લેપટોપ પર. માંડ દસેક વર્ષ પહેલાં, નકશા એટલે કાગળ કે કાપડ પરનું ચિતરામણ એવી સાદી વ્યાખ્યા હતી. હવે નકશાની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે!
ગૂગલ, એપલ, નોકિયા વગેરે કંપનીઓએ પોતપોતાની રીતે દુનિયાભરના નકશાઓ બતાવતા પ્રોગ્રામ્સ તૈયાર કયર્િ છે અને ડેસ્કટોપ, સ્માર્ટફોન પર તેને ઉપલબ્ધ કરીને જાણે દુનિયાની ભૂગોળ અને નકશાના ઉપયોગની રીત જ બદલી નાખી છે.
નકશા બનાવવાનું વિજ્ઞાન કાર્ટોગ્રાફી તરીકે ઓળખાય છે. વિશ્ર્વમાં નકશા બનાવવાની શઆત ક્યારથી થઈ એ કહેવું મુશ્કેલ છે, પણ આ સદીઓ જૂની પ્રવૃત્તિ વહેતા સમય સાથે સતત વિકસતી રહી છે. પહેલાં કાગળ કે કાપડ પર હાથેથી તૈયાર થતા નકશા કમ્પાસ જેવા મેગ્નેટિક સાધનની શોધ સાથે વધુ ચોક્સાઈભર્યા બનતા ગયા. પ્રિન્ટિંગ ટેક્નોલોજી વિકસતાં નકશાનો પ્રસાર અને વ્યાપ પણ વધ્યો.
વીસમી સદીમાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીના વિકાસ સાથે કાર્ટોગ્રાફીમાં પણ ધરમૂળથી પરિવર્તનો આવ્યાં. કમ્પ્યુટર એઇડેડ ડિઝાઇન (સીએડી), જ્યોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) અને મેપ મેકિંગ માટેનાં ખાસ સોફ્ટવેરના વિકાસ સાથે આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થવા લાગી.
પાછલાં ૧૦-૧૫ વર્ષમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી આધારિત, ડિજિટલ મેપ્સ તૈયાર થવાં લાગતાં આ ક્ષેત્રની સંભાવનાઓ જ બદલાઈ ગઈ. હવે મેપ તત્ક્ષણ અપડેટ થઈ શકે છે, હવે એક જ મેપ પર અલગ અલગ પ્રકારનાં લેયર ઉમેરીને વિવિધ પ્રકારની માહિતીને એકમેક સાથે સાંકળવાનું શક્ય બન્યું. સેટેલાઇટ દ્વારા લેવાયેલી તસવીરો અને સ્ટ્રીટ લેવલ પરની માહિતીને પરસ્પર સાંકળવાનું શક્ય બન્યું. આખા વિશ્વના સમગ્ર વિસ્તારના નકશાઓને એકબીજા સાથે જોડી દેવાનું પણ શક્ય બન્યું. આ બધાના પરિણામે વિશ્ર્વભરની માહિતી નકશાના સંદર્ભમાં જોવાનું શક્ય બન્યું.
ફક્ત એક સાદું ઉદાહરણ લઈએ તો ગૂગલ મેપમાં આપણે વિકિપીડિયાનું લેયર ઓપન રાખીને ગુજરાતનો નકશો જોઈએ તો નકશા પરનાં જે જે સ્થળો વિશે વિકિપીડિયા પર લેખ ઉપલબ્ધ હશે તેની લિંક આપણને નકશા પર જોવા મળે છે! ફક્ત એક ક્લિક કરતાં આપણે એ લેખમાં ઊંડા ઊતરી શકીએ છીએ અને લેયર બંધ કરતાં નકશો ફરી કોરોકટ બની જાય છે! ગૂગલ મેપ્સ પૃથ્વીની સપાટીથી આગળ વધીને આકાશ અને ચંદ્ર સુધી પહોંચ્યા છે, એરપોર્ટ, મોલ વગેરે મોટી ઇમારતોની અંદરના નકશા હવે ઉપલબ્ધ થવા લાગ્યા છે, તેમ મોટાં શહેરોની ભૂગર્ભમાં થયેલ કેબલિંગ કે ગટરલાઇનના નકશા પણ ડિજિટલ થવા લાગ્યા છે.
આ આખી વાતમાં મજાનો મુદ્દો એ છે કે આ પરિવર્તનો માત્ર સંશોધકો કે પ્રયોગશાળાઓ પૂરતાં સીમિત નથી. આપણે – એન્ડ યુઝર્સ – તેનો સીધો લાભ ઊઠાવી શકીએ છે, બિલકુલ હાથવગા બનેલા નકશાથી! આ અંકમાં ગૂગલ મેપ્સનો વિગતવાર પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે.
ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું
- ગૂગલ મેપ્સમાં ધ્રુવ પ્રદેશના વિસ્તારો જોઈ શકાતા નથી. ગૂગલ અર્થમાં આ શક્ય છે.
- ગૂગલ મેપ્સ પર જે સેટેલાઇટ ઇમેજીસ જોવા મળે છે તેમાંની ઘણી પાંચેક વર્ષ જેટલી જૂની હોઈ શકે છે. દરેક વિસ્તારની ઇમેજ એક સરખી સ્પષ્ટતાવાળી હોતી નથી. એમાંની કેટલીક ઇમેસીજ પ્લેનમાંથી કરાયેલી એરિયલ ફોટોગ્રાફી પણ હોય છે.
- વિવિધ દેશોએ સલામતીના પ્રશ્ર્નો ઊઠાવ્યા પછી, ગૂગલે મેપના કેટલાક વિસ્તાર તદ્દન ધૂંધળા કરી દીધા છે.
- ગૂગલ મેપ્સ એન્ડ્રોઇડ ઉપરાંત આઇઓએસ, પ્લેસ્ટેશન વિટા, વિન્ડોઝ મોબાઇલ, સિમ્બાયન ઓએસ, બ્લેકબેરી ઓએસ વગેરેમાં પણ ઉપલબ્ધ છે.
- જૂન ૨૦૧૨માં એપલે આઇઓએસમાં ગૂગલ મેપ્સને બદલે પોતાની મેપિંગ સર્વિસ ઉપલબ્ધ કરી, જે તેની ખામીઓને લીધે અત્યંત ટીકાપાત્ર બની હતી. ડિસેમ્બર ૨૦૧૨માં એપલ એપ સ્ટોરમાં ગૂગલ મેપ્સ ઉપલબ્ધ થયા પછી ગણતરીના કલાકોમાં તે ટોપ ફ્રી એપ બની ગઈ હતી.
કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ
- ૨૦૦૪ : ઓક્ટોબરમાં ગૂગલે ‘વ્હેરટુ’ અને ‘કીહોલ’ નામે ડિજિટલ નકશાઓ માટે કામ કરતી બે કંપની હસ્તગત કરી.
- ૨૦૦૫ : ફેબ્રુઆરીમાં ગૂગલ મેપ્સની શઆત થઈ. ગૂગલ મેપ્સની એપીઆઇ રીલીઝ થઈ, જેની મદદથી અનેક ડેવલપર્સને ગૂગલ મેપની મદદથી વિવિધ પ્રકારના નકશાઓ તૈયાર કરવાની સગવડ મળી. જૂનમાં ગૂગલ અર્થ પ્રોગ્રામ લોન્ચ થયો. ઓક્ટોબર મહિનામાં મોબાઇલ માટે મેપ્સ લોન્ચ થયા.
- ૨૦૦૬ : એપ્રિલમાં ગૂગલ અર્થ માટે જે સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ થતો હતો તેને જ ગૂગલ મેપ્સ માટે ઉપયોગમાં લેવાની શઆત થઈ. જૂનમાં ગૂગલ અર્થમાં વિવિધ શહેરોનાં આબેહૂબ ૩ડી બિલ્ડિંગ મોડેલ્સ ઉમેરાયાં. જુલાઈમાં મોબાઇલ પર લાઇવ ટ્રાફિકની સુવિધા ઉમેરાઈ.
- ૨૦૦૭ : એપ્રિલમાં આપણે પોતાના મેપ સેવ/શેર કરી શકીએ એવી સગવડ મળી. મે મહિનામાં ૩૬૦ ડીગ્રીના સ્ટ્રીટ વ્યૂ રીલીઝ થયા. ઓક્ટોબરમાં ગૂગલ ટ્રાન્ઝિટની સગવડ સાથે, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજ, સ્ટેશનની માહિતી, બસ-ટ્રેનના સમય વગેરે જાણવાની સગવડ મળી.
- ૨૦૦૮ : જુલાઈમાં, એક સ્થળથી બીજા સ્થળ પર ચાલતા જવું હોય તો ટૂંકા રસ્તાઓ જાણવાની સગવડ મળી. મેપ મેકર સર્વિસ ઉમેરાઈ. ઓક્ટોબરમાં એન્ડ્રોઈ માટે ગૂગલ મેપ્સ લોન્ચ થયા.
- ૨૦૦૯ : એન્ડ્રોઇડ સ્માર્ટફોન ધરાવતા કારચાલકને દરેકે દરેક વળાંકની જાણ કરે એવી નેવિગેશનની સગવડ શ થઈ.
- ૨૦૧૦ : માર્ચ મહિનામાં સાયકલિસ્ટ્સ માટે બાઇકિંગ ડિરેક્શન બતાવતી સગવડ શ થઈ. જુલાઈમાં, શહેરોના ૪૫ ડીગીના એન્ગલથી બર્ડ-વ્યૂ જોવાની સગવડ ઉમેરાઈ.
- ૨૦૧૧ : એન્ડ્રોઇડ પર ઇન્ડોર મેપ્સ ઉમેરાયા. ગૂગલ અર્થ ડાઉનલોડની સંખ્યા ૧ અબજના આંકડે પહોંચી.
- ૨૦૧૨ : ગૂગલ-પ્લસ લોકલ સુવિધા ઉમેરાઈ, જેનાથી મેપ્સમાં વિવિધ સ્થાનિક સ્થળોની માહિતી મળવાની શઆત થઈ.


