પીસી કે લેપટોપ પરની બ્રાઉઝર વોર હવે મોબાઇલ અને ટેબલેટના સ્ક્રીન પર પણ આવી પહોંચી છે. આ બંને મોરચે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. બંનેનાં નવાં નવાં વર્ઝન અત્યંત ઝડપથી આવી રહ્યાં છે.
આપણે પહેલાં વાત કરીએ મોઝિલા ફાયરફોક્સના એન્ડ્રોઇડ માટેના બ્રાઉઝરની. છ-આઠ મહિના કે તેથી પણ અગાઉ, દસથી પંદર હજાર રુપિયા ખર્ચીને સ્માર્ટફોન ખરીદનારા લોકોનો અનુભવ હશે કે તેમના ફોનમાં એન્ડ્રોઇડનું ૨.૩ જેવું જૂનું વર્ઝન, અત્યંત ઓછી ઇન્ટર્નલ સ્ટોરેજ કેપેસિટી અને એટલી જ ઓછી રેમને કારણે આટલા ટૂંકા સમયમાં તેમનો ફોન આઉટડેટેડ થઈ ગયો છે! એન્ડ્રોઇડના નવા ૪.૧ કે ૪.૨ વર્ઝનની નવી ખૂબીઓનો લાભ ન મળે અને ઓછી રેમ કે સ્ટોરેજ કેપેસિટીને કારણે એસડી કાર્ડને બદલે ફક્ત ફોનમાં ઇન્સ્ટોલ થઈ શકતી સંખ્યાબંધ એપ્સનો પણ લાભ લઈ શકાતો નથી.
ગૂગલ ક્રોમનું મોબાઇલ વર્ઝન એન્ડ્રોઇડ ૪.૦ કે ત્યાર પછીના વર્ઝનમાં ચાલે છે. ઓપેરા, ઓપેરા મિની, યુસી બ્રાઉઝર, મેક્સથોન વગેરે બીજાં સંખ્યાબંધ બ્રાઉઝર ઉપરાંત, ફોનમાં બાય ડિફોલ્ટ આવતા બ્રાઉઝરનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ દરેકમાં કંઈક ને કંઈ જમા-ઉધાર પાસાં હોય છે. કોઈમાં ટેક્સ્ટ સ્ક્રીન મુજબ એડજસ્ટ ન થાય, કોઈમાં ગુજરાતી ફોન્ટ દેખાય નહીં, કોઈમાં ફ્લેશ ન ચાલે (પરિણામે ‘સાયબરસફર’નું ઓનલાઇન વર્ઝન જોઈ ન શકાય!).
આ બધી તકલીફોનો હવે મોટા ભાગના લોકો માટે અંત આવી જવાની શક્યતા છે, કેમ કે મોઝિલા ફાયરફોક્સનું લેટેસ્ટ વર્ઝન, તેની બધી ખૂબીઓ સાથે એન્ડ્રોઇડ ૨.૨ અને ત્યાર પછીનું કોઈ પણ વર્ઝન ધરાવતા મોબાઇલમાં ચાલે છે. અલબત્ત, તેને ૨૪ એમબી ઇન્ટર્નલ સ્ટોરેજ અને ૩૮૪ એમબી રેમની જરૂર પડે છે. જો આટલું તમારા ફોનમાં હોય તો ફોનમાં મસ્ત વેબ બ્રાઉઝિંગની મજા તમે માણી શકશો એ નક્કી!
સ્માર્ટફોનમાં એચટીસી, એલજી, મોટોરોલા, એલજી, સોની વગેરેનાં અનેક મોડેલ અને ટેબલેટમાં એસર, એસસ, ડેલ, એચટીસી, સેમસંગ, સોની, ટોશિબા વગેરેનાં મોડેલ્સમાં ફાયરફોક્સ ચાલશે. આ કારણે હવે લગભગ પાંચ કરોડ જેટલા વધુ મોબાઇલમાં ફાયરફોક્સના બ્રાઉઝરની સવલત મળવાનો અંદાજ છે.
તમારા સ્માર્ટફોનમાં ફાયરફોક્સ ચાલશે કે નહીં એ જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તેને ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરો અથવા આ લિંક પરની યાદી તપાસી જુઓ : http://www.mozilla.org/en-US/firefox/mobile/platforms/
પીસી માટેના નવા વર્ઝનમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ માટે વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે. હવે આપણે ફાયરફોક્સમાં બ્રાઉઝિંગ કરી રહ્યા હોઈએ ત્યારે, તેને બંધ કર્યા વિના, નવી વિન્ડો ઓપન કરીને તેમાં પ્રાઇવેટ બ્રાઉઝિંગ કરી શકીએ છીએ, એટલે કે આ નવી વિન્ડોમાં જે કોઈ સાઇટ્સ જોવામાં આવે તેની હિસ્ટ્રી નોંધવામાં આવતી નથી, જ્યારે અગાઉની ઓપન કરેલી સામાન્ય વિન્ડોમાં થતું બ્રાઉઝિંગ સતત રેકોર્ડ કરવામાં આવે છે.
નવા વર્ઝનમાં ડાઉનલોડ મેનેજરને સફારી બ્રાઉઝરની જેમ ફાયરફોક્સના ટૂલબારમાં ઉમેરી દેવાયું છે, જેથી આપણે કોઈ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા હોઈએ તો તેનો પ્રોગ્રેસ જોવા માટે કે ડાઉનલોડ થયેલી ફાઇલને લોકેટ કરવા માટે નવી વિન્ડોમાં જવાની જરુર રહેતી નથી.

