આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી તરીકે ઓળખાઈએ છીએ. દુનિયાના લગભગ દરેક ખૂણે ત્યાં જ સ્થિર થયેલો ગુજરાતી પરિવાર મળી આવે. તેમ ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં દુનિયાભરનાં પ્રવાસસ્થળો ગુજરાતીઓથી ઉભરાઈ ઊઠે.
છતાં, આખી દુનિયા ફરી વળવાનું સૌ કોઈ માટે શક્ય નથી. કદાચ શક્ય બને તો પણ, આ બધાં સ્થળોને પંખીની નજરે, અલગ અલગ એંગલથી જોવાનું તો કેવી રીતે બને?
આ અંકની કવરસ્ટોરી આ અસંભવ લાગતી વાત સંભવ બનાવે છે. દુનિયાનાં સૌથી સુંદર કુદરતી કે માનવસર્જિત સ્થળોનો આપણે ઘેરબેઠાં પ્રવાસ ખેડી શકીએ છીએ. આ સ્થળોની જાતમુલાકાત જેમ જુદો જ અનુભવ આપી શકે, તેમ આ વર્ચ્યુઅલ ટુર પણ બિલકુલ જુદી અનુભૂતિ કરાવે છે.
આ અંકમાં બીજા બે લેખ પણ અલગ ચીલો ચાતરે છે. ક્રિયેટિવિટી વિભાગમાં, ફોટોગ્રાફને પેન્સ્લિ સ્કેચમાં ફેરવવાની કમાલ શીખવવામાં આવી છે. ફોટોગ્રાફી તમારા શોખનો વિષય હોય અને લીધેલા ફોટોગ્રાફને કંઈક જુદા સ્વરુપમાં ફેરવવાનું તમને ગમતું હોય તો ફોટોશોપ પ્રોગ્રામ તમને અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. આ અંક લેખ તેના ફક્ત એક પાસાનો પરિચય કરાવે છે.
એ જ રીતે, આઇ.ટી. ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને મા-બાપને એક સવાલ સૌથી વધુ મૂંઝવતો હોય છે – આઇ.ટી.માં કઈ લાઇન લેવી? આઇ.ટી.માં પ્રોગ્રામિંગ ઉપરાંત પણ ઘણાં બધાં ક્ષેત્રો છે અને એ દરેકમાં વિપુલ તકો છે. આ અંકમાં આવા એક ક્ષેત્રનો પરિચય કરાવ્યો છે.
આ બંને લેખ જે તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા લખાયેલા છે. આનંદ એ વાતનો છે કે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આ રીતે આપણી સફરમાં જોડાઈ રહ્યા છે. પોતપોતાના ક્ષેત્રમાં ઘણા આગળ વધ્યા પછી, પોતાનો અનુભવ અને આવડત બીજા સાથે વહેંચવાની અને બીજાને મદદરુપ થવાની તેમની ભાવના ખરેખર પ્રશંસનીય છે.
– હિમાંશુ
