હરનીતસિંહ સીતલ, (બાબરિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, વડોદરા)
ગૂગલના ટેલિફોનિક ઇન્ટરવ્યૂની તૈયારી કરવા મેં કેટલાક સારા બ્લોગ સર્ફ કર્યા મને કેવા સવાલો પૂછાઈ શકે એની એક યાદી બનાવી. ગૂગલ ટીમ સાથેના ઇન્ટરએક્શન દરમિયાન મારે ફોકસ કરવા જોઈએ એવા કેટલાક મુદ્દાઓ પણ મેં નોંધી રાખ્યા. મારા પિતાના મિત્ર ભારતના એક અગ્રગણ્ય ઓર્ગેનાઇઝેશનની રીક્રુટમેન્ટ ટીમના સભ્ય છે. મેં તેમની સાથે પણ ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ કરી. આ મોક ઇન્ટરવ્યૂ મારા માટે પ્રેક્ટિસ મેચ જેવો રહ્યો અને મને ખબર પડી કે ખરેખરા ઇન્ટરવ્યૂમાં હું કેવી રીતે વધુ આત્મવિશ્વાસ દાખવી શકું.
છેવટે મે મહિનાની ૩૦મી તારીખે, બપોરે ૧૨.૩૦ વાગ્યે મારો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ શરુ થયો. હું બીજા રાઉન્ડમાં જઈ શકીશ કે પછી જીવનમાં એક જ વાર મળે એવી આ તક ગુમાવી બેસીશ, એનો બધો આધાર આ ઇન્ટરવ્યૂ પર હતો. પહેલો સવાલ તો સૌથી જાણીતો સવાલ હતો “તમારી ઓળખ આપો. મારા વિશે મારાથી વધુ કોણ જાણી શકે? મારે નમ્રતાથી, પણ પૂરા વિશ્વાસથી મારી જાત અને મારી આવડતો બતાવવાની હતી. પછી પૂછવામાં આવ્યું કે “હું જીએસએ કેમ બનવા માગું છું અને મારી પ્રેરણા કઈ હતી? આ પ્રશ્નની મેં પહેલેથી પૂરી તૈયારી કરી રાખી હતી. ખચકાયા વિના મેં જવાબ આપ્યો. પછી અડધા કલાક સુધી સામે છેડેથી પ્રશ્નો પૂછાતા ગયા અને આ છેડેથી હું જવાબો આપતો ગયો. છેલ્લે ઇન્ટરવ્યૂ લેનારે મારે કંઈ પૂછવું હોય તો એની પણ તક આપી. મેં એમનો આભાર માન્યો, ખાસ તો એટલા માટે કે મારી જિંદગીના આ પહેલા ઇન્ટરવ્યૂમાં એમણે મને નર્વસ ન થવા દીધો અને મારે માટે આ એક ખરેખર વન્ડરફૂલ ઇન્ટરવ્યૂ રહ્યો!
મારા ચોથા સેમેસ્ટરની પરીક્ષાની હું તૈયારી કરતો હતો ત્યારે મારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, ને સામે છેડેથી શબ્દો સંભળાયા “ધીસ ઇસ દીપક શ્રીધર, હેડ, જીએસએ પ્રોગ્રામ, ઇન્ડિયા… એક સાથે હજારો વિચારો મારા મનમાં દોડી ગયા, આખા પ્રોગ્રામના હેડ મને શા માટે ફોન કરે? હું સિલેક્ટ થઈ ગયો? કે કંઈ ખોટું થયું? જોકે ત્યાં એમણે મને કહ્યું કે તેઓ મને થોડા સવાલો પૂછવા માગે છે, જો મને સમય હોય તો. હું માઇક્રોસોફ્ટનો સ્ટુડન્ટ પાર્ટનર પણ છું, એટલે એમણે મને પૂછ્યું હું જીએસએ તરીકે સિલેક્ટ થાઉં તો બંને માટે કેવી રીતે સમય ફાળવીશ અને એવા બીજા સવાલો. વાતચીત દરમિયાન દીપક સરે જે નમ્રતા, સજ્જનતા અને નિખાલસતાથી વાત કરી એનાથી હું ખરેખર પ્રભાવિત થઈ ગયો. ગૂગલમાં ‘લર્ન એન્ડ અર્ન વીથ ફન’નું જે કલ્ચર છે એ એમનામાં પૂરેપૂરું છલકાતું હતું.
છેવટે ૧ જુલાઈની સાંજે મારા ઇનબોક્સમાં એક મેઇલ આવ્યો અને હું બન્યો ‘જીએસએ હરનીતસિંહ સીતલ’. હું રીતસર પાગલ થઈ ગયો! મેં મારી જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂ ક્રેક કર્યો હતો અને એ પણ ગૂગલનો, જ્યાં સૌ કોઈ ઇચ્છે છે કે એ એમની જિંદગીનો છેલ્લો ઇન્ટરવ્યૂ જ હોય!
સાચું કહું તો અભ્યાસ ઉપરાંતની મારી પ્રવૃત્તિઓએ મને ખૂબ મદદ કરી. મેં આગળ કહ્યું તેમ અત્યારે હું માઇક્રોસોફ્ટનો સ્ટુડન્ટ એમ્બેસેડર પણ છું. મેં નોકિયા, બ્લેકબેરી, વિન્ડોઝ ફોન અને વિન્ડોઝ ૮ માટે ૩૦ મોબાઇલ એપ્લિકેશન્સ પણ બનાવી છે. મારી કોલેજમાં એક ટેક્નોલોજી ક્લબ બનાવવાની પહેલ પણ મેં કરી છે. મેં વિવિધ ટેક્નિકલ સેશન્સ અને વર્કશોપનું પણ કોઓર્ડિનેશન કર્યું છે.
આ બધા ઉપરાંત મારા પેરેન્ટ્સ ખાસ તો પપ્પા તરફથી અભ્યાસ ઉપરાંતની પ્રવૃત્તિઓ માટે સતત પ્રોત્સાહન મળ્યું. ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં કંઈ પણ નવી વાત પ્રિન્ટ મીડિયા કે ઇન્ટરનેટ પર આવે એટલે તરત પપ્પા મારી સાથે શેર કરે. હું કોઈ વાતમાં અટકું તો મારા મોટા ભાઈની મદદ મળે. મારી કોલેજના ફેકલ્ટીઝ અને અમારા હેડ ઓફ ડીપાર્ટમેન્ટ શ્રી સૌરભ શાહનો સતત ટેકો મળ્યો.
સૌ વિદ્યાર્થીઓ મિત્રોને હું એ કહીશ કે તમારા રસના વિષયની નવી જાણકારીઓ મેળવવા માટે સોશિયલ નેટવર્ક સૌથી સારું મીડિયમ છે. ફેસબુકનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો એ નોલેજનો સરસ સોર્સ છે. ટવીટરનો રોજેરોજ ઉપયોગ કરો. એ સિવાય ઇન્ટરનેટ સર્ફ કરતા રહો, ફોરમ્સમાં જોડાઓ અને ઓનલાઇન મેગેઝિન્સ વાંચતા રહો.
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની દરેક સ્પધર્મિાં તમારું જ્ઞાન અને અનુભવ જ તમને સફળતા અપાવશે. આપણને નોકરી આપનારા લોકો એ જ જોશે કે તમારામાં બીજા કરતાં વિશેષ શું છે? ડાન્સિંગ, પ્લેઇંગ કે સિંગિંગ જેવા નોન-ટેકનિકલ શોખ પણ જાળવી રાખજો, જીવનમાં એ સૌથી વધુ કામ લાગશે.
ગૂગલનું લક્ષ્ય આ વિશ્વમાંના આઠ અબજ લોકો સુધી પહોંચીને તેમને ઇન્ટરનેટનો ઉપયોગ શીખવવાનું છે. જીએસએ તરીકે મને લીડરશીપ અને ક્રિયેટિવ સ્કિલ્સ શીખવા મળશે એ જીવનમાં સતત કામ લાગશે. મારી પ્રેઝન્ટેશન અને નેટવર્કિંગ સ્કિલ્સ પણ મને મારા વિચારો આખી દુનિયા સાથે શેર કરવામાં મદદપ થશે. હું ગૂગલની પ્રોડક્ટ્સ વિશે વધુ જાણીશ અને મારો હેન્ડઝ-ઓન એક્સપીરીયન્સ મારા રેઝ્યુમમાં એક એડવાન્ટેજ બનશે!
મારા મતે…
મારો અનુભવ છે કે ગુજરાતી માધ્યમમાં સ્કૂલિંગ કરનારા વિદ્યાર્થીઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જેટલું જ જ્ઞાન ધરાવે છે. એમને માટે હું આ સૂચનો કરીશ…
- ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ જુઓ.
- ઇંગ્લિશ અખબારો વાંચો.
- ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથેની ઇંગ્લિશ મૂવીઝ જુઓ. શરુઆતમાં તકલીફ પડશે, પણ પછી સમજાતું જશે.
- ઇંગ્લિશ ગીતો સાંભળો. તેના શબ્દો લખવાનો પ્રયત્ન કરો. પછી ઓનલાઇન એ જ ગીતના શબ્દો શોધીને તેની સાથે સરખાવી જુઓ.
- ઇંગ્લિશ નવલકથાઓ વાંચો.
- અરીસામાં જોઈને ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરો.
- મિત્રો અને પેરેન્ટ્સ સાથે ઇંગ્લિશમાં વાત કરો. શરુઆતમાં મિત્રો હસશે, પણ તમારી પ્રગતિ જોઈને પછી એ પણ જોડાઈ જશે.

