આ વિશાળ બ્રહ્માંડમાં પૃથ્વીની જેમ બીજા કોઈ ગ્રહ પર જીવન હશે? આ પ્રશ્ન સાથે એક જ ગ્રહનું નામ દિમાગમાં ઝબકે છે – મંગળ, માર્સ!

વિશ્વના ઘણા દેશોના વિજ્ઞાનીઓ આ પ્રશ્નનો ઉત્તર મેળવવા મથતા હશે, પણ અમેરિકન સંસ્થા નાસા તેના આ પ્રયાસો અને તે દરમિયાન મળેલી જાણકારી સામાન્ય નાગરિક સમજી શકે એવી ભાષામાં અને રસ પડે એવી રીતે રજૂ પણ કરે છે. નાસાએ આ માટે એક વિશેષ વેબસાઇટ તૈયાર કરી છે.
આ સાઇટ પર જણાવ્યું છે તેમ, મંગળ પર પાણી હોવાની સંભાવના એ મંગળ પરનાં સંશોધનોની સૌથી મહત્ત્વની કડી છે. વૈજ્ઞાનિકો માને છે કે જેમ પૃથ્વી પર જળ છે તો જીવન છે તેમ, મંગળ પર પાણી એક સમયે પાણી હશે કે અત્યારે પણ હશે તો ત્યાં જીવન શક્ય હોઈ શકે છે. આથી મંગળ વિશેનાં બધાં સંશોધનોમાં કેન્દ્રસ્થાને પાણીની શોધ છે, ત્યાર પછી મંગળ પર વસવાટ થઈ શકે કે નહીં, ત્યાં જીવન શક્ય છે કે નહીં વગેરે બાબતો તપાસવામાં આવી રહી છે.
આ સાઇટ પર આ બધાં પાસાંની રસપ્રદ માહિતી છે. ‘ઓલ એબાઉટ માર્સ’ વિભાગમાં મંગળ વિશે અત્યાર સુધીમાં માણસ જે કંઈ જાણી શક્યો છે તે સરળ રીતે સમજાવવામાં આવ્યું છે. મલ્ટિમીડિયા વિભાગમાં મંગળની તસવીરો, વીડિયો, મંગળની ૩ડી ઇમેજીસ વગેરે સમાવી લેવાયાં છે.
મલ્ટિમીડિયા વિભાગના મેનુમાં ‘ઇન્ટરએક્ટિવ’ પર ક્લિક કરશો તો એક જુદો અનુભવ માણી શકશો. ઓગસ્ટ, ૨૦૧૨માં મંગળ પર પહોંચેલા નાસાના રોબોટ ક્યુરિયોસિટી રોવરે જે તસવીરો લીધી છે, તેને એકમેક સાથે સાંકળીને લગભગ ૧ અબજ પિક્સેલનો પેનોરમિક અને સિલિન્ડ્રીકલ વ્યૂ અહીં આપવામાં આવ્યો છે, જેની મદદથી આપણે મંગળનાં બહુ નિકટ દર્શન કરી શકીએ છીએ! (આ વ્યૂ માણવા તમારા કમ્પ્યુટરમાં સિલ્વરલાઇટ નામનો એક નાનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાનો થશે).
તમને ક્યુરિયોસિટી મિશન વિશે વધુ જાણવાની જિજ્ઞાસા હોય તો બીબીસીની સાઇટ પરનો સ્લાઇડશો પણ ગમશે!

