(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિન્ડોઝમાં ફોલ્ડરની સાઇઝ જાણો, એક સાથે!

કમ્પ્યુટરમાં કયું ફોલ્ડર કેટલી જગા રોકે છે એ જાણવાનો એક સહેલો રસ્તો જાણી લો…

તમે કમ્પ્યુટરમાં આવી સ્થિતિનો ઘણી વાર સામનો કર્યો હશે, હાર્ડડિસ્ક ફૂલ થઈ રહી હોવાનો મેસેજ મળે, તમે માય કમ્પ્યુટરમાં જઈને જુદાં જુદાં ફોલ્ડર, તેમાંનાં સબ-ફોલ્ડર્સ અને વળી તેમાં ઠાંસીને ભરેલી જુદી જુદી ફાઇલ્સ ફંફોસી જુઓ, પણ ડ્રાઇવમાં આ બધું એટલું બધું છૂટુંછવાયું ને ખૂણેખાંચરે ધરબાયેલું પડેલું હોય કે એક્ઝેક્ટલી કયું ફોલ્ડર ડ્રાઇવ પર કેટલી સ્પેસ રોકી રહ્યું છે તેનો પાકો અંદાજ મળે જ નહીં.

આમ થવાનું એક કારણ, આપણું ગરબડીયું ફાઇલ મેનેજમેન્ટ હોઈ શકે, આપણે ચોક્કસ પેટર્ન અનુસાર, યોગ્ય રીતે ફાઇલ્સ અને ફોલ્ડર્સ ગોઠવ્યાં ન હોય તો કામના ટેબલની જેમ કમ્પ્યુટરની ડિસ્ક પર પર ઘણી બધી બાબતોનો ઢગ ખડકાતો રહે.

કામના ટેબલમાં એટલી તો નિરાંત કે બધું આપણું નજર સામે જ હોય, ટેબલના કયા ખૂણે અને કયા ખાનામાં વધુ ખડકલો થયો છે એ આપણે જોઈ શકીએ અને એટલે જ્યારે ફૂરસદ હોય અને સફાઈનો મૂડ પણ જાગે ત્યારે આપણે નકામી ચીજવસ્તુઓનો ફેંસલો કરીને ટેબલ પરનું ભારણ ઓછું કરી શકીએ.

કમ્પ્યુટરમાં આવું સહેલાઈથી થઈ શકતું નથી, કારણે બધું આપણી નજર સામે હોતું નથી!

તમે માય કમ્પ્યુટરમાં જાવ કે સ્ટાર્ટ બટન પર રાઇટ ક્લિક કરી, ઓપન વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને વિન્ડોઝ એક્સપ્લોરરમાં પહોંચો એટલે જાણે કબાટ‚પી આપણા કમ્પ્યુટરનાં બારણાં ખૂલે અને બધાં ખાનાં આપણી સમક્ષ છતાં થાય, પણ દરેક ખાનાનાં બારણાં પાછાં બંધ હોય (અંદર શું અને કેટલું છે એ જોઈ શકીએ નહીં!) હવે થાય એવું કે આપણે કોઈ ચોક્કસ ડ્રાઇવ, એમાંનું કોઈ ફોલ્ડર, એમાંનું કોઈ સબ ફોલ્ડર અને એમાં રહેલી ફાઇલ સુધી પહોંચીએ ત્યારે છેક એ ફાઇલની સાઇઝ જાણી શકીએ. એ પણ, વિન્ડોઝ એક્સપ્લોરરમાં વ્યૂના ઓપ્શનમાં ‘ડિટેઇલ્સ’નો ઓપ્શન પસંદ કરેલો હોય તો, બાકી તો બધાં ફોલ્ડર્સ અને ફાઇલ્સનું ફક્ત લિસ્ટ જ જોવા મળે.

આપણે જે તે ડ્રાઇવ કે ફોલ્ડર પર રાઇટ ક્લિક કરી, પ્રોપર્ટીઝમાં જઈએ તો એ ફોલ્ડરની પ્રોપર્ટીઝ બતાવતી એક વિન્ડો ખૂલે અને તેમાં આપણે એ ચોક્કસ ફોલ્ડર ડિસ્ક પર કેટલી જગ્યા રોકી રહ્યુું છે તે જાણી શકીએ. પણ, આ કામ દરેક ફોલ્ડર માટે અલગ અલગ કરવું પડે. બધાં ફોલ્ડરની સાઇઝ એક સાથે, આપણી નજર સમક્ષ રહે એવું શક્ય બનતું નથી.

માહિતીની સ્પષ્ટતા ન હોય એટલે આપણે તેના પર આધારિત યોગ્ય નિર્ણયો ન લઈ શકીએ – જીવન કે કામકાજનો આ સનાતન નિયમ કમ્પ્યુટરને પણ લાગુ પડે છે!

આ તકલીફના અલગ અલગ ઉપાય શક્ય છે. ઇન્ટરનેટ પર જઈને તમે ‘ફોલ્ડર સાઇઝ’ કી વર્ડ માટે ગૂગલિંગ કરશો આ જ નામના બે-ત્રણ સોફ્ટવેર ઉપલબ્ધ હોવાનું જાણી શકાશે.

તમે http://foldersize.sourceforge.net/ સાઇટ પર પહોંચીને ફોલ્ડર સાઇઝ નામનો એક ટચૂકડો પ્રોગ્રામ ડાઉનલોડ કરી શકો છો (આ સોર્સફોર્જ સાઇટ પર આવાં કામઢાં અને ફ્રી સોફ્ટવેરની મોટી ફોજ ખડકાઈ છે, ક્યારેક ફૂરસદે ફંફોસી જોશો તો મજા પડશે). આ ‘ફોલ્ડર સાઇઝ’ સોફ્ટવેર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતાં તે વિન્ડોઝ ૨૦૦૦ અને વિન્ડોઝ એક્સપીમાં એક નવી તરકીબ ઉમેરે છે અને આપણે જેમ ફાઇલની સાઇઝ જોઈ શકીએ છીએ, એ જ રીતે ફોલ્ડરની સાઇઝની એક કોલમ પણ તેમાં ઉમેરાઈ જાય છે અને આમ આપણું કામ સહેલું બને છે.


નેટ પર વધુ તપાસ કરશો તો તમે માઇન્ડજેમ્સ નામની એક કંપનીની સાઇટ પર પણ પહોંચશો. આ કંપની જુદા જુદા પ્રકારનાં સોફ્ટવેર બનાવે છે જેમાંથી અમુક પેઈડ હોય છે જ્યારે કેટલાંક ફ્રી છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ‘ફોલ્ડર સાઇઝ’ સોફ્ટવેર આ કંપનીએ પણ બનાવ્યું છે અને ફ્રીવેર તરીકે ડાઉનલોડ કરી શકાય છે!

આ સોફ્ટવેર સીધું વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર સાઇઝની કોલમ ઉમેરવાને બદલે અલગ વિન્ડોમાં ઓપન થાય છે. અહીં આપણે કમ્પ્યુટરની જુદી જુદી ડ્રાઇવને સ્કેન કરવાનો આદેશ આપીએ એટલે તેની વિન્ડોમાં જે તે ડ્રાઇવમાંનાં દરેક ફોલ્ડર, સબફોલ્ડર અને તેમાંની ફાઇલ્સ સ્કેન કરીને દરેકની સાઇઝ આપણને જણાવે છે.

આ સોફ્ટવેરના વિકલ્પો અનુસાર આપણે કેબી, એમબી કે જીબીમાં ફાઇલ સાઇઝ જોઈ શકીએ છીએ અને જે તે ડ્રાઇવ કે ફોલ્ડરમાં કઈ વસ્તુ કેટલી જગા રોકે છે તેનો પાઇ ચાર્ટ કે બાર ચાર્ટ પણ જોઈ શકીએ છીએ. અહીંથી આપણને ખબર પડી શકે છે કે કયા ફોલ્ડરમાંની કઈ ફાઈલ આપણા માટે નકામી હોવા છતાં ઘણી વધુ જગ્યા રોકી રહી છે. એક વાર આ ખબર પડી, પછી તો એ ફોલ્ડર કે ફાઇલ પર રાઇટ ક્લિક કરીને ડિલીટનું બટન ક્લિક કરવાનું અથવા તેને વિન્ડોઝ એક્સપ્લોરરમાં લોકેટ કરીને ત્યાં જઈને આગળનાં પગલાં લેવાનાં! માઇન્ડજેમ્સ સાઇટ પર બીજાં કેટલાંક ફ્રી સોફ્ટવેર પણ તપાસવા જેવાં છે. એની વાત કરીશું ફરી ક્યારેક!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!