સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ એક વાત છે એ તેો સલામત રીતે ઉપયોગ કરવો એ બીજી વાત! અહીં સ્માર્ટફોનમાં રહેલાં જોખમો અને તેનાથી બચવાની પ્રાથમિક માહિતી આપી છે.
આ સ્માર્ટફોન પણ વાઇરસ જેવા છે – ચેપી! બીજાને પોતાના સ્માર્ટફોનનો ધરખમ ઉપયોગ કરતા જોઈએ એટલે આપણને પણ ચળ ઉપડે કે આપણી પાસે પણ સ્માર્ટફોન હોય તો સારું! વિચાર ખોટો પણ નથી કેમ કે તમે તમારા કામકાજના કારણસર તમારા સંપર્કો, પોતાની ફાઈલ્સ અને તમને ઉપયોગી માહિતી સાથે સતત કનેક્ટેડ રહેવા માગતા હો તો સ્માર્ટફોન (કે ટેબલેટ)થી સ્માર્ટ ઉપાય બીજો કોઈ નથી. મિત્રોના લાઇવ ટચમાં રહેવું હોય કે વીડિયોઝ માણવા હોય કે ઇચ્છા પડે ત્યારે વીડિયો કે ફોટોગ્રાફ લેવા હોય તોય સ્માર્ટફોન ગજબની ઉપયોગી ચીજ છે. સ્માર્ટફોન અઢળક રીતે આપણને ઉપયોગી થઈ શકે છે, જો આપણે એનો સ્માર્ટ ઉપોગ કરીએ તો.
મોટી તકલીફ ફક્ત એ વાતની છે કે આપણામાંના ઘણા ખરા લોકો માની લે છે કે પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટ સાથે સંકળાયેલ વાઇરસ, ટ્રોજન, માલવેર, ફિશિંગ વગેરે વગેરે જાતભાતનાં જોખમો હોય, પણ મોબાઇલમાં એવું કોઈ ટેન્શન નહીં!
આવા ભ્રમમાં રહેવા જેવું નથી. સ્માર્ટફોનની લોકપ્રિયતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેને સંબંધિત સલામતીનાં જોખમો પણ વધતાં જાય છે. તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો કે નવો લેવાનો વિચાર કરતા હો તો તેના અસંખ્ય લાભ ઉપરાંત, તેની સાથે સંકળાયેલાં જોખમો અને તેને ટાળવાના ઉપાયોની પ્રાથમિક માહિતી પણ સમજી લેવા જેવી છેે.
આટલે સુધી વાંચીને તમને થતું હોય કે સ્માર્ટફોનની જંજાળમાં પડવા જેવું જ નથી તો એ જાણી લો કે સાદા ફોનમાં પણ, સાદા એસએમએસથી લોકોને છેતરવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલતી હોય છે. તમારી પાસે સાદો ફોન હોય કે સ્માર્ટફોન, આવા એસએમએસથી ચેતજો – ‘કોન્ગ્રેચ્યુલેશન્સ! તમને મોટું ઇનામ લાગ્યું છે, વધુ માહિતી માટે ફલાણા ફોન પર સંપર્ક કરો અથવા ઢીકણા નંબર પર આ શબ્દ એસએમએસ કરો…’
ઈ-મેઇલ દ્વારા થતી આવી પ્રવૃત્તિને ફિશિંગ કહે છે તેમ એસએમએસથી માહિતી ચોરવાની હરકત માટે સ્મિશિંગ શબ્દ ચલણી બનવા લાગ્યો છે. આટલી સાદી જાળમાં કોણ સપડાતું હશે એવો વિચાર સહેજે આવે, પણ સ્મિશિંગ સૌથી વધુ વપરાતી ટ્રીક હોવાનું મનાય છે. આવો કોઈ એસએમએસ આવે તો ઓફર ગમે તે હોય, તેને ડીલિટ કરવામાં સાર છે.
સ્માર્ટફોનમાં બીજું બહુ મોટું જોખમ એપ્સનું રહે છે. એપલ કે વિન્ડોઝ ફોનની સરખામણીમાં એન્ડ્રોઇડ ફોનમાં એપ્સના રસ્તે માલવેર આપણા ફોનમાં ઘૂસવાની શક્યતા ઘણી વધુ રહે છે. એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત અન્ય સાઇટ પરથી પણ એપ્સ ડાઉનલોડ કરવાની સગવડ હોય છે. ગૂગલ પ્લે સ્ટોરમાં રહેલી એપ્સ પણ સલામત હોવાની ગેરંટી નથી, ત્યારે ભળતી-સળતી સાઇટ પરથી તો ક્યારેય એપ્સ ડાઉનલોડ કરશો નહીં. એપ્સ ડાઉનલોડ કરતાં પહેલાં, તેના રિવ્યૂ, તેની ડેવલપર કંપની, તે કેટલી વાર ડાઉનલોડ થઈ છે વગેરે જાણવાથી એપ્સ ભરોસાપાત્ર છે કે નહીં એનો કાચો અંદાજ ચોક્કસ બાંધી શકાશે. જે તે એપ ફોનનાં કયાં કયાં પાસાં એક્સેસ કરી શકશે એની વિગતો પણ જોઈ લેવી જરુરી છે.
ફ્રી વાઇ-ફાઇ પણ જોખમનું મોટું સરનામું બની શકે છે. ટેક્નિકલ વિગતોમાં ઊંડા ન ઊતરીએ તોય સાદું ગણિત એવું માંડી શકાય કે ફ્રી વાઇ-ફાઇનો લાભ લેવા જતાં આપણે આપણા પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડના ડેટા જેવી વિગતો ચોરવા માટે ટાંપીને બેઠેલા લોકો માટે ફોનના દરવાજા જ ખોલી આપીએ એવું બની શકે છે. ફ્રી વાઇ-ફાઇની સગવડ આપતું સ્થળ ભરોસાપાત્ર છે કે નહીં એ સમજી વિચારીને ઉપયોગ કરવો હિતાવહ છે.
સ્માર્ટફોનમાં લોકેશન ટ્રેકિંગની એક મોટી સગવડ હોય છે. આપણો સ્માર્ટફોન વાઇ-ફાઇ કે મોબાઇલ નેટવર્કના આધારે મેપ પર આપણું ખાસ્સું એવું પરફેક્ટ લોકેશન નક્કી કરી શકે છે. જો ફોનમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)ની સુવિધા હોય અને તેને એક્ટિવેટ કરીએ તો લોકેશન ટ્રેકિંગમાં હજી વધુ પરફેક્શન આવી શકે છે. આ સુવિધાના લાભ ઘણા બધા છે, પણ આપણું એક્ઝેક્ટ લોકેશન અજાણ્યા લોકો જાણી શકે તો તેનાથી આપણને નુકસાન થઈ શકે છે (જીપીએસ સતત ઓન રાખવાની ફોનની બેટરીનું જબરું ધોવાણ થશે એ નુકસાન પણ મોટું છે!) જે એપને તમારું લોકેશન જાણવા સાથે કોઈ લેવાદેવા ન હોય છતાં એ જીપીએસ એક્સેસ માગતી હોય તો તેવી એપ ડાઉનલોડ ન કરવી સારી.
આ બધી વાતોથી સ્માર્ટફોનથી ડરી જવાની જરુર નથી, સાવચેતીનાં સાદાં પગલાં લઈને આપણે ફોન અને આપણી માહિતીને સલામત રાખી શકીએ છીએ. જોખમની જાણકારી હોવી જરુરી છે! સલામતીનું પહેલું પગલું, ફોનને પાસવર્ડથી પ્રોટેક્ટ કરવાનું અને યોગ્ય એન્ટી-માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવાનું છે. ફક્ત જાણીતી કંપનીની ભરોસાપાત્ર એપ્સનો ઉપયોગ કરવો એ પણ અત્યંત મહત્ત્વનું છે.

