તમે ભારતના નકશામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સ્થાન બતાવી શકો? “એમાં કઈ મોટી વાત છે એમ કહેતાં પહેલાં વિચારજો! ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ વગેરે તો ઠીક છે, પણ મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં ગોથાં ખાવાની પૂરી શક્યતા છે.
ઉપરાંત, ભારતનો નકશો એ તો આખા વિશ્ર્વના નકશામાં માસ્ટરી મેળવવાનું પહેલું પગલું છે. થોડાં વર્ષ પહેલાં આપણે એટલાસમાં જુદાં જુદાં રાજ્યો કે ભારતના નકશામાં અલગ અલગ સ્થળોનાં નામ શોધી બતાવવાની રમત રમતા, એ રમતે હવે ડિજિટલ સ્વરૂપ લઈ લીધું છે. ઇન્ટરનેટ પર જરા શોધખોળ કરતાં આવી કટેલીય સાઇટ મળી આવશે. પહેલા સ્ટેપ તરીકે http://lizardpoint.com/fun/geoquiz/index.php સાઇટ પર જાઓ. સાઇટનું નામ અને લોગો ભલે ચીતરી ચઢે એવાં હોય, તેમાં આપેલી મેપ્સ ક્વિઝ ખરેખર મજાની છે. સમગ્ર વિશ્વના વિવિધ દેશો, નકશા પર તેનું સ્થાન, અલગ અલગ ખંડોમાંના દેશ, દેશ અને રાજધાની, વિશ્વના ખંડો અને મહાસાગરો વગેરેને નકશાની મદદથી રમાતી ક્વિઝથી સમજવાની મજા પડે તેવું છે.
થોડા સમયમાં અહીં સરોવલો, નદીઓ, પર્વતો વગેરેની ક્વિઝ પણ ઉમેરાવાની શક્યતા છે. આ સાઇટ પર હમણાં વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજની ક્વિઝ પણ ઉમેરાઈ છે. મેપ ક્વિઝની સાઇટ વાસ્તવમાં જુદી જુદી એક્ટિવિટીની સુવિધા આપતા એક નેટવર્કનો ભાગ છે.
