આવી રહ્યો છે ભારતનો પહેલો ઓક્ટાકોર પ્રોસેસરવાળો સ્માર્ટફોન
અત્યાર સુધી આપણે ડ્યુલ કોર કે ક્વોડકોર પ્રોસેસરવાળા સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે ઇન્ટેક્સ કંપનીએ ભારતનો પહેલો ૧.૭ ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર (એટલે કે આઠ કોર ધરાવતું)નું પાવરફૂલ પ્રોસેસર ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સાઇઝમાં પણ મોટો, પૂરા ૬ ઇંચનો ફેબલેટ છે. ઇન્ટેક્સ આઇ૧૭ નામ ધરાવતા આ ફોનનો સ્ક્રીન ૧૨૮૦ x ૭૨૦ રેઝોલ્યુશનનો એચડી અને આઇપીએસ ટેક્નોલોજીવાળો સ્ક્રીન ધરાવે છે. એન્ડ્રોઇડ ૪.૨ ધરાવતા આ ફોનમાં ૨ જીબી રેમ અને ૧૬ જીબી અથવા ૩૨ જીબી સ્ટોરેજના વિકલ્પ રહેશે. ફોનની બેટરી લાઇફ પણ સારી છે. ૧૬ જીબીનું વર્ઝન રુ. ૨૦,૦૦૦/-થી ઓછી કિંમતે મળવાની શક્યતા છે. આ ફોન જાન્યુઆરી ૨૦૧૪થી સ્ટોરમાં મળવાનું શરુ થઈ જશે.
આગળ શું વાંચશો?
- આઈબોલનો નવો બજેટ સ્માર્ટફોન
- સેમસંગ ગેલેકસી નોટ ટુમાં અપડેટ
- આઈપેડ એર અને આઈપેડ મીની, ભારતમાં
- ગુગલ નેકસસ-ફાઈવ ભારતમાં
- ઝોલોનો નવો મલ્ટીમીડિયારીચ ફોન
- વીડિયોકોનનું ૩જી કોલિંગ ટેબલેટ
- ઓછાબજેટમાં સ્માર્ટફોનના વિકલ્પ
આઇબોલનો નવો બજેટ સ્માર્ટફોન
જો તમે એકદમ ટાઇટ બજેટમાં સારાં સ્પેસિફિકેશનવાળો સ્માર્ટફોન શોધી રહ્યા હો તો તમારે આ કામના સમાચાર છે – આઇબોલ કંપનીએ તેના એન્ડી ૪ડીઆઇ હેન્ડસેટનું નવું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ કર્યુ છે, કિંમત છે રૂા. ૬,૩૯૯/-! આ ફોનમાં ૧.૩ ગીગા હર્ટ્ઝ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૪ જીબી ઇન્ટર્નલ મેમરી અને ૫૧૨ એમબી રેમ છે. ટચ સ્ક્રીન ૪ ઇંચનો છે અને ૮૦૦ x ૪૮૦નું રેઝોલ્યુશન ધરાવે છે. ફોન એન્ડ્રોઇડ ૪.૨ જેલીબીન પર ચાલે છે અને રીયર કેમેરા ૫ એમપીનો છે. કિંમતના પ્રમાણમાં આ સ્પેસિફિકેશન સારાં છે.
સેમસંગ ગેલેક્સી નોટ ટુમાં અપડેટ
જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી નોટ ટુ ફોન હોય તો ફટાફટ ફોનના સેટિંગ્સમાં જાઓ, સોફ્ટવેર અપડેટ પર ક્લિક કરો, ચેક ફોર અપડેટ ક્લિક કરો અને જુઓ, તમારી માટે એન્ડ્રોઇડ ૪.૩નું અપડેટેડ વર્ઝન રાહ જોતું હશે! આ અપડેટ પૂરા ૭૦૦ એમબીનું છે, ડેટા પ્લાનના બદલે વાઇ-ફાઇ પર ડાઉનલોડ કરવું સારું રહેશે.
આઇપેડ એર અને આઇપેડ મીની, ભારતમાં
ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે આઇપેડ એર અને આઇપેડ મીની (રેટિના ડિસ્પ્લે સાથે), તમે આ વાંચતા હશો ત્યારે ભારતમાં લોન્ચ થઈ ગયા હોય તેવી પૂરી શક્યતા છે. વિવિધ રીપોર્ટ્સ પરથી મળતી માહિતી અનુસાર ૧૬ જીબીના સ્ટોરેજ સાથે માત્ર વાઇ-ફાઇ કનેક્ટિવિટી ધરાવતું આઇપેડ મીની વીથ રેટિના ડિસ્પ્લે રૂા. ૨૮,૯૯૦ની કિંમતે મળવાની શક્યતા છે. માત્ર વાઇ-ફાઇ કનેક્ટિવિટી ધરાવતાં, ૩૨ જીબી, ૬૪ જીબી અને ૧૨૮ જીબીના સ્ટોરેજ સાથેનાં મોડેલ અનુક્રમે રુ. ૩૫,૯૦૦/-, રુ. ૪૨,૦૦૦/- અને રુ. ૪૯,૯૦૦/-ની કિંમતે મળવાની શક્યતા છે. સેલ્યુલર કનેક્ટિવિટીનાં મોડેલ તેનાથી ઊંચે કિંમતે ઉપલબ્ધ થશે. રેટિના ડિસ્પ્લે વિનાનું, ૧૬ જીબીનું વાઇ-ફાઇ ઓન્લી આઇપેડ મીની રુ. ૨૧,૯૦૦/-માં મળવાનું ચાલુ રહે તેવી શક્યતા છે.
ગૂગલ નેક્સસ-ફાઇવ ભારતમાં
આખરે હવે ગૂગલનો નેક્સસ-ફાઇવ ફોન પણ ભારતમાં રજૂ થઈ ગયો છે. પ્લે સ્ટોર પર તેના ઓર્ડર નોંધવાનું શરૂ થઈ ગયું છે. નેક્સસ-ફાઇવનાં બે મોડેલ છે, ૧૬ જીબીના મોડેલના રુ. ૨૮,૯૯૯ અને ૩૨ જીબીના મોડેલના રુ. ૩૨,૯૯૯/- છે. નેક્સસ-ફાઇવ એન્ડ્રોઇડનું લેટેસ્ટ ૪.૪ કિટકેટ વર્ઝન ધરાવતો પહેલો ફોન છે, જેની આગવી ખાસિયત તેનું નવું ડાયલર ગણાય છે. આ ડાયલર આપણને જેમને વધુ કોલ કરતા હોઈએ તેમને આપોઆપ આગળ ગોઠવી આપે છે, તેમ ઇનકમિંગ કોલનો નંબર આપણા ફોનમાં સ્ટોર થયેલો ન હોય તો પણ તેને લોકલ બિઝનેસીસ સાથે મેચ કરી ગૂગલ એ ફોનનંબર કોઈ લોકલ બિઝનેસનો હોય તો તેનું નામ પણ આપણને જણાવે છે. નેક્સસ-ફાઇવ વિશે વધુ જાણો અહીંથી : http://www.google.co.in/nexus/5/
ઝોલોનો નવો મલ્ટીમીડિયારીચ ફોન
ઝોલો કંપનીએ અગાઉ ઇન્ટેલ કંપની સાથે ટાઇ-અપ કર્યું હતું અને હવે તે બ્રોડકોમ કોર્પોરેશનની ચીપ સાથે ઝોલો ક્યુ૧૦૦૦ ઓપસ સ્માર્ટફોન રજૂ કરી રહી છે. આ મહિને સ્ટોરમાં આવી જનારો આ સ્માર્ટફોન વાઇ-ફાઇ સ્ટ્રીમિંગની રીતે ચઢિયાતો હશે તેમ જ ફોનને મોટા સ્ક્રીન સાથે કનેક્ટ કરી એચડી વીડિયો, ફોટોઝ તેમ જ ગેમિંગ એપ્લિકેશન્સને પ્લે કરવાની સુવિધા ધરાવતો હશે. પાંચ ઇંચનો સ્ક્રીન અને ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વોડ-કોર એઆરએમ કોર્ટેક્સ એ-૭ પ્રોસેસરવાળો આ ફોનની આકર્ષક કિંમતે મળવાની ધારણા છે.
વીડિયોકોનનું નવું ૩જી કોલિંગ ટેબલેટ
વીડિયોકોન મોબાઇલ્સ કંપનીએ સારાં ફીચર્સ સાથે એક નવું ટેબલેટ લોન્ચ કર્યું છે – વીટી૮૫સી.
રુ. ૮,૯૯૯/-ની કિંમતનું આ ટેબલેટ એન્ડ્રોઇડ ૪.૨.૨ જેલીબીન તેમ જ ૧.૨ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર કોર્ટેક્સ એ૯ પ્રોસેસર ધરાવે છે.
સીમ કાર્ડ સાથે ૩જી કોલિંગ ફેસિલિટીવાળા આ ટેબલેટમાં ૪ જીબી ઇન્ટર્નલ મેમરી છે અને ૩૨ જીબીના એક્સ્ટ્રા કાર્ડથી તેને એક્સપાન્ડ કરી શકાય છે. ૫ મેગાપિક્સેલનો રીયર અને વીજીએ ફ્રન્ટફેસિંગ કેમેરા અને સારી બેટરીલાઇફ સાથે આ ટેબલેટ એક સ્માર્ટ ચોઈસ બની શકે છે.
વીડિયોકોને ‘ઇન્ફિનિયમ’ નામે સ્માર્ટફોનની એક નવી સીરીઝ પણ રીલીઝ કરી છે. કુલ આઠ મોડેલની સીરિઝ રુ. ૬૦૦૦/-ની આકર્ષક કિંમતથી શરૂ થાય છે.
ઓછા બજેટમાં સ્માર્ટફોનના વિકલ્પ
સ્પાઇસ કૂલપેડ ૨
રુ. ૭,૦૦૦/-ની કિંમત ધરાવતા આ ફોનમાં ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર, ૪ જીબી ઇન્ટરર્નલ મેમરી અને ૧ જીબી રેમ છે. કેમેરા ૫ મેગાપિક્સેલનો છે. એન્ડ્રોઇડ ૪.૧ જેલીબીન છે, પરંતુ બેટરી નબળી છે.
ઝોલો એ૫૦૦એસ આઇપીએસ
રુ. ૭,૨૪૯/-ની કંપની પ્રાઇસ (સ્ટોરમાં કદાચ તેનાથી ઓછી કિંમત હોઈ શકે છે) ધરાવતા આ ફોનમાં ૧.૩ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૪ જીબીની ઇન્ટર્નલ મેમરી (ઘણી સારી) અને ૫૧૨ એમબી રેમ (બહુ સારી ન ગણાય) ધરાવતા આ ફોનનો ૪ ઇંચનો સ્ક્રીન આઇપીએસ ટેક્નોલોજીનો હોવાથી ક્લેરિટીની રીતે વધુ સારો છે, અલબત્ત બેટરી લાઇફ સરેરાશ છે. એન્ડ્રોઇડ જેલીબીન ૪.૨ છે.
વીડિયોકોન એ૪૨
રૂા. ૭૪૯૦/-ની કિંમતે આ ફોનમાં ૪.૫ ઇંચનો ડિસ્પ્લે, ૧.૨ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર પ્રોસેસર, ૪ જીબી ઇન્ટર્નલ મેમરી અને ૫૧૨ એમબી રેમ છે. એન્ડ્રોઇડ જેલીબીન ૪.૨.૨ છે, પરંતુ ડિસ્પ્લે રેઝોલ્યુશન અને બેટરી પ્રમાણમાં નબળાં છે.
માઇક્રોમેક્સ કેન્વાસ ૨ પ્લસ એ૧૧૦ક્યુ
રુા. ૧૦,૫૦૦/-ના પ્રાઇસટેગવાળા આ ફોનમાં ૧.૨ ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર, ૪ જીબી ઇન્ટર્નલ મેમરી અને ૧ જીબી રેમ છે. રીયર કેમેરા ૮ મેગાપિક્સેલનો છે. એન્ડ્રોઇડ જેલીબીન ૪.૨ છે, ફોનનો ૫ ઇંચનો સ્ક્રીન આઇપીએસ ટેક્નોલોજીનો છે, પરંતુ રેઝોલ્યુશન ફક્ત ૪૮૦ ડ્ઢ ૮૫૪ જેટલું નબળું અને નબળી બેટરી ફોનનાં ઉધારપાસાં છે.
લિનોવોના યોગા ટેબલેટ્સ
લિનવોએ બે નવાં ટેબલેટ યોગા ટેબલેટ ૮ (૮ ઇંચ) અને યોગા ટેબલેટ ૧૦ (૧૦ ઇંચ) રજૂ કર્યાં છે. બંનેની કિંમત અનુક્રમે રુ. ૨૨,૯૯૯/- અને રુ. ૨૮,૯૯૯/- છે, યોગા ૮માં વોઇસ કોલિંગની સુવિધા છે, એ સિવાય બંનેમાં તફાવત માત્ર સાઇઝનો છે. ભારતના બજારમાં હાલમાં આ બંને વર્ઝનમાં માત્ર ૧૬ જીબી, વાઇ-ફાઇ વત્તા ૩જીના વિકલ્પ મળશે, ૩૨ જીબી અને માત્ર વાઇ-ફાઇવાળાં ટેબલેટ અત્યારે ભારતમાં મળશે નહીં. બંને ટેબલેટમાં એન્ડ્રોઇડ ૪.૨.૨ જેલીબીન છે, ૧.૨ ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ-એ૭ પ્રોસેસર, ૧ જીબી રેમ અને ૧૬ જીબીની ઇન્ટર્નલ મેમરી છે. મેમરી એક્સ્ટ્રા કાર્ડથી ૬૪ જીબી જેટલી એક્સપાન્ડ કરી શકાય છે. બંનેની બેટરી લાઇફ ઘણી સારી છે.

