તાજા અહેવાલો મુજબ, ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં લોકલ બ્રાન્ડ્સનો દબદબો વધી રહ્યો છે. સવાલ એ છે કે આપણે લોકલ ફોન લેવો કે નહીં? આ પ્રશ્નને લગતાં વિવિધ પાસાં, જુદા જુદા રિપોર્ટ્સના આધારે સમજવાનો પ્રયાસ કરીએ.
આગળ શું વાંચશો?
- આખી દુનિયામાં શું થઈ રહ્યું છે?
- ભારતમાં શું ચાલી રહ્યું છે?
- શું લોકલ બ્રાન્ડના ફોન ચાઈનીઝ હોય છે?
- કિંમતમાં આટલો ફેર કેમ છે?
- તો મૂળ મુદ્દાનો સવાલ, લોકલ બ્રાન્ડનો ફોન લેવાય?
- જાતે સરખાવો ફોનના વિવિધ સ્પેસિફિકેશન્સ
- જાતે અનુભવો ફોનનો ઉપયોગ
દિવાળી નજીક આવી રહી છે ત્યારે જો તમે જૂનો ફોન બાજુએ મૂકીને નવો ફોન લેવાનું વિચારી રહ્યા હો તો તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ રમતો હશે. ના, ‘સાદો ફોન લેવો કે સ્માર્ટફોન?’ એ પ્રશ્ર્ન નહીં, કેમ કે એનો જવાબ તો લગભગ નક્કી જ છે. તમને મૂંઝવણ એ હશે કે ઇન્ટરનેશનલ બ્રાન્ડનો મોંઘો સ્માર્ટફોન લઈ, ચિંતામુક્ત રહેવું કે ઇન્ડિયન કંપનીનો લગભગ એવાં જ સ્પેસિફિકેશનવાળો, પણ ગજબનો સસ્તો સ્માર્ટફોન લેવાનું જોખમ ખેડવું? તમારું બજેટ ઓછું હોય તો તો ખાસ કંઈ વિચારવાનું છે જ નહીં, પણ જો બજેટની ચિંતા ન હોય તોય તમે ઇન્ડિયન સ્માર્ટફોન તરફ નજર નાખવાનું તો ચોક્કસ વિચારશો.
કેમ? કેમ કે અત્યારે ભારત આખામાં ઇન્ડિયન સ્માર્ટફોનનો રીતસર જુવાળ આવ્યો છે. એની વાત કરતાં પહેલાં, એક નાનું ઉદાહરણ જોઈએ.
માંડ ત્રણ-ચાર વર્ષ પહેલાં, માઇક્રોમેક્સ કંપનીનો ફોન એટલે સૌથી ઓછા બજેટવાળા લોકો માટેનો ફોન એવી એક છાપ હતી. એ પછી સ્થિતિ એવી બદલાઈ કે માંડ ત્રણ-ચાર મહિના પહેલાં, એ જ કંપનીએ લગભગ રુ. ૧૮,૦૦૦ના તેના આગામી સ્માર્ટફોન માટે પ્રી-બુકિંગ શરુ કર્યું ત્યારે ૧૧,૦૦૦ જેટલા લોકોએ પોતાના ક્રેડિટ કાર્ડથી તરત પાંચ હજાર ચૂકવીને ઓર્ડર બુક કરાવ્યો – ફોન કેવો છે, તેનાં સ્પેસિફિકેશન્સ કેવાં છે એ ખબર ન હોવા છતાં!
એ પછી શું થયું એ પણ જાણી લો – એક ઇન્ટરનેશનલ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, જે દિવસે ફોન સત્તાવાર લોન્ચ થયો એ દિવસે પેલા પહેલેથી ઓર્ડર બુક કરાવનાર કેટલાય લોકોને કંપની તરફથી ઇમેઇલ મળ્યો કે કંપનીએ તેમના ક્રેડિટ કાર્ડથી બાકીના તેર હજાર રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધી છે અને તેમનો ઓર્ડર કન્ફર્મ છે. અહીં સુધી તો બરાબર, પણ આ ઇમેઇલમાં, બીજા ૧૩૦ જેટલા લોકોના ઓર્ડરની વિગતો પણ હતી! એ સૌનાં એડ્રેસ, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર, જ્યાંથી તેમણે પ્રી-ઓર્ડર કર્યો હતો એ વેબસાઇટના લોગ-ઇન અને પાસવર્ડની વિગતો વગેરે બધું જ જાહેર થઈ ગયું! લોકો ધારે તો કોઈનો ઓર્ડર બદલીને ફોનની ડિલિવરી પોતાના સરનામે મેળવી શકે એવી સ્થિતિ સર્જાઈ ગઈ!
તો સીન આ છે, ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ જબરજસ્ત વધી રહ્યું છે, ભારતીય બ્રાન્ડના સ્માર્ટફોનનો ભરોસો કરવો કે નહીં એવો લોકોનો ખચકાટ ઓગળી રહ્યો છે, પણ ભારતીય કંપનીઓ હજી પણ ટકોરાબંધ વિશ્વસનિયતા ઊભી કરી શકી નથી!
તમારા ખિસ્સામાં નવો સ્માર્ટફોન આવે તો એ ઇન્ડિયન કંપનીનો હોઈ શકે કે નહીં, એ પ્રશ્ર્નને લગતાં જુદાં જુદાં ઘણાં બધાં પાસાં આપણે એક પછી એક તપાસીએ.
આખી દુનિયામાં શું થઈ રહ્યું છે?
એક શબ્દનો જવાબ છે – ઉથલપાથલ! વિશ્વભરમાં સ્માર્ટફોન અને ટેબલેટનું વેચાણ સતત વધી રહ્યું છે, પણ મોટી મોટી કંપનીઓ જુદાં જુદાં માર્કેટમાં થાપ ખાઈ રહી છે. એક સમયે ફીચર ફોન (એટલે કે આપણા સાદા ફોન!)ના માર્કેટમાં જેનું રાજ હતું એ નોકિયા કંપની વેચાઈ ગઈ છે. બ્લેકબેરી પણ ડચકાં ખાઈને આખરે વેચાઈ. એપલ અને સેમસંગ હજી પણ અગ્રેસર છે, પણ એમને ચીન અને ભારતમાં અત્યંત આકરી સ્પર્ધા મળી રહી છે.
ચીન અને ભારત સ્માર્ટફોનનાં બહુ મોટાં બજાર છે. ચીનનું તો સ્માર્ટફોનના ઉત્પાદક તરીકે પણ બહુ મોટું નામ છે. જગતભરની મોટી મોટી કંપનીઓ તેમના સ્માર્ટફોન કે તેના વિવિધ ભાગ ચીનના નાના-મોટા ઉત્પાદકો પાસે બનાવડાવે છે અને હવે આ નાના-મોટામાંથી મોટા ઉત્પાદકોની મહત્ત્વાકાંક્ષા વધવા લાગી છે અને તેઓ બીજી બ્રાન્ડ માટે ફોન બનાવવાને બદલે, પોતાની બ્રાન્ડના ફોન વેચવા લાગ્યા છે.
આખી દુનિયામાં જેટલા સ્માર્ટફોન વેચાય છે તેમાંથી પાંચમા ભાગના, એટલે કે વીસેક ટકા ફોનનાં મૂળ ચીનમાં હોય છે. એ રીતે આખી દુનિયામાં જેટલા સ્માર્ટફોન વેચાય છે તેમાંથી પૂરા ૩૩ ટકા ફોન ચીનમાં જ વેચાઈ જાય છે.
દુનિયાના ટોચના ૧૦ સ્માર્ટફોન મેકર્સમાંથી ચાર હવે ચાઇનીઝ છે – લિનોવો, યુલોંગ, હુવેઇ અને ઝેડટીઈ.
વાતને થોડી આડે પાટે લઈ જઈએ તો પર્સનલ કમ્પ્યુટરના માર્કેટમાં અત્યાર સુધી નંબર વન એચ-પી કંપની કરતાં લિનોવો આગળ નીકળી ગઈ છે અને લિનોવોએ ગયા મહિને જાહેર કર્યા મુજબ, તેનાં કમ્પ્યુટર કરતાં ફોન અને ટેબલેટ વધુ વેચાય છે. લિનોવોના સ્માર્ટફોનનું વેચાણ ગયા વર્ષે ૧૪૪ ટકા વધ્યું હતું. બ્લેકબેરી કંપની હવે તો વેચાઈ ગઈ છે, બાકી લિનોવો તેને ખરીદી લે એવી શક્યતા હતી.
ટૂંકમાં અમેરિકન એપલ અને કોરિયન સેમસંગનો સ્માર્ટફોન પરનો ઇજારો તૂટી રહ્યો છે.
ભારતમાં શું ચાલી રહ્યું છે?
ભારતમાં સ્માર્ટફોન માર્કેટ વિશે નિયમિત રીસર્ચ કરીને રિપોર્ટ આપતી કંપની ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)ના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતના બજારમાં સેમસંગ ૨૬ ટકા હિસ્સા સાથે પહેલા નંબરે છે, જ્યારે માઇક્રોમેક્સ ૨૨ ટકા હિસ્સા સાથે બીજા નંબરે છે. માઇક્રોમેક્સ કંપની દિવાળી સુધીમાં સેમસંગથી આગળ નીકળી જવા પૂરા જોશથી મહેનત કરી રહી છે (આ દિવાળીએ તમે પણ કદાચ માઇક્રોમેક્સને મદદ કરો એવું બની શકે!).
આઇડીસી ઇન્ડિયા રિપોર્ટ મુજબ, ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાંથી અડધોઅડધ લોકલ બ્રાન્ડના હોય છે. ભારતમાં સ્માર્ટફોનનું બજાર અત્યંત ઝડપથી વધી રહ્યું છે, ભારત અત્યારે એ દૃષ્ટિએ અમેરિકા અને ચીન પછી વિશ્વનું ત્રીજા ક્રમનું બજાર છે, પણ ભારતમાં હજી પણ સાદા ફોનનું પ્રમાણ ૮૫ ટકા છે! મતલબ કે ભારતમાં સ્માર્ટફોન કંપનીઓ માટે પોતાનું બજાર વિસ્તારવા માટે બહુ મોકળું મેદાન તૈયાર છે. ભારતમાં કુલ જેટલા સ્માર્ટફોન વેચાય છે તેમાંથી ૬૭ ટકા ફોન દસ-બાર હજાર કરતાં ઓછી કિંમતના સ્માર્ટફોન છે. તો વાત બિલકુલ સ્પષ્ટ છે – ભારતમાં સાદા ફોનમાંથી સ્માર્ટફોન તરફ વળી રહેલા અને પ્રમાણમાં સસ્તા સ્માર્ટફોનથી શરૂઆત કરનારા લોકોની બહુમતી છે અને લોકલ બ્રાન્ડ્સ આ વાત બરાબર જાણી ગઈ છે.
તમે પોતે વિચારો, જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હો તો કેવો ફોન લેવાનું પસંદ કરશો? સસ્તો, મોટા સ્ક્રીનવાળો, એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝનવાળો અને ડ્યુઅલ સિમવાળો, બરાબર? લોકલ કંપનીઓ તમારા વિચાર જાણે છે અને ઇન્ટરનેશનલ કંપનીઓ હવે છેક, માંડ માંડ જાગી રહી છે.
માઇક્રોમેક્સ કંપનીએ પાંચેક વર્ષ પહેલાં ભારતમાં સાદા, પણ ડ્યુઅલ સિમવાળા ફોન માર્કેટમાં મૂક્યા હતા. એ સમયે નોકિયા માર્કેટકિંગ હતી, પણ તેના કોઈ ફોનમાં બે સિમ નાખવાની સુવિધા નહોતી. લોકલ કંપનીઓ અને ચાઇનીઝ ફોન ડ્યુઅલ સિમની સગવડ આપીને નોકિયાનું બજાર તોડવા લાગ્યા એના લગભગ બે વર્ષ પછી નોકિયાએ ૨૦૧૦માં ડ્યુઅલ સિમ ફોન આપ્યા.
સ્માર્ટફોનમાં મોટા સ્ક્રીન (સાડા ચાર કે પાંચ ઈંચનો સ્ક્રીનવાળા ફોન, જે આગળ જતાં ફેબલેટ તરીકે ઓળખાયા) આપવામાં પણ સેમસંગ, સોની, એલજી જેવી ઇન્ટરનેશનલ કંપનીઓ માઇક્રોમેક્સ, કાર્બન, લાવા, ઝોલો, ઇન્ટેક્સ વગેરે લોકલ બ્રાન્ડ કરતાં ઘણી પાછળ રહી.
કિંમતની રીતે તો ઇન્ટરનેશનલ કંપનીઓ અને લોકલ બ્રાન્ડ વચ્ચે જાણે કોઈ સ્પર્ધા જ નથી. કાર્બનનો સૌથી સસ્તો સ્માર્ટફોન લગભગ સાડા ત્રણ હજાર રુપિયામાં મળી જાય છે! આઇબોલનો એક સ્માર્ટફોન પોણા ત્રણ હજારમાં મળે છે (ઇન્ટરનેશનલ અને લોકલ બ્રાન્ડની કિંમતમાં આટલો મોટો તફાવત કેમ છે એ આગળ સમજીશું).
સામાન્ય રીતે, લોકલ કંપનીઓ માટે પોતાના સ્માર્ટફોન પણ સારી ગુણવત્તાના છે એ સાબિત કરવું મુશ્કેલ બને, પણ એન્ટ્રી લેવલનાં મોડેલ્સમાં મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ લગભગ હરીફાઇમાં હતી જ નહીં.
જે લોકોએ પોતાનો પહેલો સ્માર્ટફોન ઓછી કિંમતે, લોકલ કંપનીનો લીધો અને તેનાથી સંતોષાયા, તેઓ પછીના, થોડા વધુ બજેટના મોડેલ માટે પણ લોકલ બ્રાન્ડ પર ભરોસો મૂકતાં ખચકાય નહીં તે સ્વાભાવિક હતું. લોકોની માનસિકતા પારખવામાં, અહીં પણ લોકલ કંપનીઓ આગળ રહી. પાંચથી દસ હજારના સ્માર્ટફોન માર્કેટમાં ધાક જમાવ્યા પછી માઇક્રોમેક્સ અને કાર્બન જેવી કંપનીઓએ ૧૦થી ૨૦ હજારની રેન્જવાળાં મોડેલ ધડાધડ માર્કેટમાં મૂકવાનું શરૂ કર્યું અને તેથી આગળની રેન્જનાં મોડેલ મૂકવાની પણ હિંમત કરી.
એક સમય એવો હતો, જ્યારે ખિસ્સામાં માઇક્રોમેક્સ કંપની જેવી ઇન્ડિયન કંપનીનો ફોન હોય તો લોકો બીજાની હાજરીમાં ફોન બહાર કાઢતાં ખચકાતા, હવે સમય બિલકુલ બદલાઈ ગયો છે. હવે મોટી મોટી કંપનીઓના (જેમાં આઇટી કંપનીઓ પણ આવી ગઈ) યંગ એક્ઝિક્યુટિવ્ઝ પણ માઇક્રોમેક્સ કે લાવા કે કાર્બન કે ઇન્ટેક્સના ફોન ખરીદતાં ખચકાતા નથી. ઉલટાનું હવે એવી સમજ કેળવાઈ રહી છે કે હવે કોઈ ઇન્ટરનેશનલ કંપનીનો મોંઘોદાટ ફોન લે તો સમજવું કે તેની પાસે કાં તો વધુ પડતાં નાણાં છે અથવા તેને ફોનનાં સ્પેસિફિકેશન્સ સરખાવતાં આવડતું નથી!
હજી પણ એક મોટો વર્ગ એવો છે જ, જે માત્ર ફોન નહીં પણ બ્રાન્ડ, તેની ગુણવત્તા અને વિશ્ર્વસનીય લાગતી આફ્ટર સેલ્સ સર્વિસનો વિચાર કરે છે, પણ સામે એક મોટો વર્ગ એવો ઊભો થઈ રહ્યો છે જે સસ્તા ભાવે સારાં સ્પેસિફિકેશન્સ મેળવીને, થોડા સમયમાં નવી ટેક્નોલોજી આવે ત્યારે નવો ફોન લઈ લેવામાં માને છે.
શું લોકલ બ્રાન્ડના ફોન ચાઇનીઝ હોય છે?
હકીકત એ છે કે વિશ્વની ઘણી ખરી મોટી આઇટી કંપનીઓની પ્રોડક્ટ કે તેના જુદા જુદા ભાગ દુનિયાના જુદા જુદા ભાગમાં પથરાયેલી ફેક્ટરીઓમાં તૈયાર થતા હોય છે. ટાટાની નેનો કારના ઘણા પાર્ટ રાજકોટનાં એન્જિનીયરિંગ કારખાનાંઓમાં તૈયાર થાય છે કે જાણીતી કોસ્મેટિક બ્રાન્ડના ટેલ્કમ પાવડર સુરેન્દ્રનગર નજીકની ફેક્ટરીઓમાં તૈયાર થતા હોય છે, એવી આ વાત છે. આને કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ કહે છે.
એસર, એમેઝોન, એપલ, ડેલ, ગૂગલ, એચપી, માઇક્રોસોફ્ટ, નોકિયા, સોની, તોશિબા… આ બધી જાયન્ટ કંપનીઓની પ્રોડક્ટ્સ ક્યાં બને છે એ વિશે નેટ પર થોડાં ખાંખાંખોળાં કરો તો ફોક્સકોન નામની એક કંપનીનું નામ સૌથી વધુ વાર નજરે પડે છે. ઉપર જણાવેલી બધી કંપનીઓની ઘણી પ્રોડક્ટ, મૂળ તાઇવાનની આ કંપનીની ફેક્ટરીઓમાં બને છે. આ કંપની જે જાણીતી પ્રોડક્ટ્સ બનાવે છે તેમાં આઇપેડ, આઇફોન, આઇપોડ, ક્ધિડલ, પ્લેસ્ટેશન ૩ વગેરેનો સમાવેશ થાય છે! આ કંપનીમાં લગભગ ૧૨ લાખ કર્મચારીઓ છે. ફોક્સકોન કંપનીની ફેક્ટરીઓ એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં ફેલાયેલી છે, એકલા ચીનમાં તેની ૧૩ ફેક્ટરીઓ છે. જે બધું મળીને દુનિયાની લગભગ ૪૦ ટકા કન્ઝયુમર ઇલેક્ક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનાવતી હોવાનો અંદાજ છે.
બીજી તરફ સેમસંગ કંપનીમાં સાડા ત્રણ લાખ જેટલા કર્મચારીઓ છે. આ કંપનીની ફક્ત દક્ષિણ કોરિયામાંની સ્માર્ટફોન ફેકટરીમાં દર મહિને ૫૦ લાખ સ્માર્ટફોન બનતા હોવાનો અંદાજ છે. ફોક્સકોનની ચાઇનીઝ ફેક્ટરીઓમાં પણ દર મહિને લગભગ ૪૭.૫ લાખ આઇફોન બને છે. આ કંપની કામદારોનું અનહદ શોષણ કરતી હોવાના, કામદારો આત્મહત્યા કરતા હોવાના અને બાળમજૂરોને કામ લગાડતી હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે.
નિષ્ણાતોએ મૂકેલા અંદાજ પ્રમાણે, દક્ષિણ કોરિયામાં ફેક્ટરીના કામદારને મહિને ૨૦૦૦ ડોલરનો પગાર મળે છે, જ્યારે ચીનમાં ફોક્સકોનની ફેક્ટરીના કામદારને ૪૦૦ ડોલર મળે છે. એ ખાસ નોંધવા જેવું છે કે સેમસંગના સ્માર્ટફોનના ઘણા બધા પાર્ટ સેમસંગ પોતે પોતાની ફેક્ટરીઓમાં બનાવે છે. સેમસંગ ભારતમાં મોટા પાયે તેની પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. લિનોવો કંપની પણ પોતાની પ્રોડક્ટ્સ માટે વધુ ને વધુ પાર્ટ ઇન-હાઉસ બનાવવા પર ભાર મૂકવા લાગી છે.
ભારતીય કંપનીઓની વાત કરીએ તો ઘણી ખરી કંપનીઓ પોતાના સ્માર્ટફોન કે ટેબલેટ ચીનના કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર પાસે બનાવડાવે છે. થોડા સમય પહેલાં એવો ટ્રેન્ડ હતો કે ચાઇનીઝ કંપનીઓ નોકિયા કે સેમસંગના લોકપ્રિય મોડેલની બેઠ્ઠી અને નબળી કોપી કરીને તદ્દન સસ્તા ભાવે ભારત જેવાં વિશાળ માર્કેટમાં ઠાલવતી હતી.
ભારતની કંપનીઓએ એ જ રસ્તો અપનાવવાના બદલે, ભારતીય લોકોની જરુરિયાત ધ્યાને રાખીને, એ મુજબના ફેરફારો સાથેનાં મોડેલ બનાવડાવવાનું શરુ કર્યું. માઇક્રોમેક્સ માટે કહેવાય છે કે તેણે ચીનના ટોપના મેન્યુફેક્ચર્સને જ ઓર્ડર આપ્યા (માઇક્રોમેક્સ દરેક નવા મોડેલ માટે પાંચેક લાખ પીસનો ઓર્ડર આપતી હોવાનું કહેવાય છે). એ પછી તેણે પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી વિક્સાવવા પર પણ ધ્યાન આપ્યું. ઝોલો કંપનીએ પોતાના સ્માર્ટફોનમાં પ્રોસેસર માટે જગવિખ્યાત ઇન્ટેલ કંપની સાથે જોડાણ કર્યું છે.
કિંમતમાં આટલો ફેર કેમ છે?
ઇન્ટરનેશનલ બ્રાન્ડ અને લોકલ બ્રાન્ડની કિંમતોમાં મોટો તફાવત હોવાનાં ઘણાં કારણો છે. આગળ જણાવ્યું તેમ દક્ષિણ કોરિયા અને ચીનમાં કામદારોના વેતનમાં ચાર-પાંચ ગણો તફાવત છે (એપલના ફોન પણ ચીનમાં બને છે એ વાત સાચી, પણ એપલ ફોનની ડિઝાઈન, આરએન્ડડી વગેરે પોતે જ કરે છે, ઉપરાંત બ્રાન્ડ વેલ્યુ પ્રમાણે એ પ્રીમિયમ ચાર્જ કરે છે). ચીનમાં પણ અલગ અલગ સ્તરની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે. ભારતીય કંપનીઓ કોની પાસે પોતાના ફોન બનાવડાવે છે એના પર તેને પોતાને ફોન કેટલો સસ્તો પડશે એ નક્કી થાય છે.
તમે નોંધ્યું હશે કે ભારતીય કંપનીઓ જેટલી ઝડપે નવાં નવાં મોડેલ બહાર પાડે છે એટલી ઝડપે એપલ, સેમસંગ, સોની, એચટીસી, એલજી વગેરે કંપનીઓનાં નવાં મોડેલ આવતાં નથી. કેમ કે આ મોટી કંપનીઓ લગભગ દરેક મોડેલ માટે મોટા પાયે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ હાથ ધરે છે, ફોનની ડિઝાઇન અને સોફ્ટવેર વગેરેમાં નોંધપાત્ર ફેરફારો કરે છે અને પછી નવાં મોડેલ બહાર પાડે છે, જ્યારે ભારતીય કંપનીઓ મોટા ભાગે એન્ડ્રોઇડનું નવું વર્ઝન બહાર પડે એ સાથે પોતાના જૂના વર્ઝનમાં તદ્દન નજીવા ફેરફાર કરી, નવા નામે, નવું મોડેલ લોન્ચ કરી દે છે.
સહેજ ટેકનિકલ વાત કરીએ તો સેમસંગ, એલજી, એચટીસી વગેરે કંપનીઓનાં મોડેલમાં એન્ડ્રોઇડનું એક સરખું વર્ઝન હોવા છતાં, યુઝર ઇન્ટરફેસ જુદો જુદો હોય છે કેમ કે આ દરેક કંપનીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરવા અલગ ઇન્ટરફેસ માટે કસરત કરે છે. જ્યારે તમે માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઝોલો, વીડિયોકોન, સ્પાઇસ, આઇબોલ, સ્વાઇપ વગેરે કંપનીના સ્માર્ટફોન જોશો તો તેમાં અત્યાર સુધી લગભગ એક સરખો અનુભવ મળતો હતો. કેમ કે તેઓ મોટા ભાગે સ્ટોક એન્ડ્રોઇડ એટલે કે મૂળ સોફ્ટવેરનો ખાસ કોઈ ફેરફાર વિના જ ઉપયોગ કરે છે.
જોકે હવે તેમાં નવીનતા આવી રહી છે, લાવાના નવા ફોનમાં જેસ્ચર (હાથના ઇશારે થતું) નેવિગેશન છે અને ઝોલોના ફોનમાં અલગ અલગ યુઝરના પ્રોફાઇલ બનાવવાની સગવડ ઘણા સમયથી મળે છે, જે એન્ડ્રોઇડ ૪.૩માં હવે ઉમેરાઈ છે, એ પણ માત્ર ટેબલેટ માટે.
તો મૂળ મુદ્દાનો સવાલ, લોકલ બ્રાન્ડનો ફોન લેવાય?
જવાબ છે હા, કેટલીક શરતો સાથે. જ્યાં સુધી સ્પેસિફિકેશનની વાત છે, લોકલ બ્રાન્ડના તદ્દન લોઅર બજેટ ફોનમાં પણ એન્ડ્રોઇડનું ૪.૨ વર્ઝન, ચાર, સાડા ચાર કે પાંચ ઇંચના સ્ક્રીન, પ્રમાણમાં સારું રેઝોલ્યુશન, ૧.૨ ગીગાહર્ટઝ જેવાં પાવરફૂલ પ્રોસેસર, ૧ જીબી રેમ, ૪ જીબી જેટલી ઇન્ટરનલ મેમરી, ડ્યુઅલ સિમ, ૫ એમપીનો રીયર કેમેરા ૩જી, વાઇ-ફાઇ, બ્લુટૂથ, સારી બેટરી લાઈફ વગેરે મળેે છે. તમે સ્માર્ટફોનનો પહેલવહેલો અનુભવ મેળવી રહ્યા હો તો બજેટ ફોનથી એન્ટ્રી કરવામાં કશું જ ખોટું નથી.
ફક્ત કેટલીક વાતો ધ્યાને લેવી જોઈશે. પહેલું, લોકલ બ્રાન્ડ્સ સ્થિતિ બદલવા પ્રયાસ કરી રહી છે, પણ વેચાણ પછીની સર્વિસ હજી બહુ નબળી છે. આ લખનારને ઇન્ટરનેશનલ અને લોકલ બંને ફોન વાપરવાનો અનુભવ છે અને ૧-૨ વર્ષમાં બંને ફોનમાંથી કોઈ માટે ક્યારેય સર્વિસ સેન્ટર શોધવા જવું પડ્યું નથી, પણ હકીકત એ છે કે સેમસંગ, સોની, એચટીસી, એલજી વગેરેનાં સર્વિસ સેન્ટર ઠેકઠેકાણે મળી જશે, ભારતીય કંપનીઓ માટે એ સ્થિતિ નથી. કેટલાક મોબાઈલ ડીલર પણ તમને કહેશે, ‘ફલાણી કંપની? એનું સર્વિસ સેન્ટર આપણા શહેરમાં નથી એટલે અમે એના ફોન વેચતા નથી.’
બીજો મુદ્દો સોફ્ટવેર અપડેશનનો હતો, જે સ્થિતિ હવે બદલાઈ રહી છે. લોકલ બ્રાન્ડમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન આવે એટલે આખા ફોનનું નવું વર્ઝન જ આવી જાય એવી સ્થિતિ હતી (એપલે હમણાં તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી ત્યારે ૨૦૧૦ પછી આઇફોન લેનારા સૌ પોતાના ફોનને ફ્રી અપડેટ કરી શકે એવી ઓફર કરી છે). હવે લોકલ બ્રાન્ડ પણ ઓટીએ એટલે કે ઓન ધ એર, સોફ્ટવેર અપડેટ કરી શકાય એવી સગવડ આપી રહી છે.
અપરૂતાં સર્વિસ સેન્ટર અને સોફ્ટવેરમાં નવીનતાનો અભાવ આ બે સૌથી મહત્ત્વના મુદ્દા છે. તમે આ બંને વિના ચલાવી શકો એ આગળના પાને ઓલા મુદ્દાઓ બરાબર જાણી-સમજી લો તો તમે ચોક્કસ ઓછા બજેટમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન લઈને તમારા નવા ફોનમાંથી ફેસબુક-ટવીટર પર સૌને હેપ્પી દિવાળી કહી શકો છો!
જાતે સરખાવો ફોનનાં વિવિધ સ્પેસિફિકેશન્સ
ફોન ખરીદવા માટે સીધા જ મોબાઇલ શોરૂમમાં જવો બદલે, વિવિધ ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર જાઓ.
લગભગ બધી જ મોટી ઓનલાઈન શોપ્સમાં આપણે ચોક્કસ બ્રાન્ડ, ચોક્કસ પ્રાઇસ, સ્ક્રીન સાઇઝ વગેરે જણાવીને વિવિધ મોડેલનાં સ્પેસફિક્શેન તપાસી શકીએ છીએ. ‘સાયબરસફર’ના અગાઉના કેટલાક અંકોમાં આપણે સ્માર્ટફોન લેતાં રહેલાં કયાં કયાં સ્પેસિફિકેશન પર ખાસ ધ્યાન આપવું તેની વાત વિગતવાર કરી જ છે.
એ વિગતો તેમ જ તમારી જરુરિયાતો, બજેટ વગેરે વિચારીને ચારેક મોડેલ નક્કી કરો. લગભગ બધી ઓનલાઇન શોપ પર તમે આ ચારેય મોડેલનાં સ્પેસફિકેશન પાસે પાસે સરખાવી શકશો. કયો ફોન કઈ રીતે ચઢિયાતો છે એ સમજો, કયો ફોન તમારી જરૂરિયાત સૌથી સારી રીતે સંતોષશે એ પણ તપાસો એ છી એ જ મોડેલ ધ્યાનમાં રાખીને મોબાઇલ શોરુમમાં જાઓ. હવે શોરુમને સેલ્સમેન તમને સાચી હકીકતો જણાવે છે નહીં એ તમે બરાબર જાણી શકશો અને તમે એ ગૂંચવાઈ જાય એવા સવાલો પણ પૂછી શકશો!
જાતે અનુભવો ફોનનો ઉપયોગ
ભારતીય કંપનીના સસ્તા સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન ઇન્ટરનેશનલ બ્રાન્ડ જેવાં લાગે, પણ કિંમતમાં મોટો ફેર હોય તો સ્વાભાવિક છે કે લોકલ બ્રાન્ડ ક્યાંક તો કરકસર કરતી જ હશે. તમે ઓનલાઇન શોપ્સમાં વિવિધ બ્રાન્ડ અને તેનાં મોડેલનાં સ્પેસિફિકેશન સરખાવી શકશો, પણ આ બધાં સ્પેસિફિકેશન મુજબ ફોન ખરેખર કામ આપે છે કે નહીં તે તમે મોબાઇલા શોરુમમાં જઈને તપાસી શકશો નહીં. સહેલો રસ્તો એ છે કે લોકલ બ્રાન્ડો સ્માર્ટફોન લેારા તમારા કોઈ પરિચિતના ફોનમાં નીચેની બધી વિગતો તપાસસો. શક્ય હોય તો એકી વધુ ફોન જાતે તપાસો અને પછી નિર્ણય કરો.
તમારે કઈ કઈ બાબતો ધ્યાનથી તપાસવી એ જાણી લો :
- તમે ફોનની મદદથી ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવા માગતા હો તો ખાસ તપાસો કે ફોનમાં ગુજરાતી ફોન્ટ છે? ફોનના બ્રાઉઝરમાં કોઈ પણ ગુજરાતી વેબસાઇટ પર જઈને તમે આ ચકાસી શકો છો.
- લગભગ બધા ઇન્ડિયન સ્માર્ટફોનમાં હિન્દી ફોન્ટ હોય છે, પણ ગુજરાતી ફોન્ટ હોતા નથી. એ તમે પછીથી ઉમેરી શકશો નહીં (સિવાય કે મેજર સોફ્ટવેર અપડેશનનો લાભ મળે).
- સેમસંગના ફોનમાં મોટા ભાગે ગુજરાતી ફોન્ટ હોય છે અને એમાં તો હવે સમગ્ર ઇન્ટરફેસ પણ ગુજરાતી થઈ શકે છે (જોકે એ ‘એપ્સ’ એટલે કે એપ્લિકેશન્સનું ગુજરાતી ‘અરજીઓ’ કરે છે!)
- ફોનનું કેસિંગ કેટલુંક મજબૂત છે એ જુઓ.
- ફોનમાં ૧.૨ ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોરનું પાવરફૂલ પ્રોસેસર હોય, પણ રેમ ૨૫૬ એમબી જેટલી નબળી હોય તો સરવાળે ફોન બહુ ધીમો ચાલશે.
- એકથી વધુ એપ ચાલુ રાખીને કામ કરવામાં મુશ્કેલી પડે એવું બની શકે.
- ‘એન્ગ્રી બર્ડ’ જેવી સામાન્ય ગેમ તમે કદાચ સરળતાથી રમી શકો, પણ ‘ઇલલીગલ રેસિંગ’ કે ‘રીયલ રેસિંગ’ જેવી હેવી ગેમ્સ ચાલે જ નહીં એવું બની શકે.
- સ્ક્રીન ૪ કે સાડા ચાર ઇંચનો હોય અને રેઝોલ્યુશન ૮૦૦ x ૪૮૦ પિક્સેલનું હોય તો સામાન્ય રીતે ક્લેરિટી સારી હોવી જોઈએ, છતાં કલર્સ અને કોન્ટ્રાસ્ટ નબળાં હોય એવું બની શકે. ત્રાંસા એંગલથી જોતાં કે દિવસના અજવાળામાં જોતાં ફોનમાં કશું વાંચી ન શકાય એવું પણ બની શકે.
- ફોનમાં ફક્ત ૨જી કનેક્ટિવિટી છે કે ૩જી પણ છે એ તપાસી જુઓ.
- કેમેરા ૫ મેગાપિક્સેલનો હોય પણ તેના લેન્સ, ફ્લેશ નબળાં હોય તો ફોટોગ્રાફ સારી ક્વોલિટીના નહીં મળે, ખાસ કરીને ઓછા અજવાળામાં.
- ટચસ્ક્રીન આંગળીના હળવા સ્પર્શનો પ્રોપર રિસ્પોન્સ ન આપે એવું બની શકે. ખાસ કરીને સ્ક્રીનની ધારની બાજુએ કે ટાઇપિંગ વખતે કી-બોર્ડની બધી કી સરસ રિસ્પોન્સ ન આપે એવું બની શકે.
- ફોનનું ઇન્ટરનલ એન્ટેના નબળું હોય તો વોઇસ ક્લેરિટી સારી ન મળે કે કોલ ડ્રોપ થાય એવું બની શકે.
- મોટા ભાગે, ફોનનાં સ્પીકર્સ નબળાં મળશે, ઇઅરપીસની મદદથી ગીતો સાંભળશો તો સારું રીઝલ્ટ મળશે.


