જીમેઇલમાં ટેબ્ઝની નવી સુવિધા ઉમેરાઈ છે, જે આપણા પર આવતા મેઇલ્સને આપોઆપ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ તેમ જ ફોરમ્સ એવી પાંચ કેટેગરીમાં આપણા મેઇલ્સ વિભાજિત કરી નાખે છે. આમ તો આ એક કામની સગવડ છે, તમે જોશો તેમ સામાન્ય રીતે તમારે વધુ કામના બધા જ મેઇલ્સ પ્રાઇમરી ટેબમાં જોવા મળશે, જ્યારે બાકીની ટેબ્સમાં જોવા મળતા મેઇલ્સ સામાન્ય રીતે બહુ કામના હોતા નથી.
પરંતુ, કોઈ કારણસર તમને આ સુવિધા માફક આવતી ન હોય (ખાસ તો તેમાં ક્યારેક આપણો કામનો મેઇલ પ્રાઇમરીને બદલે બીજા કોઈ ટેબમાં પહોંચી જાય અને આપણે શોધતા રહીએ એવું બને છે) તો તમે આ સુવિધા બંધ પણ કરી શકો છો. એ માટે…
(૧) જીમેઇલમાં ઉપર જમણા ખૂણે આપેલ ગિયર આઇકન પર ક્લિક કરો.
(૨) તેમાં ‘કન્ફિગર ઇનબોક્સ’ના વિકલ્પ પર ક્લિક કરો.

(૩) હવે જે વિન્ડો ખૂલે તેમાં બધી જ નવી કેટેગરી સામેનાં ચેકબોક્સ ડિસિલેક્ટ કરી દો.
(૪) તમારી પસંદગી સેવ કરી લો એટલે કામ પત્યું, તમારું જૂનું ઇનબોક્સ તમને પાછું મળી જશે!
વાસ્તવમાં, જીમેઇલ પોતે મેસેજના સોર્ટિંગ માટે સરસ રસ્તા આપે છે. જીમેલના સેટિંગ્સમાં જઈને ઇનબોક્સ ટેબમાં જશો તો તેમાં તમે જુદા જુદા પ્રકારના ઇનબોક્સ ટાઇપ પસંદ કરી શકશો. અહીં થોડા અખતરા કરી જુઓ!
