વૈભવી દેસાઈ (ધીરૃભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગાંધીનગર)
અમારી કોલેજમાં એકાદ વર્ષથી ગૂગલ ડેવલપર ગ્રુપ કાર્યરત છે, જે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ યોજે છે. તેમાંથી જ મને ગૂગલ વિશે ઘણું વધુ જાણવા મળ્યું અને જીએસએ પ્રોગ્રામની માહિતી મળી.
જોકે ગૂગલ જેવી મલ્ટિનેશનલ કંપનીનો ઇન્ટરવ્યૂ હતો એટલે દરેક સામાન્ય માણસની જેમ મારા મનમાં પણ અનેક પ્રશ્નો હતા કે કેવા સવાલો પૂછાશે? મેં પહેલાં કોઈ ઇન્ટરવ્યૂ આપેલો નહીં એટલે બહુ અંદાજ પણ નહોતો. એટલે સૌથી પહેલાં મેં વાત કરી મારી જ કોલેજના ગત વર્ષનાં જીએસએ – અંકિતા મહેતા સાથે. તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મળ્યું.
સર્ચ એન્જિન ગૂગલનો જ ઉપયોગ કરીને જૂના જીએસએ, જેમણે પોતાના ઇન્ટરવ્યૂ શેર કર્યા હતા તેનો અભ્યાસ કર્યો. યુટ્યૂબ પર કેટલાક વીડિયો પણ મને ઉપયોગી નીવડ્યા. મારા પિતા અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ૩૦ વર્ષથી રીક્રુટમેન્ટ ક્ધસલ્ટન્ટ છે, એમણે મને કેટલીક સ્ટાન્ડર્ડ ટીપ્સ અને ટ્રીક્સ આપી.
મારો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ ૪૦-૪૫ મિનિટ જેટલો લાંબો ચાલ્યો. ઇન્ટરવ્યૂ લેનારાં મેડમે પહેલાં મારું ભણતર, મારી ઇત્તર પ્રવૃત્તિઓ, મારા રસના વિષય વગેરે પૂછ્યું. પછી મારા મતે જીએસએનો અર્થ પૂછ્યો. મારી નેતૃત્વકળા અને ક્રાઇસિસ મેનેજમેન્ટ સ્કિલ્સ ચકાસવા કેટલાક વિશિષ્ટ સંજોગો આપવામાં આવ્યા, જેમાંથી મારે માર્ગ કાઢવાનો હોય.
અંતે, ભણતરની સાથે જીએસએ તરીકે કાર્ય કરવા માટે હું મારો સમય કેવી રીતે મેનેજ કરી શકીશ એ વિશે પૂછવામાં આવ્યું.
એકંદરે ઇન્ટરવ્યૂ સહજ અને ફ્રેન્ડલી લાગ્યો, પરંતુ તમામ પ્રશ્ર્નોના જવાબ સચોટ અને પૂરેપૂરા આત્મવિશ્ર્વાસથી આપવા જરુરી છે.
હું દૃઢપણે માનું છું કે ભણતર ઉપરાંતનાં કાર્યો કર્યા સિવાય જીએસએ તરીકે સિલેક્ટ થવું શક્ય નથી. હું શાળામાં હતી ત્યારથી વક્તૃત્વ, સંગીત, કથક નૃત્ય, ગરબા, વાર્તાકથન, નાટક, સ્ટેજ પ્રવૃત્તિઓ વગેરેમાં હોંશથી ભાગ લેતી હતી. અમદાવાદના શેઠ સી. એન. વિદ્યાલય દ્વારા મને ‘શ્રેષ્ઠ વિદ્યાર્થી’ અને ‘વક્તૃત્વમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી’નું પારિતોષિક પણ મળેલ. ધોરણ-૧૦ અને ૧૨માં બોર્ડમાં ટોપ-૧૫માં મારો રેન્ક હતો.
કોલેજમાં પહોંચ્યા પછી પણ ઇત્તર પ્રવૃત્તિમાં ઘણી કાર્યરત છું. હું આઇઇઇઇ (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનીયર્સ)માં સભ્ય છું અને તેની મોટા ભાગની પ્રવૃત્તિમાં ભાગ લઉં છું. યાહૂનાં સીઇઓ અને પ્રેસિડેન્ટ મેરિસા મેયર પર બનાવેલી મારી મૂવીને પ્રથમ ઇનામ મળ્યું હતું.
કોલેજની અમારી બેચના ચાર-પાંચ વિદ્યાર્થીઓએ સાથે મળીને ‘ધ કોલેજસ્ટોર’ નામનું એક ઇ-કોમર્સ પ્લેટફોર્મ વિક્સાવ્યું છે. આ પ્લેટફોર્મની મદદથી વિદ્યાર્થીઓ સેક્ધડ હેન્ડ બુક્સ ખરીદી-વેચી શકે છે. એ માટે તેમણે ગાંધીનગરથી અમદાવાદ સુધી જવું પડતું નથી.
આ બધા અનુભવો અને પ્રોજેક્ટથી મને ટીમવર્ક, લીડરશીપ, આત્મવિશ્વાસ વગેરેનો બહોળો અનુભવ મળ્યો, જે મને જીએસએ તરીકે કામ કરવામાં મદદરુપ રહેશે. મને માતા-પિતા અને દાદા-દાદીનું પણ ખૂબ પ્રોત્સાહન મળ્યું.
હું પોતે બારમા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં ભણી છું અને મને લાગે છે કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જેટલા જ સક્ષમ છે, ફક્ત તેમણે થોડો વધુ આત્મવિશ્વાસ કેળવવાની અને અંગ્રેજી ભાષા પર બોલવાનો કમાન્ડ કેળવવો જરુરી છે. મેં શાળામાં ભણતાં ભણતાં લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓ પાસ કરેલી અને શાળામાં ચાલતો પાંચ વર્ષનો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ પણ કરેલો.
કોલેજમાં નવી નવી હતી ત્યારે મારા વિચારો અંગ્રેજીમાં વ્યક્ત કરવામાં થોડો સંકોચ થતો, પણ આ કોલેજમાં બે વર્ષ પૂરાં કર્યા પછી અંગ્રેજી બોલવા-લખવામાં મને કોઈ વિશેષ મુશ્કેલી નડતી નથી, એટલે જ જીએસએના ઇન્ટરવ્યૂ કે સિલેક્શનમાં ગુજરાતી માધ્યમને લીધે મને કોઈ મુશ્કેલી નડી નહીં.
મને લાગે કે જીએસએ તરીકે ગૂગલની તમામ પ્રોડક્ટ ને લેટેસ્ટ ટેકનોલોજીથી હું માહિતગાર બનીશ. કાર્યક્રમોની સંચાલન ક્ષમતા વિકસશે, વૈશ્ર્વિક પ્રતિભાઓના સંપર્કમાં આવીશ અને માર્કેટિંગમાં પણ નિપુણતા મળશે. હું જે ઇવેન્ટ યોજીશ તેમાં આઇડિયાથી લઈને ઇમ્પ્લિમેન્ટેશન સુધીનું તમામ કાર્ય કેવી રીતે હેન્ડલ થાય છે એ વિશે શીખવા મળશે. આમ એન્જિનીયરિંગ સાથે મેનેજમેન્ટનો પણ અનુભવ મળશે.
મારા મતે…
- ઇન્ટરનેટને કારણે આજે આખું વિશ્વ આપણી મુઠ્ઠીમાં છે.
- કોલેજમાં પ્રવૃત્તિઓ થતી હોય કે ન હોય, ઉત્સુક વિદ્યાર્થીેએ ગૂગલ જેવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને જાતે નવી નવી સ્પર્ધાઓ સેમિનાર, પ્રોજેક્ટ વગેરે શોધવા તત્પર રહેવું જોઈએ.
- કોઈ સારી ઇવેન્ટ મળે તો ઉત્સાહથી ભાગ લેવો. જેમાં ભાગ લઈએ તેમાં મન દઇને કામ કરવું જરુરી છે.
- ગૂગલ પ્લસ કે ફેસબુક દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થી સાથે કનેક્ટ થઈ શકાય છે. તેમની પાસેથી માર્ગદર્શન મેળવી શકાય છે.
- માતા-પિતા, કોલેજના પ્રોફેસર, સિનિયર વિદ્યાર્થીસાથે સંપર્કમાં રહીને પણ નવી માહિતીથી માહિતગાર થઈ શકાય છે.

