ક્યારેક એવા સંજોગ ઊભા થઈ શકે છે, જ્યારે આપણે લેપટોપમાં જ નેટ સર્ફિંગ કરવું જરુરી બની જાય. તમે આ માટે અલગ ડોંગલ ખરીદ્યું ન હોય તો સ્માર્ટફોનથી લેપટોપમાં નેટનો લાભ લઈ શકો છો.
આગળ શું વાંચશો?
- ટીધરિંગનો અલગ ચાર્જ હોઈ શકે?
- આટલું ધ્યાનમાં લેશોઃ
- સ્માર્ટફોનમાં લેવાનાં પગલાં
- લેપટોપમાં લેવાનાં પગલાં
અચ્છા, તો સ્થિતિ કંઈક આવી છે – તમારી પાસે એક સરસ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે અને તમારી પાસે એક લેપટોપ કે પીસી પણ છે. પીસી માટે તમે ઇન્ટરનેટ કનેક્શન લીધું છે. સ્માર્ટફોનમાં પણ તમે ઓફિસ બહાર હો ત્યારે ફટાફટ થોડું ગૂગલિંગ, સર્ફિંગ, સોશિયલ નેટવર્કિંગ કે ઈ-મેઇલિંગ કરી લેવાય એ માટે તમે તમારા મોબાઇલના પ્લાન ઉપરાંત ઇન્ટરનેટનો ડેટા પ્લાન લીધો છે (ઇન્ટરનેટ વિના સ્માર્ટફોન લેવાનો અર્થ પણ શો?!). મતલબ કે પીસી અને સ્માર્ટફોન માટે તો ઇન્ટરનેટનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે, સવાલ રહ્યો છે લેપટોપનો.
જો તમે ઘરમાં (કે ઓફિસમાં) બ્રોડબેન્ડ કનેક્શન લીધું હશે તો એક વાઇ-ફાઇ રાઉટર પણ ખરીદ્યું હશે. વાઇ-ફાઇ રાઉટરની આપણે એક સાથે ચારેક કમ્પ્યુટરને કેબલથી એકબીજા સાથે અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ, તેમ જ આ રાઉટરમાંથી વાઇ-ફાઇ સિગ્નલની મદદથી આપણે સ્માર્ટફોન કે લેપટોપને પણ ઇન્ટરનેટ સાથે અને બાકીનાં કમ્પ્યુટર્સ સાથે કનેક્ટ કરી શકીએ છીએ.(રાઉટર વિશે એક અલગ, વિગતવાર લેખ માટે થોડી રાહ જુઓ!). સ્માર્ટફોનને આપણે ઘર કે ઓફિસમાં વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીએ તો મોબાઇલ કંપની પાસેથી ખરીદેલા ડેટા પ્લાનમાં બચત કરી શકીએ છીએ.
પરંતુ ધારો કે તમે ઘર કે ઓફિસની બહાર છો, તમારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવાની જરૂર પડી છે અને તમારા સ્માર્ટફોનથી એ કામ પતે એવું નથી, તો? લેપટોપ છે, પણ તેને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કેવી રીતે કરશો? આવા સંજોગ વારંવાર ઊભા થતા હોય તો તમે લેપટોપ અલગથી ડોંગલવાળું નેટ કનેક્શન વસાવી શકો છો, પણ એ ડોંગલ વધારાનો ખર્ચ પણ છે અને કાયમ યાદ રાખીને સાથે રાખવું કંટાળાજનક પણ છે. જો ભૂલી ગયા તો ફરી પ્રશ્ન એ જ ઊભો રહે, લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કેવી રીતે કરશો?
આ સંજોગોમાં, લાખ દુ:ખોં કી એક દવા જેવો આપણો સ્માર્ટફોન ફરી આપણી મદદ કરી શકે છે. સ્માર્ટફોનમાંના ડેટા પ્લાનની મદદથી આપણે લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. અહીં આ માટે સ્માર્ટફોન અને લેપટોપમાં આપણે જે વિધિ કરવી પડે, તેની સ્ટેપ-બાય-સ્ટેપ સમજણ મેળવીએ.
ટીધરિંગનો અલગ ચાર્જ હોઈ શકે?
તમને જાણીને નવાઈ લાગશે, પણ આપણે આપણા સ્માર્ટફોનથી લેપટોપમાં ઇન્ટરનેટ એક્સેસ કરીએ તેની સામે આપણને ડેટા પ્લાન આપતી મોબાઇલ કંપનીને વાંધો હોય છે! યુએસમાં મોટા ભાગની કંપનીઓ આ સુવિધાનો અલગ ચાર્જ છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ આ વિશે બહુ સ્પષ્ટતા કરતી નથી, પણ તેની ઝીણા અક્ષરે લખેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચો તો તેમાં ‘ટીધરિંગની મનાઇ છે’ કે ‘ટીધરિંગનો અલગ ચાર્જ લેવાશે’ જેવું કંઈક વાંચવા મળી શકે છે.
જો તમે કોઈ મોબાઇલ કંપની પાસેથી ડાયરેક્ટ હેન્ડસેટ ખરીદ્યો હોય તો તેમાં ટીધરિંગનો ઓપ્શન ડિસેબલ્ડ હોવાની પૂરી શક્યતા છે!
આપણે મોબાઇલ કંપની પાસેથી બે-પાંચ જીબીનો કે ટુ-જીના કિસ્સામાં અનલિમિટેડ પ્લાન લીધો હોય અને તેમાંથી થોડી બેન્ડવિથ આપણે સ્માર્ટફોનને બદલે લેપટોપ પર વાપરીએ તો તેની સાથે મોબાઇલ કંપનીને શો વાંધો હોઈ શકે એવો સવાલ સહેજે થાય. પરંતુ કારણ એ છે કે મોબાઇલ કરતાં લેપટોપ પર ઇન્ટરટનેટના ઉપયોગમાં કંપનીની વધુ બેન્ડવિથ વપરાતી હોય છે. મોબાઇલ પર આપણે મોટા ભાગે જે તે વેબસાઇટનું મોબાઇલ વર્ઝન જોતા હોઈએ છીએ, જે મોબાઇલને ધ્યાનમાં રાખીને, ઓછી બેન્ડવિથનો ઉપયોગ કરીને ઝડપથી સર્ફિંગ શક્ય બને એ રીતે તૈયાર થયેલાં હોય છે. લેપટોપ પર કે પીસી પર આપણે અલગ અલગ વેબસાઇટ પર જાતભાતની ફ્લેશ એડવટર્ઇિઝમેન્ટ્સ જોતા હોઈએ છીએ એ પણ વધુ બેન્ડવિથ ખાતી હોય છે.
પરિણામે, ખાસ કરીને અનલિમિડેટ ડેટા પ્લાનનો આપણે સ્માર્ટફોનને બદલે લેપટોપ પર ઉપયોગ કરવા લાગીએ તો મોબાઇલ કંપનીને પેટમાં દુ:ખવા લાગે છે. આપણે ડેટા પ્લાનનો સ્માર્ટફોન પર ઉપયોગ કરીએ કે લેપટોપ પર તેની મોબાઇલ કંપનીને કેવી રીતે ખબર પડે તેવો સવાલ થયો? જવાબ એ છે કે આગળ કહ્યું તેમ પીસી-લેપટોપ પરના સર્ફિંગમાં વધુ ડેટા વપરાતો હોય છે. આપણે લેપટોપને સ્માર્ટફોનની મદદથી નેટ સાથે કનેક્ટ કરીએ અને પછી લેપટોપ પર યુટ્યૂબમાં આખી મૂવી જોઈએ કે ડાઉનલોડ કરીએ કે ટોરેન્ટ જેવી સર્વિસની મદદથી મોટા પાયે ડાઉનલોડ કરીએ તો કંપનીને તરત સમજાઈ જાય છે કે આપણે ડેટા પ્લાનનો મોબાઇલ ઉપરાંત બીજી કોઈ રીતે ઉપયોગ કરી રહ્યા છીએ!
આટલું ધ્યાનમાં લેશો :
- લેપટોપને સ્માર્ટફોનથી ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની પ્રોસેસ ‘ટીધરિંગ’ કહેવાય છે.
- ટીધરિંગનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ માટેનો અલગ ડેટા પ્લાન એક્ટિવેટેડ હોવો જરુરી છે.
- બધી જ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની ટીધરિંગને સપોર્ટ કરતી નથી, કેટલીક કંપની ટીધરિંગનો અલગથી ચાર્જ વસૂલ કરે એવું પણ બની શકે છે (વધુ વિગતો માટે જુઓ સાથેનું બીજું બોક્સ).
સ્માર્ટફોનમાં લેવાનાં પગલાં
(તમારા હેન્ડસેટ કે એન્ડ્રોઇડનાં વર્ઝન અનુસાર નીચેનાં પગલાં થોડાં જુદાં હોઈ શકે છે)
સ્ટેપ – ૧
- સેટિંગમાં જાઓ.
- ‘વાયરલેસ એન્ડ નેટવર્ક્સ’ વિભાગમાં જાઓ અને ‘મોર’ પર ક્લિક કરો.
- તેમાં ‘ટીધરિંગ એન્ડ પોર્ટેબલ હોટસ્પોટ’ પર ક્લિક કરો.
સ્ટેપ-૨
અહીં તમે જોશો તેમ, આપણે ત્રણ રીતે લેપટોપને સ્માર્ટફોનના ડેટા પ્લાનનાં કનેક્શન મોકલી શકીએ છીએ.
- વાઇ-ફાઇ હોટસ્પોટ : આ સૌથી સગવડભરી રીત છે, તેનાથી તમે એકથી વધુ સાધન પણ એક સાથે કનેક્ટ કરી શકો છો, પણ તેમાં સ્માર્ટફોનની બેટરી વધુ ઝડપે ખાલી થશે.
- યુએસબી ટીધરિંગ : તમારા સ્માર્ટફોનને તેના ડેટા કેબલની મદદથી લેપટોપ સાથે કનેક્ટ કરો. આ રીતે આપણને સૌથી વધુ સ્પીડ મળી શકે છે, સ્માર્ટફોનની બેટરી પણ બહુ વપરાશે નહીં, કેમ કે એ સામા છેડે રહેલા લેપટોપની બેટરીથી પોતે ચાર્જ થવા લાગશે (પરંતુ હવે લેપટોપની બેટરી વધુ વપરાશે!)
- બ્લુટૂથ ટીધરિંગ : તમારા લેપટોપમાં પણ બ્લુટૂથની સુવિધા હોય તો આ રીત વધુ અનુકૂળ છે. તેનાથી એક સમયે ફક્ત એક સાધન કનેક્ટ થઈ શકશે, પણ તેમાં વાઇ-ફાઇ કરતાં ઓછી બેટરી વપરાશે.
સ્ટેપ-૩
- આપણે વાઈ-ફાઈ હોટસ્પોટની રીત વિગતવાર સમજીએ. એ માટે આ ઓપશન ઓન કરો.
- આપણું કામ પુરું થયું નથી હવે. તમે લેપટોપમાં જઈને સ્માર્ટ ફોનનું ડેટા કનેકશન એકસેસ કરવાનો પ્રયાસ કરશો તો લેપટોપમાંનો સિસ્ટમ એક પાસવર્ડ માંગશે.
- આપણા સ્માર્ટફોનની મદદથી લેપટોપમાં નેટ એક્સેસ કરવા ન લાગે એ માટે સ્માર્ટફોનમાં પહેલેથી આવી સ્થિતિ માટે એક પાસવર્ડ સેટ કરેલો હોય છે. તે મેળવવા જુુઓ આગલું સ્ટેપ.
સ્ટેપ-૪
- ‘વાઇ-ફાઇ હોટસ્ટોપ’ પ્રેસ કરતાં, તેના સેટિંગ્સના વિકલ્પો ખૂલશે.
- તેમાં ‘સેટ અપ વાઇ-ફાઇ હોટસ્પોટ’ પર ક્લિક કરો અને આગળના સ્ટેપ મુજબ સેટિંગ કરો.
સ્ટેપ-૫
- અહીં નેટવર્ક આઇડી તરીકે તમારા મોબાઇલ હેન્ડસેટનું નામ જોવા મળશે (જે તમને લેપટોપમાં અવેલેબલ નેટવર્ક તરીકે દેખાશે), તેને તમે બદલી શકો છો.
- અહીં તમારા સ્માર્ટફોનના નેટવર્કનો પાસવર્ડ જોવા મળશે. શો પાસવર્ડ પર ક્લિક કરી, આ પાસવર્ડ તમારે લેપટોપમાં લખવાનો રહેશે. ચાહો તો તમે આ પાસવર્ડ બદલી શકો છો.
- બીજાં સેટિંગ્સમાં નજર ફેરવી લો, પણ તેને બદલવાં જરૂરી નથી.
- અત્યારે લાંબી લાગતી આ વિધિ, પ્રેક્ટિસ થયા પછી બિલકુલ સરળ લાગશે!
લેપટોપમાં લેવાનાં પગલાં
સ્ટેપ-૧
- તમારા લેપટોપનું વાઇ-ફાઇ કનેક્ટિવિટી માટેનું બટન પ્રેસ કરી, આ સુવિધા ઓન કરો.
- સ્ક્રીન પર નીચે જમણા છેડે, ક્લોકની બાજુમાં નેટવર્ક કનેક્શનના આઇકન પર ક્લિક કરો.
- અહીં તમને અવેલેબલ નેટવર્ક કનેક્શન્સની યાદી જોવા મળશે. તેમાં એક નામ તમારા સ્માર્ટફોનનું પણ હશે. ન દેખાય તો રીફ્રેશ કરતાં દેખાશે. તેને ક્લિક કરો.
સ્ટેપ-૨
- તમારા સ્માર્ટફોનના નામ પર ક્લિક કરો. લેપટોપ સ્માર્ટફોન સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરશે.
- બધું બરાબર હશે તો સિસ્ટમ તમને નેટવર્ક સિક્યુરિટી કી પૂછશે. આ કી કે પાસવર્ડ આપણે સ્માર્ટફોનના પાંચમા સ્ટેપમાં જોયો હતો. બસ, એ જ પાસવર્ડ લેપટોપના આ સ્ટેપમાં આપતાં આપણું લેપટોપ વાયા સ્માર્ટફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ જશે! વીશ યુ હેપ્પી સર્ફિંગ, ઓન યોર લેપટોપ, ઓન ધ ગો!

