સાયબરસફર’ના દરેક લેખ તમને એટલે કે દરેક વાચકને વાસ્તવિક જીવનમાં ઉપયોગી થાય એવા મુખ્ય હેતુથી જ પસંદ કરવામાં આવે છે. પરંતુ આ એક લેખમાં અપાયેલી માહિતીનો ઉપયોગ કરવાની આપને ક્યારેય જરુર ન પડે એવી પ્રાર્થના સાથે, આપણે ગૂગલ પર્સન ફાઇન્ડર સેવા વિશે જાણી લઈએ.
ગયા મહિને ઉત્તરાખંડમાં જળપ્રલય વખતે બન્યું તેમ જ્યારે કુદરતી કે માનવસર્જિત આફતની વ્યાપક અસરથી અનેક લોકો અસરગ્રસ્ત બને ત્યારે સંદેશાવ્યવહાર બહુ મોટી ભૂમિકા ભજવે છે. મોટા ભાગે આવી આફત સમયે ફોન-મોબાઇલનો સંપર્ક તૂટી જાય છે અને રસ્તાઓ તૂટી ગયા હોય તો આફતગ્રસ્ત મોટો વિસ્તાર અને તેમાં ફસાયેલા અસંખ્ય લોકો તદ્દન સંપર્કવિહોણા બની જાય છે.
ચાર ધામની યાત્રાએ ગયેલા લોકોની સ્થિતિ અંગે તેમના પરિવાર અત્યંત ચિંતિત હોય અને મોબાઈલ પરનો સંપર્ક તૂટી ગયો હોય ત્યારે જો એમને એટલો પણ સંદેશ મળે કે તેમના સ્વજન હેમખેમ છે તો કેટલી રાહત થાય એ સમજી શકાય તેમ છે.
આફત સમયે આવા રાહતભર્યા સમાચારની આપલે માટે ગૂગલે ‘પર્સન ફાઇન્ડર’ નામે એક સર્વિસ શરુ કરી છે.
૨૦૦૫માં અમેરિકા પર હરિકેન કેટરિનાની આફત ત્રાટકી ત્યારે ઘણી બધી વેબસાઇટ્સે લાપતા લોકો વિશેની માહિતીની આપ-લે શક્ય બનાવતી સેવાઓ શરૂ કરી હતી. પરંતુ તેને કારણે સ્વજન વિશે માહિતી શોધતા કે મદદ કરવા ઇચ્છતા લોકોએ અલગ અલગ ઘણી વેબસાઇટ્સ ફેંદવી પડતી હતી. તેના ઉપાય તરીકે, ગૂગલે બધી જ માહિતી એક જ ફોર્મેટમાં સૌને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા વિચારી. એ અનુભવના આધારે જાન્યુઆરી ૨૦૧૦માં હૈતીમાં આવેલા ભૂકંપ પછી ગૂગલે પર્સન ફાઇન્ડર સર્વિસ શરૂ કરી.
અત્યારે ઉત્તરાખંડની આફતમાં ફસાયેલા લોકો અને તેમના સ્વજનો માટે ગૂગલે આ સર્વિસ ચાલુ કરી છે.
http://google.org/personfinder/2013-uttrakhand-floods વેબપેજ પર જતાં, ડાબી તરફ જે વર્તમાન આફતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો હોય તેનું નામ અને આ સર્વિસ કઈ રીતે કામ કરે છે તેની માહિતીની લિંક્સ જોવા મળે છે.
ગૂગલની આ સર્વિસ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
૨૦૧૩ ઉત્તરાખંડ ફ્લડ્ઝ લિંક ક્લિક કરતાં, જે પેજ ખૂલે છે તેમાં મુખ્ય બે બોક્સ છે, ‘આઇ એમ લૂકિંગ ફોર સમવન (હું કોઈને શોધું છું’ અને ‘આઇ હેવ ઇન્ફર્મેશન એબાઉટ સમવન (મારી પાસે કોઈની માહિતી છે). આ બીજી લિંક રાહતકાર્યમાં જોડાયેલા લોકોને વધુ ઉપયોગી છે. આ લોકો, તેમના બચાવકાર્ય દરમિયાન જે અસરગ્રસ્ત વિશેની માહિતી ગૂગલની સર્વિસમાં ઉમેરે, તે માહિતી એ અસરગ્રસ્ત વ્યક્તિના સ્વજન આ સર્વિસ પર મેળવી શકે છે.
યાત્રાએ ગયેલા પોતાના સ્વજન વિશે માહિતી શોધતા લોકો પહેલા બોક્સમાં ક્લિક કરવાનું રહે છે. નવા ખૂલતા બોક્સમાં સ્વજનનું નામ કે અટક લખી શકાય છે. જેમ કે માત્ર ‘પટેલ’ લખીને સર્ચ કરતાં, સંખ્યાબંધ લોકોની યાદી મળે છે, જેમાં જેમની શોધ ચાલી રહી હોય કે જેમની માહિતી મળી હોય તેમનો સમાવેશ હોય છે.
અહીં આપણા સ્વજનનું નામ કે માહિતી ન મળે, તો લાપતા વ્યક્તિ તરીકે તેમની માહિતી ઉમેરવા માટે ‘ક્રિએટ એ ન્યૂ રેકોર્ડ ફોર એ મિસિંગ પર્સન’ની લિંક પર ક્લિક કરીને આપણા સ્વજનની માહિતી ઉમેરી શકાય છે.
બીજી તરફ, રાહતકાર્યમાં લાગેલ વ્યક્તિઓ તેમને જે વ્યક્તિની માહિતી મળે તેમના વિશે નવી પોસ્ટ ઉમેરી શકે છે. જો આ ડેટાબેઝમાં એ આફતગ્રસ્ત વ્યક્તિનું મિસિંગ લિસ્ટમાં પહેલેથી હોય તો તેમાં તેઓ નવી માહિતી ઉમેરી શકે છે.
જેમ કે દહેરાદૂનની એચઆઇએચટી જોલીગ્રાન્ટ હોસ્પિટલના સ્ટાફે તેમના ત્યાં દાખલ કરાયેલ આફતગ્રસ્ત લોકો જીવિત હોવાની માહિતી ગૂગલ પર્સન ફાઇન્ડરમાં ઉમેરવાનું શરુ કર્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ સર્વિસ પર ૫૯૦૦ જેટલી વ્યક્તિઓની માહિતી ટ્રેક કરવામાં આવી રહી છે.
માત્ર એક એસએમએસ કરીને પણ આ સર્વિસનો લાભ લઈ શકાય છે. આ માટે ૯૭૭૩૩૦૦૦૦૦ નંબર પર Search person-name એસએમએસ કરતાં, તેમના વિશેની માહિતી હોય તો તે અથવા હજી માહિતી ઉપલબ્ધ નથી એવો મેસેજ મળી જાય છે.
ગૂગલ સ્પષ્ટતા કરે છે કે આ સાઇટ પરનો બધો ડેટા સૌ કોઈને ઉપલબ્ધ છે અને તેનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે, તેમ જ ગૂગલ કંપની આ ડેટા સાચો જ હોવાની ખાતરી આપતી નથી. તેમ છતાં, આફતના સમયે એકબીજાની માહિતી મેળવવાનું કે મદદરૂપ થવાનું આવું કોઈ માધ્યમ ઉપલબ્ધ હોય એ જ ટેક્નોલોજીનું મોટું વરદાન ગણી શકાય.


