વિશ્વભરના ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય ગુજરાતી લેક્સિકોનની સેવાઓ હવે મોબાઇલ એપ્સ સ્વરુપે પણ વિસ્તરી રહી છે, મોબાઇલમાં ગુજરાતી ભાષાનો આ અલભ્ય લાભ લૂંટવા જેવો છે!
તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને એન્ડ્રોઇડ એપ્સમાં (પ્લે સ્ટોરમાં હવે એપ્સ ઉપરાંત બીજું ઘણું બધું મળે છે!) Dictionary સર્ચ કરો તો પ્લે સ્ટોર તમને કહેશે કે ઓછામાં ઓછાં ૧૦૦૦ રીઝલ્ટ તપાસી શકો છો. હવે હિન્દી ડિક્શનરી સર્ચ કરશો તો ૪૧૯ જેટલાં પરિણામ મળશે અને ગુજરાતી ડિક્શનરી સર્ચ કરશો તો ૧૧૬ પરિણામ મળે છે (ફૂરસદ હોય તો તમિલ, તેલુગુ, કન્નડ વગેરે ભાષાની ડિક્શનરી પણ તપાસી જોશો તો રસપ્રદ પરિણામ મળશે).
ઓકે, તો આટલું કરતાં પહેલી નવાઈ તો એ લાગશે કે એપ્સ સ્ટોરમાં આટલી બધી ગુજરાતી ડિક્શનરી ઉપલબ્ધ છે! કોઈ ડિક્શનરીમાં સ્માર્ટલી શબ્દોની સંખ્યા જણાવવામાં આવી નથી, કોઈમાં ૨૫,૦૦૦નો આંકડો દેખાય છે તો કોઈ એક લાખ શબ્દો હોવાની વાત કરે છે. આ બધામાં, હજી તાજી જ લોન્ચ થયેલી જીએલ (ગુજરાતી લેક્સિકોન) ડિક્શનરી બિલકુલ અલગ તરી આવે છે કેમ કે તેમાં જે કુલ શબ્દોનો આંકડો દેખાય છે, તે છે ૪૫ લાખ!
શબ્દો અને આંકડા વચ્ચે આમ તો ૩૬ના આંકડા જેવો સંબંધ છે, પણ અહીં પહેલાં આંકડાની સરખામણી એટલા માટે કરી કે જ્યારે ‘ગુજરાતી લેક્સિકોન એ ભારતીય ભાષામાં સૌથી વધુ વિશાળ લેંગ્લેજ પોર્ટલ છે’ એવું આપણે એની વેબસાઇટ કે એપ પર વાંચીએ ત્યારે તેની વિશાળતાનો સ્પષ્ટ અંદાજ આવે!
ગુજરાતી લેક્સિકોનનું સૌથી મોટું પ્રદાન કદાચ એ હશે કે તેણે ગુજરાતીઓને ફરી પોતાની ભાષા અને શબ્દો તરફ વાળ્યા છે (અથવા તો તેઓ ક્યારેય દૂર ગયા જ નથી એવું સાબિત કર્યું છે). ગુજરાતી જોડણીકોશને ડિજિટલ સ્વપ આપીને આ પ્રયોગ અટક્યો નથી. તેમાં વિવિધ પ્રકારના શબ્દકોશ ઉપરાંત ગુજરાતી ભાષાના અનન્ય ગ્રંથ ભગવદ્ગોમંડળને પણ સમાવી લેવામાં આવ્યો. ભાષામાં ઉમેરાતા નવા શબ્દોને આવરી લેતો લોકકોશ પણ ઉમેરાયો અને પછી આગળ વધીને ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ અને હિન્દી ટુ ગુજરાતીની ડિક્શનરી પણ આવરી લેવામાં આવી. વિવિધ રુઢિપ્રયોગો, કહેવતો, વિરોધાર્થી શબ્દો, શબ્દરમત વગેરેથી આ પોર્ટલ સતત સમૃદ્ધ થતું રહ્યું છે.
અને હવે સમયની જરુરિયાત પારખીને ગુજરાતી લેક્સિકોનની પૂરી પાંચ મોબાઇલ એપ્સ રજૂ કરવામાં આવી છે.
આ પાંચેય એપ્સ એન્ડ્રોઇડ અને બ્લેકબેરી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે (સર્ચ કરો ત્યારે gujaratilexicon સ્પેસ વિના સાથે લખીને સર્ચ કરશો તો સરળતા રહેશે). આઇફોન માટેની એપ્સ ટૂંક સમયમાં આવવાની સંભાવના છે.
આખી દુનિયા આજે મોબાઇલ તરફ વળી રહી છે ત્યારે ગુજરાતી લેક્સિકોન મોબાઇલ એપ્સનું સ્વરૂપ લે એ સ્વાભાવિક હતું, પણ એ કામ સહેલું બિલકુલ નહોતું. સ્માર્ટફોનમાં એકથી વધુ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ્સની વિવિધતા છે અને હજી પણ હેન્ડસેટ બનાવનારી કંપનીઓએ સંખ્યાબંધ મોડેલ્સમાં ગુજરાતી યુનિકોડ ફોન્ટ ઉમેર્યા ન હોવાથી ગુજરાતી અક્ષરો જોવાની તકલીફ રહે છે. મોબાઇલની ઓછી મેમરી અને તેનો ટચૂકડો સ્ક્રીન બીજી મોટી મર્યાદા હતી. આ એપ્સમાં ટેક્સ્ટબોક્સમાં ઇંગ્લિશ લખીને ગુજરાતી લખી શકાય એવી સગવડ પણ અનિવાર્ય હતી. એ બધું જ અને એથી વધુ અહીં શક્ય બન્યું છે.
ક્રોસવર્ડ જેવી આડી-ઊભી શબ્દરમતનો જેને શોખ હોય એમને આ એપમાં મજા પડી જાય એવું છે, જોકે એ નોંધ્યા વિના છૂટકો નથી કે ગુજરાતી ક્રોસવર્ડનો જેમનો શોખ હશે એમને માટે મોબાઇલના સ્ક્રીન પર ગુજરાતી લખવું મુશ્કેલ છે!
છતાં, ઇંગ્લિશ મીડિયમમાં ભણતો પોતાનો દીકરો કે દીકરી તળપદાથી માંડીને સામાન્ય બોલચાલના ગુજરાતી શબ્દોથી વાકેફ રહે એવું ઇચ્છતાં અસંખ્ય મા-બાપ માટે આ બધી એપ્સ બહુ મદદરૂપ થશે, કેમ કે આમાં તો એમને માટેય નવા હોય એવા પણ અસંખ્ય શબ્દો મળી આવશે!
વધુ આનંદની વાત એ છે કે ગુજરાતી લેક્સિકનની કામઢી ટીમ એન્ડ્રોઇડના (જે એપલ કરતાં તદ્દન ઓપન પ્લેટફોર્મ છે) હવે પછીના વર્ઝનમાં ગુજરાતી ફોન્ટને લગતી કોઈ સમસ્યાઓ ન રહે એ માટે પયત્નશીલ છે. ગુજરાતી ગ્રંથોનું ડિજિટાઇઝેશન, ગુજરાતી ટ્રાન્સલેશન અને સોશિયલ સોફ્ટવેર, ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અને બાળકો માટે એનિમેટેડ ગુજરાતી પુસ્તકો વિક્સાવવા માટે પણ પ્રવૃત્ત છે.
આપણે ગુજરાતીઓ માટે આ બધામાં શિરમોર (અર્થ જાણવા ગુજરાતી લેક્સિકોન પર જવું પડશે?!) કહેવાય એવી વાત એ કે આ બધું જ ફોગટ એટલે કે નિ:શુલ્ક, એટલે કે મફત એટલે કે ફ્રી છે!

