ગૂગલ મેપ્સમાં જગતની કેટલીક ઇમેજીસ એકઠી થઈ હશે?
ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ, પ્લેન કે રસ્તા પરથી થયેલી ફોટોગ્રાફીની મદદથી ખરેખર પાર વગરની ઇમેજીસ એકઠી કરવામાં આવી છે. આંકડાની રીતે જોઈએ તો ૨૦ પેટાબાઇટ્સથી વધુ, એટલે કે ૨૧૦ લાખ જીબી. આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ક્ષમતા માંડ ૫૦૦ કે ૧૦૦૦ જીબીની હોય છે!
આ બધી ઇમેજીસ ક્યારે ક્યારે અપડેટ થાય છે?
એરિયલ કે સેટલાઇટ ઇમેજીસ સામાન્ય રીતે દર બે અઠવાડિયે અપડેટ થાય છે. સ્ટ્રીટ વ્યૂ ઇમેજીસ જેવી મળે કે તરત અપડેટ થાય છે. આમ છતાં, ઓછી વસતીવાળા ભાગોની ઇમેજીસ ખાસ્સી જૂની હોય એવું બની શકે છે.
સ્ટ્રીટ વ્યૂમાં વાંધાજનક ઇમેજીસ લેવાઈ જાય તો?
આવું ઘણી વાર બને છે. ગૂગલ મેપમાં ‘રીપોર્ટ એ પ્રોબ્લેમ’ની એક વ્યવસ્થા છે, જેનાથી ગૂગલ સ્ટ્રીટ વ્યૂનો ઉપયોગ કરતા લોકો પોતે જે તે ઇમેજીસ વાંધાજનક હોવાનું કહી શકે છે. ગૂગલની ટીમ આવી ઇમેજ તપાસી તેને દૂર કરવા જેવાં યોગ્ય પગલાં લે છે.
ગૂગલ મેપમાં લોકોના ચહેરા ધૂંધળા કેમ દેખાય છે?
સ્ટ્રીટ વ્યૂમાં જુદાં જુદાં સ્થળોની પાર વગરની તસવીરો લઈને તેમને એકમેક સાથે જોડીને ૩૬૦ ડીગ્રીનો વ્યૂ તૈયાર કરવામાં આવતો હોય છે. આમાં રસ્તે જતા લોકો, કાર વગેરે પણ તેમાં ઝડપાઈ જાય છે. તેમની પ્રાઇવસી જોખમાય નહીં તે માટે દરેક વ્યક્તિનો ચહેરો અને કારની નંબર પ્લેટ ધૂંધળી કરી નાખવામાં આવે છે.
ગૂગલમાં જે તસવીરો દેખાય છે તે કોની માલિકીના સેટેલાઇટે ખેંચેલી હોય છે?
ગૂગલ મેપ કે અર્થમાં દેખાતી તસવીરો જુદા જુદા અનેક સ્રોતમાંથી મેળવેલી હોય છે. ગૂગલ સરકાર કે ખાનગી કંપનીઓથી પાસેથી આ ડેટા ખરીદે છે, જે બીજું કોઈ પણ ખરીદી શકે છે.
ગૂગલ મેપ્સ પર કોઈ પણ વ્યક્તિ, કંઈ પણ જોઈ શકે?
ના. સેટેલાઇટ ઇમેજીસ ગૂગલ સુધી પહોંચે તે પહેલાં સરકાર અમુક સંવેદનશીલ વિસ્તારોને ધૂંધળા કરી દઈ શકે છે. સ્ટ્રીટ વ્યૂમાં માત્ર જાહેર રસ્તાઓ કે જેમની સાથે ગૂગલે જોડાણ કર્યંુ હોય તે ખાનગી વિસ્તારો જ જોઈ શકાય છે.
સ્ટ્રીટ વ્યૂમાં બિલ્ડિંગની અંદરના ભાગ પણ જોઈ શકાય છે?
હા બિલકુલ. દુનિયાનાં વિવિધ દેશમાંનાં ૧૫૬ મ્યુઝિયમ (જુઓ http://www.googleartproject.com/) અને આઠ-નવ દેશોના વિવિધ બિઝનેસ (જેમ કે હોટલ, સ્ટોાર, મોલ વગેરે)ના ઇનસાઇડ વ્યૂ પણ આપણે જોઈ શકીએ છીએ.
ગૂગલે અત્યાર સુધીમાં દુનિયાના કેટલા ભાગના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કયર્િ છે?
સ્ટ્રીટ વ્યૂ પ્રોજેક્ટ ૨૦૦૭માં તૈયાર થયો, ત્યારથી અત્યાર સુધીમાં કુલ લગભગ ૫૦ લાખ માઈલ જેટલા રસ્તાઓની સ્ટ્રીટ વ્યૂ માટે ફોટોગ્રાફી કરવામાં આવી છે.
સ્ટ્રીટ વ્યૂ માટેના કેમેરા કેવા હોય છે?

ગૂગલે શરૂઆત નાના પાયે કરી હતી, પણ હવે સ્ટ્રીટ વ્યૂ કેમેરામાં ૧૫ લેન્સ હોય છે. આવી એક કેમેરા સિસ્ટમ ૬૫ મેગાપિક્સેલ સુધીનું રેઝોલ્યુશન ધરાવતી તસવીરો ખેંચી શકે છે.
૩૬૦ ડીગ્રીના પેનોરમિક વ્યૂ કેવી રીતે તૈયાર થાય છે?
સ્ટ્રીટ વ્યૂ કેમેરામાંના ૧૫ લેન્સ વિવિધ દિશાની તસવીરો ખેંચે છે અને જુદા જુદા કેમેરા એકમેક પર ઓવરલેપ થાય એ રીતે તસવીરો લે છે. પછીથી આ બધી તસવીરોને એકમેક સાથે જોડીને પેનોરમિક વ્યૂ તૈયાર કરવામાં આવે છે.
કાર જઈ ન શકે એવી સાંકડી ગલી કે ડુંગરાળ કેડી પર કેમ ફોટોગ્રાફી થાય છે?
ગૂગલે કાર ઉપરાંત ખાસ પ્રકારની ટ્રાઇક, ટ્રોલી કે સ્નોમોબાઇલ્સ તૈયાર કરી છે. ડુંગરની કેડીઓ પર, ભારેખમ કેમેરા ઊંચકીને ટીમના સભ્યો જાતે ચાલીને ફોટોગ્રાફી કરે છે.

