જીમેઇલની શરુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે.
તમારી ડિજિટલ લાઇફ કેટલીક હેવી છે? ઘણું ખરું, આપણા સૌની ડિજિટલ લાઇફ ફેસબુક અને ગૂગલ વચ્ચે વહેંચાયેલી છે. ફેસબુક પર આપણે મોટા ભાગે આપણા વિચારો અને ફોટોગ્રાફ શેર કરીએ છીએ, જ્યારે ગૂગલ પર આ બંને ઉપરાંત, પાર વગરનાં ડોક્યુમેન્ટ્સનો ભરાવો પણ થતો રહે છે.
કામકાજના મેઇલ્સ, તેની સાથેનાં એટેચમેન્ટ્સ, એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હો અને તેમાંના ગૂગલ એકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ ફોટો અપલોડનો ઓપ્શન પસંદ કર્યો હોય તો સ્માર્ટફોનના કેમેરાથી ફોટોગ્રાફ ક્લિક કરતાંવેંત નેટ પર ગૂગલ પ્લસમાં અપલોડ થતા ફોટોગ્રાફ (નવા સ્માર્ટફોનમાં તો તમે ફોટો ક્લિક કરવાનું બટન પ્રેસ કરી રાખો તો એક સાથે ૪૦ કે ૯૯ ફોટો ક્લિક થાય અને તેમાંથી પસંદ પડે તે સાચવી રાખો એવી સગવડ પણ હોય છે)… આ બધું મળીને આપણી ડિજિટલ લાઇફ ગૂગલ પર વધુ ને વધુ હેવી થતી જાય છે.
મજાની વાત એ છે કે કદાચ આપણા કરતાં, ગૂગલને આ વાતનો વધુ અંદાજ છે! એટલે જ, હવે તમે નોંધ્યું હોય તો જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી હમણાં હમણાં અચાનક વધીને ૧૫ જીબીની થઈ ગઈ છે. તમે જીમેઇલમાં લોગઈન થાઓ તે પછી ઇનબોક્સની છેક નીચે તમે કુલ કેટલી સ્ટોરેજ કેપેસિટીમાંથી કેટલીનો ઉપયોગ કરી રહ્યા છો તે જાણી શકો છો અને અહીંથી સ્ટોરેજને મેનેજ કરવાની લિંક પણ મળે છે.
આ બાબત અગાઉ તમારા ધ્યાન પર આવી હશે તો તમે નોંધ્યું હશે કે ત્યાં જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ૧૦ જીબી બતાવવામાં આવતી હતી. વાસ્તવમાં ગૂગલ સ્માર્ટ વેપારી છે, તેણે આપણને ૧૦માં બીજી પાંચ જીબીની કેપિસિટી ઉમેરી આપી નથી, જે આપણી પાંચ જીબી હતી, તે જ આપણને આપી છે – ગૂંચવાયા?
અચ્છા, જો તમે ગૂગલ ડ્રાઇવનો પણ ઉપયોગ કરતા હો તો ચોક્કસ એ પણ ખબર હશે કે ગૂગલ ડ્રાઇવમાં આપણને પાંચ જીબીની કેપેસિટી મળતી હતી. હવે ગૂગલે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ પ્લસ ત્રણેની મળીને એક સાથે કુલ ૧૫ જીબી કેપેસિટી આપવાનું નક્કી કર્યું છે!
અલબત્ત એમાં ફાયદો આપણો જ છે. જો તમે જીમેઇલનો ખૂબ ઉપયોગ કરતા હો પણ ડ્રાઇવનો બિલકુલ ઉપયોગ કરતા ન હો તો તમને ફક્ત જીમેઇલની ૧૦ જીબી કેપેસિટીનો જ લાભ મળતો હતો. ડ્રાઇવની પાંચ જીબી નકામી જતી હતી. હવે ગૂગલે તેની ત્રણેય સર્વિસીઝની કેપેસિટી કમ્બાઇન કરી નાખી હોવાથી આપણે આપણા નામે રહેલી ટોટલ કેપેસિટીનો કોઈ પણ સર્વિસમાં લાભ લઈ શકીએ છીએ.

