અવકાશમાંથી પૃથ્વી રાત્રે કેવી દેખાય છે એ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે આપણે પણ ઘેરબેઠાં આ માહિતી મેળવી શકીએ છીએ અને પૃથ્વીને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ.
અવકાશમાંથી જોતાં, ગોળ ઘૂમી રહેલી પૃથ્વીના તો ઘણા વીડિયો આપણે જોયા છે, પણ રાત્રિના સમયે પૃથ્વી અવકાશમાંથી કેવી દેખાય છે? અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), નેશનલ ઓશનિક એન્ડ એટ્મોસ્ફરિક એડમિનિસ્ટ્રેશન તથા ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે અવકાશમાં તરતા મૂકેલા એક સેટેલાઇટે આપણી આ જિજ્ઞાસા સંતોષી દીધી છે.
આ સેટેલાઇટે એપ્રિલ ૨૦૧૨માં નવ દિવસ દરમિયાન અને ઓક્ટોબર ૨૦૧૨માં તેર દિવસ દરમિયાન પૃથ્વી ફરતેની પોતાની ભ્રમણકક્ષામાં ફરતાં ફરતાં પૃથ્વીના દરેક ખૂણાની રાત્રિના સમયની તસવીરો લીધી અને કુલ ૨.૫ ટેરાબાઇટ્સ જેટલો ડેટા એકઠો કર્યો. આ સેટેલાઇટ, પૃથ્વીથી ૮૨૪ કિલોમીટર દૂર રહીને દરરોજ ૧૪ વાર પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે. આ સેટેલાઇટે પૃથ્વી પર મોકલેલા ડેટાને અગાઉ તૈયાર કરવામાં આવેલી બ્લુ માર્બલ ઇમેજરી સાથે સંયોજવામાં આવ્યો અને તેના પરિણામે અવકાશમાંથી રાત્રિના સમયની પૃથ્વીનું સચોટ દર્શન તૈયાર થયું.
રાત્રિના સમયની આ ઇમેજીસ ઝડપી લેવા માટે આ સેટેલાઇટે પહેલી વાર, ખાસ પ્રકારનાં લાઇટ સેન્સર્સનો ઉપયોગ જેને પરિણામે અગાઉના સેટેલાઇટ્સે ઝડપેલી તસવીરો કરતાં લગભગ ૨૫૦ ગણી વધુ સારી રીતે રાત્રિના સમયની લાઇટ્સની ઇમેજીસ મેળવી શકાઈ. આ સેટેલાઇટ હાઇવે પરની ઝાંખી લાઇટ કે માછીમારીની બોટની લાઇટ પણ પારખી શકે છે.
આમ તો છેક ૧૯૬૦ના દાયકાથી અમેરિકન એરફોર્સ વિવિધ સેટેલાઇટ્સની મદદથી રાત્રિના સમયે પણ વાદળાં અને હવામાનમાં આવતા ફેરફારોનો અભ્યાસ કરતું આવ્યું છે. દિવસ હોય કે રાત, જમીન કે મહાસાગરો પર પ્લેન ઊડાડતા એરફોર્સના પાયલટ્સને હવામાનની સચોટ અને સમયસર માહિતી આપી શકાય એ માટે નિષ્ણાતો ચોવીસે કલાક અવકાશમાં પૃથ્વી પરની સ્થિતિનો અભ્યાસ કરતા રહે છે. પરંતુ અત્યાર સુધી આ બધી માહિતી માત્ર સંરક્ષણ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને મળતી હતી, હવે સિવિલિયન સેટેલાઇટની મદદથી આ ડેટા તમામ વૈજ્ઞાનિકોને સુલભ થયો છે અને તેમની સાથે સાથે આપણે પણ તેની ઝલક મેળવી શક્યા છીએ!
નાસાની વિવિધ સાઇટ્સ ઉપરાંત, ગૂગલ અર્થ અને મેપ પર પણ અર્થ એટ નાઇટનાં લેયર ઉમેરવામાં આવ્યાં છે. ગૂગલ અર્થમાં, ડાબી તરફ છેક નીચે આપેલાં લેયર્સમાં ‘અર્થ એટ નાઇટ’નું લેયર એનેબલ કરતાં આપણે સમગ્ર પૃથ્વી પર એક સાથે રાત્રિ હોય એ રીતે તેનું અવલોકન કરી શકીએ છીએ.
સીધું જ ગૂગલ મેપ પર આ લેયર જોવા માટે લજ્ઞજ્ઞલહય યફિવિં ફિં ક્ષશલવિં સર્ચ કરતાં તેની લિંક મળી જશે.
વધુ વિગતો વાંચો અહીં :http://earthobservatory.nasa.gov/Features/Lights/lights.php
નાસાના આ વીડિયોમાં, સેટેલાઇટે રાત્રિના સમયે ઝડપેલી પૃથ્વીની તસવીરોને એકમેક સાથે સાંકળી લેવામાં આવી છે. અહીં આ વીડિયોના નેરેશનનો સારાનુવાદ આપ્યો છે. આંકડા વીડિયોની જે તે ફ્રેમનો સમય બતાવે છે.
- ૦:૦૯ : દિવસના અજવાળામાં, આપણી વિશાળ પૃથ્વી પર જમીન, મહાસાગરો અને વાદળાં જોવા મળે છે.
- ૦:૧૫, ૦:૧૬ : પરંતુ રાત પડતાં પૃથ્વી અજવાળાંથી શોભી ઊઠે છે.
- ૦:૧૮, ૦:૧૯ : અવકાશમાંથી જોતાં, આપણી પૃથ્વી પ્રકાશથી ઝળહળતી દેખાય છે.
- ૦:૨૪, ૦:૨૫ : પૃથ્વી પર રાત્રે જોવા મળતી લાઇટ્સનો આ નવો વ્યૂ પોલર ઓર્બિટીંગ સુમી એનપીપી સેટેલાઇટે એકઠા કરેલા ડેટાનું સંકલન છે.
- ૦:૩૪, ૦:૩૫ : આ સેટેલાઇટ પર વીઆઇઆઇઆરએસ નામનું એક સાધન બેસાડેલ છે, જે વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર એવો પૃથ્વીનો વિગતવાર નાઇટ વ્યૂ એકત્ર કરી શકે છે.
- ૦:૪૬, ૦:૪૭ : પૃથ્વી પર કેટલાંક સ્થળોએ શહેરોની લાઇટ્સ રાત્રે જોવાં મળતાં તારાનાં ઝુમખાં જેવી લાગે છે.
- ૦:૫૩, ૦:૫૪ : તો કેટલાંક સ્થળે એ ગીચ તારામંડળ કે આકાશગંગા જેવું લાગે છે.
- ૦:૫૮, ૦:૫૯ : આ સેટેલાઇટ ઇજિપ્તની નાઇલ નદી પર તેજ લાઇટ્સથી ઝગમગતી હરોળબંધ બોટના અજવાળાને પણ બરાબર પકડી શકે છે.
- ૧:૦૫, ૧:૦૬ : તો મધ્ય પૂર્વના દેશોમાં ઓઇલ અને ગેસનાં મથકોમાં જોવા મળતી ગેસની અગનજ્વાળાઓ પણ અહીં જોઈ શકાય છે.
- ૧:૧૪, ૧:૧૬ : આ સેટેલાઇટ હિમાલયની બિલકુલ અંધારી પર્વતમાળા પરથી પસાર થાય છે ત્યારે જોઈ શકાય છે કે માનવ વસવાટનાં સ્થળો કુદરતી સરહદથી કેવાં જુદાં પડે છે.
- ૧:૨૫, ૧:૨૭ : ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની રાજકીય સરહદ પણ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
- ૧:૩૩, ૧:૩૪ : અહીં દેખાય છે પીળા સમૃદ્રમાં હરોળબંધ ઊભેલી માછીમારોની બોટ્સની લાઇટ્સ.
- ૧:૩૮, ૧:૪૦ : પણ અહીં જે પ્રકાશ દેખાય છે એ બધો વીજળીનો નથી. ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં લાગેલી આગ પણ એકદમ પ્રકાશિત દેખાય છે.
- ૧:૪૮, ૧:૪૯ : પૃથ્વીનો રાત્રિના સમયનો આ નવો વ્યૂ, આપણી પૃથ્વીનાં ઘણાં સ્થળોને નવા દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે.
- ૧:૫૭ : એ સાથે આપણને પૃથ્વી પર વિસ્તરેલી માનવ વસતિને અનોખી રીતે જોવાની તક પણ મળે છે, કોઈ ઠેકાણે ઝાંખું અજવાળું છે તો કોઈ જગ્યા છે એકદમ અજવાળી!
યુટ્યુબ પર નાસાના વીડિયોનું આખું કલેક્શન જુઓ અહીં : http://www.youtube.com/user/NASAexplorer


