(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોગ્રાફ સાથે મજાની રમત!

‘આઉટ ઓફ થિંકિંગ’ની વાતો તો બહુ સાંભળી, આપણે એને અમલમાં મૂકીએ. તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના.

આગળ શું વાંચશો?

  • મૂળ બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે
  • નવું બેકગ્રાઉન્ડ ઉમેરવા માટે


દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા. મોટા ભાગે બને છે એમ પ્રવાસ પૂરો થાય એટલે મજા પણ પૂરી થાય. એ મજાને લંબાવવી હોય તો?

તો તમે તમારા ફોટોગ્રાફ સાથે કેટલીક રમતની મજા માણી શકો છો. જેમ કે તમે ભલે નૈનિતાલ ગયા હો અને ત્યાં તળાવની પાળે ઊભા રહીને ફોટોગ્રાફ પડાવ્યા હોય, એ જ ફોટોગ્રાફમાંથી નૈનિતાલનું બેકગ્રાઉન્ડ દૂર કરી, તમે નાયગ્રા ફોલ્સનું બેકગ્રાઉન્ડ ઉમેરી શકો છો!
કમ્પ્યુટરમાં ફોટોશોપ જેવો કોઈ ઇમેજ એડિટિંગ પ્રોગ્રામ હોય તો આ કામ સહેલાઈથી કરી શકો છો (જોકે ફોટોટોશોપની આવડત જરુરી છે). ફોટોશોપની સુવિધા ન હોય, તો પણ ઓનલાઇન ફ્રી પ્રોગ્રામની મદદથી પણ તમે આ કરામત કરી શકો છો – કેવી રીતેે, એ સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ!

સદનસીબે આપણે કોઈ નવા પ્રોગ્રામ ડાઉનલોડ કરવાની જરુર નથી કે નવાં એકાઉન્ટ ખોલવાની પણ જરુર નથી.

મૂળ બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે

  1. સૌથી પહેલાં, તમારા પસંદગીના ફોટોગ્રાફને કેમેરા કે મોબાઇલમાંથી તમારા કમ્પ્યુટરમાં લઈ લો.
  2. જે ફોટોગ્રાફનું બેકગ્રાઉન્ડ બદલવું પ્રમાણમાં સહેલું હોય એવો કોઈ ફોટોગ્રાફ પસંદ કરી રાખો.
  3. હવે clippingmagic.com સાઇટ પર પહોંચો.
  4. અહીં તમે જોશો તેમ કપ, ગ્લાસ જેવી કોઈ વસ્તુનું બેકગ્રાઉન્ડ દૂર કરવું સહેલું છે, પણ કોઈ વ્યક્તિનો ક્લોઝઅપ હોય અને તેના લહેરાતા વાળમાંથી અલપ-ઝલપ બેકગ્રાઉન્ડ દેખાતું હોય તો તેને દૂર કરવું એ થોડું મુશ્કેલ છે.
  5. આ સાઇટ પર બંને પ્રકારના ફોટોગ્રાફમાંથી બેકગ્રાઉન્ડમાં દૂર કરવા માટે સરળ ટ્યુટોરિયલ આપેલા છે, તેના પર એક નજર ફેરવી લો.
  6. હવે સાઇટના હોમપેજ પર મથાળે આપેલી જગ્યામાં તમે અગાઉથી પસંદ કરી રાખેલો ફોટોગ્રાફ ખેંચી લાવો અથવા ‘ચૂઝ ફાઇલ’ બટનની મદદ લઈ ફોટોગ્રાફ અપલોડ કરો.
  7. ફોટોગ્રાફ અપલોડ થઈ જશે એટલે નીચે આપેલા સ્ક્રીનશોટ મુજબ આપણો ઓરિજિનલ ફોટોગ્રાફ અને તેનું રીઝલ્ટ બાજુ બાજુમાં બતાવતી એક વિન્ડો ઓપન થશે.
  8. અહીં આપણે સચીન તેંડુલકરના ફોટોગ્રાફના ઉદાહરણ સાથે વાત સમજીએ. તમે જોશો તેમ, વિન્ડોમાં ઉપર ડાબી તરફ, માઇનસ અને પ્લસની નિશાનીવાળાં બે બટન આપેલાં છે.
  9. તેમાંથી પહેલાં પ્લસ બટન ક્લિક કરી, સચીનનો જેટલો ભાગ રાખવાનો છે, તેના પર બ્રશ ફેરવતા હો એ રીતે માઉસ ફેરવો.
  10. હવે જેટલો ભાગ દૂર કરવાનો છે તે બેકગ્રાઉન્ડને માર્ક કરવા માઇનસ બટનની મદદ લો.
  11. બાજુમાં જોવા મળતું પરિણામ તપાસતા રહો અને જ્યાં જરુર લાગે ત્યાં પ્લસ કે માઇનસ બટનની મદદ લઈ, જરુરી સાફસૂફી કરો.
  12. સ્ટેડિયમના બેકગ્રાઉન્ડ વિનાના સચીનની પરફેક્ટ તસવીર તૈયાર થઈ જાય એટલે તેને ડાઉનલોડ કરી લો! 

નવું બેકગ્રાઉન્ડ ઉમેરવા માટે

  1. સૌથી પહેલાં તો આપણા ફોટોગ્રાફ સાથે બંધબેસતું હોય એવું નવું બેકગ્રાઉન્ડ ઉમેરી શકાય એવો ફોટોગ્રાફ પસંદ કરો. ચાહો તો નેટ પરથી પસંદ કરી ડાઉનલોડ કરી લો. આપણે સચીન ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ, સ્ટેડિયમમાંથી વિદાય લઈને શું કરશે, એવા વિચાર સાથે, એ ખેતરોમાં જઈને પંખીઓ ઉડાડશે એવી ગમ્મત કરવા ખેતરનું બેકગ્રાઉન્ડ પસંદ કર્યુ છે!
  2. હવે http://pixlr.com સાઇટ પર જાઓ. ઇન્ટરનેટ પર આ પ્રકારના બીજા ઘણા ફ્રી અને ઓનલાઇન ફોટો એડિટર મળી જશે.
  3. આ સાઇટમાં પિક્સ્લર એડિટર વિભાગમાં જાઓ.
  4. ‘ઓપન ઇમેજ કમ્પ્યુટર’ પર ક્લિક કરી, બેકગ્રાઉન્ડ વિનાનો તમારો ફોટોગ્રાફ અપલોડ કરો.
  5. હવે આપણે આપણા ફોટોગ્રાફમાં એક નવું લેયર ઉમેરી, તેમાં આપણે પસંદ કરેલું બેકગ્રાઉન્ડ ઉમેરવાનું છે. એ માટે ઉપરના મેનુમાં ‘લેયર’ ડ્રોપડાઉનમાં જઈને ‘ઓપન ઇમેજ એઝ લેયર’ વિકલ્પ પર ક્લિક કરી, ફાઇલ સિલેક્શન વિન્ડોમાં આપણે પસંદ કરેલા બેકગ્રાઉન્ડની ફાઇલ પર ક્લિક કરી દો.
  6. હવે થશે એવું કે આપણો, બેકગ્રાઉન્ડ વગરનો ફોટોગ્રાફ પાછળ ધકેલાઈ જશે અને તેની ઉપર નવા બેકગ્રાઉન્ડની ઇમેજવાળું લેયર આવી જશે.
  7. હવે બસ, આપણે આ બંને લેયર ઉપરનીચે કરવાનાં છે. એ માટે જમણી તરફની લેયર્સ પેનલ જુઓ (એ પેનલ ન દેખાતી હોય તો ઉપરના મેનુમાં ‘વ્યૂ’ ડ્રોપડાઉનમાં જઈને ‘લેયર્સ’ પર ક્લિક કરી દેતાં પેનલ જોવા મળશે.
  8. આ પેનલમાં આપણાં બંને લેયર જોવા મળશે. ઉપરના બેકગ્રાઉન્ડવાળા લેયરને માઉસથી પકડીને નીચે લાવશો એટલે જૂના બેકગ્રાઉન્ડ વિનાની ઇમેજ ઉપર આવી જશે અને તેના બાકીના ભાગમાં નવું બેકગ્રાઉન્ડ જોવા મળશે!
  9. ફરી, આ નવી ઇમેજને ડાઉનલોડ કરી લો.

દિમાગને જોર લગાવીને કલ્પનાને છૂટો દોર આપશો તો તમે એક જ ફોટોગ્રાફમાંથી જાતભાતની કેટલીય નવી સિચ્યુએશન્સ ક્રિએટ કરી શકશો. ફોટો એડિટર પ્રોગ્રામમાં શું થઈ શકે એનું આ એક નાનું ઉદાહરણ છે, આવા પ્રોગ્રામ્સમાં તમે બીજી પણ ઘણી કરામત કરી શકો છો, બસ થોડા ક્રિએટિવ બનવાની જરુર હોય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!