હમણાં એક વિશેષ પ્રકારના ગુજરાતી પ્રકાશન માટે, ‘સાયબરસફર’ની અત્યાર સુધીની સફર વિશે લખવાનું થયું ત્યારે, કોલમ, વેબસાઇટ અને મેગેઝિન, આ ત્રણેય સ્વરુપમાં ‘સાયબરસફર’નું હાર્દ શું છે એ લખવા માટે આ એકવાક્ય લખ્યું – ‘સાયબરસફર’માં માહિતીનું મહત્ત્વ છે, પણ મહિમા સમજણભર્યું ઉપયોગનો છે’. ખરેખર આ આખી સફરનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. અંગતપણે હું માનું છું કે પહેલું પગથિયું માહિતી છે, બીજું પગથિયું જ્ઞાન છે અને ત્રીજું સૌથી મહત્ત્વનું પગથિયું સમજ છે. માહિતી અને જ્ઞાન ચોક્કસ મહત્ત્વનાં, પણ સમજણ વિનાં કોરાં ને અધૂરાં.
આ જ દૃષ્ટિકોણથી, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ક્ષેત્રે આપણી આસપાસ જે ચાલી રહ્યું છે, જે નવી સેવાઓ વિકસી રહી છે એ બધા વિશે માહિતી ઉપરાંત, આજના સમયમાં જીવનજરુરી બની રહેલ ડિવાઇસીઝ, એપ્લિકેશન્સ કે વેબસર્વિસીઝ વિશે યોગ્ય સમજણ (વાચકો સાથે મારી પોતાની પણ!) કેળવવાનો સહિયારી પ્રયાસ ‘સાયબરસફર’માં કરવામાં આવે છે.
એ દૃષ્ટિએ ક્વિકઓફિસ વિશેનો લેખ જોશો તો તેમાં માહિતી ફક્ત એટલી જ છે કે ગૂગલે સ્માર્ટફોનમાં ક્વિકઓફિસ નામની એપ્લિકેશન હવે ફ્રી બનાવી દીધી છે. પરંતુ મુદ્દો એટલો ટૂંકો નથી. આપણા કામની જુદા જુદા પ્રકારની ફાઇલ્સ, આજની જરૂરિયાત અનુસાર જુદાં જુદાં સાધનોમાં એક્સેસ કરવામાં કેવી સમસ્યાઓ આવે છે અને હવે આ કામ કેવી રીતે સહેલું બનશે એ બધું જ આ લેખમાં આવરી લેવાયું છે. સ્માર્ટફોન, ટેબલેટ કે ટીવીની ખરીદી અંગેના લેખો પણ આજ વિચારને આગળ ધપાવે છે. દિવાળીના દિવસો નજીક હોવાથી, ખરીદીનો માહોલ જામશે એ ગણતરીએ આ લેખો આપ્યા છે. આગામી અંકોમાં આ રીતે, રોજબરોજ ઉપયોગી પણ જેનાં વિવિધ પાસાંથી સામાન્ય રીતે આપણે અજાણ હોઈએ છીએ તેની ખરીદી વિશે લખતા રહેવાનું વિચાર્યું છે – તમારા અભિપ્રાયો, સૂચનો, પ્રશ્નો વગેરે જરુર મોકલતા રહેશો! –
હિમાંશુ

