સ્માર્ટફોનથી આપણું ઘણું બધું કામ ફટાફટ થઈ જાય છે, આપણે ઇચ્છીએ ત્યારે આપણું કામ કરી શકીએ છીએ એ બધી વાત સાચી, પણ એ તો હકીકત છે કે આપણને આપણું રોજિંદું કામકાજ મોટા સ્ક્રીન પર, મોટા કી-બોર્ડ પર કરવામાં જ મજા આવે છે.
આગળ શું વાંચશો?
- ફોનને પીસી સાથે કનેક્ટ કરો, આ રીતે..
- કનેક્ટ કર્યા પછી…
- વોટ્સએપની મજા, પીસી પર
તમે ઓફિસમાં પીસી પર કામ કરી રહ્યા હો અને કોઈ સાથે એસએમએસની આપલે કરવાની થાય અને જો એ કામ પીસીના મોટા સ્ક્રીન પર, ફૂલ કી-બોર્ડની મદદથી થઈ શકે તો? સ્માર્ટફોનમાં રહેલું કોઈ ગીત પીસીનાં સારાં સ્પીકર્સ પર પ્લે કરવું હોય તો?
તમારા સ્માર્ટફોનની લગભગ બધી સગવડોને પીસીની મદદથી મેનેજ કરવી હોય તો એક ઉપયોગી એપ-કમ-વેબસર્વિસ છે એરડ્રોઇડ.
અલબત્ત, ફોનમાંના ડેટાને પીસીની મદદથી મેનેજ કરવો એ કોઈ નવી વાત નથી. સ્માર્ટફોનનો જુવાળ આવ્યો તે પહેલાં જો તમે સેમસંગ કે નોકિયાનો પ્રમાણમાં સારો ફોન વાપર્યો હશે (એ બે કંપની સિવાય કોઈ કંપની યાદ આવે છે ખરી?!) તો તમે કદાચ સેમસંગના ‘પીસી સ્ટુડિયો’ અને નોકિયાના ‘ઓવી સ્યૂટ’નો ઉપયોગ કર્યો હશે. હેન્ડસેટ અનુસાર આપણે એ બંને પ્રોગ્રામ પીસીમાં ઇન્સ્ટોલ કરવાના રહેતા. એ પછી, ફોનને તેના ડેટા કેબલ (અથવા બ્લુટૂથ)ની મદદથી પીસી સાથે કનેક્ટ કરતાં એ પ્રોગ્રામ લોન્ચ થાય અને આપણે ફોનમાંના કોન્ટેક્ટ્સ, એસએમએસ, ફોટોગ્રાફ, વીડિયો વગેરેની પીસીમાં કે પીસીમાંથી ફોનમાં આપલે કરી શકતા હતા. બંને કંપનીઓ પોતાના સર્વર પર આપણો ડેટા સિન્ક્ડ રાખવાની પણ સગવડ આપે, જેથી આપણે હેન્ડસેટ બદલીએ (પણ કંપની ન બદલીએ) તો આપણા કોન્ટેક્ટ્સ અને અન્ય ડેટા સહેલાઈથી નવા ફોનમાં લાવી શકીએ. શરત આ જ હતી, આપણે કંપની બદલવાની નહીં!
એપલના આઇફોનની ઇકોસિસ્ટમ આખી અલગ વાત છે, પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન આવ્યા પછી આ બધું પણ હવે લગભગ ભૂલવા લાગ્યું છે. એન્ડ્રોઇડનો પૂરો લાભ લેવા માટે લગભગ પહેલી જરૂરિયાત ગૂગલ એકાઉન્ટ કહી શકાય. આપણે સ્માર્ટફોનમાં આપણો ગૂગલ એકાઉન્ટ એક્ટિવ કરીએ એટલે ઈ-મેઇલ, કોન્ટેક્ટ, ફોટોઝ, કેલેન્ડર, ગૂગલ ડ્રાઇવમાંની ફાઇલ્સ વગેરે બધું સિન્ક્ડ રહે છે.
પરંતુ એ બધું ગૂગલના સર્વર સાથે સિન્ક્ડ રહે છે, આપણા પીસી સાથે નહીં. સ્માર્ટફોનથી લીધેલા ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ સીધા ગૂગલ પ્લસના ફોટોઝસેક્શનમાં અપલોડ થઈ જાય એ ચોક્કસ કામની સુવિધા જ છે, પણ એ બધા ફોટો આપણા પીસીમાં જોઈતા હોય તો? ફોનમાંના એસએમએસ, ફોટોઝ, વીડિયોઝ, રીંગટોન, મ્યુઝિક ફાઇલ્સ વગેરે બધાને પીસી પર મેનેજ કરવા માટે કામની સુવિધા એરડ્રોઇડનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ સમજી લઈએ.
ફોનને પીસી સાથે કનેક્ટ કરો,આ રીતે…
ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ‘એરડ્રોઇડ’ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.
એપ ઓપન કરો. શરુઆતમાં આ સર્વિસના ફાયદા બતાવતી કેટલીક સ્લાઇડ્સ જોવા મળશે. એરડ્રોઇડ સર્વિસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ તો તેના કેટલાક વધુ લાભ છે, પણ એકાઉન્ટ વિના પણ આપણું કામ ચાલી શકે છે. છેવટે તમે બાજુમાં દશર્વિેલ પેજ પર પહોંચશો.
હવે ટેક્નોલોજીની મજા જુઓ. પીસીમાં વેબબ્રાઉઝરમાં web.airdroid.com ઓપન કરો. તેમાં એક ક્યુઆર કોડ દેખાશે. સ્માર્ટફોનમાં ‘સ્કેન ક્યુઆર કોડ’ પર ક્લિક કરી, ફોનનો કેમેરા પીસીમાંના કોડ સામે ધરશો એટલે આંખના પલકારામાં સ્માર્ટફોન અને પીસી કનેક્ટ થઈ જશે! હવે ફોનમાંનું બધું આપણે પીસી પર મેનેજ કરી શકીશું.
કનેક્ટ કર્યા પછી…
એક વાર આપણો સ્માર્ટફોન અને પીસી એકમેક સાથે કનેક્ટ થઈ જાય તે પછીનું કામ સહેલું છે. સ્ક્રીન પર ડાબી તરફ જોશો તો તમારા ફોનની વિગતો જોવા મળશે, તેમાં ઇન્ટર્નલ સ્ટોરેજમાં અને એક્સટર્નલ સ્ટોરેજમાં કેટલો ભાગ ખાલી છે તે જોઈ શકાશે. એક્સ્ટ્રા કાર્ડમાં ફોટો, વીડિયો વગેરેમાં કેટલા જીબી વપરાયા છે એ પણ જાણી શકાશે. જો તમે એરડ્રોઇડમાં ફ્રી એકાઉન્ટ ખોલાવ્યું હશે તો સ્માર્ટફોનની જેમ અહીં પણ જુદા જુદા ચાર સ્ક્રીન પર વિવિધ કોન્ટેક્ટ્સ અને ફોલ્ડર્સના શોર્ટકટ્સ સેટ કરી શકાશે. ઓફિસમાં સ્માર્ટફોનને પીસી સાથે કનેક્ટ કરી રાખશો અને કામના કોન્ટેક્ટ્સના અહીં પેજ અનુસાર શોર્ટકટ્સ બનાવી રાખશો તો રોજિંદું કામ એકદમ ઝડપી બનશે!
ફોનમાંના તમામ મેસેજિસ અહીંથી મેનેજ થઈ શકશે. આ આઇકન પર ક્લિક કરતાં, જે વિન્ડો ખૂલશે તેમાં ફોનની જેમ, તમારા પર આવેલા મેસેજીસ અને તેના તમે આપેલા જવાબ જોઈ શકો છો. કોઈ કામના મેસેજમાંના કેટલાક શબ્દો યાદ છે, પણ મેસેજ મળતો નથી, અહીંથી બધા મેસેજ સર્ચ કરી શકાશે. નવો મેસેજ કમ્પોઝ કરીને અહીંથી વ્યક્તિગત કે આખા ગ્રુપમાં મોકલી શકાશે, જૂના મેસેજીસ વાંચી-તપાસીને ડિલીટ કરી શકાશે.
રિંગટોન આઇકન પર ક્લિક કરીને તમારા ફોનમાંના રિંગટોન્સને મેનેજ કરી શકાશે. સામાન્ય રીતે ફોનમાં ઇનકમિંગ કોલ, નોટિફિકેશન્સ અને એલાર્મ માટે અલગ અલગ રિંગટોન્સ ગોઠવી શકાતા હોય છે. અહીંથી તમે આ દરેક પ્રકારના રિંગટોન સેટ કરી શકો છો, પીસીમાંથી ગમતાં ગીતોને અહીં અપલોડ કરીને તેને નવા રિંગટોન તરીકે સેટ કરી શકો છો, તેમ સ્માર્ટફોનમાંના રિંગટોનને પીસીમાં ડાઉનલોડ પણ કરી શકો છો.
સ્માર્ટફોન અને પીસીમાં મ્યુઝિકની ફાઇલ્સને મેનેજ કરવામાં આ એરડ્રોઇડની સુવિધા તમને સૌથી વધુ કામની લાગશે! અહીંથી તમને ફોન કે પીસીમાં સહેલાઈથી ફાઇલ્સની હેરફેર કરી શકો છો, ફોનમાં જુદાં જુદાં ફોલ્ડર બનાવીને તેમાં ફાઇલ્સ ગોઠવવી હોય તો એ પણ સહેલાઈથી થઈ શકશે, સ્માર્ટફોનમાંનાં ગીતો પીસીમાં પ્લે કરવાં હોય તો અહીંથી શક્ય છે. કોઈ ગીતને રીંગટોન તરીકે સેટ કરવાનું કામ પણ અહીંથી થશે.
સ્માર્ટફોનની ઉપયોગિતા તેમાં ઉમેરી શકાતી વિવિધ એપ્સને કારણે વધે છે. તમારા ફોનમાં સિસ્ટમ સાથે આવેલી એપ્સ અને તમે પોતે ઉમેરેલી બધી એપ્સ તમે અહીં જોઈ શકો છો. આ લિસ્ટને દરેક એપની સાઇઝ અને ઇન્સ્ટોલ કયર્નિી તારીખ પ્રમાણે સોર્ટ કરી શકાય છે. અહીંથી જે તે એપની સોર્સ ફાઇલ પીસીમાં ડાઉનલોડ કરી શકાયે, એપ રીમૂવ કરી શકાય અને સર્ચ કરીને એપ ઇન્સ્ટોલ કરી શકો છો, જોકે આ રીતે ગૂગલ પ્લે સ્ટોરને બાયપાસ કરવાનું હિતાવહ નથી.
સ્માર્ટફોનમાં સૌથી વધુ જગ્યા મોટા ભાગે વીડિયોઝ રોકતા હોય છે. તમે વીડિયો સેક્શનમાં જઈને તમારા સ્માર્ટફોનમાંના તમામ વીડિયોઝ અહીં તપાસી શકો છો. ચાહો તો નકામા વીડિયો ડિલીટ કરો અથવા કામના વીડિયો પીસીમાં ડાઉનલોડ કરી લો. બીજા બધા વિભાગની જેમ અહીં પણ રીવર્સ એક્શન શક્ય છે, પીસીમાંથી કોઈ વીડિયો સ્માર્ટફોનમાં અપલોડ કરવો હોય તો ‘ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને પીસીના ફોલ્ડરમાંથી ફાઇલ ડ્રેગ કરી લાવો.
આ એક કરામતી સગવડ છે. કેમેરા આઇકન પર ક્લિક કરી, તમે ફોનમાંના કેમેરાને પીસી પર એક્ટિવ કરી શકો છો. આ સમયે ફોનમાંથી ક્લિક નહીં થઈ શકે. હવે ચાહો તો ફોનના કેમેરાને તમારી સામે જ પોઇન્ટ કરીને સરસ મજાનો સેલ્ફ પોર્ટ્રેટ ક્લિક કરો, અથવા કેમેરાને કોઈ એક જગ્યાએ ગોઠવી રાખી, તેમાં ઝીલાતી તસવીરો પીસીના સ્ક્રીન પર જુઓ. અલબત્ત, મૂવિંગ ઇમેજીસ સારી રીતે જોઈ શકાશે નહીં.
ફોનમાંની તમામ ફાઇલ્સ અહીંથી મેનેજ થશે. ફોનમાંની સિસ્ટમની ફાઇલ્સ, ઇન્ટર્નલ મેમરીમાંની ફાઇલ્સ અને એક્સ્ટ્રા એસડીકાર્ડમાંની ફાઇલ્સ અહીં જોવા મળશે. તેને તમે કમ્પ્યુટરમાંના વિન્ડોઝ એક્સપ્લોરરની જેમ જ મેનેજ કરી શકો છો. જો તમારા સ્માર્ટફોનમાં ગુજરાતી ફોન્ટ જોઈ શકાતા ન હોય તો, અહીં તમે જોશો તેમ સિસ્ટમમાં ફોન્ટના ફોલ્ડરમાં કોઈ ગુજરાતી ફોન્ટ નહીં હોય. આ ભાગ કંપની દ્વારા લોક્ડ હોવાથી આપણે તેમાં ગુજરાતી ફોન્ટ ઉમેરી શકતા નથી.
ફોનમાં કોલ લોગ્સ અહીં જોઈ શકાશે તેમ જ મેનેજ કરી શકાશે. અહીં પણ ઓલ, ઇનકમિંગ, આઉટગોઇંગ અને મિસ્ડ કોલ્સ અલગ અલગ જોઈ શકાશે. કોલની તારીખ અને સમય તેમ જ ડ્યુરેશન પણ અહીં જોઈ શકાશે. ચાહો તો તમામ લોગ ડિલીટ કરી શકો છો (નિયમિત કરશો તો ફોન ધીમો નહીં થાય). અહીંથી કોન્ટેક્ટને મેનેજ કરી શકાતા નથી, પણ ફક્ત નંબર હોય તો તેને નવા કોન્ટેક્ટ તરીકે સેવ જરૂર કરી શકાય છે.
વીડિયોની જેમ ફોનમાંના તમામ ફોટોઝને અહીંથી મેનેજ કરી શકાય છે. આપણા ફોનમાં કેમેરા, વોલપેપર, સ્ક્રીનશોટ્સ, વોટ્સએપ, બ્લુટૂથ વગેરે અલગ અલગ ફોલ્ડરમાં ફોટોઝ સેવ થતા હોય છે. એ તમા ફોલ્ડરમાંના ફોટોગ્રાફ તમે અહીં સહેલાઈથી વ્યૂ કરી શકો છો અને તેમને ચાહો તો કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકો છો કે ડિલીટ કરી શકો છો. ફોટોગ્રાફને ડાઉનલોડ કરવાની કે વોલપેપર તરીકે સેટ કરવાની સગવડ પણ અહીં મળશે.
સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ્સ મેનેજ કરવા એક ક્યારેક સૌથી કંટાળાજનક કામ બનતું હોય છે. આપણા ગૂગલ, ફેસબુક અને અન્ય તમામ કોન્ટેક્ટ્સ અહીં જમા થાય છે ને અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટમાં ક્યારેક ભૂલ કરીએ તો ડુપ્લિકેટ્સની ભરમાર થાય છે. અહીં મોટા સ્ક્રીન પર એ બધું સહેલાઈથી મેનેજ થઈ શકે છે. તમારા ફોનમાં કોન્ટેક્ટ્સની સંખ્યા બહુ વધુ હોય તો તેને પીસીના સ્ક્રીન પર લોડ થતાં વાર લાગી શકે છે. દરેક કોન્ટેક્ટમાંની વિગતો અહીંથી એડિટ થઈ શકે છે.
આ આઇકન, એરડ્રોઇડની દૃષ્ટિએ તમારે માટે ઉપયોગી એપ્સની ભલામણ કરવા માટે છે. એરડ્રોઇડ આપણા ઉપયોગની પેટર્ન તપાસતું નથી એટલે આપણે ખરેખર ઉપયોગી હોય એવી એપ્સ અહીંથી ન પણ મળે, પરંતુ અવનવી એપ્સ વિશે જાણવું હોય તો આ પણ એક તપાસવા જેવો વિભાગ છે.
આપણો સ્માર્ટફોન ખોવાય તો તેને લોકેટ કરવાના હવે એક કરતાં વધુ રસ્તા આપણી પાસે છે. ‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે સેમસંગ અને એન્ડ્રોઇડના ડિવાઇસ મેનેજર વિશે વાત કરી લીધી છે. એરડ્રોઇડ બરાબર એ જ પ્રકારની સવલત આપે છે, અલબત્ત એ માટે આપણે એરડ્રોઇડમાં ફ્રી એકાઉન્ટ ખોલાવવું જરુરી છે.
એકાઉન્ટ ખોલાવી, આપણે સ્માર્ટફોન અને પીસી બંનેમાં એરડ્રોઇડમાં સાઇન-ઇન થવાનું. ઉપરાંત, આપણા સ્માર્ટફોનના સેટિંગ્સમાં, સિક્યુરિટી ઓપ્શનમાં, ડિવાઇસ એડમિનિસ્ટ્રેટરમાં એરડ્રોઇડનો એક નવો વિકલ્પ ઉમેરાયેલો હશે તેને ઇનેબલ કરવાનો. હવે તમે પીસી પર એરડ્રોઇડમાં ‘ફાઇન્ડ ફોન’ આઇકન પર ક્લિક કરશો એટલે કે ગૂગલ મેપ પર ફોનનું લોકેશન બતાવશે. જો ફોનમાં સેટિંગ્સ, લોકેશન એક્સેસમાં જીપીએસ એક્સેસ ઓન હશે તો ફોનનું લગભગ પરફેક્ટ લોકેશન જાણવા મળશે (જુઓ ઉપરના મેપમાં ‘સાયબરસફર’ની ઓફિસ અને તેમાં ફોનનું લોકેશન!).
ફોનના લોકેશન આઇકન પર ક્લિક કરશો એટલે વધુ એક વિન્ડો ખૂલશે, જેમાં આપેલા વિકલ્પોની મદદથી તમે ફોનનો સાઉન્ડ મ્યૂટ હોય તો પણ તેમાં રીંગ વગાડી શકો છો, ફોનને લોક કરી શકો છો કે તેના પરનો તમામ અંગત ડેટા (કોન્ટેક્ટ્સ, મેસેજ, કોલલોગ, ફોટોઝ અને કેલેન્ડર એન્ટ્રી વગેરે) ભૂંસી શકો છો. જો એરડ્રોઇડની પેઇડ સર્વિસ ખરીદી હોય તો તમે પોતે દૂર બેઠાં, ખોવાયેલો ફોન જે વ્યક્તિના હાથમાં હોય તેનો ફોટોગ્રાફ પણ લઈ શકો છો!
એટલું ખાસ યાદ રાખશો કે એરડ્રોઇડમાં મોટા સ્ક્રીન પર તમે જે કંઈ કરી શકો છો એ બધું જ સ્માર્ટફોનમાં તો શક્ય છે જ (એટલે તો આપણે એ એરડ્રોઇડ પર લઈ શકીએ છીએ!), એટલે એરડ્રોઇડથી કોઈ વિશેષ સવલત મળતી નથી, પણ સ્માર્ટફોન અને પીસીને કનેક્ટ કરવાનું અને મોટા સ્ક્રીન પર બધું મેનેજ કરવાનું એટલું સહેલું બને છે કે જો તમે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરશો તો તમને એ વગર ચાલશે નહીં એ નક્કી!
વોટ્સએપની મજા, પીસી પર
જો તમારી પાસે સ્માર્ટફોન હશે તો એંગ્રી બર્ડ સ્પેસ અને વ્હેર ઇઝ માય વોટર જેવી ગેમ તમે અચૂક રમ્યા જ હશો. તેમ વોટ્સએપનો પણ તમને ચસકો લાગ્યો જ હશે અને એ સાથે સતત એવી ઇચ્છા થતી હશે કે આ બધાનો પીસી કે લેપટોપના મોટા સ્ક્રીન પર લાભ લઈ શકાય તો કેવી મજા પડે? આ બધી અને તેના ઉપરાંત બીજી કેટલીક એપ્સનું અત્યારે આખી દુનિયાને ઘેલું લાગ્યું છે, પણ એમાંની લગભગ કોઈ વિન્ડોઝ પર ચાલી શકતી નથી (વીચેટ જેવી કેટલીક એપ વેબબ્રાઉઝરમાં ચલાવી શકાય છે ખરી).
છતાં, અત્યારે દુનિયાના ૫૦ લાખ જેટલા લોકો વોટ્સએપ સહિત સંખ્યાબંધ મોબાઈલ એપ્સની પોતાના પીસી કે લેપટોપમાં મજા માણે છે – બ્લુસ્ટેક્સ એપ પ્લેયરની મદદથી. તમે પણ http://www.bluestack.com પર જઈને તેનું ફ્રી એપ પ્લેયર પીસીમાં ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરીને આ લાભ લઈ શકો છો. અલબત્ત, એ માટે તમારા પીસીમાં વિન્ડોઝ એક્સપી સર્વિસપેક૩ કે તેનાથી ઉપલા વર્ઝનની ઓપરેટિંગ સિસ્ટમ અને અપડેટેડ ગ્રાફિક કાર્ડ હોવાં જરુરી છે.


