સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે શિક્ષક, સંતાન કે વિર્દ્યાીર્થીના ઘડતરમાં પૂરેપુરું યોગદાન આપવા ઇચ્છતા હોઈએ છીએ, પણ આપણે રમેશ તેંડુલકર કે આચરેકર સર નથી એટલે આપણે ઘણી બધી મર્યાદાઓ નડતી હોય છે. આપણું સંતાન ગણિતમાં ગૂંચવાતું હોય અને એ ફ્રેક્શન્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી કે પ્રોબેબિલિટીના સવાલો લઈને આપણી પાસે આવે તો આરણે તો તરત સ્ટમ્પ આઉટ થઈએ. આપણે ભણ્યા હોઈએ ત્યારે આ બધું જ આપણે પોતાને ભારે પડ્યું હોય અને જો આપણે ગુજરાતીમાં ભણ્યા હોઈએ અને સંતાન ઇંગ્લિશ મીડિયમમાં હોય તો પીચ બેટિંગ માટે હજી વધુ ટફ બને!
જો તમે આવી તકલીફો સામનો કરી રહ્યા હો તો તમારું કામ અત્યંત સહેલું બનાવ્યું છે ઓસ્ટ્રેલિયાનાં એક શિક્ષક જેની ઇધરે. તેમણે એક વેબસાઇટ બનાવી છે, જે નામ મુજબ કીડ્ઝ માટે છે, પણ વાલી અને શિક્ષકોને પણ અત્યંત ઉપયોગી થાય એવી છે.
આ સાઇટ પર ગણિતને લગતા ૬૦૦ જેટલા શબ્દોની બિલકુલ સરળ ભાષામાં સમજ આપવામાં આવી છે. તેની સાથે ગણિતને લગતા ૨૦૦થી વધુ ચાર્ટ આપવામાં આવ્યા છે, જે આપણે સહેલાઈથી પ્રિન્ટ કરી શકીએ છીએ. આ વેબસાઇટની આ બિલકુલ ટૂંકી ઓળખ થઈ, પણ એટલાથી વાત પૂરી થતી નથી.
‘સાયબરસફર’ માટે નવા વિષયોની નિરંતર શોધ દરમિયાન આ સાઇટ નજરે ચઢતાં, તેના સર્જકનો સંપર્ક સાધવામાં આવ્યો અને જેની ઇધરે જે વિગતવાર જવાબ મોકલ્યો તે એક શિક્ષકો માટે પ્રેરણાો સ્રોત બની શકે તેમ છે (એક આડવાત, તમે થોડું ગૂગલિંગ કરશો તો ગુજરાતનાં સંખ્યાબંધ ગામડાંની શાળાા કેટલાય શિક્ષકોએ જાતમહેતથી બનાવેલા બ્લોગ મળી આવશે. અત્યારે ઘણા ખરા પર શૈક્ષણિક વાંચનસામગ્રીનું પ્રમાણ ઓછું છે, પણ આપણા શિક્ષકો આ દિશામાં સક્રિય થયા છે એ બહુ મોટી વાત છે).
મેથ્સડિક્શરીનાં સર્જક જેની પ્રાથમિક ધોરણોમાં બાળકોને ૪૦ વર્ષ સુધી ભણાવીને હવે નિવૃત્ત થયાં છે (ખરેખર તો એક શાળામાંથી નિવૃત્તિ લઈને એ આખી દુનિયાનાં બાળકોના શિક્ષક અને વાલી-અન્ય શિક્ષકોના સહાયક તરીકે વધુ સક્રિય થયાં છે!). ૧૯૮૫થી ૧૯૯૦ના ગાળામાં શાળાા શિક્ષણકાર્યની સાથોસાથો એમને ડેસ્કટોપ પબ્લિશિંગમાં પણ રસ પડ્યો અને ૯૦ના દાયકામાં એમણે પોતાની એક વેબસાઇટ બનાવી. ૧૯૯૯માં એમને એક મજાના સોફ્ટવેર ‘મેક્રોમીડિયા ફ્લેશનો પરિચય થયો. જેની કહે છે કે તેમણે કમ્પ્યુટર કે પ્રોગ્રામિંગની કોઈ ઔપચારિક તાલીમ તો લીધી નહોતી એટલે પોતાની રીતે વેબસાઇટ બનાવવી મુશ્કેલ હતી, પણ એ સમયે ફ્લેશ પ્રોગ્રામની મદદથી વેબસાઇટ બનાવવાનું તેમને સૌથી સહેલું લાગ્યું. કારણ એ હતું કે ફ્લેશમાં આપણે જે રીતે ફોન્ટ કે ગ્રાફિક્સની ગોઠવણ કરીએ તેને સહેલાઈથી વેબેજ તરીકે દર્શાવી શકાતું હતું. ફ્લેશમાં એમિનેશન તૈયાર કરવાની સગવડ અને ઇન્ટરએક્ટિવ ફીચર્સ (સાદા શબ્દોમાં, સાઇટના મુલાકાતી વેબપેજ પર કશુંક કરે અને તે અનુસાર વેબપેજમાં દશર્વિાતી માહિતી બદલાય એવી સગવડ) જેનીને ખાસ ઉપયોગી લાગ્યાં.
જેનીએ આખું એક વર્ષ ફ્લેશમાં અખતરા કર્યા અને તેનો પૂરેપૂરો ઉપયોગ તેઓ શીખી ગયાં. પણ એક પ્રાઇમરી ટીચરે આવી વધારાની કસરત કરવાનું કોઈ કારણ?
જેની કહે છે કે તેમના જ ક્લાસનાં બાળકોને ગણિતના વિવિધ શબ્દો અને તેનો અર્થ સમજવામાં મુશ્કેલી પડતી હતી. શાળામાં જે ગૂંચવણ ઊભી થાય તે ઘરે ગયા પછી જ ઉકલે નહીં. પરિણામે ગણિતના આખા વિષય પ્રત્યે અણગમો ઊભો તો જાય.
જેનીને આ સમસ્યાનો ઉપાય ફ્લેશનાં ઇન્ટરએક્ટિવ ફીચર્સમાં દેખાયો. તેમને લાગ્યું કે ફ્લેશ પ્રોગ્રામની મદદથી એવી કંઈક ગોઠવણ કરી શકાય, જેમાં ગણિતને લગતા કોઈ ચોક્કસ શબ્દની સમજણ અપાય, તેની સાથોસાથ તેે ચિત્રોની મદદથી પણ સમજાવવામાં આવે અને પછી એ એજ પેજ પર તેને લગતો સવાલ પૂછવામાં આવે, વિદ્યાર્થી તેનો જવાબ આપીને પોતાની સમજણ વધુ પાકી કરી શકે. આ બધું જ, જે તે શબ્દના પેજ પર મળે.
વિચાર સરસ હતો, પણ અમલ સહેલો નહોતો. જેની કહે છે કે તેમણે શરુઆતમાં ગણિતને લગતા ૩૦૦ જેટલા શબ્દો પસંદ કર્યા અને દરેકની યોગ્ય રીતે, સરળ સમજણ તૈયાર કરવી, તેેને લગતાં ઉદાહરણો, ચિત્રો વગેરે એકઠું કરવું, તેમાંથી વિદ્યાર્થીઓ સવાલો તૈયાર કરવા વગેરે કામ તો લાંબું હતું, પણ એ બધું જ, પોતાની કલપના અનુસાર ફ્લેશ પ્રોગ્રામની મદદથી વેબપેજમાં ઢાળવું એ વધુ મુશ્કેલ હતું. જેનીએ રોજના આઠેક કલાકની મથામણ શરુ કરી અને જે વેબસાઇટનો પહેલો વિચાર વર્ષ ૨૦૦૦માં આવ્યો તો તે આખરે જાન્યુઆરી ૩, ૨૦૦૨ના રોજ સાકાર થઈ! સાઇટ ઝડપથી બીજા એજ્યુકેશનલ બ્લોગ્સ, સર્ચ એન્જિન વગેરેની નજરમાં આવી અને ઝડપી લોકપ્રિય થવા લાગી.
આગળ કહ્યું તેમ અત્યારે આ સાઇટ પર ૬૦૦થી વધુ શબ્દોની એન્ટ્રી છે અને તેમાંની સંખ્યાબંધ એન્ટ્રી વિશેની સમજણ, દરેક માટે ૮-૧૦ પાનાં જેટલી વિસ્તરી પણ છે.
બરાબર ૧૦ વર્ષ પછી, આ સાઇટમાં મેથ્સ ચાર્ટ્સનો વિભાગ ઉમેરાયો. જેની કહે છે કે એનાં મુખ્ય બે કારણ હતાં. એક, સાઇટના મૂળ સ્વરુપમાં આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ગણિતના કોઈ ચોક્કસ શબ્દની સમજણ મેળવવાની જ સગવડ હતી, પણ જો કોઈ વ્યક્તિ ગણિતનો કોઈ મુદ્દો પકડીને તેે વિષે વધુ જાણકારી ઇચ્છે તો એ શક્ય નહોતું. બીજું, જો આ માહિતી પ્રિન્ટેબલ ચાર્ટ તરીકે આપવામાં આવે તો તેને કમ્પ્યુટરના સ્ક્રીન ઉપરાંત અન્ય રીતે પણ લાભ લઈ શકાય.
આ સાઇટ ગણિતનું શિક્ષણ કેવી રીતે સહેલું અને રમતિયાળ બનાવે છે એનું એક ઉદાહરણ લઈએ. આપણે ડિક્શનરીમાં એન્ટર થઈએ એટલે ડાબી તરફ અંગ્રેજી એબીસીડી વાંચવા મળે. જે અક્ષર પર ક્લિક કરીએ તેનાથી શરુ થતા શબ્દોની આખી યાદી (જેમ કે અબાકસ, એકર, એડ, એડિશન, એમાઉન્ટ, એંગલ, એવરેજ, એક્સિસ વગેરે) તેની બાજુમાં વાંચવા મળે. આપણે ‘એ’ પર ક્લિક કરીને ‘આર્મ્સ ઓફ એ એન્ગલ’ સમજવા તેના પર ક્લિક કર્યું. હવે જમણી બાજુ આ શબ્દની સમજણ વાંચવા મળે છે, જે કે જે બે રેખાઓ મળીને એક ખૂણો બનાવે તેે ‘આર્મ્સ ઓફ અને એંગલ’ કહે છે. આ રેખાઓ પોતાની જગ્યાએથી ટર્ન થાય એટલે તેમાની રચાતો ખૂણો પણ બદલાય. આ શાબ્દિક સમજ થઈ. બાળકને આ મુદ્દો રમતિયાળ રીતે સમજાવવા જેનીએ એક ગલુડિયાને કામે લગાડ્યું છે. જો ગલુડિયાા કાન શૂન્યથી ૮૯ અંશા ખૂણે હોય તો ગલુડિયું એલર્ટ અને હેપ્પી છે, ૯૦થી ૧૮૪ અંશના ખૂણે હોય તો એ કન્ફ્યુઝડ છે! બાજુમાં ખૂણાની ડીગ્રી લખવાનું એક બોક્સ છે, તેમાં કોઈ પણ આંકડો લખીને આપણે આગળ વધવા ક્લિક કરીએ એટલે ગલુડિયાના કાન આપણે લખેલા અંશના થાય અને એ રાજી છે કે ગૂંચવાયેલું એ જણાવવામાં આવે! અઘરા મુદ્દાઓ સમજાવવાની આનાથી મજાની રીત કઈ હોઈ શકે?!
વિદ્યાર્થીઓ તો ઠીક, વાલીઓ ફ્રેકશન કે ફ્રીક્વન્સી કે રીફ્લેક્શન જેવા મુદ્દાઓમાં ગૂંચવાતા હોય તો તેઓ પણ અહીં પોતાની સમજ પાકી કરી શકે છે. શિક્ષણ અને શિક્ષણને રસપ્રદ બનાવતી પદ્ધતિઓમાં તમને રસ હોય તો આ સાઇટ વારંવાર તપાસવા જેવી છે.
http://www.amathsdictionaryforkids.com/
——————-
તમે પણ આવો કોઈ બ્લોગ બનાવ્યો છે કે જોયો છે? તો તેની વિગતો મોકલવા વિનંતી : editor@duplics.cybersafar.in

