પોતપોતાના ક્ષેત્રની આ બે મહારથી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. બંનેને એ માટે પોતપોતાનાં કારણો છે, પણ એમાં આપણા જેવા યુઝરને ફાયદો થવાનો એ નક્કી છે.
ફેસબુક અને ફાયરફોક્સ આ બંને તમારા ફાસ્ટ ફ્રેન્ડ હોય તો તમારા માટે આનંદના સમાચાર છે કે એફબી અને એફએફ પણ હવે ફ્રેન્ડ છે!
ફાયરફોક્સની અંદર જ હવે ફેસબુક મેસેન્જરની સુવિધા ઉમેરી દેવાઈ છે. પરિણામે હવે તમે ફેસબુકમાં સાઇન ઇન હો ત્યારે ફાયરફોક્સમાં કોઈ પણ સાઇટમાં સર્ફિંગ કરતાં કરતાં ફેસબુક પર અપડેટેડ રહી શકો છો અને તમારા મિત્રો સાથે ચેટિંગ સહિત અન્ય રીતે સંપર્કમાં રહી શકો છો.
ફાયરફોક્સના ૧૭મા વર્ઝનથી આ સુવિધા ઉમેરાઈ છે એટલે તમારું બ્રાઉઝર અપડેટ કરવાની કદાચ જરૂર પડશે. એ પછી http://www.facebook.com/about/messenger-for-firefox પેજ પર જાઓ અને ફાયરફોક્સ માટે ફેસબુકની મેસેન્જર સુવિધા ઓન કરી દો. પરિણામે તમારા ફાયરફોક્સ બ્રાઉઝરમાં જમણી તરફ ઉપર ફેસબુકના નોટિફિકેશન્સનાં બટન્સ ઉમેરાઈ જશે. ફેસબુકમાં લોગ-ઇન હશો ત્યારે અહીં ફાયરફોક્સના બટનની મદદથી શો સાઇડબારનો વિકલ્પ ઓન કરશો તો ફાયરફોક્સમાં જમણી તરફ તમારા ફેસબુક મિત્રોના સ્ટેટસ સહિત મેસેન્જરની સુવિધા શરૂ થઈ જશે. ઉપરનાં બટન્સમાં તમને આવેલાં નોટિફિકેશન્સ (સંખ્યા સહિત), મેસેજીસ, ફ્રેન્ડ રિક્વેસ્ટ વગેરે પણ જોઈ શકાશે અને તેના પર એક્શન લઈ શકાશે – ફેસબુકમાં ગયા વિના!
આ વર્ષની શરૂઆતમાં ફાયરફોક્સે આવી સુવિધા શરૂ કરવા માટે ફેસબુકને સામેથી વિનંતી કરી હતી. ફાયરફોક્સને ગૂગલ ક્રોમના સતત વધતા પ્રભાવનો સામનો કરવા માટે ફેસબુક જેવી ધરખમ મદદની જરૂર હતી અને ફેસબુકને પોતાની સાઇટ વધુ ને વધુ લોકોને, વધુ ને વધુ સહેલાઈથી એક્સેસિબલ બનાવવામાં રસ છે – પરિણામે આપણને મળી નવી સુવિધા!
ફાયરફોક્સ કહે છે કે તેના તરફથી હજી આવી વધુ સુવિધાઓ મેળવવા માટે પણ તૈયાર રહેજો!
