ઓગસ્ટ ૨૦૧૩ અંકમાં ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર્સ વિશેનો લેખ વાંચવાનું ખરેખર ખૂબ ગમ્યું. આખો લેખ રસપ્રદ તો હતો જ, માહિતીપ્રદ પણ હતો. અમારા જેવા આગળ વધતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનરૂપ લેખ. મેગેઝિનમાં આવરી લેવાયેલા અન્ય લેખો પણ પ્રભાવશાળી હતા.
– વૈભવી દેસાઈ,
ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર, અમદાવાદ
કમ્પ્યુટર અને ઇન્ટરનેટની વિસ્મયભરી દુનિયામાં જેને પણ રસ હોય એ સૌને માહિતી આપવાના આ મિશનમાં અમે કોઈ પણ રીતે મદદરુપ થઈ શકીએ તો જરૂર જણાવશો.
– મહેન્દ્રભાઈ અને મીરાબહેન મહેતા, કેનેડા
‘સાયબરસફર’ની સાઇટ પર હું પહેલી વાર લોગ-ઇન થયો. મેગેઝિનનો કરન્ટ ઇસ્યુ વાંચવાનું શરુ કર્યું. મને એ એટલો રસપ્રદ લાગ્યો કે આખેઆખું મેગેઝિન મેં ક્યારે વાંચી નાખ્યું એ ખબર પણ ન પડી!
– અજ્ઞાત
આવા સુંદર – અને તે પણ ગુજરાતીમાં- મેગેઝિન માટે અભિનંદન. નવા લોન્ચ થતા મોબાઇલ વિશે માહિતી આપતા રહેશે.
– જિજ્ઞેેશ નાયક
‘સાયબરસફર’માં ઇઆરપી વિશે માહિતી આવરી લેવા બદલ ખૂબ ખૂબ આભાર! હું ખરેખર ઇઆરપી એટલે એસએપી એવું જ માનતો હતો.
એક ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડરના લેખમાં મેં યાહૂનાં સીઈઓ મેરિસા મેયર વિશની ડોક્યુમેન્ટરીનો ઉલ્લેખ જોયો. એ વાંચતાં મને વિચાર આવ્યો કે જો ‘સાયબરસફર’ આઇટી જગતની નોંધપાત્ર વ્યક્તિઓના પ્રોફાઇલ આપે તો બહુ ઉપયોગી થશે. આપણે સૌ સ્ટીવ જોબ્સને તો જાણીએ છીએ, પણ એપલના બેકબોન જેવા સ્ટીવ વોઝનિયાક વિશે બહુ ઓછું જાણીએ છીએ.
ઓગસ્ટ અંક વાંચવાની મજા પડી.
– કૃપેશ ભોજાણી
‘સાયબરસફર’નો ગયા ઓક્ટોબરથી વાચક છું. મારી ઉંમર અત્યારે બાવન વર્ષની છે, કમ્પ્યુટરના જમાનાથી લગભગ ૨૦ વર્ષ આગળ. છતાં સતત કંઈક નવું શીખવાની ઇચ્છા હોવાથી જ્યાં રસ પડે તે જાણવા સમજવાની કોશિશ કરું છું. ઇન્ટરનેટ તેમ જ કમ્પ્યુટર બાબત સમજવામાં ‘સાયબરસફર’નો ખૂબ જ ફાળો છે.
કોઈ પણ નવા નિશાળિયાને પણ સમજાવી શકે એવી સરળ ભાષામાં છે. ગુજરાતી ભાષામાં આવા ઉત્તમ સર્જન બદલ ધન્યવાદ.
– ભરત પટેલ


