(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સપ્લોર કરીએ વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડો

‘માય કમ્પ્યુટર’ પર ક્લિક કરી, આપણે આપણા કામની ફાઇલ ફટાફટ ઓપન કરી લેતા હોઈએ છીએ, પણ એ ઉતાવળમાં, વિન્ડોઝ એક્સપ્લોરરનાં ઘણાં ઉપયોગી પાસાં આપણા ધ્યાન બહાર જતાં રહે છે. અહીં એ બધાં પર એક નજર…

આગળ શું વાંચશો?

  • નેવિગેશન પેન
  • બેક એન્ડ ફોરવર્ડ
  • ટૂલબાર
  • એડ્રેસબાર
  • લાઈબ્રેરી પેન
  • કોલમ હેડિંગ્સ
  • ફાઈલ લિસ્ટ
  • સર્ચ બોક્સ
  • ડીટેઈલ્સ પેન
  • પ્રીવ્યૂ પેન

તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ કે ફોલ્ડર સુધી પહોંચવા માટે વિન્ડોઝ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હશો. મોટા ભાગે એવું બનતું હશે કે તમે કમ્પ્યુટરના ડેસ્કટોપ સ્ક્રીન પર માય કમ્પ્યુટરના આઇકન પર ક્લિક કરીને કે સ્ટાર્ટ બટન ક્લિક કરી, તેમાંથી માય કમ્પ્યુટરમાં જતા હશો. આવે સમયે, મહાભારતના અર્જુનની જેમ આપણું લક્ષ્ય જે તે ફાઇલ ઓપન કરવાનું હોય છે, એટલે આપણે ફટાફટ આપણને જોઈતી ફાઇલ શોધી, તેના પર ક્લિક કરી એ ફાઇલ ઓપન થતાં, તેમાં કામ કરવા આગળ વધી જઈએ છીએ. પરિણામે, વિન્ડોઝ એક્સપ્લોરરની વિન્ડોના જુદા જુદા ભાગ તરફ આપણું ધ્યાન જતું નથી.

આ વિન્ડોનાં જુદાં જુદાં પાસાંનો આપણે ખપ પૂરતો ઉપયોગ જ‚ર કરીએ છીએ, પણ વિન્ડોની જુદી જુદી દરેક બાબત શું કામ કરે છે અને આપણને કઈ રીતે ઉપયોગી થાય છે એ સમજી લઈએ તો આપણું કામ વધુ સરળ અને ઝડપી બની શકે.

અહીં આપણે વિન્ડોઝના પાયા જેવી વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડોના જુદા જુદા ભાગ સમજીએ. સંદર્ભ તરીકે પાછલા પેજ પર આપેલ સ્ક્રીનશોટ અથવા તમારા પોતાના કમ્પ્યુટરમાંની વિન્ડોઝ એક્સપ્લોરર વિન્ડો નજર સામે રાખશો તો સારું પડશે.

૧. નેવિગેશન પેન

આપણે આ પેનલમાં મોટા ભાગે માય કમ્પ્યુટર વિભાગનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીં જુદા જુદા ભાગ છે, જે ઘણા ઉપયોગી થાય તેમ હોય છે. ફેવરિટ્સ વિભાગમાં આપણે જે ફોલ્ડર કે પ્લેસનો સામાન્ય રીતે વધુ ઉપયોગ કરતા હોઈએ, જેમ કે ડેસ્કટોપ, ડાઉનલોડ્સ, રીસન્ટ પ્લેસીઝ વગેરેમાં જઈ શકાય છે.

લાઇબ્રેરીઝ વિભાગ વિન્ડોઝની એક બહુ ઉપયોગી, પણ ઘણી ઓછી વપરાતી સુવિધા છે (એ વિશે આવતા અંકોમાં ક્યારેક ઊંડાણથી વાત કરીશું). આપણી જાણીતી માય કમ્પ્યુટરની લિંક પણ અહીં જ છે! આપણું કમ્પ્યુટર કોઈ નેટવર્કમાં જોડાયેલું હોય તો નેટવર્કમાંનાં બીજાં કમ્પ્યુટર સુધી પહોંચવા માટે નેટવર્કની લિંક પણ અહીં છે.

૨. બેક અને ફોરવર્ડ

બેકવર્ડ અને ફોરવર્ડ બટનની મદદથી આપણે અગાઉ ઓપન કરેલ ફોલ્ડરમાં જઈ શકીએ છીએ.

૩. ટૂલબાર

અહીં ફોલ્ડરમાં જે પ્રકારની ફાઇલ્સ હોય તે મુજબ આપણને જુદા જુદા વિકલ્પો મળે છે. જેમ કે ફાઇલ્સ અને ફોલ્ડરને ઓર્ગેનાઇઝ કરવા, કોઈ લાયબ્રેરીમાં ઉમેરવા, સીડીમાં કોપી કરવા, નવું ફોલ્ડર ઓપન કરવું વગેરે અહીંથી થઈ શકે છે. આપણે ફોટોગ્રાફ્સ ધરાવતું ફોલ્ડર ઓપન કર્યું હોય તો બધા ફોટોગ્રાફનો સ્લાઇડશો શરુ કરવાનો વિકલ્પ અહીં જોવા મળશે.

૪. એડ્રેસ બાર

એડ્રેસબારમાં આપણે હાલમાં કયું ફોલ્ડર કે પ્લેસ જોઈ રહ્યા છીએ તેનું કમ્પ્યુટરમાં લોકેશન જોઈ શકાય છે. અહીં ડાબે છેડે આપેલા ડ્રોપ ડાઉન એરોની મદદથી આપણે કમ્પ્યુટરની જુદી જુદી ડ્રાઇવમાંનાં જુદાં જુદાં પ્લેસ જોઈ શકીએ છીએ.

૫. લાઇબ્રેરી પેન

તમે ફોટોગ્રાફ મેનેજમેન્ટ માટે ગૂગલના પિકાસા સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે? અથવા યાહૂ કે હોટમેઇલમાંના ફોલ્ડર અને જીમેઇલના લેબલ્સ વચ્ચેનો તફાવત તમે જાણો છો? તો વિન્ડોઝની લાઇબ્રેરી સુવિધા તમને સહેલાઈથી સમજાશે. વિગતવાર પછી જાણીશું, પણ અત્યારે એટલું જાણી લો કે કમ્પ્યુટરમાં તમે જુદાં જુદાં ફોલ્ડરમાં ગીતોની ફાઇલ સેવ કરતા હો તો લાઇબ્રેરીમાં ગીતોની એક નવી લાઇબ્રેરી બનાવી, એ બધાં જ ફોલ્ડરમાંના બધાં ગીતો એક સાથે અહીં જોઈ શકો છો! તમારે જુદાં જુદાં ફોલ્ડર ખોલવાની જરુર નહીં! બધાં ગીતો એક સાથે જોઈ શકાશે, પણ બધી ફાઇલ રહેશે પોતપોતાના ફોલ્ડરમાં.


૬. કોલમ હેડિંગ્સ

ફાઇલ લિસ્ટમાંની ફાઇલ્સને વિવિધ રીતે જોવા માટે કોલમ હેડિંગ્સનો ઉપયોગ થાય છે. અહીંથી આપણે ફાઇલ્સને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવી શકીએ છીએ કે કોલમ હેડિંગને માઉસથી ડ્રેગ કરીને કોલમના ક્રમ બદલી શકીએ છીએ.

૭. ફાઇલ લિસ્ટ

અહીં જે તે ફોલ્ડરમાંનાં ફોલ્ડર કે ફાઇલ્સની યાદી આપણે જોઈ શકીએ છીએ. ઉપર જમણે ખૂણે આપેલા સર્ચ બોક્સની મદદથી આપણે કશુંક સર્ચ કરીએ તો તેનાં રીઝલ્ટમાં માત્ર આપણી સર્ચને સંબંધિત ફાઇલ્સનું લિસ્ટ જોવા મળશે.

૮. સર્ચ બોક્સ

આપણે કોઈ ફાઇલ કે ફોલ્ડરનું આખું નામ ભૂલી ગયા હોઈએ તો આ સર્ચની સુવિધા આપણી મદદે આવે છે. અહીં આપણે હજી તો પહેલો અક્ષર લખીએ ત્યાં નામમાં સૌથી પહેલાં એ અક્ષર ધરાવતી ફાઇલ્સ દેખાવાનું શરુ થઈ જાય છે!

૯. ડીટેઇલ્સ પેન

વિન્ડોમાં આપણે કોઈ ફાઇલ કે ફોલ્ડર સિલેક્ટ કરીએ તો તેના વિશેની જુદી જુદી માહિતી વિન્ડોના નીચેના ભાગમાં જોવા મળે છે. જેમ કે તમે જે ફાઇલ સિલેક્ટ કરી છે તે ફાઇલ જે પ્રોગ્રામમાં બની હોય (જેમ કે વર્ડ કે એક્સેલ) તેનું નામ, એ ફાઇલમાં આપણે છેલ્લે ક્યારે ફેરફાર કર્યો હતો તેની તારીખ, ફાઇલ ક્રિએટ કરનાર વ્યક્તિ (વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કર્યા હોય તો તે મુજબ), ફાઇલની સાઇઝ વગેરે માહિતી અહીં જોઈ શકાય છે.

તે ઉપરાંત, જે તે ફાઇલ વિશે ટેગ, કમેન્ટ, કેટેગરી, સબ્જેક્ટ વગેરે પણ ઉમેરી શકાય છે. જેમ કે તમે નાનો બિઝનેસ કરતા હો અને તમારાં ઇનવોઇસ એક ફોલ્ડરમાં સેવ કરતા હો, તો જે ઇનવોઇસ ક્લાયન્ટને મોકલાઈ ગયાં હોય તેને ‘સેન્ટ ટુ ક્લાયન્ટ’ એવું ટેગ આપી શકો છો. કમેન્ટમાં તેના વિશે ટૂંકી નોંધ પણ લખી શકો છો!

૧૦. પ્રીવ્યૂ પેન

લાઇબ્રેરીની જેમ પ્રીવ્યૂ પેન પણ વિન્ડોઝની બહુ ઉપયોગી, પણ ઓછી વપરાતી સુવિધા છે. વિન્ડોના ઉપલા જમણે ખૂણે આપેલ પ્રીવ્યૂ બટનને ક્લિક કરી પ્રિવ્યૂ પેન ઓપન કરી શકો છો. હવે તમે વર્ડ, એક્સેલની ફાઇલમાંનું કન્ટેન્ટ, જે તે પ્રોગ્રામ ઓપન કર્યા વિના જ તમે અહીં જોઈ શકો છો! જુદા જુદા ફોટોગ્રાફ જોવા હોય તો તે પણ અહીં જોવા મળશે. ત્યાં સુધી કે વીડિયો પણ તમે આ પ્રીવ્યૂ પેનમાં જોઈ શકો છો!

અત્યારે તો ફક્ત આ બધું વાંચ્યું જ છે, તમે તમારી વિવિધ ફાઇલ્સ સાથે ઉપર જણાવેલા બધા જ મુદ્દાને તપાસતા જશો તેમ તેમ એ બધાની ઉપયોગીતા વધુ સમજાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!