આગળ શું વાંચશો?
- આખી વાત ઉદાહરણથી સમજીએ
- ઓફિશિયલ સાઈટ પરથી ડાઉનલોડ કરતી વખતે…
- માલવેર ઘૂસી જ જાય તો શું કરવું?
છેલ્લા થોડા સમયથી, તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરનું હોમપેજ વારંવાર બદલાઈ જાય છે? તમે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ કે ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આપેલા સર્ચ બોક્સમાં કોઈ કીવર્ડ્સ લખીને સર્ચ કરો ત્યારે ગૂગલને બદલે કોઈ ભળતું જ સર્ચ એન્જિન ખૂલી જાય છે?
બ્રાઉઝરમાં તમે નેટ સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે સાઇટની અંદર, તેના ભાગરૂપે નહીં, પણ સાઇટ સિવાયના ભાગમાં જુદી જુદી જાહેરાતો જોવા મળે છે? ‘કમ્પ્યુટરને સ્કેન કરવાની જરૂર છે, અહીં ક્લિક કરો’ તમારા કમ્પ્યુટર પર વારંવાર આવી નોટિસ આવી જાય છે? જો આમાંથી કોઈ પણ સવાલનો જવાબ હા હોય તો તમારા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ કે માલવેર ઘૂસી ગયો હોવાની પૂરી શક્યતા છે!
માલવેર એટલે સામાન્ય શબ્દોમાં, આપણી જાણબહાર આપણા કમ્પ્યુટરમાં ઘૂસી ગયેલો પ્રોગ્રામ. વાયરસ જુદી જુદી ઘણી રીતે આપણા કમ્પ્યુટરમાં ઘૂસી શકે છે, પણ માલવેરને મોટા ભાગે આપણે પોતે જ આપણા કમ્પ્યુટરમાં એન્ટ્રી આપતા હોઈએ છીએ!
આખી વાત ઉદાહરણથી સમજીએ
આ આખી વાત આપણે એક ઉદાહરણ સાથે સમજીએ અને ઇન્ટરનેટ પરથી સોફ્ટવેર, પીડીએફ, સ્ક્રીનસેવર, રીંગટોન, પ્રેઝન્ટેશન વગેરે કંઈ પણ ડાઉનલોડ કરતી વખતે કઈ કઈ વાતની કાળજી લેવી તે પણ સમજીએ.
ધારો કે તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરનો ઉપયોગ કરો છો અને કોઈ મિત્રની ભલામણથી ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ડાઉનલોડ કરવાનું વિચાર્યું. સ્વાભાવિક છે કે તમે આઇઈમાં સર્ચ બોક્સમાં કે ગૂગલ.કોમ ઓપ સાઇટ પર જઈને તેના સર્ચ બોક્સમાં ‘ફાયરફોક્સ ડાઉનલોડ’ જેવા કોઈ કીવર્ડ લખીને સર્ચ કરશો. હવે તે સર્ચ રીઝલ્ટના પેજ પર તમે જોશો તો પહેલા પેજ પર પહેલી ત્રણ-ચાર એન્ટ્રી ફાયરફોક્સની ડેવલપર કંપની મોઝિલાની ઓફિશિયલ સાઇટની લિંક જોવા મળશે, પણ ત્યાર પછી ફાયરફોક્સ ડાઉનલોડ કરવાની સગવડ આપતી બીજી કંપનીઓની સાઇટની લિંક જોવા મળશે. ક્યારેક એવું પણ બની શકે કે સૌથી પહેલી જ લિંક ઓફિશિયલ સાઇટની લિંક હશે એવું માનીને આપણે તેને ક્લિક કરી દઈએ અને પછી સમજાય કે એ તો બીજી કંપનીની જાહેરાત હતી!
ટૂંકમાં, બેધ્યાનપણે આપણે ઓફિશિયલ સાઇટને બદલે બીજી કોઈ સાઇટ પર પહોંચી જઈએ તો મોટા ભાગે એવું બને છે કે આવી સાઇટ પર આપણને જોઈતા પ્રોગ્રામને ડાઉનલોડ કરવા માટેની લિંક કયાંક ખૂણામાં હોય અને એ જ પેજ પર બીજી બે-ત્રણ કે વધુ ‘ડાઉનલોડ નાઉ’ જેવી લિંક જોવા મળે, જે આપણું તરત ધ્યાન ખેંચે એવી જગ્યાએ અને એવી સાઇઝની હોય! જો આપણે સાવધ હોઈએ અને એ ‘ડાઉનલોડ નાઉ’ની લિંક પર માઉસ લઈ જઈ, સ્ક્રીનના તળિયે એ લિંકપર ક્લિક કરવાથી કયું પેજ ખૂલશે એ આખું એડ્રેસ ચેક કરીએ તો તરત સમજાય કે આ તો કોઈ ભળતી જ જગ્યાએ લઈ જતી લિંક છે! આ બધી વાસ્તવમાં બીજી કંપનીઓની જાહેરાતો હોય છે. આવી એડમાં ઉપર જમણા ખૂણે મોટા ભાગે ‘એડચોઈસ’નો લોગો જોવા મળશે (આ ‘એડચોઈસ’ એક આખા અલગ લેખનો વિષય છે, ટૂંકમાં કહીએ તો વિવિધ ઓનલાઇન કંપનીઓએ ઇન્ટરનેટ પર જાહેરાતના મામલે પારદર્શકતા લાવવા એક સહિયારો પ્રયાસ કર્યો છે, તે છે એડચોઈસ). તેમ જ કેટલીક જાહેરખબરમાં નીચે સ્પષ્ટ રીતે એડવટર્ઇિઝમેન્ટ એવું લખેલું પણ જોવા મળશે.
જો તમે ભૂલતી આવી જાહેરાતની લિંકપર ક્લિક કરી દો તો નવું પેજ ખૂલશે, જેમાં ફાયરફોક્સને બદલે કંઈ બીજું જ ડાઉનલોડ કરી શકાતું હશે! અહીંથી અટકી જઈએ તો સારી વાત છે, બાકી આપણે ન જોઈતો પ્રોગ્રામ આપણા કમ્પ્યુટરમાં ઘૂસ્યો સમજો! આવી સાઇટ પર કોઈ લિંકપર ક્લિક ન કરો તો પણ, ફક્ત સાઇટની મુલાકાત લેવાથી આપણા કમ્પ્યુટરમાં માલવેર ઘૂસી જાય એવું બની શકે છે.
આપણને જોઈતું સોફ્ટવેર ઓફર કરતી, અનઓફિશિયલ સાઇટ પરથી આપણે યોગ્ય ડાઉનલોડ લિંક પર ક્લિક કરીએ તો આપણને જોઈતા સોફ્ટવેરની સાથોસાથ બીજું વધારાનું સોફ્ટવેર પણ ડાઉનલોડ થઈ જાય અને પછી પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરતી વખતે એ દેખા દે એવું બની શકે છે.
આ વાતનો સૌથી મોટો બોધપાઠ એ છે કે જો તમે કોઈ પ્રતિષ્ઠિત કંપનીનું કોઈ ચોક્કસ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માગતા હો તો બીજી કોઈ સાઇટ પર જવાને બદલે એ કંપનીની ઓફિશિયલ સાઇટ પરથી જ ડાઉનલોડ કરો. તેના પર બીજી કોઈ કંપનીની ગેરમાર્ગે દોરતી ડાઉનલોડ લિંક નડશે નહીં અને સોફ્ટવેરનું લેટેસ્ટ વર્ઝન મળશે એ વધારાનો ફાયદો!
જુદાં જુદાં સોફ્ટવેર ડાઉનલોડ કરવા આપતી અનેક સાઇટ્સ હોય છે અને જે તે સોફ્ટવેર વિશે એ સાઇટના એડિટર્સના રીવ્યૂ, બીજા યુઝર્સના અભિપ્રાય, રેટિંગ વગેરે જાણવા માટે આ સાઇટ્સ ઉપયોગી પણ છે, પરંતુ પ્રોગ્રામ ડાઉનલોડ કરવાની વાત આવે ત્યારે ઓફિશિયલ સાઇટ પર જવું
હિતાવહ છે.
ઓફિશિયલ સાઇટ પરથી ડાઉનલોડ કરતી વખતે…
ઘણી વાર તમે જોયું હશે કે આપણે ઇન્ટરનેટ પરથી કોઈ સોફ્ટવેર કે પ્રોગ્રામ ડાઉનલોડ કરીએ ત્યારે ઘણી વાર તેની સાથે એન્ટી વાયરસ પ્રોગ્રામ કે ટૂલબાર કે સર્ચ એન્જિન પણ ડાઉનલોડ કરવાનું પૂછવામાં આવે છે. કોઈ વાર પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં પહેલાં કે ઇન્સ્ટોલ કરતાં પહેલાં કમ્પ્યુટરનું સ્કેનિંગ કરી આપવાની (એ પણ મફત!) ઓફર કરવામાં આવે છે. આપણે બેધ્યાન હોઈએ અને સંમતિના ચેકબોક્સ પર ક્લિક કરી દઈએ તો આપણને જોઈતા પ્રોગ્રામની સાથોસાથ ન જોઈતા પ્રોગ્રામ (એ માલવેર જ હોય એવું જરૂરી નથી, પણ આપણે માટે નકામો હોઈ શકે) પણ ડાઉનલોડ થઈ જાય છે અને આપણી જાણ બહાર પોતાનું કામ શરૂ કરી દે છે!
કેટલીક વાર, સોફ્ટવેર ઓફર કરતી કંપની પોતે આપણને બીજી સાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે મોકલવા છે. આવા કિસ્સામાં, મોટા ભાગે ચિંતા કરવા જેવું હોતું નથી, પણ કોઈ પણ બોક્સમાં સંમતિસૂચક ટિક કરતાં પહેલાં, આપણે કઈ વાતની હા ભણીએ છીએ એ બરાબર સમજી લેવું જરુરી છે.
મોટા ભાગે, આવા ધરાર ઘૂસી જતા પ્રોગ્રામ અનઇન્સ્ટોલ કરવા એ બહુ મુશ્કેલ કામ બની જાય છે. આપણે બ્રાઉઝરમાં સામાન્ય રીતે ગૂગલને ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે રાખતા હોઈએ છીએ, પણ બેબિલોન નામનું એક સર્ચ એન્જિન જો આપણા કમ્પ્યુટરમાં ઘૂસી જાય તો એ ગૂગલને રીપ્લેસ કરી દે છે અને તેને અનઇસ્ટોલ કરવું બહુ મુશ્કેલ છેે.
માલવેર ઘૂસી જ જાય તો શું કરવું?
સૌથી પહેલાં તો તમારા કમ્પ્યુટરમાં લેટેસ્ટ અને અપડેટેડ એન્ટિ-વાયરસ અને એન્ટિ-માલવેર સોફ્ટવેર હોય તે સુનિશ્ચિત કરો. આ પ્રોગ્રામની મદદથી કમ્પ્યુટરને સંપૂર્ણ સ્કેન કરી લો. એ પછી પણ તકલીફ રહે તો કંટ્રોલ પેનલમાં જઈ, પ્રોગ્રામ અનઇસ્ટોલ કરવાના વિભાગમાં જઈને તમારે કામનો ન હોય તેવો પ્રોગ્રામ શોધીને અનઇન્સ્ટોલ કરો. જો આ કામ ન જાતે ફાવે તેવું ન હોય તો ચોક્કસ કોઈ જાણકારની મદદ લેશો.

