જાણીતી વેબસાઇટ સીનેટ (cnet.com)ના એક્ઝિક્યુટિવ એડિટર ડેવિડ કાર્નોયના એક સંબંધી થોડા સમય પહેલાં ઘરની સાફસૂફી કરતા હતા ત્યારે તેમને બેઝમેન્ટમાંથી તેમનું પોતાનું જૂનું કમ્પ્યુટર મળી આવ્યું. એ કમ્પ્યુટર માટે ‘જૂનું’ વિશેષણ પૂરતું નથી. એ કોલ્બી વૉકમેક છે, પહેલું બેટરી ઓપરેટેડ કમ્પ્યુટર અને એલસીડી ડિસ્પ્લેવાળું પહેલું પોર્ટેબલ મેક કમ્પ્યુટર! આ કમ્પ્યુટરને આપણે લેપટોપનો પિતામહ કહી શકીએ! આ કમ્પ્યુટર એપલે નહીં પણ કોલ્બી સિસ્ટમ્સના ચક કોલ્બીએ ૧૯૮૨માં બનાવ્યું હતું.
આ વર્ષે મે મહિનામાં જર્મનીમાં એક લિલામમાં, ૧૯૭૬માં સ્ટીવ જોબ્સના સાથીદાર સ્ટીવ વોઝનિયાકે સ્ટીવ જોબ્સના ગેરેજમાં બનાવેલું એપલ ૧ કમ્પ્યુટર વેચાયું. એવું કહેવાય છે દુનિયામાં હજી ચાલુ કન્ડિશનમાં હોય એવાં ફક્ત ૬ એપલ-૧ મશીન બચ્યાં છે. જર્મનનીના લિલામમાં આ એપલ-૧ કમ્પ્યુટર તેના ઓરિજિનલ ઓનર્સ મેન્યુઅલ અને ઓરિજિનલ ઓનરને સંબોધીને લખાયેલો સ્ટીવ જોબ્સની સહિવાળો પત્ર પણ વેચાયો. આ બધું પૂરા ૬૭૧૪૦૦ ડોલરમાં વેચાયું, રૂપિયાના હાલના ભાવે લગભગ ૪,૦૨,૮૪,૦૦૦ રૂપિયા થયા!
લિલામ કંપની સોધબીની નોંધ મુજબ, ૧૯૭૬માં બંને સ્ટીવે એપલ-૧ કમ્પ્યુટર રજૂ કર્યું ત્યારે કોઈએ તેમાં ખાસ રસ નહોતો બતાવ્યો, પણ એક ચેઇન ઓફ સ્ટોર્સના માલિકે ૫૦૦ ડોલર (આજના અંદાજે રૂા. ૩૦,૦૦૦)ની કિંમતે એક સાથે ૫૦ કમ્પ્યુટરનો ઓર્ડર આપ્યો હતો. જોબ્ઝ અને વોઝે ફક્ત ૩૦ દિવસમાં એ ઓર્ડર મુજબ કમ્પ્યુટર સપ્લાય કર્યાં હતાં અને તરત બીજાં ૧૫૦ કમ્પ્યુટર પણ બનાવ્યાં હતાં.
સોધબી કંપની માને છે કે એ પહેલાં ૫૦ કમ્પ્યુટર્સમાંથી ૬ ચાલુ હાલતમાં મળ્યાં છે, પણ બાકીનાં ૪૬ પણ જરુર મળી આવશે. તમારા ઘરનું માળિયું તપાસો, કોઈ જૂનું કમ્પ્યુટર પડ્યું છે?!

