‘ફલાણો-ઢીકણો વાયરસ ખતરનાક છે – મેઇલ ભૂલેચૂકે ખોલતા નહીં…’ હકીકત શું છે આવા મેઇલ્સની?
‘આ પત્રની ૧૦ નકલ મિત્રોને લખી મોકલો તો કૃપાનો વરસાદ વરસશે અને નહીં મોકલો તો ધનોતપનોત નીકળી જશે…’ પોસ્ટકાર્ડનો જમાનો હતો ત્યારે આવા પત્રો અવારનવાર જોવા મળતા હતા. હવે ઈ-મેઇલના જમાનામાં પત્ર અને લખાણનું સ્વરૂપ બદલાયું છે, બાકી લગભગ કોઈ ફેર પડ્યો નથી.
‘રીડ ઇમીડિયેટલી એન્ડ ઇન્ફોર્મ ઓલ – તાત્કાલિક વાંચો અને તમામ મિત્રોને જાણ કરો..’ આવો કંઈક વિષય ધરાવતો ઈ-મેઇલ ક્યારેક તમારા ઇનબોક્સમાં પણ ટપકી જ પડ્યો હશે. ઈ-મેઇલ ખોલીને વાંચો તો લખ્યું હોય કે ‘આજે સવારે જ માઇક્રોસોફ્ટ અને નોર્ટન (એન્ટિવાયરસ સોફ્ટવેર બનાવતી જાણીતી કંપની) તરફથી ડાયરેક્ટ આ માહિતી મળી છે. જો તમને એક ઈ-મેઇલ મળે જેના એટેચમેન્ટમાં ‘લાઇફ ઇઝ બ્યુટિફૂલ’ શીર્ષકવાળું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન હોય તો ભૂલેચૂકે એ ફાઇલને ડાઉનલોડ કરીને ઓપન કરશો નહીં. જો કરશો તો તમે તમારા સ્ક્રીન પર મેસેજ લખાઈને આવશે કે ‘હવે બહુ મોડું થઈ ગયું છે, લાઇફ હવે બ્યુટિફૂલ રહી નથી!’ અને પછી તમારા પીસીમાંનો તમામ ડેટા ભૂંસાઈ જશે અને તમને જે વ્યક્તિએ આ ઈ-મેઇલ મોકલ્યો હશે તે તમારું નામ, ઈ-મેઇલ આઇડી અને પાસવર્ડ જાણી લેશે.’
તમારા શુભેચ્છકે તમને ચેતવતા મેઈલમાં આગળ લખ્યું હશે કે ‘આ એક નવો વાઇરસ છે અને તાજો જ ઇન્ટરનેટ પર ફરવા લાગ્યો છે… વગેરે… વગેરે…, તમારા તમામ મિત્રોને આ મેઇલની કોપી મોકલી દો – ફટાફટ!’
આટલું વાંચીને મોટા ભાગના લોકો ‘હાશ આપણે બચી ગયા!’ એવો હાશકારો અનુભવીને પોતાના વર્તુળમાં આ મેઇલને વહેતો કરી દે છે.
હકીકત શું હોય છે?
વિકિપીડિયા પર (http://en.wikipedia.org/wiki/Life_is_beautiful_virus_hoax) આ વિશેના લેખમાં લખ્યું છે કે “લાઇફ ઇઝ બ્યુટિફૂલ નામના કહેવાતા વાયરસ સામે આવી ‘ચેતવણી’ આપતો મેઇલ જાન્યુઆરી ૨૦૦૨માં બ્રાઝિલમાંથી ફરતો થયો હતો. આજની તારીખ સુધીમાં આવો કોઈ વાયરસ જાણવામાં આવ્યો નથી, ચેતવણી આપતો મેઇલ વાસ્તવમાં મજાક કે છેતરપીંડી જ છે.
આ મેઇલમાં જે એન્ટીવાયરસ કંપનીએ આ માહિતી આપી હોવાનો ઉલ્લેખ છે કે નોર્ટન એન્ટિવાયરસ સોફ્ટવેર બનાવતી કંપની સિમેન્ટેક કંપનીએ પણ પોતાની સાઇટ પર (http://goo.gl/OPAYl) આ વિશે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ વાયરસ તેની જાણમાં નથી! કંપની કહે છે કે આ મેઈલ સૌથી પહેલાં પોર્ટુગીઝ ભાષામાં ફરતો થયો અને પછી તેનું ઇંગ્લિશ, ચાઇનીઝ, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ અને જર્મન ભાષાંતર પણ ધ્યાનમાં આવ્યું છે.
વિકિપીડિયાનું પેજ કહે છે કે આ મેઇલ જાન્યુઆરી ૨૦૦૨ પછી, ૨૦૦૯ના અંત ભાગમાં ફરી ફરતો થયો હતો. એ પછી ફેબ્રુઆરી ૨૦૧૧, જાન્યુઆરી ૨૦૧૨ અને ડિસેમ્બર ૨૦૧૨માં તેમ જ હમણાં માર્ચ અને એપ્રિલ ૨૦૧૩માં ફરી ફરતો થયો છે!
ટૂંકમાં, તમને આવો કે આ પ્રકારનો મેઇલ મળે તો તે અવગણીને ડિલીટ કરવામાં ભલીવાર છે, ફોરવર્ડ કરીને તમારા વર્તુળમાંના અન્ય લોકોને ભડકાવશો નહીં, સમય મળે તેની તપાસ જરુર કરજો!
