કમ્પ્યુટરના યોગ્ય ઉપયોગ માટે એની યોગ્ય સફાઈ જરુરી છે – બહારથી અને અંદરથી. બહારની સફાઈ તો સહેલી છે, અંદરની સફાઈની સરળ રીત અહીં સમજાવી છે.
પરીક્ષાઓ આવે ત્યારથી આપણે સૌ – પરીક્ષા આપનારા અને એનું ટેન્શન રાખનારા બાકીના સૌ – પરીક્ષા પછી વેકેશનમાં શું શું કરશું એનું પ્લાનિંગ કરવા લાગીએ છીએ. જેવો એપ્રિલ પૂરો થાય અને મે મહિનો શરુ થાય એ સાથે આપણા પ્લાનિંગ પર અમલ કરવા લાગીએ છીએ.
કેમ? શા માટે?
ટૂંકો જવાબ છે તરોતાજા થવા માટે. આખું વર્ષ ભણી-ભણીને કે ભણાવી-ભણાવીને થાક્યા હોઈએ, મગજમાં ખૂણેખાંચરે કેટકેટલીય જાતના વિચારોનો ભરાવો થઈ ગયો હોય તે બધું વેકેશનમાં આરામથી, લહેરથી, કંઈક મનગમતી પ્રવૃત્તિ કરવાથી સમનમું-ઠીકઠાક થાય છે અને આપણે પછી પાછા, બમણા જોશથી કામ કરવા તૈયાર થઈ જઈએ છીએ.
કમ્પ્યુટરની ભાષામાં આને ડીફ્રેગમેન્ટેશન કહી શકાય! આપણા મગજની જેમ કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવ્ઝમાં જુદી જુદી ફાઇલ્સ અને ફોલ્ડર્સનો ખડકલો થતો હોય છે. આમ તો એની ગોઠવણી વ્યવસ્થિત રીતે થતી હોય છે, પણ સમય જતાં એની સુવ્યવસ્થિતતા બગડતી જાય છે અને બધું થોડું થોડું રફેદફે થવા લાગે છે. આને ફ્રેગમેન્ટેશન કહે છે. તેના પરિણામે કમ્પ્યુટર ધીમું ચાલે અને જુદા જુદા પ્રોગ્રામ્સના પ્રોસેસિંગમાં ગરબડ થવા લાગે છે. જો બધું ફરી સમુંનમું – ઠીકઠાક કરવું હોય તો ડ્રાઇવને ડીફ્રેગમેન્ટ કરવી પડે.
આ જ વાત બીજા શબ્દોમાં સમજીએ. કમ્પ્યુટરમાં ચાલતા દરેક પ્રોગ્રામને ચાલવા માટે હાર્ડ ડિસ્કમાંની વિવિધ ફાઇલ્સ એક્સેસ કરવી પડતી હોય છે. જો આ બધી ફાઇલ્સ હાર્ડ ડિસ્કમાં એક સાથે ગોઠવાયેલી ન હોય અને અલગ અલગ વિખરાયેલી પડી હોય તો પ્રોગ્રામે એ બધી ફાઇલ્સ શોધવા વધુ મહેનત કરવી પડે અને એમાં એને વધુ સમય લાગે. જો ફાઇલ ફ્રેગમેન્ટેશનનું પ્રમાણ તીવ્ર હોય તો કેટલાક પ્રોગ્રામને ચાલવામાં જ તકલીફ પડે એવું પણ બની શકે.
આવી સ્થિતિ ટાળવા માટે આપણે હાર્ડ ડ્રાઇવને ડીફ્રેગમેન્ટ કરવી પડે. આ પ્રક્રિયામાં ડ્રાઇવમાંની સખળડખળ થઈ ગયેલી બધી ફાઇલ્સની ફરી યોગ્ય ગોઠવણી થાય છે, ડ્રાઇવનો મોટો ભાગ બિલકુલ ખાલી રહે છે અને તેમાં નવી ઉમેરાતી ફાઇલ્સની વધુ સારી રીતે ગોઠવણી થઈ શકે છે, પરિણામે કમ્પ્યુટર ફરી સારી રીતે ચાલે છે.
જોકે આ મુદ્દે નિષ્ણાતોમાં થોડા મતમતાંતર છે (બીજા કરતાં મત જુદા ન પડતા હોય તો તો એ નિષ્ણાત શાના કહેવાય?!) કેટલાક કહે છે કે હવેની કમ્પ્યુટર સિસ્ટમ્સ એકદમ એડવાન્સ્ડ થઈ ગઈ હોવાથી તેમાં ડ્રાઇવને ડીફ્રેગમેન્ટ કરવાની કોઈ જર હોતી નથી, તો કેટલાક માને છે કે ડ્રાઇવનું નિયમિત ડીફ્રેગમેન્ટેશન કરવાથી સિસ્ટમ સ્મૂધ તો ચાલે જ છે, ડ્રાઇવની આવરદા પણ વધે છે.
આ બે મતમાંથી આપણે કોનો પક્ષ લેવો? જેમાં આપણો ફાયદો હોય તેનો! જો કમ્પ્યુટર પહેલાં કરતાં ધીમું ચાલે છે એવું લાગતું હોય અને માઉસથી બે-ચાર ક્લિક કરવાથી ડ્રાઇવનું ડીફ્રેગમેન્ટેશન કરી શકાતું હોય તો એ પ્રયત્ન કરી જોવામાં શો વાંધો?
સામાન્ય રીતે ડ્રાઇવને દર બે મહિને ડીફ્રેગમેન્ટ કરવી જરૂરી છે. આ કામ કરવા માટે કમ્પ્યુટરમાં કશું જ નવું ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. આ સવલત આપણા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં સામેલ હોય જ છે. સ્ટાર્ટ બટન ક્લિક કરી, ઓલ પ્રોગ્રામ્સમાં જાઓ અને તેમાં એક્સેસરીઝનું ફોલ્ડર શોધી કાઢો. તેને ક્લિક કરતાં તેમાં સિસ્ટમ ટૂલ્સ જોવા મળશે, જેમાં એક ઓપ્શન જોવા મળશે ડિસ્ક ડીફ્રેગમેન્ટરનો (તેની સાથે ડિસ્ક ક્લિનઅપનો વિકલ્પ પણ જોવા મળે છે, એ પણ ફુરસદે તપાસવા જેવો છે).
આ ઓપ્શન પર ક્લિક કરતાં, એક વિન્ડો ખૂલશે જેમાં તમારા કમ્પ્યુટરની બધી ડ્રાઇવની યાદી અને તેમાં છેલ્લે ડીફ્રેગમેન્ટેશનનું કામકાજ ક્યારે થયું હતું તે જોવા મળશે (ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર આ વિન્ડોમાંની માહિતી જરા જુદી જુદી હોઈ શકે છે). અહીં ‘એનેલાઇઝ ડિસ્ક’ એવો એક ઓપ્શન પણ જોવા મળશે. કોઈ એક ડ્રાઇવને સિલેક્ટ કરી આ બટનને ક્લિક કરતાં, એ ડ્રાઇવમાંની બધી ફાઇલ્સ કેટલી ફ્રેગમેન્ટેડ એટલે કે આડીઅવળી થઈ ગઈ છે તેની ટકાવારી જાણવા મળશે. જો ફ્રેગમેન્ટેશનનું પ્રમાણ દસેક ટકાથી વધુ હોય તો આંખો મીંચીને ડીફ્રેગમેન્ટ ડિસ્ક પર ક્લિક કરી દો.
દિવાળી વખતે ઘરની સાફસૂફી કરતી વખતે કેટલો સમય લાગશે તેનો આધાર ઘર કેટલું અવ્યવસ્થિત છે તેના પર હોય છે, એમ જો ફ્રેગમેન્ટેશનનું પ્રમાણ ઘણું વધુ હોય તો તેને ઠીકઠાક થતાં કલાકો વીતી જાય એવું પણ બની શકે છે. ડીફ્રેગમેન્ટેશનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આપણે કમ્પ્યુટરમાં બીજું કામકાજ કરી શકીએ છીએ, પણ આ કામ લાંબો સમય ચાલે તેવું લાગે તો સાંજના સમયે, બધું કામકાજ પૂરું થયા પછી ડીફ્રેગમેન્ટેશન કરવું યોગ્ય રહેશે. જરુર પડે આ કામ વચ્ચેથી અટકાવી પણ શકાય છે. આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ગ્રાફ પેપરમાંનાં નાનાં નાનાં ચોકઠાં જેવી ગોઠવણીમાં આડીઅવળી પડેલી ફાઇલ્સ અને પછી વ્યવસ્થિત થતી જતી ગોઠવણી જોવાની મજા પડે એવું હોય છે.
કમ્પ્યુટરના અનુભવી કે જાણકારો માટે કેટલીક વધારાની વાત – જો તમારા કમ્પ્યુટરમાં સોલિડ-સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) હોય તો તેને ડીફ્રેગમેન્ટ કરવાની જર હોતી નથી (જોકે તે બીજા પ્રકારનું મેઇન્ટેનન્સ માગે છે). એ રીતે, જો તમે વિન્ડોઝ ૭ કે ૮નો ઉપયોગ કરતા હો તો પણ તમારે ડીફ્રેગમેન્ટેશનની ખાસ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તેમાં આ કામ ચોક્કસ સમયે, આપોઆપ થઈ જાય એવી ગોઠવણ હોય છે. મનના સંતોષ માટે આપણે ઉપર બતાવ્યા પ્રમાણે ડીફ્રેગમેન્ટેશનની વિન્ડો ખોલીને તેનું પ્રમાણ ચોક્કસ તપાસી શકીએ છીએ. તો, તમે આ કામ ક્યારે હાથમાં લેશો – મગજનું ડીફ્રેગમેન્ટેશન પતાવ્યા પછી કે પહેલાં?

