(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચાઇનીઝ હેકર્સના નિશાન પર ટેકનોલોજી કંપનીઓ અને અખબારો

હેકિંગ દુનિયાભર માટે મોટો પડકાર છે, પણ થોડા સમયથી મોટી મોટી ટેક્નોલોજી કંપની અને વિશ્વ સ્તરનાં અખબારો સાયબરએટેકનો ભોગ બની રહ્યા છે અને એ સૌ શંકાની સોય તાકે છે ચાઇનીઝ હેકર્સ તરફ.

આગળ શું વાંચશો?

  • કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનિય?
  • સાત વર્ષની એપ ડેવલપર
  • પહેરી શકાય એવાં કમ્પ્યુટર્સ

સમાચાર છે કે હેકર્સે હવે માઇક્રોસોફ્ટ કંપનીનાં કમ્પ્યુટર્સને પણ પોતાનું નિશાન બનાવ્યાં છે! ગયા મહિને, માઇક્રોસોફ્ટ કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા જાહેર કર્યું કે તેનાં ‘કેટલાંક’ કમ્પ્યુટર્સમાં માલિશિયસ સોફ્ટવેર ઘૂસી ગયાં છે.

કંપનીએ કહ્યું હતું કે તેના કોઈ કસ્ટમરના ડેટા સુધી હેકર્સ પહોંચી ગયા હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી, પણ કંપની વધુ તપાસ કરી રહી છે. એ પહેલાં એપલ અને ફેસબુક પણ હેકર્સનું નિશાન બન્યા હતા. ફેસબુકે કહ્યું હતું કે તેની તપાસમાં, ફેસબુક પર થયેલા સાયબર એટેકનાં મૂળ ચીનમાં હોવાનું ખૂલ્યું હતું.

આ ટેક્નોલોજી કંપનીઓની સાથોસાથ અખબારોની સાઇટ્સ પર હેકર્સનું નિશાન બની રહી હોવાનું પ્રકાશમાં આવી રહ્યું છે. નોંધવા જેવી વાત એ છે કે લગભગ દરેક અખબાર પોતે ચાઇનીઝ હેકર્સના હુમલાનો ભોગ બન્યું હોવાનો દાવો કરે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વોલ સ્ટ્રીટ અખબારે ખુલાસો કર્યો હતો કે હેકર્સ વોલ સ્ટ્રીટ અખબારમાં ચીન વિશેના સમાચારોનું મોનિટરિંગ કરવાની કોશિશ કરતા હતા. એ જ ગાળામાં ન્યૂ યોર્ક ટાઇમ્સે પણ જાહેર કર્યું તેનાં કમ્પ્યુટર્સ ચારેક મહિનાથી હેકર્સનું નિશાન બન્યા હતા.

વોશિંગ્ટન પોસ્ટે તો એટલે સુધી જાહેર કર્યુ છે કે તે છેક ૨૦૦૮થી સોફિસ્ટિકેટેડ સાયબરએટેકનું નિશાન બન્યું હતું, જેની ૨૦૧૧માં તેને જાણ થઈ હતી. અખબારને શંકા છે કે આ કામ ચાઇનીઝ હેકર્સનું હતું. ગૂગલે પણ હેકિંગના મામલે ચીન સામે આંગળી ચીંધી છે.

આમાં ન્યૂ યોર્ક ટાઇમ્સનો અનુભવ ખાસ જાણવા જેવો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે એક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેમાં ચીનના વડા પ્રધાનના સંબંધીઓએ અબજો ડોલરની સંપત્તિ એકઠી કરી હોવાનો ખુલાસો કર્યો હતો.

આ જ અરસામાં અખબારનો એ રિપોર્ટ લખનારા શાંઘાઈના બ્યુરો ચીફ અને ભારતમાંના ટાઇમ્સના દક્ષિણ એશિયાના બ્યુરો ચીફનાં ઈ-મેઇલ એકાઉન્ટ હેકર્સનું નિશાન બન્યાં. ભૂતકાળમાં ચાઇનીઝ મિલિટરીએ કેટલીક યુનિવર્સિટીનાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેના દ્વારા યુએસની મિલિટરીના કોન્ટ્રાક્ટર્સને નિશાન બનાવ્યા હતા.

ન્યૂ યોર્ક ટાઇમ્સે પોતાની રીતે કરાવેલી તપાસમાં ખૂલ્યું કે એ જ યુનિવર્સિટી કમ્પ્યુટર્સની મદદથી તેના નેટવર્કમાં ઘૂસણખોરી કરવામાં આવીછે. હેકર્સે ટાઇમ્સના નેટવર્કમાં એવાં માલવેર ઇન્સ્ટોલ કર્યાં હતાં, જેની મદદથી તેઓ ન્યૂ યોર્ક ટાઇમ્સના નેટવર્કનું કોઈ પણ કમ્પ્યુટર એક્સેસ કરી શકતા હતા અને ટાઇમ્સના દરેક કર્મચારીના પાસવર્ડ ચોરી શકતા હતા.

હેકર્સ ટાઇમ્સનું આખું નેટવર્ક ખેદાનમેદાન કરી શકે તેમ હતા, પણ તેમણે ફક્ત, ચીનના વડા પ્રધાનને લગતા રિપોર્ટ માટે માહિતી આપનારા લોકોનાં નામ શોધવાનો પ્રયત્ન કર્યો હતો.

બીજી તરફ ચીનના સત્તાવાળાઓએ હેકિંગમાં ચીની સરકાર કોઈ રીતે સામેલ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી છે!


કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનીય?

અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે હાઇ-એન્ડ સ્માર્ટફોન લેવા માગતા લોકો આંખો મીંચીને આઇફોન ખરીદી લેતા હતા. એ પછી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોન ફીચર્સની બાબતમાં આઇફોન સાથે હરીફાઇ કરવા લાગતાં લોકો માટે પસંદગી થોડી મૂંઝવણભરી બનવા લાગી. તમે જો આવી મૂંઝવણ અનુભવી રહ્યા હો તો તમને કામ લાગે એવા એક સર્વેક્ષણનો રિપોર્ટ હમણાં જાહેર થયો છે.

ફિક્સયા (www.fixya.com) નામની એક સાઇટ પર દુનિયાભરના લોકો ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ સહિત વિવિધ બાબતો માટે તેમને પજવતા પ્રશ્નો પૂછે છે અને એકમેક પાસેથી તેના જવાબો મેળવે છે. આ સાઇટ પર આપેલી માહિતી પ્રમાણે તેના પર ૮૦ લાખ પ્રોડક્ટ્સ વિશેની ટ્રબલશૂટિંગ કરતી માહિતી છે! આ સાઇટ પર સ્માર્ટફોન વિશે પૂછાયેલા પ્રોબ્લેમ્સ વિશે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેમાં કુલ ૭,૨૨,૨૫૫૮ પ્રોબ્લેમ્સ તપાસવામાં આવ્યા અને પછી સ્માર્ટફોન બનાવતી કંપનીનો માર્કેટશેર તપાસીને, યુઝર્સના મતે કંઈ કંપની કેટલી ભરોસાપાત્ર છે તે તપાસવામાં આવ્યું.

આ સર્વેમાં એપલનો રિલાયેબિલિટી સ્કોર (વિશ્વસનિયતા) ૩.૪૭ હોવાનું તારણ નીકળ્યું, જે સેમસંગના ૧.૨૧ સ્કોર કરતાં ત્રણ ગણો વધુ છે! નોકિયાનો સ્કોર ૦.૬૮ અને મોટોરોલાનો સ્કોર ૦.૧૩ રહ્યો!

આ સર્વેમાં જાણવા મળ્યું કે એપલના યુઝર્સ મોટા ભાગે બેટરી લાઇન અને નવાં ફીચર્સના અભાવની કે કસ્ટમાઇઝેશન થઈ શકતું નથી એવી ફરિયાદ કરે છે, જ્યારે સેમસંગના સ્માર્ટફોન્સના યુઝર્સ સામાન્ય રીતે બેટરી લાઇફ ઉપરાંત માઇક્રોફોન અને સ્પીકરને લગતી ફરિયાદ કરે છે. સેમસંગના ફોન જલદી ગરમ થઈ જવાની હોવાની ફરિયાદ પણ વધુ જોવા મળે છે.

તો હવે, બજેટનો સવાલ ન હોય તો કયો સ્માર્ટફોન લેવો તેનો નિર્ણય સહેલો થઈ ગયોને?

સાત વર્ષની એપ ડેવલપર

નામ એનું ઝોરા બોલ. અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક સ્કૂલમાં ઝોરા પહેલા ધોરણમાં ભણે છે. સાત વર્ષની ટબુકડી ફુલ વર્ઝન મોબાઇલ એપ્લિકેશન વીડિયો ગેમ બનાવનારી સૌથી નાની ઉંમરની પ્રોગ્રામર બની ગઈ છે. બુટસ્ટ્રેપ નામની પ્રોગ્રામિંગ લેગ્વેજનો ઉપયોગ કરીને ઝોરાએ આ એપ બનાવી છે. ઝોરાનો મોટો ભાઈ પણ સારો ડેવલપર છે, પણ ઝોરા એની કોઈ મદદ વિના પોતાની એપને ફટાફટ નવેસરથી પણ બનાવી આપે છે!

પહેરી શકાય એવાં કમ્પ્યુટર્સ!

મેક કમ્પ્યુટર, આઇપોડ, આઇપેડ, આઇફોન વગેરેથી જે તે ઇન્ડસ્ટ્રીનાં સમીકરણો બદલી નાખનારી એપલ કંપની હવે કયા ક્ષેત્ર પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી હશે? અમેરિકામાં હમણાં એપલે એક નવા પ્રકારના સાધનની પેટન્ટ મેળવવવા માટે અરજી કરી છે. આ સાધન કાંડા પર પહેરી શકાય એવું કર્વ્ડ ગ્લાસનું બનેલું હશે, જે સ્માર્ટ વૉચનું કામ કરશે. વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂ યોર્ક ટાઇમ્સ વગેરેમાં આ વિશે અહેવાલો પ્રકાશિત થયા છે, પણ અત્યારે એપલ તરફથી કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. એપલની જેમ ગૂગલ પણ પહેરી શકાય એવાં કમ્પ્યુટર્સ કે સ્માર્ટફોન જેવાં સાધન વિક્સાવવા માટે પ્રયત્નશીલ છે. ઓલિમ્પસ નામની કંપની પણ આ જ દિશામાં પ્રયાસો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!