થોડા સમય પહેલાં, આપણા બીઝી દિવસનો થોડો સમય ઓફિસમાં કે ઘરમાં કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર થતો હતો. પછી લેપટોપ આવ્યાં, પરિણામે ઘરથી ઓફિસની સફર દરમિયાન કે એરપોર્ટ પર કે બહારગામ જતી વખતે લક્ઝરી કોચમાં પણ આપણો ફુરસદનો સમય લેપટોપના સ્ક્રીન સામે ખચર્વિા લાગ્યો. પછી સ્માર્ટફોન આવ્યા એટલે મૂવીના ઇન્ટરવલ દરમિયાન કે કંટાળાજનક ગીત કે સીન દરમિયાન પણ આપણી આંખો સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાઈ રહે છે!
આગળ શું વાંચશો?
ઈન્ટરનેટનો લાભલેવાશે, ઓફલાઈન રહીને
ટૂંકમાં, હવે આપણું કામ સતત જુદા જુદા સ્ક્રીન વચ્ચે વહેંચાવા લાગ્યું છે. સમયની આ જરુરિયાત છે અને એક રીતે જોઈએ તો આપણી સગવડ પણ વધી છે. તકલીફ ત્યારે ઊભી થાય, જ્યારે આપણે જુદા જુદા કારણસર જુદી જુદી સાઇઝના સ્ક્રીન પર કૂદકા લગાવવા પડે.
એકાદ ઉદાહરણ લઈને સમજીએ.
ધારો કે તમારે ઓફિસ કામે રાજકોટથી અમદાવાદ જવાનું છે. તમારે એક ક્લાયન્ટને પ્રેઝન્ટેશન આપવાનું છે. એ પ્રેઝન્ટેશન તમે તમારા ઓફિસના કમ્પ્યુટરમાં તૈયાર કર્યુ છે. તમારે યાદ રાખીને એ પ્રેઝન્ટેશન અને તેને સંબંધિત બીજી ફાઇલ્સ લેપટોપમાં ટ્રાન્સફર કરવાની છે. એ કામ તો તમે ચોક્સાઈથી કરી લીધું. તમને ગીતો સાંભળવાનો પણ શોખ છે, એટલે ટુર માટે ઘરેથી નીકળતાં પહેલાં, ઘરના પીસીમાંથી ગમતાં ગીતો સ્માર્ટફોનમાં ટ્રાન્સફર કરી લેવાનું નક્કી કર્યુ હતું, જેથી મુસાફરી દરમિયાન રીલેક્સ થવા ગીતો સાંભળી શકાય.
એ કામ ખરેખર તો ઘણા વખતથી તમે કરવાનું વિચાર્યુ હતું, પણ સ્માર્ટફોનનો ડેટા કેબલ ક્યાંક આડે હાથે મૂકાઈ ગયો હતો. તેનું એસડી કાર્ડ કાઢીને ઘરના પીસીમાં નાખવા માટે જુદી જુદી સાઈઝનાં કાર્ડ નાખી શકાય એવું એક યુએસબી કનેક્ટર તમે ખરીદ્યું છે, પણ એય ખોવાઈ ગયું છે. ઘરનાં પીસીમાં અલગ અલગ ફોલ્ડરમાંથી ગીતો શોધીને પોતાને ઈમેઇલ કરી, સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાનો રસ્તો છે, પણ એ કંટાળાજનક વિધિ છે.
લગભગ એવા જ કારણસર, સ્માર્ટફોનમાં સંખ્યાબંધ એસએમએસનો ભરાવો થવા લાગ્યો છે. બધું ક્લિનઅપ કરવું છે, પણ કેટલાક એસએમએસ કામના હોવાથી બધા એકસામટે ડિલીટ કરાય તેમ નથી. પરિણામે મેસેજીસનો જંગ ખડકાઈ રહ્યો છે. એટલું ઓછું હોય તેમ કોન્ટેક્ટ્સમાં પણ કામના-નકામા ને ડુપ્લિકેટ કોન્ટેક્ટ્સનો ખડકલો થયો છે. પીસી સામે હો ત્યારે જીમેઇલમાં કોન્ટેક્ટ્સ ઓપન કરીને સહેલાઈથી બધું સમું નમું કરી શકાય, પણ પીસી સામે હોઈએ ત્યારે બીજાં અગત્યનાં કામ હોય. પીસી સામે બેઠા ન હોઈએ, ફુરસદ હોય, હાથમાં સ્માર્ટફોન હોય, તો ત્યારે નાના સ્ક્રીન પર અંગુઠાથી ટચ-ટાઇપ કરી કરીને મેસેજી કે કોન્ટેક્ટ્સ ચેક કરવાનો કંટાળો આવે.
આ બધું ઓછું હોય તેમ, રાજકોટથી અમદાવાદના રસ્તે હોઈએ ત્યારે જ ક્લાયન્ટનો ફોન આવે કે આપણે તૈયાર કરેલા પ્રેઝન્ટેશનમાં કેટલીક વિગતો ઉમેરીને લાવો તો સારું. આપણે એ વિગતો નેટ પર સર્ફિંગ કરીને ડાઉનલોડ કરવાની છે. એ કામ તો સ્માર્ટફોન પર થઈ જાય, પણ પછી એ વિગતો લેપટોપ પર ટ્રાન્સફર કેવી રીતે કરવી?
ઉપર લખેલી બધી સમસ્યાઓ તમને જાણીતી લાગે છે? જો તમારું જીવન પણ આ રીતે વિવિધ સાઇઝના સ્ક્રીનમાં વહેંચાયેલું હશે તો આમાંથી મોટા ભાગની અથવા કેટલીક સમસ્યાનો તમે પણ સામનો કરતા જ હશો.
સાધનો વધતાં આપણી સગવડ વધી છે તેમ સમસ્યાઓ પણ વધી છે. સદ્ભાગ્યે તેના ઉપાય પણ છે.
‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે પીસી, લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચે ડેટા સિન્ક કરવાના વિવિધ ઉપાય જેમ કે ગૂગલ ડ્રાઇવ, ડ્રોપબોક્સ કે સ્કાય ડ્રાઇવ વિશે જાણ્યું છે. એ બધા ઉપાય આપણા કામની ફાઇલ્સ ગમે ત્યારે ગમે ત્યાંથી એક્સેસ કરવા માટે ઉપયોગી છે, પણ લેપટોપમાં નેટ કનેક્શન જ ન મળે ત્યારે શું કરવું? સ્માર્ટફોનના ટચૂકડા કી-બોર્ડ અને નાના સ્ક્રીનની સમસ્યાનો ઉપાય શો કરવો? આવી નાની-નાની પણ આપણું કામ ખોટી કરતી સમસ્યાઓનો સામનો કરવાનો એક ઉપાય છે પીસી-લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેનું અંતર ઘટાડવાનો, કમ્પ્યુટર અને સ્માર્ટફોન વચ્ચે દોસ્તી કરાવવાનો!
આ કામ કેવી રીતે કરી શકાય એ જાણો આ લેખમાંઃ એન્ડ્રોઇડ ફોન મેનેજ કરો કમ્પ્યુટરમાંથી.
ઇન્ટરનેટનો લાભ લેવાશે, ઓફલાઇન રહીને
આપણા પીસી-લેપટોપ-સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વચ્ચેનું અંતર દિવસે દિવસે સતત ઘટી રહ્યું છું. બીએસએનએલના પ્રતાપે બ્રોડબેન્ડ ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયું છે અને સ્માર્ટફોનમાં ડેટા પ્લાનના દર સતત ઘટી રહ્યા છે, તેમ છતાં, આપણે સૌ ખર્ચની ચિંતા વિના ૨૪ કલાક બેધડક ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહી શકીએ એ દિવસો હજી દૂર છે. લાગે છે કે ગૂગલ પણ આ વાત સમજે છે અને એટલે જ, હવે તેણે ડેસ્કટોપ અને ઇન્ટરનેટ વચ્ચેનું અંતર ઘટાડવાની કોશિશ કરી છે.
ગૂગલ ક્રોમ બ્રાઉઝરના વેબસ્ટોરમાંથી હવે આપણે સંખ્યાબંધ એવી એપ ડાઉનલોડ કરી શકીએ છીએ, જે નેટ કનેક્શન વિના પણ ચાલી શકે છે (આપણા સ્માર્ટફોનમાંની કેટલીક એપની જેમ જ). આમાંની ઘણી ખરી એપ, જરુરિયાત મુજબ થોડો સમય નેટ સાથે કનેક્ટ થઈને નેટ પરથી જરુરી માહિતી ડાઉનલોડ થઈ જાય એ પછી તેનો ઓફલાઇન ઉપયોગ થઈ શકે એવા પ્રકારની છે.


