સમય કેવો બદલાઈ રહ્યો છે, હજી થોડાં વર્ષ પહેલાં ફિલ્મ અને ટીવી સિવાયના કોઈ સ્ક્રીન આપણી સામે નહોતા તોય ગાડું ચાલતું હતું અને હવે ઘરમાં, ઓફિસમાં, મુસાફરીમાં જેટલા સ્ક્રીન હોય એટલા ઓછા પડે છે!
અલબત્ત, એ સાથે આપણી સગવડો વધી છે અને કાર્યક્ષમતા પણ વધી છે. આ અંકમાં, પીસી – લેપટોપ અને સ્માર્ટફોન વચ્ચેનું અંતર કેવી રીતે ઘટાડી શકાય એ વિશે વિગતવાર માહિતી આપી છે. આજના સમયના બિઝી એક્ઝિક્યુટિવ્સને એ જેટલી ઉપયોગી થશે એટલી જ પોતાના સ્માર્ટફોનમાં ગીતોની ફાઇલ્સ મેનેજ કરવા મથતી ગૃહિણીઓને પણ આ સુવિધા કામની લાગશે.
આ અંકમાં, શિક્ષણમાં ઉપયોગી અને કંઈક નવો ચીલો ચાતરતી વેબસાઇટ્સના વધુ લેખો છે. ઓસ્ટ્રેલિયાનાં એક નિવૃત્ત શિક્ષિકાએ ગણિતના વિવિધ શબ્દોની હસતાં-રમતાં સમજ કેળવતી જે સાઇટ્સ બનાવી છે – બિલકુલ જાતમહેનતથી – એ વિશેષ નોંધપાત્ર છે. આપણા શિક્ષકો ફેસબુકથી આગળ વધીને આ દિશામાં પણ વધુ સક્રિય થશે તો વિદ્યાર્થીઓની મોટી સેવા થશે.
નિવૃત્તિ પછી રાજકારણ, ટીવી શો કે ક્રિકેટ કમેન્ટરીમાં વધુ સક્રિય થતા ક્રિકેટર્સ આપણે જોયા છે, પણ ક્રિકેટને શિક્ષણ સાથે સાંકળનાર કોઈ વિરલ જ મળે. કે. શ્રીકાંતે ક્રિકેટ ઉપરાંત ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ સાથે ક્રિકેટને સાંકળીને એક બિલકુલ નવી દિશા બતાવી છે. દેશનાં અનેક કેન્દ્રિય વિદ્યાલયોમાં તેમનાં સોફ્ટવેર ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે એ બતાવે છે કે બાત મેં કુછ વજન તો હૈ!
આપ સૌ વાચકો તરફથી ‘સાયબરસફર’ ઉપયોગી હોવાના અભિપ્રાય તો મળે છે, આપના સવાલો પણ મોકલશો તો વધુ આભારી થઈશું.
આપના અભિપ્રાયો મોકલતા રહેશો!
– હિમાંશુ
