તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે.
આ વિન્ડો ખૂલી હોય ત્યારે આપણે ઇનબોક્સમાં સહેલાઈથી બીજા મેઇલ્સ જોઈ શકીએ છીએ. પરંતુ તમને નવો ઇમેઇલ કમ્પોઝ કરવા માટેની નાની વિન્ડો અનુકૂળ ન આવતી હોય તો તમે એ વિન્ડોના ઉપરના જમણા ખૂણે આપેલ ઓપ્શનની મદદથી એ વિન્ડોને મોટી કરી શકો છો. જો દરેક વખતે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરતાં મોટી સાઇઝની વિન્ડો જ ઓપન થાય એવું કરવું હોય તો કમ્પોઝ વિન્ડોમાં છેક નીચે જમણે ખૂણે આપેલ એરોથી મદદથી ઓપ્શન મેનુ ખોલો. અહીં પહેલો જ ઓપ્શન ‘ડિફોલ્ટ ટુ ફૂલ સાઇઝ’નો વિકલ્પ મળશે, તેને ક્લિક કરી લો.
સાથે બીજા વિકલ્પો પણ તપાસી લેજો. આપણા પર આવેલા મેઇલ્સ સિલેક્ટ કરીને આપણે તેને ચોક્કસ લેબલ આપી શકીએ છીએ, એ રીતે, આપણે લખેલા મેઇલને લેબલ આપવું હોય તો તે સુવિધા અહીંથી મળશે.

