વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે જનારા ગુજરાતીઓ મોટા ભાગે બે વાતની ફરિયાદ કરતા હોય છે, “ઇડલી-સાંભાર ખાઈ ખાઈને કંટાળી ગયા અને ત્યાં તો કોઈ હિન્દીમાં પણ જવાબ આપતું નથી!
આગળ શું વાંચશો?
- બીજી સગવડો પણ જાણી લો
કંઈક આવી જ તકલીફ બિઝનેસ ટુર પર ચીન કે ફ્રાન્સ જેવા દેશમાં જનારા લોકોને થતી હોય છે. વિશ્વમાં ઘણા દેશો અને પ્રદેશો એવા છે જ્યાંના લોકોને માતૃભાષા એટલી વ્હાલી હોય છે કે ઇંગ્લિશ આવડતું હોય તો પણ મુલાકાતી સાથે તેમાં વાત કરે નહીં.
હવે થેન્ક્સ ટુ ન્યૂ ટેક્નોલોજી, ઉપર જણાવેલી બંને ફરિયાદનો સહેલાઈથી ઉકેલ આવી શકે છે.
આપણે ચેન્નઈમાં ફરતા હોઈએ અને ખિસ્સામાં સ્માર્ટફોન હોય તો સહેલાઈથી નજીકની નોર્થ ઇન્ડિયન રેસ્ટોરાં શોધી શકીએ છીએ અને બજારમાં કાંજીવરમ સાડી ખરીદતી વખતે તમિલ વેપારી સાથે ભાવતાલની રકઝક કરવી હોય તો પણ ખિસ્સામાંનો સ્માર્ટફોન કામ લાગી શકે છે!
અલબત્ત, એમાં ગૂગલની ટ્રાન્સલેશન એપ ડાઉનલોડ કરેલી હોવી જરુરી છે અને અત્યારે આ સગવડ વિશ્વસ્તરે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષાઓમાં વધુ ચોક્સાઈભર્યાં પરિણામ આપે છે. જો આ સગવડનો ઓફલાઇન ઉપયોગ કરવો હોય તો આપણે જરૂરી ભાષાઓનાં ઓફલાઇન પેકેજીસ પણ ડાઉનલોડ કરી લેવાં જરુરી છે.
માની લો કે આપણે એપ અને ઓફલાઇન પેકેજ બંને ડાઉનલોડ કરી લીધાં છે. હવે ચાલો ફ્રાન્સ. આપણે ફ્રાન્સમાં ભૂલા પડ્યા છીએ અને આપણી હોટેલનો રસ્તો કોઈને પૂછવો છે. તો શું કરી શકાય એ જુઓ…
આપણે આપણો સ્માર્ટફોન હાથમાં લઈને ગૂગલ ટ્રાન્સલેશન એપ ઓપન કરવાની. તેમાં સૌથી ટોચે રહેલા ડ્રોપડાઉન મેનુમાં જઈને કન્વર્સેશનનો વિકલ્પ પસંદ કરવાનો. એક તરફ ઇંગ્લિશ અને બીજી તરફ ફ્રેન્ચ ભાષા પસંદ કરવાની.
પછી કોઈ ફ્રેન્ચ સજ્જનને પકડી, સ્માર્ટફોનમાં માઇક ઇંગ્લિશ લખેલા બટન પર ક્લિક કરીને કહેવાનું – “ગુડ ઇવનિંગ જેન્ટલમેન. આટલું કહી જમણી તરફના એરો બટન પર ક્લિક કરતાં, આ એપ આપણા શબ્દોનું ફ્રેન્ચ ભાષામાં ભાષાંતર કરશે, એટલું જ નહીં, આ જ શબ્દો બોલી પણ આપશે!
આપણે આગળ કહીએ કે, “આઇ એમ ફ્રોમ ઇન્ડિયા, વિલ યુ પ્લીઝ હેલ્પ મી વીથ ડિરેક્શન્સ ટુ માય હોટેલ? એટલે એનું પણ ભાષાંતર થઈ જશે. હવે પેલા ફ્રેન્ચ સજ્જન જે જવાબ આપે એ પણ ફ્રેન્ચ ભાષાનું બટન પ્રેસ કરીને કેપ્ચર કરી લેવાનો, જેથી આપણે એમનો જવાબ ઇંગ્લિશમાં વાંચી અને સાંભળી શકીએ!
વાત અહીં પૂરી થતી નથી.
આ એપમાં ટ્રાન્સલેટનો વિકલ્પ પસંદ કરીએ તો વિશ્વની જુદી જુદી ભાષાઓમાંથી એકબીજામાં લેખિત ભાષાંતર કરી શકીએ છીએ. અહીં પણ આપણા શબ્દો એપમાં ટાઇપ કરીને, બોલીને કે પેન જેવા સાધનથી લખીને જણાવવાની સગવડ છે.
બીજી સગવડો પણ જાણી લો
આ એપમાં કેમેરાની મદદથી પણ ભાષાંતર કરી શકાય છે. કેવી રીતે? એ જોઈએ…
ફ્રેન્ચ ભાષામાં લખેલા કોઈ સાઇનબોર્ડને આપણે ફોનમાંના કેમેરાથી કેપ્ચર કરી લેવાનું (બોર્ડ કઈ ભાષામાં છે એ પણ એપ પોતે નક્કી કરી શકે છે, અથવા આપણે કહી શકીએ). હવે બોર્ડમાંના શબ્દને આપણી આંગળીથી હાઇલાઇટ કરીએ એટલે તરત ઉપરના ભાગમાં એ શબ્દનું આપણને જોઈતી ભાષામાં ભાષાંતર જાણવા મળે!
આ એપનો આપણે જેમ જેમ ઉપયોગ કરતા જઈએ તેમ તેમ આપણે મેળવેલા ભાષાંતરની હિસ્ટ્રી કે ચોક્કસ વાક્યપ્રયોગોના અનુવાદ સેવ કરી લેવાનો વિકલ્પ પણ સમજપૂર્વક ઉમેરાયો છે. ભાષાંતર યાદ રાખવાની કે દરેક વખતે નવેસરથી કોઈને પૂછવાની જરૂર નહીં!
અત્યારે ગૂગલ ટ્રાન્સલેશન એપ પર વિશ્વની ૭૦ ભાષામાં એકમાંથી બીજામાં અનુવાદ કરી શકાય છે. આ અનુવાદની ચોક્સાઈનો આધાર દરેક ભાષામાં ગૂગલને (એટલે કે તેનાં કમ્પ્યુટર્સને) એ ભાષા સમજવા માટે કેટલા પ્રમાણમાં ક્ન્ટેન્ટ મળી રહે છે તેના પર છે. ઇન્ટરનેટ કનેક્શન ઓન હોય ત્યારે આપણે આ એપની મદદથી ભાષાંતર કરીએ તો એ ગૂગલનાં સર્વર્સ પર જઈને બીજા ક્ન્ટેન્ટ સાથે સરખામણી કરીને ભાષાંતર કરે છે. એટલે જ ગૂગલ કહે છે કે તમે ઓફલાઇન ઉપયોગ કરી રહ્યા હો તો ભાષાંતરની ગુણવત્તા ઘણી નબળી થઈ શકે છે.
ટેકનોલોજી આપણી રોજબરોજની નાની નાની – પણ ઉકેલ ન મળે તો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ એવી – જરુરિયાતોના કેટલા સરળ ઉપાયો આપી રહી છે એ વિચારો!


