(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બ્રાન્ચ વગરની બેન્ક!

આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં એક એવી બેન્કનો પ્રારંભ થયો જે સંપૂર્ણપણે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે.

આ બેન્કના કોઈ કામકાજ માટે બેન્કમાં જવાની જરુર નથી અને તેની કોઈ બ્રાન્ચ જ નથી!

તમે એવી બેન્કની કલ્પના કરી શકો છો, જેમાં કોઈ બ્રાન્ચ જ ન હોય? જેમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે બેન્કમાં જવાની જરુર જ ન હોય?

આ વર્ષની શરુઆતમાં અમેરિકામાં આવી એક બેન્ક લોન્ચ થઈ, નામ છે ગો બેન્ક (બેન્કમાં જવાનું જ નથી, છતાં નામ ગો બેન્ક!). ગો બેન્કની સ્થાપના ગ્રીન ડોટ નામની એક કંપનીએ કરી છે. આ કંપનીએ બેન્કિંગ સેવાઓનો લાભ ન લેતા લોકો માટે પ્રીપેઇડ ડેબિટ કાર્ડની સેવા શરુ કરી હતી, પણ ૨૦૧૨ દરમિયાન આ ક્ષેત્રમાં કંપનીની આવક નીચી જવા લાગી એટલે કંપનીએ નવા પ્રકારના લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું – પરંપરાગત બેન્કની ધીમી સેવાઓથી કંટાળેલા અને સ્માર્ટફોનના સહારે જીવતા લોકો.

સીડીનો ઉપયોગ શરૂ થતાં પેલી વીડિયોકેસેટ્સ ભૂલાઈ ગઈ, એમેઝોન કંપનીએ પુસ્તક પ્રકાશનનાં મૂળિયાં હચમચાવી નાખ્યાં એમ આ નવા પ્રકારની બેન્ક, બેન્કિંગના ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન લાવશે કે કેમ એવો સવાલ પણ હવે ચર્ચાવા લાગ્યો છે.

ગ્રીડ ડોટ કંપનીના સ્થાપક અને સીઈઓ સ્ટીવ સ્ટ્રેઇટે ગો બેન્કના લોન્ચિંગ વખતે કહ્યું હતું કે “હજી હમણાં સુધી બેન્કિંગ વિશ્ર્વનાં એવાં ગણ્યાંગાંઠ્યાં ક્ષેત્રોમાંનું એક હતું, જેમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીથી સદંતર પરિવર્તનો આવ્યાં ન હોય. તમે ગો બેન્કિંગનો ઉપયોગ શરૂ કરશો એટલે બેન્કિંગનું કામકાજ ફેસબુક પર સ્ટેટસ ચેક કરવા જેવું કે ફ્રેન્ડ્સને એસએમએસ કરવા જેટલું સહેલું બની જશે!.

આ વાસ્તવમાં આપણી સમજ અનુસારની બેન્ક નહીં પણ બેન્કની એક એપ્લિકેશન (એપ) છે. ખાતું ખોલાવવું, ખાતામાં નાણાં જમા કરવાં, બીજાને ચેકથી નાણાં મોકલવાં કે સીધાં નાણાં ટ્રાન્સફર કરવાં વગેરે બધું જ કામ, બેન્કમાં ગયા વિના ફક્ત સ્માર્ટફોન કે ટેબલેટ પર બેન્કની એપની મદદથી થઈ શકશે. ખાતામાંથી નાણાં ઉપાડવામાં પણ આ એપ મદદે આવશે કેમ કે અમેરિકામાં બેન્કે ૪૦,૦૦૦ એટીએમ નેટવર્ક સાથે ટાઇ-અપ કર્યુ છે અને નજીકનું એટીએમ શોધી આપવાનું કામ બેન્કની એપ જ કરી આપશે!

અત્યારે આ બેન્કનું બીટા વર્ઝન લોન્ચ થયું છે અને શરુ‚આતમાં લગભગ ૧૦ હજાર લોકોને તેનો લાભ મળશે. તે પછી બેન્ક સૌ માટે પોતાનાં દ્વાર ખોલશે (સોરી, આ બેન્કને દરવાજા તો છે જ નહીં!).

અમેરિકામાં સિમ્પલ નામે એક કંપનીએ કંઈક આવી જ સર્વિસ ચાલુ કરી છે, પણ ગો બેન્ક તેનાથી આગળ વધે છે. ગો બેન્કમાંની તમામ નાણાકીય ડિપોઝિટ અમેરિકાના ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એફડીઆઇસી) કાયદાઓ મુજબ ઇન્સ્યોર્ડ છે એટલે તેમાં નાણાં ડૂબવાનું જોખમ નથી.

ભારતમાં આવી બેન્કિંગ સેવા ક્યારે  થશે એ કહી શકાય તેમ નથી, પણ આ બેન્કની લેવડ-લેવડની રીતો ખરેખર જાણવા જેવી છે :


ખાતું ખોલાવવા માટે : ફક્ત ત્રણ પગલાંનું કામ છે – ૧. આ બેન્કની સાઇટ પર જઈ, તમે મશીન નહીં પણ માણસ છો એ સાબિત કરવા થોડી પ્રાથમિક વિગતો આપવાની રહેશે. ૨. તમારું ડેબિટ કાર્ડ પસંદ કરો, ચાહો તો ૯ ડોલરની ફી ચૂકવીને ફેસબુક પરથી (કે પીસીમાંથી) તમારો ફોટોગ્રાફ આપીને કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડ મેળવો, અથવા સાદું કાર્ડ ફ્રીમાં મેળવો, ૩. તમારા બીજી કોઈ બેન્કના ખાતાના ડેબિટ કાર્ડમાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરો, અથવા બેન્કનાં ૬૦,૦૦૦ રીટેઇલ લોકેશન પર કેશ ડિપોઝિટ કરો.

શોપિંગ કરવા માટે : નવી જનરેશન માટે કસ્ટમાઇઝ્ડ ડેબિટ કાર્ડની જેમ ગો બેન્કની એપમાં એક ફોર્ચ્યુન ટેલર ઉમેરવામાં આવ્યું છે. શોપિંગ કરતાં પહેલાં તમારા બજેટ અનુસાર ખરીદી કરવી કે નહીં એની સલાહ આ એપ આપશે.

નાણાં ઉપાડવા માટે : સિરિયસ બેન્કિંગની વાત હવે શરૂ થાય છે. ગો બેન્ક ૪૦,૦૦૦ એટીએમ લોકેશન્સ પરથી કોઈ ચાર્જ વિના નાણાં ઉપાડવાની સગવડ આપે છે. અમેરિકાની બીજી અગ્રણી બેન્કો કરતાં આ સંખ્યા બમણી છે.

બેલેન્સ જાણવા માટે : લોકો બેન્કિંગ એપનો ઉપયોગ મોટા ભાગે બેલેન્સ જાણવા માટે કરતા હોય છે. ગોબેન્કની એપમાં, લોગ-ઇન થયા વિના બેલેન્સ જાણી લેવાની કરામત ઉમેરવામાં આવી છે.

નાણાં મોકલવા માટે : બેન્કની એપની મદદથી ખાતાધારકો ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ કે ફેસબુકના પ્રાઇવેટ નોટિફિકેશનની મદદથી પણ મિત્રો, સ્વજનોને ઇન્સ્ટન્ટ નાણાં મોકલી શકશે. સામેની પાર્ટીનું ગો બેન્કમાં ખાતું હોવું જરૂરી નથી.

મોબાઇલ ચેકબુક અને બિલ પે : આપણે ફક્ત ફોનની મદદથી આપણા ખાતામાંથી ‘ચેક લખીને’ને કોઈને પેમેન્ટ કરી શકીએ છીએ. ફોન પર ચેક કઈ રીતે લખાય, એવો સવાલ થયો? એ માટે તમારે બેન્કની સાઇટ પર તેનો ડેમો જોવો રહ્યો. ગો બેન્કની એપમાં મોબાઇલ ચેકબુક સેક્શનમાં જતાં સાદા ચેક જેવી ઇમેજ જોવા મળે છે, જે વાસ્તવમાં એક ફોર્મ છે. તેમાં આપણે સામેની પાર્ટીનું નામ લખવાની જગ્યાએ કર્સર લઈ જઈ, પાર્ટીનું નામ લખી શકીએ (ઈ-મેઇલની જેમ જ અહીં, અગાઉ લખેલાં નામ સ્ટોર થઈ જાય છે!) તારીખની જગ્યાએ જતાં વેબ એપ્લિકેશન્સની જેમ આખું કેલેન્ડર ખૂલી જાય છે. રકમના બોક્સમાં રકમ લખીએ એટલે આપોઆપ શબ્દોમાં પણ રકમ લખાઈ જાય. આપણે ફક્ત આ ચેક સેન્ડ કરવાનો! સામેની પાર્ટી ઈ-પેમેન્ટ રીસિવ કરી શકતી હોય તો એમ, બાકી જો જરૂરી હોય તો બેન્ક આપણા ચેકની પ્રિન્ટ આઉટ કાઢીને સામેની પાર્ટીને પહોંચાડે છે, કોઈ ચાર્જ વિના.

ખાતામાં નાણાં જમા કરવા માટે : બેન્કમાં ગયા વિના આ કેવી રીતે શક્ય બને? બીજી બેન્કના ચેકથી નાણાં જમા કરવાં હોય તો આપણે સ્માર્ટફોનમાં ગો બેન્કથી એપથી ચેકનો ફોટોગ્રાફ લઈએ એટલે કામ પત્યું! બીજી બેન્કના ડેબિટ કાર્ડથી પણ નાણાં ટ્રાન્સફર થઈ શકે અને બેન્કના રીટેઇલ પાર્ટનર્સની મદદથી રોકડા પણ જમા થઈ શકે.

આ બધું જ ઇન્ટરનેટ પર થાય છે એટલે આપણા ખાતાને સંબંધિત કેટકેટલીય જાતના એલર્ટ અને નોટિફિકેશન મેળવવાની સગવડ પણ ખરી.

કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કહે છે કે બેન્ક એકાઉન્ટમાં સિલિકોન વેલીનો એપ્રોચ ઉમેરવાની તક વારંવાર મળતી નથી. વાસ્તવમાં, કંપનીએ સંપૂર્ણપણે નેટ પર આધારિત બેન્ક શરૂ કરતાં પહેલાં બીજી બેન્ક્સ સાથે જોડાણ કરીને સેવાઓ વિસ્તારવાનો વિચાર કર્યો હતો, જેથી બેન્કનું માળખું રેડીમેઇડ મળી રહે. પરંતુ કોઈ એસ્ટાબ્લિશ્ડ બેન્ક આવા સાહસમાં જોડાવા તૈયાર ન થઈ એટલે કંપનીએ એક મોબાઇલ એપ્સ બનાવતી ઓછી જાણીતી કંપની ટેકઓવર કરી અને બિલકુલ નવેસરથી બેન્કનું માળખું અને તેનું કામ કરતી આપતી એપ તૈયાર કરવામાં આવ્યાં.

સવાલ એ રહે છે કે અમેરિકન પ્રજા આવી નવતર રીતે બેન્કિંગ કરવા માટે તૈયાર છે? સર્વેક્ષણો બતાવે છે કે તૈયાર છે (અલબત્ત આ સર્વેક્ષણો ખુદ ગો બેન્કે કરાવેલાં છે). આ સર્વેમાં તારણો નીકળ્યાં કે લગભગ ૬૪ ટકા અમેરિકનોને મોટી બેન્ક્સ પર ભરોસો નથી. ૮૭ ટકા માને છે કે મોટી બેન્ક પારદર્શક વ્યવહાર કરતી નથી અને ૬૮ ટકા લોકોને લાગે છે કે બેન્ક ખાતેદારના હિતની પરવા કરતી નથી. મહત્ત્વનું એ છે કે ફક્ત ૧૧ ટકા લોકોને લાગે છે કે તેમની બેન્ક તેમને લેવડ-દેવડની નવી નવી સુવિધાઓ આપે છે.

આ બધું જોતાં ગો બેન્ક જામી જાય એવી શક્યતા છે. જોકે એવું થાય તો મોટી ખમતીધર બેન્ક્સ પણ આ બધી જ સુવિધાઓ પણ સહેલાઈથી આપવા લાગશે અને લાંબા ગાળે કોઈ મોટી બેન્ક ગો બેન્કને જ ગળી જાય એવું પણ બની શકે છે.

આખી વાતમાં આપણા રસની વાત એ છે કે બીજાં બધાં ક્ષેત્રોની જેમ બેન્કિંગમાં પણ રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે, આપણે થોડી રાહ જોવી રહી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!