તમારે ઈ-મેઇલમાં હેવી ફાઈલ્સ મોકલવાની થાય છે? તમને ખ્યાલ હશે કે થોડાં વર્ષ પહેલાં તો આપણે યાહૂ, જીમેઇલ વગેરેમાં માંડ બે એમબી જેટલી સાઇઝની ફાઈલ જ એટેચ કરી શકતા હતા. એ પછી એટેચમેન્ટની સાઇઝ વધતી ચાલી અને હવે તો હેવી ફાઈલ્સ એટેચ કરવાનું પણ બિલકુલ સહેલું બનવા લાગ્યું છે.
આગળ શું વાંચશો?
- ગૂગલ નેકસસ-૭ ટેબલેટનું નવું વર્ઝન
- આવે છે સેમસંગના મેગાફોન

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ગૂગલે તેની ડોક્સ એપ્લિકેશનને ગૂગલ ડ્રાઇવ નામે નવું સ્વરુપ આપ્યું તે પછી વર્ષના અંતે, જીમેઇલમાંથી જ ગૂગલ ડ્રાઇવમાં રહેલી ફાઈલ એટેચ કરવાની સગવડ આપવામાં આવી. તમે જો જીમેઇલમાં મેઇલ કરવા માટેની નવી કમ્પોઝ સુવિધાનો ઉપયોગ કરતા હો તો તેમાં નીચે સેન્ડ બટનની બાજુમાં મેઇલ ફોર્મેટિંગના જે વિવિધ વિકલ્પો આપેલા હોય છે, તેમાં એક વિકલ્પ ગૂગલ ડ્રાઇવમાંથી ફાઈલ ઇન્સર્ટ કરવાનો પણ હોય છે.
ગૂગલની આ પહેલનો સામનો કરવા માટે, યાહૂએ ડ્રોપબોક્સ સાથે પાર્ટનરશીપ કરી છે (આપણે ગૂગલ ડ્રાઇવ, ડ્રોપબોક્સ વગેરે વિશે ‘સાયબરસફર’ના મે, ૨૦૧૨ અંકમાં વિગતવાર વાત કરી છે).
યાહૂ મેઇલમાં આ સગવડનો લાભ લેવા માટે તમારું ડ્રોપબોક્સમાં એકાઉન્ટ હોવું જરુરી છે. બસ, હવે યાહૂ મેઇલમાંથી ડ્રોપબોક્સના તમારા એકાઉન્ટમાં કનેક્ટ થાઓ અને ૨૫ એમબી કે તેથી વધુ મોટી ફાઈલ, તમારા ડેસ્કટોપમાંથી ડ્રેગ કરીને યાહૂના મેઇલ એટેટ કરો, પરંતુ તેને મોકલી શકાશે ડ્રોપબોક્સ મારફત. એટલે કે, તમે જેમને ફાઈલ મોકલશો તેમને ફક્ત તમારા ડ્રોપબોક્સમાં રહેલી એ ફાઈલની લિંક મળશે, જ્યાંથી તેઓ તેને ડાઉનલોડ કરી શકશે. આ રીતે તમે જેમને ફાઈલ મોકલી હશે એમના ઇનબોક્સ પર હેવી એટેચમેન્ટનું ભારણ આવશે નહીં.
ગૂગલ નેક્સસ-૭ ટેબલેટનું નવું વર્ઝન
ગયા અંકમાં આપણે જાણ્યું હતું કે ગૂગલ નેક્સસ-૭ ટેબલેટ હવે ભારતમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે, પણ ભારતની સ્થિતિ જોતાં, ૩જી સપોર્ટ વિના ફક્ત વાઇ-ફાઇથી નેટ સાથે કનેક્ટ થઈ શકતું ટેબલેટ ભારતીય લોકોને બહુ ઉપયોગી થશે નહીં.
હવે આપણે આ ફરિયાદ કરી શકીશું નહીં. ગૂગલ નેક્સસ-૭ ટેબલેટ વાસ્તવમાં જે કંપની બનાવે છે તે એસસ કંપનીએ જાહેરાત કરી છે છે કે તે ટૂંક સમયમાં નેક્સસ-૭નું ૩૨ જીબીવાળું, ૩જી સપોર્ટ સાથેનું વર્ઝન લોન્ચ કરશે.
આ ટેબલેટની કિંમત રુ. ૨૧,૯૯૯ હશે, જ્યારે ફક્ત વાઇ-ફાઇ કનેક્ટિવિટીવાળું ટેબલેટ રુ. ૧૮,૯૯૯નું રહેશે (૧૬ જીબીનું ટેબલેટ રુ. ૧૫,૯૯૯નું છે). જોકે આ કિંમતો સેમસંગના આ જ પ્રકારનાં ટેબલેટ કરતાં ઘણી વધુ છે, ગૂગલના ટેબલેટનું પ્રોસેસર વધુ ચઢિયાતું છે એ તેનો પ્લસ પોઇન્ટ છે.
આવે છે સેમસંગના મેગા ફોન
ટેબલેટ અને સ્માર્ટફોન વચ્ચેની ભેદરેખા દિવસે દિવસે ધૂંધળી થતી જાય છે. અગાઉ ટેબલેટ ઓછામાં ઓછા ૧૦ ઇંચનાં હતાં અને સ્માર્ટફોન વધુમાં વધુ ૩.૫ ઇંચના હતા. હવે ટેબલેટ ૭ ઇંચનાં થયાં અને સ્માર્ટફોન પાંચ ઇંચ સુધીના મળતા થઈ ગયા!
હવે આ રહ્યોસહ્યો તફાવત પણ દૂર થઈ જાય તેવું લાગે છે. સેમસંગ ‘મેગા’ બ્રાન્ડ નેમ સાથે ડ્યુઅલ સીમકાર્ડવાળા સ્માર્ટફોન રીલીઝ કરે તેવી શક્યતા છે, જેના સ્ક્રીનની સાઇઝ હશે ૫.૮ ઇંચ! આ ફોન મે મહિના સુધીમાં લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. આ જ શ્રેણીમાં બીજો એક ફોન ૬.૩ ઇંચનો હશે. આ ફોન લગભગ જૂનની મધ્યમાં લોન્ચ થવાની શક્યતા છે.
આ હાઇએન્ડ ફોન હોવાની શક્યતા છે અને તેની કિંમત વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.


