કાગળમાંથી હોડી કે પ્લેન બનાવવા જેટલો સીમિત ઓરિગામી સાથેનો તમારો સંબંધ જરા ગાઢ બનાવવો હોય કે ઓરિગામીના એન્જિનિયરિંગ સુધી પહોંચવું હોય, બંને હેતુ પાર પાડવામાં મદદ કરશે આ બે નિષ્ણાતો…
સાવ સાદા કાગળના ટુકડાને જુદી જુદી રીતે વાળીને સુંદર કલાકૃતિઓ સર્જવાની કલા એટલે જાપાનીઝ ઓરિગામી.
નાનપણમાં આપણે સૌએ કાગળનાં પ્લેન બનાવી ઉડાવ્યાં છે. ‘વો કાગઝ કી કશ્તી…’ નજમ સાંભળીને હજી તમારું હૈયું ભરાઈ આવતું હોય તો એમાં જગજિત સિંઘના કંઠ ઉપરાંત આપણે પોતે બનાવેલી ને વહેતા પાણીમાં તરાવેલી કાગળની હોડીઓની યાદનો પણ ચોક્કસ મોટો ફાળો છે.
એ યાદો તાજી થતાં, હજી તમારી આંગળીઓ કાગળમાંથી કંઈક બનાવવા સળવળવા લાગતી હોય તો જાણી લો કે ઓરિગામીની કલા કાગળનાં વિમાન ને હોડીઓથી ક્યાંય આગળ વધી ગઈ છે અને હવે તો કોમ્પ્લેક્સ ટેક્નોલોજી ક્ષેત્રે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે.
‘સાયબરસફર’ના જૂના સહયાત્રીઓને કદાચ યાદ હશે કે પહેલા અંકમાં આપણે કેનન કંપનીના ક્રિયેટિવ પાર્ક (http://cp.c-ij.com/en/)ની ટૂંકમાં વાત કરી હતી. એ એક આખી કંપનીની પહેલ છે, જ્યારે આજે પોતપોતાના ક્ષેત્રમાં અત્યંત આગળ વધેલા બે નિષ્ણાતોએ, પોતાની વ્યક્તિગત આવડતનો ઉપયોગ કરીને ઓરિગામીને લોકપ્રિય બનાવવા માટે કરેલા પ્રયાસોની વાત કરીશું.
આ બંને નિષ્ણાત એક રીતે જોઈએ તો બે અલગ છેડા પરના છે.
એક વ્યક્તિએ ઓરિગામીને પોતાની હોબી તરીકે વિકસાવી છે અને બીજા લોકો પણ પોતાના ફુરસદના સમયમાં કાગળ સામે થોડી ગમ્મત કરીને કંઈક નવો કસબ કેળવી શકે એવો તેઓ પ્રયાસ કરે છે.
જ્યારે બીજાએ સમય જતાં ઓરિગામીને જ ફુલ ટાઇમ વ્યવસાય તરીકે અપનાવીને તેમાં વિશ્ર્વ સ્તરે નામના મેળવી છે. તેઓ પોતાની સાઇટ દ્વારા ઓરિગામીની કળા અને તેની પાછળના વિજ્ઞાનને આગળ ધપાવવા માટે પ્રયત્નશીલ છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તેમની સાઇટ પરથી ઘણું ભાથું મળે તેમ છે.
આ બંને નિષ્ણાતોએ ‘સાયબરસફર’ની વિનંતીના જવાબમાં હૂંફાળો પ્રતિસાદ આપીને પૂરક વિગતો મોકલી આપી છે.
આગળ શું વાંચશો?
- એરબેગના એન્જિનિયરિંગમાં ઓરિગામી
- કાગળની અવનવી વસ્તુઓ બનાવવની હોયતો..
- ઓરિગામીના સાયન્સમાં રસ હોય તો
એરબેગના એન્જિનિયરિંગમાં ઓરિગામી
કાર અકસ્માત વખતે આપોઆપ ખૂલી જતી એરબેગ્સનું શ્રેય ઓરિગામીને જાય છે. પરંતુ એમાં પહેલા ચેલેન્જ શું છે એ જોઈએ.
એક તો, એરબેગને પૂરેપૂરી ફોલ્ડ કરી ઓછામાં ઓછી જગ્યા રોકે એ રીતે તેને મૂકવી જરૂરી છે. બીજું, અકસ્માત થાય ત્યારે પ્રવાસી કારના સ્ટિયરિંગ કે વિન્ડશિલ્ડ તરફ ધકેલાય તે પહેલાં બંને વચ્ચે એરબેગ આવી જવી જોઈએ, એ પણ પૂરેપૂર ખૂલીને. આ કામ મિલિસેકન્ડ્સમાં થવું જોઈએ. બાકી ટાઇટ રીતે ફોલ્ડ કરેલી એરબેગ જ પ્રવાસીને ઇજા પહોંચાડી શકે. ત્રીજું, એરબેગ જુદા જુદા પ્રવાસી અને જુદા જુદા પ્રકારના વાહનમાં ઉપયોગી થાય તેવી હોવી જોઈએ.
ટૂંકમાં એરબેગ ડિઝાઈન કરવી એ ગજબની ચોકસાઈ માગી લેતું વિજ્ઞાન છે, જેમાં વારંવાર પ્રયોગો અને કમ્પ્યુટર આધારિત સિમ્યુલેશનની જરુર પડે છે. કમ્પ્યુટર સિમ્યુલેશન વધુ મહત્ત્વનું છે કેમ કે કાર મર્સિડીઝ હોય કે નેનો, સાચા અકસ્માતના અખતરા કોઈ પણ કંપનીને મોંઘા પડે.
અકસ્માતની સ્થિતિનો આભાસ ઊભો કરતા સિમ્યુલેશનમાં એરબેગને અસંખ્ય નાના ત્રિકોણમાં વહેંચી નાખી, બેગ ફૂલે ત્યારે તેનું કુલ કેટલું કદ થાય, તેને ફુલાવવા માટે તેમાં દાખલ થતો ગેસ કેટલી જગ્યા રોકે, બેગ પર બહારથી કેવાં દબાણ આવે વગેરે બાબતોની ગણતરી કરવામાં આવે છે.
કમ્પ્યુટર સ્ક્રીન પર થતા આવા અખતરાનું પહેલું પગથિયું હોય છે એરબેગની, ફોલ્ડેડ સ્થિતિ.
વાસ્તવિક એરબેગ હોય તો તો હવા કાઢીને દબાવીને ફોલ્ડ કરી લેવાય, કમ્પ્યુટરના સ્ક્રીન પર તેનું ફોલ્ડિંગ કેવું થશે તે સમજવા માટે તેને ફૂલેલી એરબેગ જો પૂંઠામાંથી બનેલી હોય એવું ધારીને, બંધ થતી વખતે તેમાં ચોક્કસ ક્યાં ક્યાં ગડી બનશે તેનું ગણિત માંડવામાં આવે છે.
અહીં મદદે આવે છે કાગળને ફોલ્ડ કરવાની કલા – ઓરિગામી!
ઓરિગામીમાં સાદા, સપાટ કાગળમાં ગડીઓ પાડીને તેમાંથી આકાર સર્જવામાં આવે છે. એરબેગમાં તેનાથી ઊંધી પ્રક્રિયા છે. તેમાં મોટા, અનેક બાજુઓવાળા ઘન આકારમાં વિવિધ ગડીઓની કલ્પના કરીને તેને સપાટ બંધ થયેલી એરબેગના રુપમાં ફેરવવાનો હોય છે.
હવે પછીના પાને જે નિષ્ણાતની વાત કરી છે તે રોબર્ટ લેન્ગ પોતાની ઓરિગામીની આવડતનો આ ક્ષેત્રમાં પણ ઉપયોગ કરી રહ્યા છે.
એરબેગનું ઓરિગામી આધારિત સિમ્યુલેશન જોવા અને વધુ વિગતો જાણવા માટે જુઓઃ-http://www.langorigami.com/science/technology/airbag/airbag.php
કાગળની અવનવી વસ્તુઓ બનાવવી હોય તો…
ઓરિગામી સાથેનો તમારો સંબંધ કાગળમાંથી પ્લેન કે જુદા જુદા પ્રકારની હોડીઓ બનાવવા પૂરતો સીમિત હોય અને તેનાથી આગળ વધીને તમે કશુંક નવું બનાવવા માગતા હો તો પ્રેરણાનો મોટો ખજાનો મળશે તમને આ સાઇટ પરથી : www.origamiplayer.com
જોકે આ સાઇટ પર આપેલી અનેક કાગળની કલાકૃતિઓ કરતાં પણ વધુ રસપ્રદ છે એના સર્જનની પોતાની વાત.
નામ એમનું ક્રિસ્ટોફર પૂલી. ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ક્રિસ્ટોફર કહે છે કે “ભૌતિકશાસ્ત્ર એક અદ્ભુત વિષય છે કેમ કે એ તમને સમજાવી શકે છે આખું બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે.”
ઓક્સફર્ડમાં જ ક્રિસ્ટોફર તેમનાં ભાવિ પત્નીને મળ્યા, જે છે જાપાનીઝ! પરિણામે ક્રિસ્ટોફરને જાપાનીઝ સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો પરિચય થયો, ભૌતિકશાસ્ત્રી તરીકે તેમને વધુ રસ પડ્યો ઓરિગામીમાં.
પીએચડી કર્યા પછી તેમણે અમેરિકા અને ઓક્સફર્ડમાં સંશોધનો કર્યાં. એ કોન્ટ્રેક્ટ્સ પૂરા થયા પછી, નાનપણથી કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ઊંડો રસ હોવાથી ક્રિસ્ટોફરે એ દિશામાં ધ્યાન પરોવ્યું. વિવિધ પ્રોજેક્ટ્સમાં એમનો સૌથી ફેવરિટ પ્રોજેક્ટ રહ્યો ઓરિગામી પ્લેયરનો કેમ કે એમાં ઓરિગામી, ફિઝિક્સ અને કમ્પ્યુટિંગનો સમન્વય તો હતો જ, સાથોસાથ બીજા લોકોને મજા પડે ને ઉપયોગી થાય એવી વાત પણ એમાં હતી.
ક્રિસ્ટોફરે હવે એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફરી રિસર્ચનું કામ ઉપાડ્યું છે. આર્થિક ચિંતા નથી એટલે તેઓ સૌને ઓરિગામી પ્લેયર ફ્રીમાં ડાઉનલોડ કરવા આપે છે.
તમે પણ આ સાઇટ પર જઈને કાગળમાં જાતભાતની ચીજવસ્તુઓ બનાવવાનું સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન મેળવી શકો છો. આ સાઇટની મજા એ છે કે તેમાં કાગળના ફોલ્ડિંગના દરેક તબક્કા એનિમેશનથી સમજાવવામાં આવ્યા છે, જેને તમે તમારી ઝડપ અનુસાર આગળ ધપાવી શકો છો.
ડાઉનલોડ સેક્શનમાં જઈને આ આખી સાઇટની ફક્ત ૧.૫ એમબીની ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અલબત્ત, તમે જ્યારે પણ મોડલનું એનિમેશન જોશો ત્યારે તમારે નેટ કનેક્શનની જરૂર પડશે.
ઓફલાઇન ઉપયોગ કરો કે ઓનલાઇન, કાગળની કરામતમાં ખૂંપી જશો એ નક્કી!
ઓરિગામીના સાયન્સમાં રસ હોય તો…
તમે એન્જિનિયરિંગના અભ્યાસુ હો અને કોલેજના સિલેબસ કે જોબપ્રોફાઇલથી આગળ વધવામાં તમને રસ હોય તો ઓરિગામીનું એન્જિનિયરિંગ સાથેનું કનેક્શન તપાસવા જેવું છે, જેમાં તમારા ગાઇડ બની શકે છે કેલિફોર્નિયા રહેતા ડો. રોબર્ટ લેન્ગ.
ડો. લેન્ગ ૪૦ વર્ષથી ઓરિગામીના અભ્યાસુ છે અને ૧૯૯૨માં જાપાનના ઓરિગામી એસોસિયેશનમાં પ્રવચન માટે આમંત્રણ મેળવનારા તેઓ પહેલા પશ્ચિમી દેશના ઓરિગામી એક્સપર્ટ બન્યા.
ફિઝિસિસ્ટ, એન્જિનિયર અને આરએન્ડ ડી મેનેજર તરીકે કામ કર્યા પછી ડો. લેન્ગે ઓરિગામી આર્ટિસ્ટ અને કન્સલ્ટન્ટ તરીકેની ફુલ ટાઇમ કારકિર્દી અપનાવી લીધી. ઓરિગામીને ફિઝિક્સ, મેથ્સ અને એન્જિનિયરિંગ સાથે સાંકળીને, એરબેગથી માંડીને એક્સપાન્ડેબલ સ્પેસ ટેલિસ્કોપ ડેવલપ કરવામાં તેમણે પ્રદાન આપ્યું છે.
ઓરિગામીની કળા કેટલી વિસ્તરી શકે એ સમજવા ફક્ત આટલું જાણી લો કે ડો. લેન્ગે બનાવેલાં ઓરિગામી મોડલ્સ અમેરિકાના અને જાપાનનાં મ્યુઝિયમ્સમાં પણ મુકાયાં છે! અલગ અલગ ક્ષેત્રમાં વિશ્વસ્તરે નોંધપાત્ર પ્રદાન આપનારા લોકોનાં પ્રવચનો માટે યોજાતી ટેડ કોન્ફરન્સમાં પણ ડો. લેન્ગે ‘ફ્રોમ ફ્લેપિંગ બર્ડ્સ ટુ સ્પેસ ટેલિસ્કોપ’ વિષય પર પ્રવચન આપેલું છે (તેનો અચૂક જોવા જેવો વીડિયો :http://goo.gl/Jh10y)
ડો. લેન્ગે પોતાની વેબસાઇટ (www.langorigami.com)માં ઓરિગામીની કળા અને વિજ્ઞાન બંને વચ્ચે સંતુલન સાધ્યું છે.
એક તરફ, આર્ટ સેક્શનમાં વિવિધ મોડલ અને તેને બનાવવા માટેની ક્રીઝ પેટર્નના અનેક ડાયાગ્રામ આપવામાં આવ્યા છે, જેની મદદથી – ધીરજ હોય તો – આપણે પણ કાગળમાંથી અદ્ભુત પંખીઓ, પ્રાણીઓ, ફૂલ વગેરેની સૃષ્ટિ ખડી કરી શકીએ છીએ.
બીજી તરફ, સાયન્સ સેક્શનમાં ઓરિગામી અને મેથેમેટિક્સ અને ઓરિગામીમાં કમ્પ્યુટર અલ્ગોરિધમના ઉપયોગની ઊંડી જાણકારી આપવામાં આવી છે. ગુજરાતનો એન્જિનિયરિંગનો કોઈ ચેલેન્જપ્રિય સ્ટુડન્ટ ઇચ્છે તો અહીંથી ટ્રીમેકર નામનું એક ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરી કોમ્પ્લેક્સ ઓરિગામી મોડલ્સ તૈયાર કરવાની પેટર્ન બનાવતાં શીખી શકે છે!

